ગુજરાતમાં ફરી આભ ફાટયું : માળિયા હાટીનામાં 10 ઇંચ
ગીરનો મેંદરડા-સાસણ હાઇવે પાણીમાં ગરકાવ : જૂનાગઢના વંથલીમાં 8 અને ગીર-સોમાનાથના સુત્રાપાડામાં 8 ઇંચ ભાવનગરના ગઢડામાં સાડા સાત , રાજકોટમાં 6, સુરતના માંગરોળમાં 6 ઇંચ, જામનગરમાં 6 ઇંચ વરસાદ
અમદાવાદ, તા.30 ઓગસ્ટ, 2020, રવિવાર
ગુજરાતમાં થોડાં વિરામ બાદ મેઘરાજાએ ફરી તોફાની બેટીંગ શરૂ કરી છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં આજે 10 ઇંચ અને વંથલીમાં આઠ ઇંચ તેમજ ગીર-સોમનાથ જિલ્લના સુત્રાડાપામાં આઠ ઇંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગર જિલ્લાના ગઢડામાં 14 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર વ્યાપક નુકસાન થયું છે.
દક્ષિણ ગુજરાતમાં પણ આજે આખો દિવસ વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો અને માંગરોળમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં આ મોસમમાં સૌપ્રથમ ધોધમાર વરસાદ વરસ્યો છે અને પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ પડયો હતો અને અંબાજીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડયો હતો.
સૌરાષ્ટ્રના 71 તાલુકા મથકોએ અડધાથી આઠ ઈંચ તો ગ્રામ્ય વિસ્તારોમાં 10 ઈં સુધીનાં વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. સૌથી વધુ માળિયા હાટીના પંથકમાં 10 ઈંચ તો વંથલી અને સુત્રાપાડામાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો.
જ્યારે મોરબી અને વિસાવદરમાં સાત ઈંચ તો રાજકોટ, વંથલી, માણાવદર, મેંદરડા, જામનગર, કલ્યાણપુરમાં પણ આજે ધોધમાર છ ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદનાં કારણે આજે ફરી જળાશયો છલકાયા હતા. નદી-નાલામાં ઘોડાપુર આવ્યા હતા અને રસ્તા-ખેતરોનાં ધોવાણ તથા મકાનો ધરાશાયી થવાથી ખાનાખરાબી પણ સર્જાઈ હતી. જૂનાગઢ જિલ્લાને મેઘરાજા હવે ધમરોળી રહ્યા હોય તેવી સ્થિતિ છે.
ગત મોડી રાત્રીથી આજે સાંજ સુધી જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો હતો. ગત રાત્રિના 10 વાગ્યાથી આજે રવિવારે સાંજ સુધીમાં વંથલીમાં આઠ ઈંચ તો વિસાવદરમાં સાત ઈંચ તથા માણાવદર તથા મેંદરડા પંથકમાં ધોધમાર છ ઈંચ વરસાદ વરસ્યો હતો અને ચારે તરફ પાણી-પાણી થઈ ગયું હતું.
ઓઝત, સાબલી, ઉબેણ સહિતની નદીઓના પૂરના લીધે માંગરોળઈ માણાવદર, કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો બેટ બન્યા હતા અને પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. જ્યારે માળિયાહાટીનામાં પણ આજે સાડા પાંચ ઈંચ વરસાદ પડતા ચારે તરફ પાણી-પાણી થઈ ગયું હતું. ભાવનગર દિલ્લાના ગઢડા અને આસપાસના વિસ્તારોમાં 14 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો છે અને ઘેલો નદી ગાંડીતૂર બની છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ગત દિવસોની સરખામણીમાં મેઘરાજાની બેટીંગ આંશિક મંદ પડી છે. અડધાથી છ ઇંચ સુધીના વરસાદમા ંસૌથી વધુ સુરતના માંગરોળ તાલુકામાં 12 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો હતો.
જ્યારે નવસારીમાં સરેરાશ 1.7 ઇંચ વરસાદને લીધે વધુ બે તળાવો છલકાઇ જતા નજીકના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વલસાડમાં કપરાડામાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડમાં 3 ઇંચ અને સુરત સિટીમાં 2 ઇંચ સુધીના વરસાદની કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સિટીમાં મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે. વલસાડ જિલ્લામાં મેઘરાજાની બેટીંગ રવિવારે ચાલુ રહી હતી.
સૌથી વધુ કપરડામાં 4.8 ઇંચ, ઉમરગામમાં 4.3 ઇંચ વરસાદ નોધાયો હતો. વડોદરા શહેરમાં પણ આ મોસમમાં પ્રથમ વખત વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. આજે વહેલી સવારથી જોરદાર વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં. વડોદરા શહેરમાં સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી માત્ર 10 કલાકમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
શહેરમાં આજે દિવસ દરમિયાન ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે શહેરના ચાર દરવાજા વિસ્તાર, દાંડિયાબજાર, રાવપુરા, વાઘોડિયારોડ, આજવારોડ, માંજલપુર, મકરપુરા, ગોરવા, ગોત્રી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં. કેટલીક સોસાયટીઓમાં લોકોના ઘરોમાં પણ પાણી પ્રવેશ્યા હતાં. ઉત્તર ગુજરાતમાં પણ આજે આખો દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. યાત્રાધામ અંબાજીમાં બપોર બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. અંબાજીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડયો હતો.
ભરૂચના ગોલ્ડન બ્રિજની સપાટીમાં વધારો
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં સતત પાણીની આવક થતા ભરૂચ ગોલ્ડન બ્રિજની જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. ભરૂચના પૂર્વ પેટ્ટીના ગામોમાં સામે પાર ફસાયેલા લોકો અને પશુઓને બચાવવા એન ડી આર એફ ની ટીમ ઉતારવાની ફરજ પડી હતી . નર્મદા નદી ગાંડીતુર બનતા નીચાણવાળા વિસ્તારો અને ખેતરોમાં પાણી ભરાયા હતા.ગોલ્ડન બ્રિજની જળ સપાટી 30 ફૂટે પહોંચે તેવી શક્યતા તંત્રએ વ્યક્ત કરી હતી.ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જળ સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.જેના કારણે સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલી સતત પાણીનો પ્રવાહ નર્મદા નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી ગાંડીતુર થઇ છે.
સરદાર સરોવર ડેમની સપાટી 132 મીટર નોંધાઇ
સરદાર સરોવર નર્મદા ડેમમાં 11 લાખ 12 હજાર ક્યુસેક પાણીના આવક સામે 23 દરવાજા મારફત 9 લાખ 54ત933 ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમ ખાતે સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી132 મીટરે નોંધાઇ હતી.હાલમાં 11 લાખ 12 હજાર ક્યુસેક નોંધાયેલ છે.જેની સામે ડેમના 23 દરવાજા ખોલીને 9 લાખ 54 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. રિવર બેડ પાવર હાઉસમાં 6 યુનીટ કાર્યરત હોવાથી 1200 મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે.
સૌરાષ્ટ્રના 120 ડેમો હાઇ એલર્ટ પર
સમગ્ર સોૈરાષ્ટ્રમાં ફરી ધોધમાર વરસાદના કારણે અહીંના સોૈથી મોટા શેંત્રૂજી અને ભાદર ડેમનાં તમામ દરવાજા ખોલવા પડયા હતા.સોૈરાષ્ટ્રનાં 1ર0 થી વધુ ડેમો ઓવરફલો થતા હાઈએલર્ટ પર મુકવામાં આવ્યા છે આ ડેમનાં હેઠવાસમાં આવતા સેંકડો ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. સોૈરાષ્ટ્રનાં સોૈથી મોટા શેંત્રૂજી અને ભાદર ડેમનાં તમામ દરવાજા ખોલવા ણડયા હતા.
ગોંડલ નજીક લીલાખા પાસે આવેલા ભાદર - 1 નાં તમામ ર9 દરવાજા એક સપ્તાહમાં બીજી વખત 7.4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ભાદર ડેમનાં દરવાજા ખોલવામાં આવતા ભાદર નદીઓમાં ઘોડાપુર આવ્યા છે ભાદરનાં પાણીનો આ ધસમસતો પ્રવાહ ભાદર - ર માં આવતા ભૂખી ગામ પાસે આવેલા આ ડેમનાં આઠ દરવાજા આઠ ફૂટ ખોલવામાં આવતા આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા છે.
ભાદર કાંઠાના ગામોને તંત્રએ એલર્ટ કરી દીધા છે કેટલાક ખેતરોમાં પાણી ઘુસી ગયા છે. ધારી પંથકમાં ભારે વરસાદ અને શેંત્રૂજી નદીનાં તમામ પ9 ડેમ ખોલવામાં આવતા શેંત્રૂજી નદીમાં ઘોડાપૂર આવતા આ પાણી ધારીનાં ગામડાઓ સુધી પહોંચ્યુ છે. ખોડીયાર ડેમનાં ચાર દરવાજા અઢી ફૂટ ખોલવામાં આવતા આ વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ છે.
Comments
Post a Comment