JEE અને NEET પરીક્ષાઓ યોજવા અંગે સરકાર-વિપક્ષની ખેંચતાણ

- સરકારના મતે જો પ્રવેશ પરીક્ષા પાછી ઠેલવામાં આવી તો વિદ્યાર્થીઓનું એક શૈક્ષણિક વર્ષ બગડી શકે છે તો સામા પક્ષની દલીલ છે કે કોરોના અને પૂરગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચે પરીક્ષા યોજવાથી વિદ્યાર્થીઓમાં સંક્રમણનું જોખમ વધી જશે


કોરોના મહામારી વચ્ચે JEE અને NEET પરીક્ષાઓ યોજવા અંગે વિવાદ ચાલી રહ્યો છે. કોરોના સંક્રમણના ખતરા વચ્ચે એન્જિનિયરિંગ અને મેડિકલમાં પ્રવેશ માટે સપ્ટેમ્બરમાં પરીક્ષાઓ યોજાવાની છે અને પરીક્ષાઓ પાછી ઠેલવા માટેની વિદ્યાર્થીઓની માંગને વિપક્ષો પણ ટેકો આપી રહ્યાં છે.  અગાઉ સુપ્રીમ કોર્ટે એન્જિનિયરિંગ અને મેડિકલની પ્રવેશ પરીક્ષાઓ પાછી ઠેલવાની યાચિકા ફગાવી ચૂકી છે. હવે છ રાજ્યોએ સૂપ્રીમ કોર્ટના ચુકાદા સામે રિવ્યૂ પીટીશન દાખલ કરી છે.

JEE અને NEETની પરીક્ષાઓને લઇને જે વિવાદ ચાલી રહ્યો છે એના બે પક્ષ છે અને બંને પક્ષોની દલીલો મજબૂત છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં યોજાય જેથી વિદ્યાર્થીઓનું એક વર્ષ બચી જાય. પરંતુ અનેક વિદ્યાર્થીઓ અને પરીક્ષાનો વિરોધ કરનારા લોકોનું કહેવું છે કે પરીક્ષાઓ દીવાળી સુધી સ્થગિત કરવામાં આવે જેથી કોરોના સંકટ ટળી જાય અને વિદ્યાર્થીઓ સંભવિત ખતરાથી બચી જાય. વિપક્ષી દળો પણ પરીક્ષા સપ્ટેમ્બરમાં યોજવાનો વિરોધ કરી રહ્યાં છે કે વિદ્યાર્થીઓના અભિપ્રાયને મહત્ત્વ આપવું જોઇએ. 

સરકારની દલીલ છે કે જો પરીક્ષાઓ અત્યારે ટાળવામાં આવી તો એનું નુકસાન વિદ્યાર્થીઓને જ થશે અને તેમના શૈક્ષણિક જીવનને અસર થશે.  કારણ કે અગાઉ આ પરીક્ષા એપ્રિલમાં યોજાવાની હતી પરંતુ કોરોનાના કારણે તેને જુલાઇ સુધી લંબાવવામાં આવી.

એ પછી પણ કોરોના સંક્રમણની સ્થિતિ ન સુધરતા પરીક્ષા સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી. હવે જો પરીક્ષા આ વખતે પણ ટાળવામાં આવી તો એનો અર્થ એ કે આગામી સત્રનો અભ્યાસ એક વર્ષ પાછો ઠેલાઇ જશે અને નવી ટર્મમાં પ્રવેશ એક વર્ષ પાછું ઠેલાશે. દીવાળી બાદ પૂર્વ ભારત અને ખાસ કરીને બિહારમાં છઠ પૂજાનો તહેવાર શરૂ થાય છે.

આ વખતની છઠ પૂજા નવેમ્બરમાં આવે છે. મતલબ કે દીવાળી બાદ પણ પરીક્ષા યોજાવાની થાય તો છેક ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં યોજાઇ શકે. એનો અર્થ એ કે પરીક્ષાના પરિણામ ૨૦૨૧માં આવશે અને વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડી જશે. નવા એડમિશન ૨૦૨૧માં જ થશે અને નવા વર્ગો પણ આવતા વર્ષે જ ચાલુ થશે. 

પરીક્ષા સ્થગિત કરવા માટે જે દલીલો થઇ રહી છે એ પણ એટલી જ મજબૂત છે. અનેક વિદ્યાર્થીઓનું કહેવું છે કે અત્યારે કોરોનાનું સંક્રમણ ફેલાયેલું છે જે જોતાં જો પરીક્ષાઓ સપ્ટેમ્બરમાં યોજાઇ તો સંક્રમણ વધવાનું જોખમ રહેશે અને પરીક્ષામાં હાજર કોઇ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હશે તો બીજા અનેક વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મૂકાઇ જશે. JEE અને NEETની પરીક્ષાઓમાં ૨૫ લાખ વિદ્યાર્થીઓ બેસવાના છે.

આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ માટે કોરોના સંક્રમણથી બચાવ કરવાની વ્યવસ્થા કરવી બહુ મુશ્કેલ કામ છે.  વળી દેશના અનેક રાજ્યોમાં અતિવૃષ્ટિની સ્થિતિ છે અને એ રાજ્યોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા માટે કેવી વ્યવસ્થા કરવામાં આવશે એ પ્રશ્ન છે. એવી વ્યવસ્થા ગોઠવવી પડશે કે વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાવાનો કોઇ ખતરો ન રહે. બીજું અઘરું કામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવાનું છે.

પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓના રોકાણ તેમજ અન્ય જરૂરી કામકાજ દરમિયાન કોરોનાના સંક્રમણથી મુક્ત રહેવા માટે પણ વ્યવસ્થા ગોઠવવી પડશે. પરીક્ષા કેન્દ્રોની પસંદગીથી લઇને પરીક્ષાર્થીઓના રોકાવાની વ્યવસ્થા અને તેમના પરિવહન માટે સુવિધાજનક રસ્તો કાઢ્યા વિના પરીક્ષાઓ યોજવી ભારે જોખમી છે. કારણ કે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવ્યો છતાં કોરોનાના કેસો ઘટવાના બદલે હજુ પણ વધી રહ્યાં છે. ગયા બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ બિનભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને JEE અને NEET પરીક્ષાઓ પાછી ઠેલવાની માંગ તેજ બનાવવાનું નક્કી કર્યું.

બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું કે વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં છે અને લૉકડાઉનના કારણે તેમના પરિવહનની વ્યવસ્થા પણ નથી. તેમણે કહ્યું કે પરીક્ષાઓ ટાળવા માટે મુખ્યમંત્રીઓએ સુપ્રીમ કોર્ટમાં જવું જોઇએ. મમતા બેનરજીએ કેન્દ્ર સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ પરેશાન છે તો કેન્દ્રની મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પીટીશન કરવી જોઇએ. સોશિયલ મીડિયા પર પરીક્ષાઓ પાછી ઠેલવાના અભિયાન ચાલી રહ્યાં છે. પર્યાવરણ માટે લડતી આંતરરાષ્ટ્રીય એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે પણ પરીક્ષાઓ ટાળવાને સમર્થન જાહેર કર્યું હતું.

બીજી બાજુ શિક્ષણ મંત્રી રમેશ પોખલિયાલ નિશંકનું કહેવું છે કે સરકાર માટે વિદ્યાર્થીઓની સલામતી સૌથી અગત્યની છે. વિદ્યાર્થીઓના પરિવહનમાં કોઇ સમસ્યા ન આવે એટલા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ વૈકલ્પિક પરીક્ષા કેન્દ્ર આપ્યા છે. તેમણે કહ્યું કે દરેક કેન્દ્ર પર ૧૦૦થી ૧૫૦ વિદ્યાર્થીઓ હોય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. પોખરિયાલનો દાવો છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓનું જ દબાણ હતું કે પરીક્ષાઓનું સત્વરે આયોજન કરવામાં આવે. વિદ્યાર્થીઓ તેમના ભવિષ્યને લઇને ચિંતિત છે એટલા માટે સરકારે પરીક્ષાનું આયોજન કર્યું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ JEE અને NEET પરીક્ષાઓ યોજવાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. એનટીએનું કહેવું છે કે NEET અને JEE પરીક્ષાના કેન્દ્રો વધારવાથી લઇને, એક સીટ છોડીને વિદ્યાર્થીને બેસાડવા અંગે તેમજ એક વર્ગમાં ઓછા પરીક્ષાર્થીઓ રાખવા માટે અને વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ નિકાસ માટે અલગ વ્યવસ્થા જેવા પગલા લેવામાં આવશે.  આ તમામ પગલાં કોરોના મહામારી વચ્ચે પરીક્ષા યોજવાને લઇને જરૂરી છે.

એનટીએના જણાવ્યા અનુસાર JEEના પરીક્ષા કેન્દ્રોની સંખ્યા ૫૭૦થી વધારીને ૬૬૦ કરવામાં આવી છે. એ જ રીતે NEETના કેન્દ્ર ૨૫૪૬થી વધારીને ૩૮૪૩ કરવામાં આવ્યા છે. JEEની પરીક્ષા કમ્પ્યુટર પર લેવાય છે જ્યારે NEETની પરીક્ષા પરંપરાગત રીતે પર લેવામાં આવે છે. એનટીએના જણાવ્યા અનુસાર JEE મેઇન પરીક્ષા માટે શિફ્ટની સંખ્યા આઠથી વધારીને બાર કરી દેવામાં આવી છે.

 એના કારણે દરેક શિફ્ટમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧.૩૨ લાખમાંથી ઘટીને ૮૫ હજાર થઇ ગઇ છે. પ્રોટોકોલ અનુસાસ્ પરીક્ષા યોજવામાં ભાગ લેનાર સ્ટાફ અને પરીક્ષાર્થીઓ કેન્દ્ર પર પહોંચશે ત્યારે તેમનું ટેમ્પરેચર માપવામાં આવશે અને જો કોઇ પરીક્ષાર્થીમાં કોરોનાના લક્ષણ જોવા મળશે તો તેને અલગ રૂમમાં બેસાડવામાં આવશે. 

પરીક્ષા પાછી ઠેલવાને લઇને અનેક આઇઆઇટીના ડાયરેક્ટરોએ પણ પોતાનો અભિપ્રાય પ્રગટ કરતા વિદ્યાર્થીઓને નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર વિશ્વાસ રાખીને પરીક્ષામાં ભાગ લેવા અપીલ કરી છે.  તેમના મતે જો હવે પરીક્ષા પાછી ઠેલવામાં આવી તો નવી ટર્મ એક વર્ષ પાછળ ધકેલાઇ જાય એમ છે અને એ વિદ્યાર્થીઓ માટે જ નુકસાનકારક સાબિત થાય એમ છે. વળી મેડિકલ અને એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે બીજો કોઇ વિકલ્પ અજમાવવો પણ ઇચ્છનીય નથી કારણ કે એમ કરવાથી શિક્ષણની ગુણવત્તાને અસર થાય એમ છે. 

કોરોના મહામારીના કારણે દુનિયાભરના દેશોના જનજીવન અને વેપારધંધાને વિપરિત અસર થઇ છે. મોટા ભાગના દેશોએ લૉકડાઉનમાંથી બહાર આવીને જીવનને ગતિમાં લાવવાના પ્રયાસો આદર્યા છે પરંતુ હજુ જીવનગાડીની મૂળ ઝડપ પાછી ફરી નથી અને નજીકના ભવિષ્યમાં લોકોના જીવનોમાં જૂની રોનક પાછી ફરે એ શક્યતા પણ ઓછી છે. 

પરીક્ષાઓ યોજવી પણ જરૂરી છે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવા પણ જરૂરી છે. ઓનલાઇન પરીક્ષા લેવાનો એક વિકલ્પ છે પરંતુ દેશના ૭૦ ટકા ગરીબ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇનની સગવડ ધરાવતા કમ્પ્યુટર નથી. એવામાં ઓનલાઇન પરીક્ષાઓ યોજવી શક્ય નથી.

હકીકતમાં વિદ્યાર્થીઓ માટે આ ખરી દ્વીધાભરી પરિસ્થિતિ છે. સરકારે કોઇ એવો માર્ગ કાઢવો જોઇએ કે વિદ્યાર્થીઓનું વર્ષ પણ બચી જાય અને તેઓ કોરોનાના પ્રકોપમાંથી પણ બચી જાય. પરંતુ સરકારની સ્થિતિ કપરી છે કારણ કે કોરોનાનો પ્રકોપ ઘટાડવો સરકારના હાથમાં નથી. સરકારના હાથમાં માત્ર કોરોનાથી બચવા માટે સાવચેતીના પગલા ઉઠાવવાનો માર્ગ છે.

સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે પરીક્ષાઓ યોજવી જરૂરી છે કારણ કે કોરોનાના કારણે જીવન અટકાવી ન શકાય. એ ખરું કે જાન હે તો જહાન હે પરંતુ જાન માટે જહાન પણ જરૂરી છે. એટલા માટે બંને વચ્ચે સંતુલન સ્થાપવું જોઇએ અને દેશની નવી પેઢીના મનમાંથી કોરોનાનો ભય દૂર કરવો જોઇએ.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો