પ્રિ - વેકસિન વૉર .


પેરેન્ટિંગ એટલે જે બાળઉછેર માટે એવું કહેવાય છે કે મોટા બાળકો, મોટી વિડંબણાઓ. બાળક નાનું હોય અને તે રડતું હોય તો પહેલી વખત મા-બાપ બનેલા વાલીઓ એવું આશ્વાસન લેતા હોય છે કે તેનું બાળક સમજણું થશે પછી પ્રોબ્લેમ નહીં વધે. બાળક જેમ વધુ મોટું થતું જાય એમ એની મનીષાઓના કદ પણ વધતા જાય અને વાલીની તેની સાથેની વ્યવહાર કુશળતા ઘટતી જાય. આવું જ કોરોના કેસમાં થયું છે. ભારતમાં આ જ પદ્ધતિથી કોરોના સાથે વ્યવહાર થયો છે.

જ્યારે બહુ જ ઓછા કેસ હતા ત્યારે બેહતર ભવિષ્ય માટે થઈને દેશ બંધ કરી દેવામાં આવ્યો, ગતિમાન ચક્રોને અટકાવી દેવામાં આવ્યા. નજીકનું ભવિષ્ય ભયમુક્ત થઈ જાય એવા ખુશનુમા ખ્યાલ સાથે ત્રણ ત્રણ લોકડાઉન લાદવામાં આવ્યા, થાળી અને દીવાની સામુહિક પ્રવૃતિઓ પણ કરવામાં આવી તો પણ કોરોનાનો પ્રકોપ વધતો ગયો. જ્યારે સંક્રમણ દરરોજ નવા નવા વિક્રમો રચતુ ગયું ત્યારે દેશ ખોલી નાખવાની ફરજ પડી. અનલોકમાં નવી મોટી વિકરાળ સમસ્યાઓ સરકાર અને પ્રજાને ઘેરીને બેઠી છે.

જેઇઇ અને નિટની પરીક્ષા આપવા ચાહતા લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય સરકારની નિર્ણયશક્તિની જેમ જ અદ્ધરતાલ છે. દેશનું અર્થતંત્ર નિયમિતપણે અને સાતત્યપૂર્વક પગથિયા ઉતરી રહ્યું છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન હજુ સાવ સ્પષ્ટ વાત કરતા શીખ્યા નથી. અત્યારે દેશને કડવું સત્ય ઉચ્ચારનારા નેતાઓની જરૂર છે.

એક બહુ મોટી સમસ્યા નજીકના ભવિષ્યમાં આખા ભારતને હેરાન કરવાની છે જેનો ભાગ્યે જ કોઈને અંદાજ છે. કોરોનાકાળને પણ સારો કહેવડાવે એવી એક પ્રચંડ સમસ્યા તેનું રાક્ષસી મુખ ખુલ્લું રાખીને બેઠી છે અને તે છે વેકસિન માટેનો રાષ્ટ્રવાદ અને વેકસિન અંગેનો ભ્રષ્ટાચાર.

વેકસિન રાષ્ટ્રવાદ શું છે ? દરેક દેશ વિશ્વના તમામ મનુષ્યનું કલ્યાણ વિચાર્યા વિના ફક્ત પોતાના નાગરિકો માટે જ કોરોના વેકસિન મેળવવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવે તેને વેકસિન રાષ્ટ્રવાદ છે. અમેરિકન સરકારે દેશની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે કરોડો ડોલરના એડવાન્સ કરાર કરી લીધા છે.

એ કરાર મુજબ જે પણ ફાર્મા કંપની સ્વતંત્ર રીતે કે કોઈ બીજી લેબોરેટરીના સહયોગથી વેકસિન બનાવવામાં સફળ જાય તો એંસી કરોડ જેટલા ડોઝ સૌથી પહેલા અમેરિકાને આપવા પડશે. ૨૦૨૦ ના આંકડા પ્રમાણે અમેરિકાની કુલ વસ્તી તેત્રીસ કરોડ છે. વેકસિન બની જાય એના પછી જરૂરિયાત હોય એના બમણા કરતા પણ વધુ ડોઝ અમેરિકન સરકારના કબજામાં હશે. આ એક પ્રિ-વેક્સિન વૉર છે.

અમેરિકાનું નામ સાંભળીને પહેલા વિચારે એવું થાય કે કટ્ટર રાષ્ટ્રવાદનું પ્રદર્શન કરતા ટ્રમ્પનો આ ચૂંટણી જીતવાનો એજેન્ડા હોઈ શકે. પરંતુ અમેરિકાને સારા કહેવડાવે એવા બીજા દેશોની પ્રિ-વેકસિન હલચલ ચોંકાવનારી છે. અમેરિકાના માસિયાઈ ભાઈ જેવા યુનાઇટેડ કિંગડમેં એટલી વેકસિનનું પ્રિ-બુકિંગ કરાવ્યું છે કે બ્રિટનના પ્રત્યેક નાગરિકને પાંચ વખત ડોઝ અપાઈ જાય પછી પણ તેની પાસે વેકસિનનો ડોઝ વધે. આખું યુરોપિયન યુનિયન એટલે કે યુરોપ ખંડના બધા દેશો આ જ રીતે આગળ વધી રહ્યા છે.

કોઈ ને કોઈ રીતે આ પાવરફુલ દેશો ફાર્મા કંપનીઓને ફિક્સમાં લઈને વેકસિનની નિકાસ ન થઈ શકે તેવું પાંજરું ગોઠવી રહ્યા છે. ફાર્મા કંપનીઓ પણ આમાં કઈ કરી શકે તેમ નથી કારણ કે કોરોના વેકસિન ફાર્મા સેકટરને એકોતેર નહીં પણ સાતસો પેઢી સુધી માલામાલ રાખશે એવો અંદાજ છે.

રહી વાત ભારતની તો ભારતની જે કંપનીઓ વેકસિન બનાવી રહી છે તેનું જોડાણ ઓક્સફર્ડ જેવી વિદેશી સંસ્થા કે વિદેશી કંપની સાથે છે. ચમત્કાર થાય અને ભારત વેકસિન બનાવવામાં સૌથી આગળ નીકળી જાય તો પણ ભારતવાસીઓએ હરખાવાની જરૂર નથી. સૌથી પહેલો ડોઝ ભારતને મળે તેની કોઈ ખાતરી નથી. વેકસિન મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તર પર રાજકારણ એવું રમાયું છે કે ભારતમાં ઉત્પાદિત થયેલી રસી પણ ભારતે પહેલા અમુક દેશોને અમુક જથ્થામાં મોકલવી પડે એવું બને.

મેલેરિયાની દવા ક્લોરોક્વિનિનનો મોટો જથ્થો આપણે ફરજિયાત ટ્રમ્પની સેવામાં, ટ્રમ્પના આદેશથી મોકલવો પડયો હતો એ ઘટના ભુલાવી ન જોઈએ. ભારત એકસો ચાલીસ કરોડની આસપાસ પહોંચી ગયેલા લહેરાતા જનસાગરનો દેશ છે. આટલી બધી વેકસિન પહેલા જ સ્લોટમાં ભારતને મળે એ અશક્ય છે. મિસ્ટર મોદી ભવિષ્યની આવનારી આ દુવિધાને કઈ રીતે પહોંચી વળશે એ જોવું રસપ્રદ રહેશે.

બીજો મુદ્દો એટલે વેકસિન ભ્રષ્ટાચાર. વેકસિન રાષ્ટ્રવાદનો તો હજુ પણ અંદાજ માંડી શકાય એમ છે પરંતુ માર્કેટમાં મર્યાદિત જથ્થામાં રસી આવી ગયા પછી એમાં જે ભ્રષ્ટાચાર અને ચોરી થશે તેનો અંદાજ લગાવવો પણ બહુ મુશ્કેલ છે. નોટબંધી વખતે કે આ કોરોનાકાળમાં ટોસીલીઝુમેબ જેવી દવાઓમાં પણ વગદાર લોકો દ્વારા જે ગુનાખોરી થઈ છે તે જોતા વેકસિનના આગમન પછી ભારત ભ્રષ્ટાચાર મુદ્દે અભૂતપૂર્વ ઊંચાઈ હાંસિલ કરીને ઇતિહાસ બનાવે તો નવાઈ નથી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો