તું હર ઇક પલ કા શાયર હૈ

- મિડલ ઑર્ડરમાં તેમનો સધિયારો આપી શકે એવો એક પણ ખેલાડી ન રહ્યો હોવાથી તેમના પરફોર્મન્સ પર અસર પડેલી


૩૫૦ વનડેમાં ૧૦,૭૭૩ રન, ૯૦ ટેસ્ટમાં ૪,૮૭૬ રન, ટી૨૦માં૧૬૧૭ રન, વિકેટ કીપર તરીકે ૮૨૯ ડિસમિસલ, બે વર્લ્ડકપ, એક ચેમ્પિયન્સ ટ્રોફી, બધી ટીમોને તેમની ભૂમિ પર પરાજય. આ એક ઝલક માત્ર. આવું તો બીજું ઘણું બધું. એ ધોની જ્યારે એમ કહે કે, મેં પલ દો પલ કા શાયર હૂં... તો કેમ માની લેવું? તેમને કહેવું પડે, તું હર ઈક પલ કા શાયર હૈ, હર ઇક પલ તેરી જવાની હૈ... દરેકને ક્યારેક તો નિવૃત્ત થવાનું જ છે, પણ ધોનીની મહાનતા એ છે કે તેમણે ગોડ બન્યા વિના ભારતીય ક્રિકેટને ટ્રાન્સફોર્મ કરી નાખ્યું.

તેમણે ગાંગુલીની આક્રમકતા અભિવ્યક્તિમાં નહીં, પરફોર્મન્સમાં બતાવી. તેમણે ભારતીય ટીમને ઇલેવન મેન આર્મી બનાવી, ઑફેન્સીવ બનતા શીખવ્યું. સમયસર નિવૃત્તિ લેવાનો તેમનો નિર્ણય પણ તેમની કેપ્ટનશિપની જેમ સરપ્રાઇઝ કરનારો રહ્યો. તેમણે પુરવાર કરી દીધું કે ધોની એક જ છે. ધોની માસ્ટરપીસ છે. ધોની ધોની છે.

ધોનીએ કઈ-કઈ ઇનિંગ યાદગાર રમી એનાથી પાનાં ભરાઈ ચૂક્યા છે એટલે એના વિશે લખવાનો કોઈ અર્થ નથી. તેમણે કેપ્ટનશિપ છોડી પછી ટીમ ઇંડિયાને શું આપ્યું અને શું મેળવવામાં અસમર્થ રહ્યા તેના વિશે લખવું વધારે ઉચિત રહેશે. ૨૦૧૭માં તેમણે વનડેની કેપ્ટનશિપ છોડી. એ પહેલા સાલ ૨૦૧૬માં બેટ્સમેન તરીકે તેમનું પરફોર્મન્સ બહુ જ ખરાબ રહ્યું.

૫૦થી વધુની સરેરાશ માટે સુખ્યાત એમએસડી ૨૦૧૬માં ૧૩ મેચ રમ્યા. ૧૦ ઇનિંગમાં ૨૭૮ રન બનાવ્યા. નોટ આઉટ રહેવા માટે નામના ધરાવતો આ ખેલવીર મોટા ભાગની મેચમાં સસ્તામાં આઉટ થઈ ગયો. કેપ્ટનશિપ પછી તેઓ ઇન્ગ્લેન્ડ સામેની સીરિઝમાં ફેઇલ ગયા. પ્રથમ ઇનિંગમાં ઇન્ગ્લેન્ડે ૩૫૧ રન બનાવ્યા. ભારતે૫૬ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી.

હવે ધોની પર બધો દારોમદાર હતો. મહાન ફિનિશર મનાતા મહેન્દ્ર છ રનમાં પેવેલિયન ભેગા થઈ ગયા. ટીકાકારોના મોંની સિલાઈ તૂટી ગઈ. ત્રણ દિવસ પછી ફરી મેચ થઈ. ૨૫ રનમાં ત્રણ વિકેઠ ખાબકી. પ્રેશરમાં ઊતરેલા ધોનીએ ૧૩૪ રન ફટકારીને નવેસરથી ટાંકા લીધા. 

ત્યાર પછી લગલગાટ અઢી વર્ષ સુધી તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવી રાખ્યું. કેટલીક ખરાબ ઇનિંગ પણ રમ્યા. ૨૦૧૭માં વેસ્ટ ઇન્ડીઝ સામેની શૃંખલાની ચોથી મેચમાં ૧૧૪ બોલમાં ૫૪ રન, એશિયા કપની ફાઇનલમાં ૬૭ બોલમાં ૩૬ રન, ૨૦૧૯માં ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન એક દિવસીય મેચમાં ૯૬ બોલમાં ૫૧ રન આ તેમના કષ્ટદાયક પરફોર્મન્સ છે. પણ શું ખરેખર આ તેમની ખરાબ ઇનિંગ્સ હતી? તે વિશે આગળ...  છેલ્લા અઢી-ત્રણ વર્ષથી તેમના વખાણ ઓછા થાય છે અને ટીકા ઝાઝી.

જાન્યુઆરી ૨૦૧૭થી જુલાઈ ૨૦૧૯ વચ્ચે તેઓ ૬૭ મેચ રમ્યા. ૫૧ ઇનિંગમાં ૧૬૬૩  રન બનાવ્યા. તેમની એવરેજ ૪૮.૮૧ રહી. બે ઘટના બની. ૧) તેઓ નેચરલ ગેમ નહોતા રમી રહ્યા. તેમની રમતની ગતિ ધીમી પડી ગયેલી. એક સમયે જે માણસ ૧૦૦ ઉપરની સ્ટ્રાઇકરેટ થી રમતો હતો તે અચાનક ૮૦ આસપાસ (ટુબી સ્પેસિફિક ૮૧.૩૬) રમવા લાગે તો ચાહકો નિરાશ થાય. ૨) મિડલ ઓર્ડરમાં તેમને ટેકો કરનારા યુવી જેવા ખેલાડી લુપ્ત થઈ ગયા.

મિડલ ઓર્ડરમાં પ્રેશર હોવાને કારણે અને એકલા હોવાના નાતે તેઓ ધીમું રમતા. સામા પક્ષે લોકો ધોનીને પહેલા જેવું જ રમતા જોવા માગતા હતા આથી તેમના પ્રત્યે સતત અસંતોષ વધતો જતો હતો. લોકો ધોનીને ચાહતા હતા એટલે ધોનીથી નિરાશ થતા હતા. બીસીસીઆઈ અને ટીમ મેનેજમેન્ટમાં રહેલા ધોની વિરોધીઓ હવાને આગ આપવાનું કામ કરતા.

૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન ૧૮ ખેલાડીઓને એકથી સાત નંબર પર બેટિંગની તક આપવામાં આવી. આ ૧૮ ખેલાડીઓમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની સૂચિમાં ધોની ચોથા ક્રમે રહ્યા. તેમનાથી વધુ રન ફક્ત વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવને કરેલા. ને સરેરાશની વાત કરીએ તો તેઓ માત્ર કોહલી અને રોહિતથી પાછળ હતા.

આમાં તમે તેમનું પરફોર્મન્સ નબળું કયા બેઇઝ પર ગણો છો તમે? ઘણા કહે છે કે તેઓ વૃદ્ધ થઈ ગયા હોવાથી નેચરલ ગેમ રમી શકતા નહોતા. ગ્રેટ ફિનિશર રહ્યા નહોતા તો આ અર્ધ સત્ય છે. તેમની રમત તો સારી જ હતી, કિન્તુ હવે તેઓ આપણી અપેક્ષા પ્રમાણેના ધોની નહોતા. આપણી કલ્પનાના ધોની નહોતા રહ્યા. કેવી રીતે? આગળ આવશે.

છેલ્લા ત્રણ વર્ષમાં તેણે દર ૩.૯૨ મેચમાં ફિફ્ટી મારી છે. અજિન્ક્ય રહાણેએ ૧.૮૮ મેચમાં, કોહલીએ ૧.૯૨ મેચમાં, રોહિતે ૨.૦૬ મેચમાં અને ધવને ૩.૫ મેચમાં ફિફ્ટી મારી છે. આ સમયે એ પણ યાદ રાખવું પડે કે ધોની મિડલ ઑર્ડરમાં રમ્યા અને બાકીના ખેલાડી ટોપ ઓર્ડરમાં. 

ધોનીના પરફોર્મન્સમાં આવેલી ઉણપનું મુખ્ય કારણ મિડલ ઑર્ડરમાં તેમના પર વધુ પડતી નિર્ભરતા હતું. કોહલીની ટીમમાં ટોપ ઑર્ડરમાં પાંચ જ ખેલાડી બદલવામાં આવેલા જ્યારે મિડલ ઓર્ડરમાં ૧૪ બેટ્સમેન બદલવામાં આવ્યા. તેમાંથી માત્ર ધોની એક જ એવા ખેલાડી હતા જે મિડલ ઓર્ડર માટે સ્થાપિત હતા. આથી તેમના પર નિર્ભરતા પણ વધી ગઈ. મિડલ ઓર્ડરમાં ધોનીને સ્થાયી રાખીને બીજા થોકબંધ બેટધર બદલવામાં આવ્યા, પણ કોઈ સેટ થઈ શક્યા નહીં.

છેલ્લા અઢી વર્ષમાં ભારત જેટલી પણ મેચ જીત્યું તે ટોપ ઑર્ડરના દમ પર જીત્યું છે. મિડલ ઑર્ડરમાં ધોનીનો સધિયારો આપે તેવું કોઈ નથી. વેસ્ટ ઇન્ડિઝ સામેની જે મેચમાં તેમણે ૧૧૪ દડામાં ૫૪ રન કર્યા તેમાં મિડલ ઑર્ડરમાં એક પણ બેટ્સમેન ૨૦થી વધુ રન કરી શકેલો નહીં. પરિણામે મેચ ટકાવી રાખવા તેમને ધીમું રમવું પડયું. 

એ જ વર્ષમાં શ્રીલંકા વિરુદ્ધની મેચમાં ૨૯ રનમાં સાત વિકેટ પડી ગયેલી. ધોનીએ ૮૭ બોલમાં ૬૫ રન કરીને ટીમે ૧૧૨ સુધી પહોંચાડી. આવી સ્થિતિમાં ૧૧૨ બોલમાં ૬૫ રન સારું પરફોર્મન્સ કહેવાય, ખરાબ નહીં. ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ત્રણ રનમાં ચાર વિકેટ પડી ગયેલી.

એવામાં તમે ધોની પાસે શું અપેક્ષા રાખો કે એ હાર્ડ હિટિંગ કરે. એટલે તેમણે ૭૨ દડામાં ૫૦ રન બનાવ્યા. અગ્રી, તેઓ ઘણી વખત ધીમું રમ્યા, પણ એટલા માટે કેમ કે સામે ટીમ ખખડી ગઈ હતી. એટલા માટે કે તેમનો સપોર્ટ કરે તેવું કોઈ નહોતું. આથી તેમનું ધીમું પરફોર્મન્સ પણ એ મેચના બીજા ખેલાડીઓની તુલનાએ તો સારું જ ગણાય. ઓછા રનમાં ટીમનો ધબડકો બોલી ગયો હોય, તમારી સામે કોઈ સપોર્ટમાં ન હોય તો તમે કરી-કરીને કેટલું સારું કરી શકો? બટ નેચરલ છે કે ત્યારે તમારે ડિફેન્સિવ રમત જ રમવી પડે. ત્યારે તમે ફ્રન્ટફૂટ પર ન જ રમી શકો. 

કેવળ અને કેવળ ચોગ્ગા-છગ્ગા જોવા ટેવાયેલા ક્રિકેટ રસિયા આવી બારિકીઓને સમજતા થાય તો ખબર પડે કે ધોની પરફોર્મર છે કે નોન પરફોર્મર. મિડલ ઓર્ડરમાં રમીને ૧૦,૦૦૦ કરતા વધુ રન કરવા એ કંઈ નાનીમાના ખેલ છે? ઇટ્સ ક્વાઇટ ટફ. ને તેમ છતાં તે ધોનીએ કર્યું છે. વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ધોનીની ધીમી રમતના છાજિયા લેનારા એ જોવાનું ચૂકી ગયા કે એ મેચમાં ટોપ ઑર્ડર પીળા પાંદડાની જેમ પલકારામાં ખખડી ગયેલો.

મિડલ ઓર્ડરમાં પહેલા, બીજા અને ત્રીજા પરફોર્મર વચ્ચે ગેપ નહીં ગાબડાં છે. ધોનીએ  છેલ્લા અઢી વર્ષમાં મિડલ ઓર્ડરમાં ૬૭ મેચમાં ૧૬૬૩ રન બનાવ્યા. કેદાર જાદવે ૫૩ મેચમાં ૧૦૧૮ અને હાર્દિક પાંડયાએ ૫૦ મેચમાં ૯૧૨. છેલ્લા અઢી વર્ષમાં એમએસે બીજી ઇનિંગમાં ૫૮.૧૪ની સરેરાશથી રન બનાવ્યા છે. તેના પરથી તારણ નીકળે છે કે તેમણે તો મેચ ફિનિશર તરીકેનો રોલ નિભાવવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા, પણ તેમને સાથ આપવા માટે મિડલ ઑર્ડરમાં શૂન્યવકાશ હતો. તેમના ગયા પછી હવે આ શૂન્ય અવકાશ ઓર એક્સ્ટેન્ડ થઈ જશે. માહી વર્લ્ડમાં સૌથી સારા ફનિશર રહ્યા છેતે અફર સત્યા છે.

૨૦૧૯માં તેમણે ૬૦ની સરેરાશથી રન બનાવ્યા છે જે વિરાટ અને રોહિત કરતા પણ ઊંચી છે. રોહિતે ૨૦૧૯માં ૫૭.૩૩ અને રોહિતે ૫૫.૪૭ની સરેરાશથી રન બનાવ્યા. કેપ્ટનશિપ છોડયા પછી તેઓ ટી-૨૦ની ૨૫ મેચમાં ૨૨ ઇનિંગ રમ્યા. ૪૨ની સરેરાશથી ૫૦૫ રન બનાવ્યા. ૧૩૫નો સ્ટ્રાઇક રેટ. આમાં તમે ધોનીનું પરફોર્મન્સ ડલ પડી ગયું હતું એવું કઈ રીતે કહી શકો?

આપણે ત્યાં પરફોર્મરોનો કાળો દુકાળ છે અને અદેખાઓની વસ્તી ચોમાસાના દેડકા કરતા પણ ઝાઝી છે. ધોની જરા વધારે ચમકી ગયા એટલે વધારે ઇર્ષાપાત્ર બની ગયા. આપણે ત્યાં ચમકવું એ ગુનો છે. તેમના જેટલી સિદ્ધિ કોઈ એક ખેલાડીને ભૂતકાળમાં ક્યારેય મળી નથી. ભવિષ્યની ખબર નથી. સફળ કેપ્ટન, સફળ વિકેટ કિપર, મેચ ફિનિશર, મિડલ ઓર્ડરમાં રમીને ૫૦ની સરેરાશ, મિડલ ઓર્ડરમાં રમીને ૧૦,૦૦૦ રન, કેપ્ટન કૂલ તરીકે પ્રસિદ્ધિ, દંગ કરી દેતી રણનીતિ, બે વર્લ્ડકપ, ચેમ્પિયન્સ ટ્રોફી સહિત થોકબંધ શ્રેણીઓમાં જીત આટલું એક સાથે કોના ભાથામાં મળે?

ચેન્નઈ સુપર કિંગ્સના વિવાદોની તેમના પરફોર્મન્સ પર માઠી અસર થઈ હશે, ઓવર ક્રિકેટિંગની અસર થઈ હશે,વધતી ઉંમરની થઈ હશે, કેપ્ટન તરીકે તેમને જે રીતે હટાવવામાં આવ્યા તેની નકારાત્મક અસર થઈ હશે, જાહેરાતમાં કામ કરીને પૈસા કમાવામાં ખૂબ સમય જતો હોવાથી રમત થોડી ખરાબ થઈ હશે, તોય તેમણે જે આપ્યું છે તે યશસ્વી છે, અદ્વિતીય છે. 

તેમણે કેપ્ટનશિપ છોડયા પછી તેમની પ્રતિભા અનુસાર તેમની સાથે વ્યવહાર થયો નથી, પણ ધોનીને એની તમા નથી.તેઓ હવે ખેતી કરવાના છે. તેઓ કેમેરાની સામે નહીં આવે તો પણ એટલા જ ફેમસ રહેશે જેટલા છે. કારણ કે તેઓ ફેમસ છે, પોપ્યુલર નથી. પોપ્યુલરિટી તમે જાવ પછી તરત જ ઘસાઈ જાય છે. ફેઇમ યથાવત રહે છે. ખ્યાતિ એવી ચીજ છે જે તમે એક્ટિવ ન હો તો પણ સ્ટાર સેલિબ્રિટી જેટલી જ જળવાઈ રહે છે.  ધોની ખ્યાતિ કમાયા છે, જે ભારતીય ક્રિકેટ જગતમાં અત્યારે તેમના અને સચિન સિવાય કોઈ પાસે નથી.

આજની નવી જોક

લીલી (છગનને): બારીમાં પડદા નખાવી દો. પડોશી વારે-ઘડીએ મને જોયા કરે છે.

છગન: ડોન્ટ વરી. એક વખત સરખું જોઈ લેવા દે. તે પોતે જ પડદા નખાવી લેશે.

લીલી: હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો