ચીન સાથેનો વિવાદ ઉકેલવા લશ્કરી વિકલ્પ જ બાકી રહ્યો છે?

- જાણકારોના મતે ચીન ભલે લદ્દાખમાં આક્રમક હોય પરંતુ તેનું ખરું નિશાન તો અરુણાચલ પ્રદેશ છે અને તાજેતરમાં ચીને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા તેના સરહદી વિસ્તારોમાંથી લોકોને હટાવવાના શરૂ કરી દીધાં છે તેમજ આ વિસ્તારમાં મિસાઇલો પણ ગોઠવી છે


ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદ ઉકેલવા માટે મંત્રણાના દોર ચાલી રહ્યાં છે ત્યારે ફરી વખત લદ્દાખના પેન્ગોંગ સરોવર વિસ્તારમાં ચીની સૈનિકોએ ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે. આશરે ૫૦૦ ચીની સૈનિકોએ વર્તમાન સ્થિતિ બદલવાની કોશિશ કરી પરંતુ ભારતીય જવાનોએ ચીનની ચાલબાજીને વેળાસર પકડી પાડીને ઘૂસણખોરીનું કાવતરું નિષ્ફળ કરી દીધું. જોકે આ બનાવ બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ઘણો વધી ગયો છે.

બે મહિના પહેલા પૂર્વ લદ્દાખમાં ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ૨૦ જવાનો શહીદ થયા બાદ બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોચી ગયો હતો. જોકે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોવલ અને ચીની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વાંગ યી વચ્ચેના વાર્તાલાપ બાદ ચીને પીછેહઠ કરવાની તૈયારી બતાવી હતી. ચીનની પીછેહઠ છતાં ભારતે સાવચેતી રાખી છે. કારણ કે આ પહેલી વખત નથી કે ચીને પીછેહઠ કરી હોય. અગાઉ દોકલામમાં પણ ચીને આવું જ કર્યું હતું.

એક તરફ મંત્રણા ચાલુ હોવા છતાં ચીન પોતાની હઠ છોડતું નથી અને પેન્ગોંગ સરોવરના વિસ્તારમાં આઠ કિલોમીટર અંદર ઘૂસીને ભારતીય સૈનિક ચોકી ચારથી આઠ સુધી આપણા સૈનિકોના પેટ્રોલિંગમાં અવરોધ ઊભા કરે છે. બંને દેશો વચ્ચેની લશ્કરી અને રાજદ્વારી મંત્રણા દરમિયાન ચીન તણાવ ઘટાડવાની વાતો તો કરે છે પરંતુ દરેક વાતચીત બાદ વર્તમાન સ્થિતિને બદલતું નથી અને દરેક વખતે કોઇક ને કોઇક બહાનુ કરીને પીછેહઠ કરવાનું ટાળ્યા કરે છે.

પેન્ગોંગ ખાતેની ચોકી નંબર ચાર પાસેથી પોતાના સૈનિકો પાછા લેવા માટે તેણે એવી શરત મૂકી કે ભારતે પણ નિયંત્રણ રેખાથી પોતાના સૈનિકો પાછા ખેંચવા પડશે. આ ચીનની દાદાગીરી જ છે કારણ કે મે મહિનાથી અત્યાર સુધીમાં ચીને અનેક ભારતીય ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરી છે. જેમાં અક્સાઇ ચીનની પાસે દેપસાંગ ક્ષેત્ર પણ સામેલ છે. આ વિસ્તારમાં ચીની સેના નિયંત્રણ રેખાથી ૧૮ કિલોમીટર અંદર સુધી આવી ગઇ છે.

પેન્ગોગ ક્ષેત્રમાં ફિંગર પાંચથી ફિંગર આઠ વચ્ચેના પાંચ કિલોમીટરના વિસ્તારમાં ચીની સેના ભારે શસ્ત્રસરંજામ સાથે મોજૂદ છે અને આ ક્ષેત્રમાં તે સ્થાયી કબજો જમાવવાની તૈયારીમાં છે.

હાલ ચીનનું વલણ જોતાં લાગતું પણ નથી કે તે આ ક્ષેત્રમાંથી પીછેહઠ કરે. જો લશ્કરી સ્તરની વાટાઘાટો અને રાજદ્વારી વાર્તાલાપથી પણ વિવાદ ન ઉકેલાય તો ભારત પાસે લશ્કરી કાર્યવાહી સિવાય બીજો કોઇ માર્ગ રહેતો નથી. ભારતીય સેનાની પણ જે રીતની તૈયારીઓ છે એ જોતાં સંકેત મળે છે કે ચીની સૈનિકોને ખદેડવા માટે ભારતીય સૈનિકો કાર્યવાહી કરી પણ શકે છે.

ચીનના સૈનિકો ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે એ પછી ચીન એવા ખુલાસા કરે છે કે તેના માણસો અજાણતા જ વાસ્તવિક નિયંત્રણ રેખા પાર કરીને ભારત તરફ આવી ગયા હતાં. પરંતુ ચીનની મથરાવટી જોતા તે ભૂલથી આમ કરતું હોય એ ગળે ઉતરે એવી વાત નથી. ચીનનો સરહદી ઉન્માદ સુનિયોજિત છે. તે કશું જ અજાણતા નથી કરતું.

દોકલામમાં ઘૂસણખોરી કરવા પાછળ પણ ચીનની વ્યૂહાત્મક નીતિ કારણભૂત હતી. ભારતની ધીરજની કસોટી લેવી, વ્યૂહાત્મક જગ્યાએ પોતાનું સૈન્ય નિયંત્રણ સ્થાપિત કરવું અને ભારત-ભૂટાન વચ્ચેના સંબંધો ખરાબ કરવા જેવા એક કરતા વધારે ઉદ્દેશો સાથે ચીને દોકલામમાં પગપેસારો કર્યો હતો. પરંતુ ભારતીય સેનાની મક્કમતાના કારણે ચીનના તમામ મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું.

ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે.

બંને દેશોના પ્રતિનિધિઓ છેલ્લા છ દાયકામાં જુદાં જુદાં સ્તરે કુલ ૪૫ વખત મંત્રણાના ટેબલ પર આવી ચૂક્યાં છે તેમ છતાં સરહદી વિવાદ ઉકેલાયો નથી. 

લદ્દાખમાં ઘૂસણખોરી કરીને પણ ચીન ફરી વખત ભારતની ધીરજ અને સહનશક્તિની પરીક્ષા લઇ રહ્યું છે. આ રીતે ચોરીછૂપીથી અન્ય દેશના પ્રદેશો ઉપર કબજો જમાવવાની વ્યૂહરચનાને સલામી સ્લાઇસિંગ કહેવામાં આવે છે. આ વ્યૂહરચનાનો પ્રયોગ કરવામાં ચીનને મહારથ હાંસલ છે અને માત્ર ભારતીય સરહદ જ નહીં, ચીની સમુદ્રમાં પણ તે આ જ વ્યૂહરચના હેઠળ અનેક પ્રદેશોને પોતાના કબજામાં લઇ રહ્યું છે.

ચીનની વ્યૂહરચના છે કે તે ગુપ્ત રીતે ક્ષેત્રીય ઘૂસણખોરી કરે છે અને જો બીજો દેશ એની આ હિલચાલ પ્રત્યે આંખ આડા કાન કરે તો તેનો પ્રદેશ પચાવી પાડે છે. આવા નાના નાના અતિક્રમણો દ્વારા ચીન યથાસ્થિતિ બદલવાની કોશિશ કરે છે. ઉપરાંત વાસ્તવિક પરિસ્થિતિ બદલીને નિર્માણ થયેલી નવી પરિસ્થિતિને હકીકત તરીકે સ્વીકારી લેવા દબાણ કરે છે. 

ઘણાં જાણકારોનું માનવું છે કે ચીન ભલે લદ્દાખમાં આક્રમક હોય પરંતુ તેનું ખરું નિશાન તો અરુણાચલ પ્રદેશ છે. તાજેતરમાં ચીને અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા તેના સરહદી વિસ્તારોમાંથી લોકોને હટાવવાના શરૂ કરી દીધાં છે.

એક તરફ લદ્દાખમાં એક કરતા વધારે મોરચે બંને દેશોની સેના વચ્ચે વિવાદ ચાલી રહ્યા છે અને ભારત લદ્દાખમાં ચીનના સૈનિકોને એપ્રિલ વખતની સ્થિતિ ફરી યથાવત્ કરવા માટે માંગ કરી રહ્યું છે ત્યારે ચીન અરુણાચલમાં તવાંગ પાસે પોતાની સૈન્ય સ્થિતિ મજબૂત કરી હ્યું છે. આ વિસ્તારથી થોડે જ દૂર તેણે મિસાઇલો પણ તૈનાત કરી છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે જ માહિતી આપી હતી કે ચીન ભારત અને ભૂટાન સરહદે રહેલા ૯૬ ગામના લોકોે બીજા વસાવી રહ્યું છે. આ લોકો માટે નવા ઘરો ઉપરાંત, વીજળી, પાણી અને ઇન્ટરનેટની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. અરુણાચલ ઉપરાંત દોકલામમાં પણ ચીને મિસાઇલો તૈનાત કરી હોવાના અહેવાલ છે.  હકીકતમાં ચીન અરુણાચલ પ્રદેશ પર પહેલેથી પોતાનો હક જમાવતું રહ્યું છે. ભારતના અરુણાચલ પ્રદેશને વિવાદાસ્પદ માને છે.

ખરેખર તો ચીન અરુણાચલને દક્ષિણ તિબેટ માને છે અને તિબેટ ઉપર તો ચીને વર્ષો પહેલા કબજો મેળવી લીધો છે. હકીકતમાં તિબેટી ધર્મગુરુ દલાઇ લામાનો જન્મ અરુણાચલના તવાંગમાં થયો હતો. ચીનનું કહેવું છે કે કમ સે તમ તવાંગ તો તેને સોંપી દેવું જોઇએ. ભારત ચીનની આ માંગ સાથે સંપૂર્ણ અસહમત છે. 

સરહદે અતિક્રમણ કરવાની સાથે સાથે ચીન ભારત સાથે મિત્રતાભર્યા વ્યૂહાત્મક વાર્તાલાપ પણ જારી રાખે છે. એક તરફ તે ભારતને પુરાણા મિત્ર અને વ્યાવસાયિક ભાગીદાર તરીકે સંબોધે છે અને બીજી તરફ અજાણતા જ ભારતની સરહદમાં ઘૂસણખોરી કરે છે. આ જ ચીનની ખરી રણનીતિ છે.

ભારત સાથેના સંબંધોમાં સ્થિરતા જાળવીને ભારતના બજાર સુધી પહોંચ બનાવવી અને સૈન્ય તાકાતના જોરે એશિયામાં પોતે બોસ છે એવું જતાવવા માંગે છે. હકીકત એ છે કે ચીનની સરહદી ગતિવિધિઓ ભારતીય નેતૃત્ત્વને પડકાર ફેંકવા માટે છે. સાથે સાથે ભારતના નાગરિકો અને દુનિયાને એવું દર્શાવવા માટે પણ છે કે ચીન પોતાની મનમરજીથી સરહદ પર હિલચાલ કરવા સમર્થ છે.

ખરેખર તો ચીનના અટકચાળાથી એવું પ્રતીત થાય છે કે ભારત સાથે સંબંધો સુધારવાની વાતો કરવાથી વિશેષ તેને કોઇ રસ નથી અને ભવિષ્યમાં પણ તે પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓ ત્યાગવા તૈયાર થાય એવું લાગતું નથી. તાજેતરમાં જ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે ચીન સાથેના સરહદી વિવાદનો વાટાઘાટો દ્વારા ઉકેલ ન આવ્યો તો લશ્કરી વિકલ્પ ખુલ્લો છે. ચીની સૈનિકોના અડપલાં જોતાં લાગતું નથી કે વાટાઘાટો દ્વારા સરહદી વિવાદનો ઉકેલ આવે. એ સંજોગોમાં લાગે છે કે ચીન સામે લશ્કરી વિકલ્પ જ અજમાવવો પડશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો