મચ્છરના ચટકાથી, મહિલાના લટકાથી, મોંઘવારીના ઝટકાથી, મહામારીના ફટકાથી
સચરાચરમાં જ્યારે વ્યાપે મચ્છરાચર ત્યારે શું થાય? વ્યાજમાં જેમ ટકા ગણાય એમ મચ્છરના ચટકાગણાય. મહામારીમાં પ્લાઝમા મેળવવા રક્તદાનની અપીલ કરવી પડે જ્યારે મચ્છરો વરગ પૂછયે આપણું રક્ત ચૂસીને જાન ખાઈ જાય. રક્તદાન અને આ રક્ત-જાન કહેવાય. રક્તદાન માટે જાગૃતિ ઝુંબેશ ચલાવવી પડે જ્યારે રક્ત-જાનમાં તો મચ્છરો ચટકા ભરી ભરી આખી રાત જગાડે.
રાજા હોય કે રંક, મચ્છ માટે ડંખ. ઊંચ-નીચનો કોઈ ભેદભાવ નથી રાખતા મચ્છરો. મને તો લાગે છે કે આગલા જન્મમાં ગરીબોનું લોહી ચૂસનારા શાહુકારો આ જન્મમાં મચ્છર બનીને અવતરતા હશે. ભારતમાં ગણતંત્ર છે જ્યારે કાકામાં ગણ... ગણ... ગણ કરી પ્રજાને જગાડતા મચ્છરોની આલમમાં ગણ-ગણ-તંત્ર છે.
સચરાચરમાં વ્યાપેલાં મચ્છરાચરના વિચારો મગજમાં ભમતા હતા ત્યારે હું આજે કાકાના ઘરને ઓટલે પહોંચ્યો. કાકા અને કાકી સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવીને બેઠા હતા. કાકી ચણભણતા હતા અને કાકા ધોતિયું જરા ઊંચું કરીને ખણતા હતા. મને જોતાવેંત કાકી તાડૂક્યા કે 'આ તારા કાકાને હવે તું જરા સમજાવ તો ખરો? કોરોનાનો કાળમુખો કાળ હજી વિત્યો નથી એમાં મચ્છરોને લીધે મલેરિયા અને બીજી બીમારીઓએ પણ માથું ઊંચક્યું છે.
આ તારા કાકાને કહી કહીને થાકી કે ધોતિયામાં અડધા પગ ઊઘાડી બેસો છો એમાં જ મચ્છો ચટકાં ભરે છે. એના કરતાં લેંઘો પહેરોને? પણ માને તો કાકા નહીં. બસ બેઠાં બેઠાં પગે ને હાથે મચ્છરના ચટકાં ખાઈ ખંજવાળ કર્યા જ કરે છે... કર્યા જ કરે છે. હે મારા 'ખણેશજી' હવે તો હાઊં કરો?'
રેડિયો 'કાકીસ્તાન'નું આ બુલેટીન પુરૂં થયું ત્યારે કાકા નકટાઈથી બોલ્યા જો સાંભળ મચ્છર, મહામારી, મલેરિયા, માંદગી અને મોંઘવારી એ મ...મ... મ... એટલે સિંહ રાશિ બરાબરને? એટલે આ સિંહ રાશિથી સહુ ગયા છે ત્રાસી. અને એક 'મ'થી વિપક્ષો ગયા છે ત્રાસી.
મેં કહ્યું 'કાકા મલેરિયાના વાયરા છે એ ખબર નથી? તો પછી શું કાકા કાકીનું માનીને લેંઘો પહેરીને નથી બેસતા? નાહક શું કામ ચટકાં સહન કરો છો?' ખોંખારો ખાઈ કાકાએ જવાબ આપ્યો કે 'જો સાંભળ લોકડાઉનમાં કંઈક પ્રવૃત્તિ તો રહેવી જોઈએ કે નહીં? ઘરે બેઠા બેઠા હું બે પ્રવૃત્તિ કરું છું, એક તો મચ્છરના ડંખ ખણવાનું અને આ તારી કાકીના મ્હણાં-ટોણાં ગણવાનું બાકી તો મનેય ખબર છે કે ચારથી બચવામાં જ સાર છે, એક તો મહિલાના લટકાથી, મચ્છરના ચટકાથી, મહામારીના ફટકાથી અને મોંઘવારીના ઝટકાથી.
મેં કહ્યું ને કે મચ્છરોનાં ત્રાસને લીધે આ દેશ ગણ-તંત્રની સાથે મચ્છરોના ગણ-ગણ તંત્રમાં ફેરવાઈ ગયો છે. મચ્છરોને વાદે આ દેશના કંઈક નેતાઓ પ્રજાનું લોહી પીતા શીખી ગયા છે. જનતાનું ખિસ્સું ખાલી કરીને કમાતા અને લોહી પીતા નઠારા નેતાઓન જોઈ ફિલ્મી ભજન જરા ફેરવીને ગાવું પડે છે: તુમ્હી ક-માતા 'પીતા' તુમ્હી હો, તુમ્હી હો ગંદુ ડખા તુમ્હી હો...
ગામમાં તો કોરોનાના ઉપદ્રવ વચ્ચે ડેંગ્યુ અને મલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ વધતા સુધરાઈવાળા લોકોને ચેતવવા નીકળી પડે છે કે 'ચોખ્ખું પાણી ભરી ન રાખો, ઢોળી નાંખો.' આ સાંભળી પથુકાકા તાડુક્યા કે તમે ચોખ્ખું પાણી આપો છો જ ક્યાં તે અમે ભરી રાખીએ?'
મચ્છરાયણને મેં જરા રાજકીય વળાંક આપતા કહ્યું કે 'કાકા ચોખ્ખા પાણીમાં મલેરિયા અને ડેંગ્યુના મચ્છર થાય અને કાદવ-કિચડવાળા મેલા પાણીમાં કમળ થાય બરાબરને?
મારી વાતનો તંતુ બરાબર પકડી કાકા બોલ્યા કે આ કોંગ્રેસીઓ સમજ્યા વિના સતત કાદવ ઊછાળવામાંથી ઊંચા ન આવ્યા એમાં જ કેન્દ્રમાં કમળ ખીલ્યું ને? વાતમાંને વાતમાં કાકાને બે ત્રણ મચ્છરે ચટકા ભર્યા એટલે કાકાએ સાથળ ઉપર હાથથી જોરદાર ટપાકો મારી ઢાળી દીધા. પછી કહે કે આ મચ્છરના ચટકા સહીને મને જ્ઞાાન લાધ્યું છે કે જે ડંખીલા હોય તેમાંથી આઘા રહેવું, પછી એ ભલે મચ્છર હોય કે માણસ હું તો કહું છું ને મહાત્માઓ જેમાં સફળ નથી થતાં એમાં મચ્છરો સફળ થાય છે બોલ!' મેં પૂછ્યું 'એવું કયું કાર્ય છે જે પાર પાડવામાં મહાત્માને મુશ્કેલી પડે છે જ્યારે મચ્છરો આસાનીથી કરે?' ત્યારે કાકા બોલ્યા 'લોકોને જગાડવાનું'. એટલે જ હું બધાને મૂકમ કરોતી વાચાલમ... આ સંસ્કૃત શ્લોકને આધારે જરા ફેરવીને બનાવેલો અસંસ્કૃત શ્લોક સંભળાવું છું.
મચ્છર કરોતી ચટકાણમ્
મુખમ કાનમ તે ગીરમ્
તત કૃપા હે મચ્છરમ્
જાગત જાગત તવ કરમ્.
મેં કાકાને દાદ આપી એટલે એમને વળી મચ્છરાયણ આગળ વધારવાનો ઔર જુસ્સો ચડયો. કાકા બોલ્યા કોણ શેનાથી પરખાયખબર છે? ખે-લાડી ફટકાથી, લાડી લ-ટકાથી, જુગારીઓ મટકાથી અને ડંખીલા મચ્છરો જોરદાર ચટકાથી. એટલે જ કજરારે... કજરારે એ ગીત ફેરવીને ગાવાનું મન થાય ચટકા રે ચટકા રે... મને વારે વારે મારે... ચેપના ચટકાને લીધે જ (આ ગીત પડદા પર ગજાવનાર) બચ્ચન ત્રિપુટીએ હોસ્પિટલમાં જવું પડયું હતુંને? મહામારીથી સાવધ રહેવાની ચેતવણી આપતા મહાનાયકે ખુદ મહામારીના સપાટામાં આવી લાંબી સારવાર લેવી પડી.
અગાઉ બિગ-બીના જુહુના જૂના બંગલા પાસેથી મોટું નાળું વહેતું. તેને લીધે મચ્છરોનો ત્રાસ ખૂબ થતો હોવાથી અમિતાબ બચ્ચને પાલિકામાં ફરિયાદ કરવી પડતી કારણ મચ્છરની નજરમાં સહુ સમાન હોય છે, પછી એ મજૂર હોય કે મહાનાયક. બિગ-બી હાથ ઉપર મચ્છર બેસે એને જોઈ ગાઈ ન શકે કે: અરે દિવાનો મુઝે પહેચાનો... મેં હું કૌન... મેં હું કૌન...બહુ બહુ તો ભરેલા નાળામાં પેદા થતા મચ્છરોના ચટકા પર હાથ ફેરવી ગાઈ શકે: ઓ દુનિયા કે રખવાલે... સુન દર્દ ભરે મેરે 'નાલે' સુન દર્દ ભરે મેરે 'નાલે'... નાળા ભરાયેલા હોય ત્યારે સુધરાઈવાળા ન સાંભળે ત્યારે ભગવાનને જ યાદ કરવા પડેને?
લોકડાઉન શરૂ થયા પહેલાં સૌરાષ્ટ્રના પ્રવાસે જવાનું થયું. એક પાર્ટી પ્લોટની બહાર બોર્ડ માર્યું હતું. 'માંકડ, મંકોડી અને મચ્છર પરિવારનું મિલન.' આ બોર્ડના લખાણની વાત કોણ જાણે મચ્છરવેગે ફેલાઈ ગઈ. સુધરાઈના આરોગ્ય ખાતાના માણસો જંતુનાશક દવાનો છંટકાવ કરવા દોડાદોડ પહોંચી ગયા જેવાં મંડપમાં દાખલ થયા કે રેશમી અબોટિયાં પહેરીને ફરતા હટ્ટાકટ્ટા સ્વયંસેવકોએ એમને અટકાવ્યા. દવા છાંટનારી ટુકડીના મુકાદમનો કાન પકડી એક સ્વયંસેવક બરાડયો કે જંતુનાશક દવા છાંટવા શું દોડી આવ્યા છો? આ અમારી નાગર જ્ઞાાતિના માંકડ,મચ્છર અને મંકોડી પરિવારનું સ્નેહ મિલન છે, મચ્છરનો ઉપદ્રવ નથી સમજ્યા?' મચ્છરનો મુદ્દો આવે એટલે તું આ ચટક-ચટકની વાત ફરી ટાંકવાનું ભૂલતો નથી કેમ? કાકાએ કહ્યું.
મેં કહ્યું આ તો ભાઈ અમારી નાગર જ્ઞાાતિની અમુક અટક હોય જરા હટકે એટલે ચટકે. બીજું કાંઈ નહીં. માંકડ, મચ્છર, મંકોડી ઉપરાંત હાથી અને ઘોડા અટક પણ હોય હો? થોડાં દિવસ પહેલાં નાગરબંધુની કંકોતરી આવી એમાં લખ્યું હતું કે કાનપુરના હાથી પરિવારના સુપુત્રના લગ્ન માંગરોળના મચ્છર પરિવારની સુપુત્રી સાથે નિધાર્યા છે. આ વાંચી વિચાર આવ્યો કે હૈ ભગવાન કાનપુરના હાથીના કાનમાં મચ્છર જાય તો શું થાય?
મચ્છરો માણસની જેમ પ્રાંતવાદ નડતો નથી એ તો ગમે ત્યાં પહોંચી જઈ લોહી પીવે છે. એટલે જ મચ્છરોની આ મચ્છરાયણને લગતા દુહા લલકારવાનું મન થાય:
મારા કાઠિયાવાડમાં કોક દિ'
તું ભૂલો પડ ભગવાન
ને થાને મારો મેમાન
તને મચ્છરદાની બંધાવું શામળા.
કોઈ પણ નગર કે મહાનગને મચ્છરો મહામચ્છરનગરમાં ફેરવી નાંખે છે. બગીચામાં બટરફલાય અને ગંદી ગટરોમાં ગટર-ફલાય બણબણે છે. આપણે ત્યાં જેમ ઘણાં જમીને જ્યુસ પીવા નીકળે છે. એમ મચ્છરો સપરિવાર બ્લડ-જ્યૂસ પીવા નીકળે છે.
સુભાષચંદ્ર બોઝે દેશ પરતંત્ર હતો ત્યારે હાકલ કરી હતી કે 'તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા...' જ્યારે આજે મચ્છરે હિન્દ સેના નવો નારો કાનમાં ગણગણે છે. તુમ મુઝે ખૂન દો... મૈં તુમ્હે બીમારી દૂંગા...
આપણામાં આજે સ્ત્રી-પુરૂષ સમાનતાનો પવન ફૂંકાય છે. પણ મચ્છરોમાં એવું નથી અમુક જાતિના મચ્છરો એવાં છે જેની માદાની ડંખ મારવાની શક્તિ તેજ હોય છે આ જ કારણસર માદા મચ્છરનીસૂંઢ નર મચ્છર કરતાં જરા લાંબી અને અણીદાર હોય છે. આપણાંમાંય કોઈ ઘરના દુ:ખીયા હોય તેણે વહુના લટકા નહીં પણ ચટકા સહન કરવા પડે છે.
એટલે જ કહું છું ને કે બહાર પુરૂષ ગમે એટલી દાદાગીરી કરતો હોય પણ ઘરમાં 'માદા-ગીરી' સહન કર્યા વિના છુટકો જ નથી હોતો. કારણ મચ્છરાણી હોય કે મહિલા, આ પતિવ્રતાઓ કે આ-પતિવ્રતાઓ કાયમ કરડવા-ચોથનું વ્રત પાળે છે.
મને તો જ્યારે જ્યારે જૂની ફિલ્મનું ગીત સાંભળું : પંખ હોતી તો ઉડ આતી રે... ત્યારે કોણ જાણે માદા મચ્છરાણી જ યાદ આવે જે ગણગણતી હશે: ડંખ દેતી મેં ચટકાતી રે (વાઈ) રસિયા ઓ જાલીમા... એવું છે કે મચ્છર પંખથી ઉડે અને ડંખથી બીજાને ઉડાડે વળી કેટલાકને તો કાયમ માટે ઉડાડી દે હો?
મહામારી ફેલાવતા વિષાણુઓને અને માંદગી ફેલાવતા મચ્છરોએ એવો કેર વર્તાવ્યો છે કે વાત ન પૂછો. મનમાં એવો ડર પેસી ગયો છે કે કોઈ થેન્કયુ કહે તો પણ ડેન્ગયુ જ સંભળાય. રિક્ષાવાળાને પાકિટ ફંફોસી છૂટા પૈસા આપવાની કોશિશ કરીએ ત્યારે ભલો રિક્ષાચાલક કહે કે ભલે-રિયા... ત્યારે કોણ જાણે મલેરિયા સંભળાય.
ભલભલા ભડવીરો ભલે ખોંખારો ખાઈ મૂછે તાવ દેતા હોય, પણ આવાં તો કંઈક મરદ મૂછાળાને ઝીણકા મચ્છરો 'તાવ' દઈ તોડી નાંખે છે. પથુકાકા કાયમ કહે છે કે ભલભલા વરને કે જોરાવરને તાવ દેવાની તાકાત મચ્છર સિવાય બીજા કોની પાસે છે?
અંત-વાણી
કોરોનાની બલિહારી નગરમાં
સાવચેતી દેખાય હેરફરમાં
મૂષક ભરાય જેમ દરમાં
એમ માનવ ગોંધાયા ઘરમાં.
Comments
Post a Comment