મેડિકલ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે રોકાણ માટે જાપાન તત્પર
- ભારતમાં આધુનિક મેડિકલ ટેકનોલોજી ઇક્વિપમેન્ટ સજ્જ હોસ્પિટલો જોવા મળશે
કોરોના કાળમાં ભારતનું મેડિકલ ઇક્વિપમેન્ટ અને દવાઓનું ક્ષેત્ર આધુનિક માર્કેટની સાથે જોડાઇ રહ્યુંં છે. અમેરિકામાં વપરાતા મેડિકલ ઇક્વિપમેન્ટ જેવાજ ઇક્વિપમેન્ટ ભારતની હોસ્પિટલોમાં જોવા મળવા લાગ્યા છે. ખાનગી હોસ્પિટલોની સવલતોની સરખામણી વિદેશની હોસ્પિટલો સાથે થઇ શકે છે. વિદેશ ખાસ કરીને અમેરિકા કે સિંગાપુરની હોસ્પિટલોમાં જે હાઇજેનિક સિસ્ટમ હોય છે એવીજ ભારતમાં જોવા મળી રહી છે.
કોરોનાની રસીના સંશોધનમાં ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓ વૈશ્વિક કંપનીઓની હરોળમાં ઉભી છે. શક્ય છે કે ભારતની કેપનીઓ સૌ પહેલાં કોરોનાનું મારણ શોધી કાઢશે અને વિશ્વમાં ડંકો વગાડશે. જેમ રસી બાબતે ભારત તરફ વિશ્વનું ધ્યાન છે એમ મેડિકલ ઇક્વિપમેન્ટના બિઝનેસ પર વૈશ્વિક કંપનીઓની નજર છે.
કહે છે કે મેડિકલ ઇક્વિપમેન્ટ બનાવતી ડઝન જેટલી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં રોકાણ કરવા લાઇનમાં ઉભી છે. સરકાર જાપાનની ૧૨૦૦ કંપનીઓ સાથે ટેકનિકલ કોલોબ્રેશન કરવા જઇ રહી છે. ૪૨,૦૦૦ કરોડ રૂપિયાના ૨૦૦ સંયુક્ત સાહસો આકાર લઇ રહ્યા છે.
ભારત કોરોનાના વેક્સિનના સંશોધનના છેલ્લા તબક્કામાં હોવાનું કહેવાય છે. ભારતને સફળતા મળે એવી શક્યતા વધુ છે. ભારત સરકારે વેક્સીન વહેંચણીનું નેટવર્ક પણ તૈયાર રાખ્યું છે.
મેડિકલ ક્ષેત્રે આધુનિકીકરણનો લેટેસ્ટ દાખલો એ છે કે પહેલાં જ્યારે કોઇને હોસ્પિટલમાં સારવાર માટેે દાખલ કરાતાં ત્યારે તેના સગા સંબંધીઓની વણઝાર ખબર કાઢવા આવતી હતી. તેમને રૂબરૂ મળતા જવા માંડ અટકાવાયા પછી દર્દીની મુલાકાત માટે એક કલાકનો ફિક્સ સમય અપાતો હતો. તેમાં દર્દીને મળી શકાતું હતું. દર્દી સાથે આવેલા લોકો હોસ્પિટલની બહાર કોરિડોરમાં બેસી રહીને ભીડ કરતા હતા.
જોકે કોરોના કાળમાં આ સ્થિતિ બદલાઇ ગઇ છે. પોઝીટીવ દર્દીને દાખલ કર્યા પછી તેના કોઇ સંબંધીને મળવા દેવાતો નહોતો. તે સાજો થાય એટલે તેના કુટુંબીજનોને જાણ કરાતી હતી. કોઇ સંજોગોમાં તે મોતને ભેટે તો પણ તેના કુટુંબના નજીકના બે સભ્યોને બોલાવીને જાણ કરાતી હતી. દરેકે આ સિસ્ટમ આવકારી હતી. હોસ્પિટલોને રાહત મળતી થઇ છે અને ભીડ ઓછી કરી શકાઇ છે. આધુનિક હોસ્પિટલ મેનેજમેન્ટની દિશામાં આ પહેલું કદમ છે.
મેડિકલ ઇક્વિપમેન્ટ ક્ષેત્રે ભારત કેટલાક આધુનિક ઇક્વિપમેન્ટ બનાવતું નહોતું પરંતુ કોરોના કાળમાં તે યુુધ્ધના ધોરણે બનતા થઇ ગયા છે. વિદેશમાં સારવાર માટે જતા ભારતીયો હંમેશા ભારતની હોસ્પિટલોની વ્યવસ્થાની ટીકા કર્યા કરતા હતા પરંતુ હવે કેટલાંક વર્ષો બાદ વિદેશના લોકો ભારતમાં સારવાર લેવા આવશે એવી સ્થિતિ ઉભી થશે કેમકે ભારત હોસ્પિટલ મેનેજમેન્ટ ક્ષેત્રે આધુનિકીકરણ અપનાવી રહ્યું છે. આ માટે ભારતની ખાનગી હોસ્પિટલો સક્ષમ હોવાનું જણાયું છે. કોઇ પણ હો સ્પિટલ તેના આધુનિક ઇક્વિપમેન્ટથીજ નામના મેળવતી હોય છે. ટોકિયોની એમ્બેસીમાં તાજેતરમાં યોજાયેલ એક વેેબિનારમાં આ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી. ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગો એપીઆઇ અર્થાત એક્ટીવ ફાર્માસ્યુટીક ઇન્ગ્રેડીયન્ટ બનાવવા માટે પણ જાપાન સાથે સંયુક્ત સાહસ કરી શકે છે. હાલમાં ભારતની કંપનીઓ ચીન પાસેથી એપીઆઇ મંગાવે છે. એમ પણ કહી શકાય કે એપીઆઇના મુદ્દે ચીન પર આધાર રાખવો પડે છે.
આપણે જ્યારે આત્મનિર્ભરની વાત પર ભાર મુકીએ છીએ ત્યારે ભારતમાંજ પાયાના ઇન્ગ્રેડીયન્ટ તૈયાર કરાય તે જરૂરી છે. જાપાનની સરખામણીમાં ભારતમાં મજૂરીનો દર સસ્તો છે. ભારત પાસે સ્કીલ્ડ લેબર પણ છે. ભારત પાસે મેડિકલ ઇક્વિપમેન્ટ માટેના તૈયાર યુનિટો પણ છે જે હાલમાં સામાન્ય વપરાશમાં આવતા ઇક્વિપમેન્ટ બનાવે છે. મેડિકલ ઇક્વિપમેન્ટ માટે જાપાન પાસે વિશ્વમાં સૌથી આધુનિક ટેકનોલોજી છે તે ભૂલવું ના જોઇએ. ભારતમાં મેડિકલ ઇક્વિપમેન્ટ ક્ષેત્ર અને એપીઆઇ એમ બંને ક્ષેત્ર જંગી રોકાણનો અવકાશ છે.
જ્યારે જાપાન રોકાણ માટે તેમજ સંયુક્ત સાહસ માટે તૈયાર થયું છે ત્યારે ભારતમાં આધુનિક મેડિકલ ટેકનોલોજી ઇક્વિપમેન્ટ સજ્જ હોસ્પિટલો જોવા મળશે.
Comments
Post a Comment