બિડેન-હેરિસઃ ભારત-યુએસના સંયુક્ત હિતો
કોવિડની રસી પછી અત્યારે સૌથી વધુ જો કોઈ ચીજનો ઇન્તેજાર કરવામાં આવી રહી હોય તો તે અમેરિકાની પ્રમુખીય ચૂંટણી છે. તે વિશ્વ રાજનીતિનું એપિસેન્ટર છે. યુએસમાં કોણ ચૂંટાશે તેના આધારે જ આગામી ચાર વર્ષના વર્લ્ડ પોલિટિક્સની દશા અને દિશા નક્કી થશે. દરેક દેશ અમેરિકાની ચૂંટણીને પોતાની દૃષ્ટિથી જોતો અને મૂલવતો હોય છે તો આપણે કેમ બાકાત રહીએ? ડોનલ્ડ ટ્રમ્પ અને માઇક પેન્સની જોડી વિજેતા બનશે તો છેલ્લા ચાર વર્ષમાં જે જોવા મળ્યું છે તેની જ બીજી સિઝન રિલીઝ થવાની. તમે તેને ટુ બી કન્ટિન્યુડ પણ કહી શકો, પણ જો બિડેન અને કમલા હેરિસની જોડી સત્તામાં આવી તો? આ વિષય પર મસ્તિષ્ક-મંથન કરવાની લાલસા રોકી શકાય એમ નથી.
સૌપ્રથમ વાત અમેરિકામાં વસતા ભારતીય સમાજની. ડોનલ્ડ ટ્રમ્પ અને જો બિડેન વચ્ચે અમેરિકન ભારતીયોને રિઝવવા માટે હોડ મચી છે. હાઉડી મોદી, નમસ્તે ટ્રમ્પ ઇવેન્ટ અને તેના વિઝ્યુઅલ્સનો ચૂંટણીમાં ઉપયોગ તેનો દૃશ્યશ્રાવ્ય પુરાવો છે. બિડેન પણ તેમના પ્રચારમાં ભારતીય મૂળના અમેરિકી નાગરિકોને આકર્ષી રહ્યા છે. મોદીસાહેબ હ્યુસ્ટન ગયા ત્યારે ભલે અબ કી બાર ટ્રમ્પ સરકાર કહી આવ્યા હોય, કિન્તુ સમજાદાર એવો ભારતીય મૂળનો અમેરિકન ટ્રમ્પને મત આપવાનો નથી. ન જ આપવો જોઈએ.
ટ્રમ્પના ભારત સાથેના સંબંધો એક હાથ દે, એક હાથ લે જેવા પ્રોફેશનલ રહ્યા છે તો અમેરિકામાં વસતા ભારતીયો પ્રત્યે તથા અમેરિકામાં કામ કરતા ભારતીયો પ્રત્યે તેમની નીતિ ભેદભાવ ભરી રહી છે. તેની સામે બિડેન સહિષ્ણુ છે. તેમનો પક્ષ ડેમોક્રેટ સહિષ્ણુ છે. અમેરિકામાં વસતા ભારતીય મૂળના કમલા હેરિસને ઉપપ્રમુખ પદના ઉમેદવાર જાહેર કરીને તેમણે પોતાની સહિષ્ણુતા અને ઉદારતાનું ઑબામા બ્રાન્ડ પ્રૂફ પુનઃ એક વખત આપી દીધું છે.
ઑબામાના રાષ્ટ્રપતિ બનવા પછી અમેરિકાના એક સમુદાયના મનમાં શૂળ ઊપડેલું.- આ કાળિયો અમારો પ્રમુખ શી રીતે બની શકે? જેમ-જેમ સમય વીતતો ગયો તેમ-તેમ આવા અસંતોષીઓ, આવા પીડિતો વધતા ગયા અને જન્મ થયો ડોનલ્ડ ટ્રમ્પનો. ટ્રમ્પનું સત્તામાં આવવું એ અમેરિકામાં ફરીથી માથું ઊંચકનારા શ્વેત શ્રેષ્ઠતાવાદની જીત હતી. શ્વેત શ્રેષ્ઠતાવાદીઓ, વાઇટ સુપ્રિમસિસ્ટ એટલે એવા લોકો જે એમ માને છે કે ગોરી ચામડીવાળા લોકો દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે, સૌથી ઊંચા છે.
ટ્રમ્પ આ લોકોનું પ્રતિનિધિત્વ કરતા રહ્યા છે. પહેલા લાગતું હતું કે તેઓ અમેરિકાના બિઝનેસમેનોના પ્રતિનિધિ છે. હવે એ ધારણા ખોટી પડી ચૂકી છે. કેમ કે તેમણે લીધેલા નિર્ણય અમેરિકામાં વેપારનો વિકાસ કરવાના બદલે હવનમાં હાડકાં રૂપ સિદ્ધ થઈ રહ્યા છે.
એક-બે ખોટા નિર્ણયો કોઈ પણ રાજનેતા લઈ શકે. ટ્રમ્પે એકધારા અને અવિરત ખોટા નિર્ણયો લીધા. ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ તોડી નાખી, પેરિસ કરારમાંથી ફગી ગયા, નાટોના સાથી દેશોને ઊંચકાવ્યા, ઉત્તર કોરિયા અને રશિયા સાથેના સંબંધો સુધારવાની કોશિશ કરી, યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશનની મજાક ઉડાવી, ચીન સાથે ટ્રેડ વૉર છેડયું, ઈરાન સાથેનો પરમાણું કરાર તોડી નાખ્યો, ક્યૂબા સાથેના સુધારેલા સંબંધો પાછા બગાડયા.
ન કરવાના બધા જ ઊંધા કામ કર્યા. આ બધા નિર્ણયોની તાસીર ટેકનિકલ હોવાથી હજુ બધાને સમજ પડે નહીં, પરંતુ કોરોનાને નાથવામાં તેમણે જે પંગુતા દર્શાવી તેનાથી આખી દુનિયામાં મહાસત્તાની મૂછ નીચી થઈ ગઈ. ભારે ફજેતો થયો. અમેરિકાના નાગરિકો કમસેકમ આ મુદ્દે ટ્રમ્પથી ભયંકર નારાજ છે. કોવિડ બાદ જે નોકરીઓ ગઈ છે, જે મંદી આવી છે તેનાથી ખિજાયેલા છે.
ટ્રમ્પ માત્ર રાષ્ટ્રવાદી અને નસ્લવાદી ભાવનાના જોરે પ્રમુખ બનેલા. એ સિવાય પ્રમુખ બનવાની તેમનામાં બીજી કોઈ આવડત નહોતી. ને એ પુરવાર પણ થઈ ગયું તેમની વહીવટી અણઆવડતથી. સાબિત થઈ ગયું કે આવડતવાળા હોવું અને આવડતવાળા દેખાવાનો પ્રયત્ન કરવો એ બંનેમાં અંતર છે.
જો કોરોના આવ્યો ન હોત તો હજુ પણ ટ્રમ્પ જ સત્તારુઢ થાત. કેમ કે અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ પ્લસ વિદેશી મૂળના અમેરિકી પ્રત્યેનો દ્વેષ પ્રતિદિન વધતો જાય છે અને તેનો ફાયદો ટ્રમ્પને મળ્યો છે. શ્વેત ચામડીવાળા શ્રેષ્ઠ અને બીજા કનિષ્ઠની ભાવના પણ વધતી જતી હોવાથી તેનો ફાયદો પણ ટ્રમ્પને મળ્યો છે, પરંતુ કોરોનાએ તેની રાજકીય અણઆવડત છતી કરી દેતા હવે તેમના ફેંકાઈ જવાની અને બિડેન-હેરિસ બેલડીની ચૂંટાઈ જવાની સંભાવના વધી ગઈ છે.
ડોનલ્ડ ટ્રમ્પના તઘલખી નિર્ણયો ભારતને પણ એટલા જ નડયા છે. ભારત સાથે પણ ટ્રેડ વૉર છેડીને દ્વિપક્ષીય સંબંધોનો અંત આણવાની ધમકી આપેલી. એચવનબી વિઝાથી હાઇડ્રોક્લોરોક્વિન સુધી બધા મુદ્દે ટ્રમ્પે આપણું નાક દબાવવાનો પ્રયાસ કરેલો. જો બિડેન આ બાબતમાં ટ્રમ્પ કરતા ઘણા બધા સમજદાર દર્શાઈ રહ્યા છે. ટ્રમ્પની આઇસોલેશનિસ્ટ રાજનીતિને કારણે વિશ્વ રાજકારણમાં જ્યાં પણ યુએસ નિષ્ક્રિય બન્યું ત્યાં ચીને પેશકદમી કરી લીધી છે. આ વિસ્તારવાદ જમીન પડાવવા કરતા પણ વધારે ખતરનાક છે.
ભારત અને અમેરિકાના સંબંધો અગાઉ કરતા ઘણા મજબૂત છે. બદલાતા વૈશ્વિક પરિદૃશ્યોમાં (વાંચો ચીનની શક્તિ વધી રહી છે એવા સમયમાં) આપણે ટ્રમ્પના ખરાબ વ્યવહારવાળો ભૂતકાળ ભૂલીને આગળ વધવું રહ્યું. જો બિડેન અને કમલા હેરિસના શાસનમાં એ અવકાશ ઊભો થશે.
હાલ બંને દેશો વચ્ચે ૧૦૦ અબજ ડોલરનો વ્યાપાર છે. માઇક્રોસોફ્ટ, ગૂગલ, વોલમાર્ટ, ઉબર અને એમેઝોન સહિત ૬૦૦ અમેરિકન કંપનીઓ હાલ ભારતમાં કાર્યરત છે. એપલ નવા આઇફોન ભારતમાં ઉગાડવાની યોજના ઘડી રહ્યું છે. ભારતમાં અમેરિકાનું રોકાણ દિવસ-રાત વધતું જાય છે.
અમેરિકા માટે ભારત ઇમ્પોર્ટન્ટ હોવાના કારણો છે. તે બીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવે છે. પીપીપી (પર્ચેસિંગ પાવર પેરિટી)ની દૃષ્ટિએ દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દુનિયામાં ચોથા ક્રમની સૌથી મજબૂત સેના ધરાવે છે.
અમેરિકા-ભારત બંનેને એકબીજાની જરૂર શામાટે છે તેનું ગણિત હવે આવે છે. ૨૦૫૦માં ચીન ૧૦૬ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે દુનિયાની નંબર વન ઇકોનોમી બની જશે. ૨૦૩૦માં ચીનની ઇકોનોમી વૈશ્વિક ઇકોનોમીના ૨૦ ટકા હશે. અમેરિકા બીજા ક્રમે આવી જશે અને ભારત ત્રીજા. અત્યારે જાપાનની જીડીપી દુનિયામાં ત્રીજા ક્રમે સૌથી મોટી છે તે ૨૦૫૦ સુધીમાં સાતમા ક્રમે પહોંચી જશે. એ સમયે ભારત, અમેરિકા અને જાપાન ત્રણેની જીડીપી મળીને વૈશ્વિક જીડીપીના ૩૫ ટકા થઈ જશે.
ત્યારે જો ત્રણે દેશો સાથે હશે તો ચીન ત્રણમાંથી એકેને પડકારવા સમર્થ રહેશે નહીં. બિડેન-હેરિસ દૂરંદેશીવાળા નેતા છે. તેઓ આ આખું ગણિત સમજે છે એટલે બેશક તેમની સરકાર આવવાથી વિશ્વ રાજનીતિમાં આપણા હિતો મજબૂત બનવાની પ્રોસેસ વધારે સરળ, વધારે સહજ બનશે તેવી આશા છે.
ટ્રમ્પ ઇરાન સાથે સંબંધો બગાડતા આપણે સુધારેલા સંબંધો બગાડવા પડયા અને તેનો ફાયદો ચીન ઉઠાવી ગયું. ટ્રમ્પની ખાબોચિયામંડુક દૃષ્ટિને કારણે વિશ્વ રાજનીતિમાં આપણું એટલું ઊપજી રહ્યું નથી જેટલું આપણું સામર્થ્ય છે. બિડેન અને હેરિસના આવવાથી એ ઉપક્રમ તૂટશે એવું લાગી રહ્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચે ઘણી સમાનતા છે. ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયેલો દેશ છે અને અમેરિકા પણ. ભારત લોકતાંત્રિક છે અને અમેરિકા પણ. ભારત મુક્ત બજારવાદમાં માને છે અને અમેરિકા પણ. ભારત મલ્ટી કલ્ચરલ છે અને અમેરિકા પણ. ઘણી બધી બાબતો એવી છે જેમાં ભારત અને અમેરિકા જ એકબીજાના પૂરક બની શકે છે.
ટ્રમ્પના શાસનમાં અમેરિકાના પૂરક બનવામાં આપણે ઘણું બધું ઘસાવું પડયું છે. બિડેન અને હેરિસની રાજકીય સમજ વધારે ગહન અને ઉદારવાદી હોવાથી ભારતને તેમના આવવાથી આ ઘસાવું ઉજળા થવા રૂપે ઉગી નીકળશે તેવો આશાવાદ ખોટો નહીં નીવડે.
Comments
Post a Comment