ભરૂચમાં ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ, 2500થી વધુનું સ્થળાંતર કરાયું


ભરૂચ, તા. 31 ઓગસ્ટ 2020 સોમવાર 

નર્મદા નદીની સપાટી વધતા તેને અડતા ત્રણ જિલ્લાઓને અસર થઈ છે. અનેક ગામોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામમાં પાણી ઘૂસી ગયા છે. તો ચાંદોદમાં લોકોની દુકાનો પાણી પાણી થઈ ગઈ છે. 

NDRF ની એક ટીમ ચાંદોદ ખાતે સ્ટેન્ડ બાય રખાઈ છે. ચાંદોદથી કરનાળી વચ્ચેનો માર્ગ બંધ થઈ ગયો છે. જેથી ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સાથે જ ચાંદોદ ખાતે બોટ સેવા પણ તંત્ર દ્વારા બંધ કરી દેવાઈ છે. 

ભરૂચમાં નર્મદાનું જળસ્તર સતત વધી રહ્યું છે. સરદાર સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ શહેરમાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. નર્મદાનું જળસ્તર ગોલ્ડનબ્રિજ ખાતે 32 ફૂટની સપાટી પર પહોંચી ગયું છે. કાંઠા વિસ્તારમાં ધસમસતો નદીનો પ્રવાહ નજરે પડી રહ્યો છે. 

આ કારણે ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકાના 35 ગામો એલર્ટ પર મૂકાયા છે. જિલ્લામાં કુલ 2500 થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. ભરૂચ ગોલ્ડનબ્રિજ ઝૂંપડપટ્ટીમાં નર્મદાના પાણી ભરાયા છે. 

ઝૂંપડપટ્ટી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. જેથી ઝૂપડપટ્ટીના 50 લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા હતા. ભાડભૂત ગામથી અંકલેશ્વરના સરફુદીન તરફ મોડી રાત્રે બોટ બંધ થઈ ગઈ હતી. જેથી NDRF એ 5 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. 

હાલ સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 132.51 મીટર પર પહોંચી ગઈ છે. હાલ ઉપરવાસમાંથી 10 લાખ 15 હજાર 569 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો બીજી તરફ, ડેમના 23 દરવાજામાંથી 9 લાખ 54 હજાર પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા ખોલતાં નર્મદા નદી કાંઠા નર્મદા જિલ્લાના 21 ગામો એલર્ટ પર મૂકાયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો