દિલ્હીની વાત : શાહના માનીતા અધિકારીની રાતોરાત બદલી


શાહના માનીતા અધિકારીની રાતોરાત બદલી

નવીદિલ્હી, તા.29 ઓગસ્ટ 2020, શનિવાર

દિલ્હીનાં તોફાનોની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ના વડા રાજેશ દેવની અચાનક બદલી ચર્ચાનો વિષય બની છે. દેવ દિલ્હી ક્રાઈમ બ્રાંચમાં ડીસીપી હતા. હવે તેમને લીગલ સેલમાં ડીસીપી બનાવાયા છે કે જ્યાં કશું કરવાનું હોતું નથી. દેવની છાપ ભાજપના અને ખાસ તો અમિત શાહના માનીતા અધિકારી તરીકેની હતી. તેમની રાતોરાત બદલીએ ભાજપને પણ આશ્ચર્યમાં મૂકી દીધો છે.

દેવે  શાહીન બાગમાં સીએએ વિરોધી દેખાવકારો પર ગોળીબાર કરનારો કપિલ ગુજ્જર કેજરીવાલની પાર્ટીનો હોવાનો ધડાકો કરીને ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં ફાયદો કરાવવા પ્રયત્ન કર્યો હતો. જેએનયુના શરજીલ સામેના રાજદ્રોહના કેસ તથા જામિયા મિલિયાનાં તોફાનો સહિતના સંવેદનશીલ તમામ કેસોની તપાસ દેવ પાસે હતી તેના પરથી જ તે ભાજપ સરકારના કેટલા પ્રિય હશે તેનો અંદાજ આવી જાય.

આ બધી સેવા બદલ દેવને ૧૫ ઓગસ્ટે હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશનથી નવાજાયા હતા. હવે અચાનક તેમને ફાલતુ જગા પર મૂકી દેવાતાં લાગી રહ્યું છે કે, મોદી સરકારમાં ઓલ ઈઝ નોટ વેલ.

હઝારેના પત્રના બહાને મોદી સરકારની ધોલાઈ

દિલ્હી ભાજપ પ્રમુખ આદેશ ગુપ્તાના દોઢ ડહાપણથી ભાજપ હાઈકમાન્ડ નારાજ છે. ગુપ્તાએ અણ્ણા હઝારેને અરવિંદ કેજરીવાલ સરકાર સામેના જન આંદોલનમાં જોડાવા પત્ર લખ્યો હતો. ગુપ્તાએ કેજરીવાલ સરકારને સામાજિક, રાજકીય અને આથક ભ્રષ્ટાચારનો નવો ચહેરો ગણાવી હતી.

હઝારેએ પહેલાં જ આ આંદોલનમાં જોડાવા ઈન્કાર કરી દીધો હતો. હવે તેમણે ગુપ્તાને ઉદ્દેશીને પત્ર લખ્યો છે તેમાં ભાજપનાં છોતરાં ફાડી નાખ્યાં છે.  હઝારેએ લખ્યું છે કે, ભાજપ ૨૦૧૪માં લોકોને ભ્રષ્ટાચારમુક્ત ભારતના સપના બતાવીને સત્તામાં આવેલો પણ છ વર્ષમાં લોકોની તકલીફો ઓછી થઈ નથી. તેમણે ભાજપને હરીફોના દોષ જોવાના બદલે આત્મનીરિક્ષણ કરીને પોતાની ખામીઓ શોધવાની પણ સલાહ આપી છે.

હઝારેએ બીજી પણ ઘણી કડવી વાતો લખી છે અને કટાક્ષ પણ કર્યા છે. હઝારેના આ પત્રને દેશભરના મીડિયાએ ચમકાવ્યો છે ને હઝારેના બહાને બરાબર હાથ સાફ કરી લીધો છે. તેના કારણે ભાજપ સરકાર પણ નિષ્ફળ છે એવો મેસેજ ગયો છે ને ભાજપની આબરૂનો ધજાગરો પણ થયો છે.

રાવે ભાજપ-કોંગ્રેસ પાસેથી નરસિંહરાવને ખૂંચવી લીધા

તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે ભાજપનો દાવ અજમાવીને ભાજપ અને કોંગ્રેસ બંનેની હાલત બગાડી નાંખી છે. કોંગ્રેસે અવગણેલા સરદાર વલ્લભભાઈ પટેલના નામનો ભાજપ ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે એ  રીતે રાવે નરસિંહરાવનું નામ વટાવવા માંડયું છે. આ વર્ષ નરસિંહરાવનું જન્મ શતાબ્દિ વર્ષ છે ત્યારે તેની ભવ્ય ઉજવણી કરવાનો કાર્યક્રમ રાવે જાહેર કરી દીધો છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન અને બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાન જોન મેજરને બોલાવાશે. રાવને ભારતરત્ન આપવા વિધાનસભામાં ઠરાવ પણ કરાશે.

ચંદ્રશેખર રાવે આ જાહેરાત દ્વારા ભાજપને આંચકો આપી દીધો છે. તેલંગાણામાં વર્ચસ્વ જમાવવા ભાજપ નરસિંહરાવના નામનો ઉપયોગ કરવા માંગતો હતો. ભાજપે રાવના પુત્ર પ્રભાકર રાવને પક્ષમાં પણ લીધા હતા. મોદીએ પોતાના પ્રવચનોમાં નરસિંહરાવનો ઉલ્લેખ કરીને કોંગ્રેસે તેમને ઘોર અન્યાય કર્યો એવી વાતો પણ કરી હતી.

જો કે ચંદ્રશેખર રાવ વધારે શાણા સાબિત થયા. ભાજપ વાતો કરતો રહ્યો ને ચંદ્રશેખર રાવે રાવને લાર્જર ધેન લાઈફ બતાવવાનો કાર્યક્રમ જાહેર પણ કરી દીધો.

મમતાનું ભાજપના ગઢમાં ગાબડું, ધારાસભ્યને ખેરવ્યા

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ગઢના કાંગરા ખેરવવા મથતા ભાજપના ધારાસભ્ય તુષાર ક્રાન્તિ ભટ્ટાચાર્યને ખેરવીને મમતાએ મોટો આંચકો આપ્યો છે. લોકસભાની ચૂંટણી પછી તરત જ ભટ્ટાચાર્ય ભાજપમાં જોડાઈ ગયા હતા. એક વર્ષમાં જ મમતાએ તેમને પાછા ખેંચી લીધા છે. ભટ્ટાચાર્ય મૂળ કોંગ્રેસી છે અને ૨૦૧૬માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા પછી તૃણણૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી ભાજપે મમતાની પાર્ટીના સાત, કોંગ્રેસ અને સીપીએમના એક-એક મળીને ભાજપે નવ ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લીધા હતા. હવે વિધાનસભાની ચૂંટણી આડે આઠ-નવ મહિના બાકી છે ત્યારે મમતાએ વળતો પ્રહાર શરૂ કરતાં ભાજપ ચિંતામાં છે.

ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી છે ત્યારે જ ધારાસભ્યો ભાજપ છોડીને જાય તેના કારણે તેમને ભાજપ જીતશે એવો વિશ્વાસ નથી એવો મેસેજ જશે એવું તેમનું માનવું છે. મમતાએ પક્ષ છોડીને ગયેલા તમામ નેતાઓને પાછા ફરવા ખુલ્લુ નિમંત્રણ આપ્યું છે. ભટ્ટાચાર્યે શરૂઆત કરતાં તેમના પગલે ગાડરિયો પ્રવાહ શરૂ ના થઈ જાય તેની પણ ભાજપને ચિંતા છે.

ભાજપનો જ્ઞાાતિવાદી દાવ, દરેક રાજ્યમાં ક્ષેત્રીય પ્રમુખો

ઉત્તર પ્રદેશમાં ભાજપ પ્રદેશ પ્રમુખે રાજ્યને છ ભાગમાં વહેંચી દઈ દરેક વિસ્તાર માટે ક્ષેત્રીય પ્રમુખની નિમણૂક કરી. પ્રદશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહે નિમેલા છ ક્ષેત્રીય પ્રમુખોમાં બે બ્રાહ્મણ છે, બે ઠાકુર છે, એક વણિક અને એક જાટ છે. સિંહે ઉત્તર પ્રદેશમાં સવર્ણોની મતબેંકનાં સમીકરણોને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રીય પ્રમુખો નિમ્યા છે. યુપીમાં બ્રાહ્મણોને ખેંચવા વિપક્ષો ધમપછાડા કરી રહ્યા છે તેથી સિંહે બ્રાહ્મણોને મહત્વ આપ્યું છે.

ભાજપનાં સૂત્રોના મતે, સિંહે આ નિમણૂકો દ્વારા ભાજપનો એક પાયલોટ પ્રોજેક્ટ અમલી બનાવ્યો છે. ભાજપ સંગઠનને મજબૂત બનાવવા અને જ્ઞાાતિવાદી સમીકરણોને સાચવવા હવે પછી દરેક રાજ્યમાં આ જ ફોર્મ્યુલા અપનાવશે. એક પ્રદેશ પ્રમુખની નિમણૂક કરીને દરેક રાજ્યના વિસ્તારો પ્રમાણે ક્ષેત્રીય પ્રમુખની નિમણૂક કરાશે. તેના કારણે પ્રદેશ પ્રમુખનો ભાર હળવો તો થશે જ પણ મોટો ફાયદો એ થશે કે મુખ્ય જ્ઞાાતિઓને સાચવી લેવાશે. ક્યા રાજ્યમાં કેટલા ક્ષેત્રીય પ્રમુખ નિમવા તેની બ્લુ પ્રિન્ટ તૈયાર થઈ રહી છે. મોદીની મંજૂરી મળે પછી તેનો અમલ શરૂ થશે.

યુવા મતદારોને આકર્ષવા કોંગ્રેસની બાલિશ યોજના

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે યુવા મતદારોને આકર્ષવા માટે ઓનલાઈન ક્વિઝ યોજવાનું નક્કી કર્યું છે. ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે યોજાનારી ક્વિઝમાં આઝાદીની લડત અને દેશમાં કોંગ્રેસની સરકારોએ અમલી બનાવેલી અલગ અલગ યોજનાઓ અંગેના ૬૦ સવાલ હશે કે જેના ૩૦ મિનિટમાં જવાબ આપવાના રહેશે. ૧૬થી ૨૨ વર્ષની વયના ઉત્તર પ્રદેશમાં રહેનારા યુવા જ ક્વિઝમાં ભાગ લઈ શકશે.  વિજેતાઓને લેપટોપ, મોબાઈલ ફોન, ટેબ્લેટ વગેરે ઈનામમાં અપાશે.

આ વિચાર પ્રિયંકા ગાંધીનો છે તેથી કોંગ્રેસીઓ તેનાં વખાણ કરતાં થાકતા નથી. જો કે રાજકીય વિશ્લેષકો કોંગ્રેસની આ યોજનાને બાલિશ ગણાવી રહ્યા છે અને તેના કારણે કોંગ્રેસને કોઈ ફાયદો થવાની શક્યતા નકારી રહ્યા છે. યુવાનો આજે વોટ્સએપ અને ફેસબુક પર વધારે સક્રિય હોય છે. ભાજપ તેમને નિશાન બનાવીને થોકબંધ પ્રમાણમાં કન્ટેન્ટ ઠાલવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ હજુ દૂરદર્શનના જમાનાની ક્વિઝ જેવા પ્રોગ્રામ કરીને તેમને આકર્ષવા મથે છે. કોંગ્રેસે યુવા મતદારોને આકર્ષવા નવી જ કોઈ ફોર્મ્યુલા શોધવી પડે એવું વિશ્લેષકોનું માનવું છે. 

***

કોવિડમાં માર્યા ગેયલા કોંગ્રેસી સાંસદે સંસદમાં મુદ્દો ઉઠાવ્યો હતો

કોરોનાવાઇરસના કારણે શુક્રવારે ગુજરી ગયેલા તામિલનાડૂના કન્યાકુમારીના કોંગ્રેસના સાંસદ એચ.વસંથકુમારે ૨૦ માર્ચે સંસદમાં આ મહામારીની ગંભીરતાનો મદ્દો ઉઠાવ્યો હતો અને તેને નિયંત્રિત કરવા પગલાં ભરવાની માંગણી કરી હતી, પરંતુ તેમની વાતને હસીમાં ઉડાવી દેવામાં આવી હતી એટલુંજ નહીં તેમનો માઇક પણ બંધ કરી દેવામાં આવ્યો હતો.'સ્પીકર સરકોરોનાાવઇરસ આખા દેશને અસર કરશે અને તેના માટે આપણે એને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરવી જોઇએ.લોનની ભરપાઇ કરવામાં ઝીરો રેવેન્યુ ચોક્ક અક અસર કરશે જ.નાના વેપારીઓ અને વ્યક્તિોઓની લાનને  ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ફરીથી શીડયુલ કરવા હું સરકારને વિનંતી કરૂં છું'એમ તેમણે લોકસભામાં કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે રોજમદારો પર ખુબ જ નકારાત્મક અસર પડી રહી છે. હું સરકાર આવા લોકોને દર મહિને બે હજાર રૂપિયા આપવા વિનંતી કરૂં છું. ત્યાર પછી અધ્યક્ષે અન્ય સાસંદને બોલવા કહ્યું હતું. વસંથ કુમાર એક વધુ મિનિટ બોલવા વિનંતી કરતા દેખાયા હતા. તેમણે જીએસટી માફ કરવાની વાત મૂકવાની તૈયારી કરી લીધી હતી ત્યારે જ અધ્યક્ષે ટીએમસીના સાસંદ સૌગત રોયને પોતાની વાત કરવા કહ્યું હતું.તેમણે કો કોંગ્રેસના સાંસદનો માઇક પણ બંધ કરવા આદેશ કર્યો હતો. શુક્રવારે તેમના અવસાન પછી ટ્વિટર પર તેમની વાતને ખુબ વધારે પ્રમાણમાં પ્રસારિત કરવામાં આવી હતી.લોકોએ તેનો ભારે પ્રતિસાદ આપ્યો હતો.

અનલોક- ફોરમાં પહેલી સપ્ટેમેબર પછી શું?

કોરોના વાઇરસના કારણે લાદવા પદેલા લોકડાઉનમાં અર્થતંત્ર સાવ ગબડી પડયા પછી હવે પહેલી સપ્ટેમ્બરથી શરૂ થતું ચોથું અનલોક એવા સમયે જાહેર કરાયું છે કે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે. દેશમાં ૩૩.૮ લાખ લોકો સંક્રમિત થયા અને ૬૧૫૨૯ લોકો માર્યા ગયા હતા. તો ચોથા અનલોકમાં શું હશે? એવા સંકેતો મળી રહ્યા છે કે મેટ્રો રેલવે સેવા શરૂ કરાશે જેને દિલ્હીમાં૨૨ માર્ચે અને પાટનગરના અન્ય વિસ્તારોમાં બંધ કરાઇ હતી.

સંપર્ક વગરની ટિકિટ લેવાની વ્યવસ્થા કરાશે અને મુસાફરોને તેમના ટોકનનો ઉપયોગ કરવા દેવાશે નહીં. માસ્ક વગર અને જેને ખાલી રાખવામાં આવી હોય તે સીટ પર બેસનાર અથવા થુંકનાર સામે કડક પગલાં લેવાશે. શાળાઓ અને કોલેજો બંધ રહેશે. બારમાં માત્ર ટેક અવેની મંજૂરી અપાશે.થિએટરો પણ બંધ જ રહેશે, કારણ કે ૨૫-૩૦ ટકા ક્ષમતા સાથે તેને ચલાવવા પોસાષે નહીં.કર્ણાટકમાં વિવિધ ડીગ્રી કોર્સ પહેલી સપ્ટેમ્બરથી ઓનલાઇન શરૂ થશે, જો કે ઓફ લાઇન પહેલી ઓકટોબરથી શરૂ કરાશે. કોવિડ-૧૯ના હોટસ્પોટ શહેરોમાંથી આવતી  ઘર આંગણાની ફલાઇટને કોલકાતામાં આવવા દેવાશે.

વૃધ્ધ નાગરિકો પર વધુ ધ્યાન આપવા રાજ્યોને સલાહ

 દેશમાં કોવિડ-૧૯ સબંધીત મૃત્ય દરને ઘટાડવાના પ્રયાસમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને  ૬૦ વર્ષથી ઉપરના અને જેમને અગાઉથી જ કોઇ બિમારી હોય તેવા દર્દીઓ પર વધુ ધ્યાન આપવા સુચના આપવામાં આવી હતી.આરોગ્ય મંત્રાલય દ્વારા ચાલુ સપ્તાહમાં જારી કરાયેલા  કોવિડ-૧૯ મૃત્ય દર દર્શાવે છે કે  ભારતમાં આ મહામારીના કારણે માર્યા ગયેલા લોકોમાં ૬૧૬૯૦ એટલે કે લગભગ એકાવન ટકા લોકો મોટી ઉમરના હતા. વિજ્ઞાાનિકોએ વય  મુજબના ે આ મહામારીની વૈશ્વિક વલણ અંગે જે ભય વ્યક્ત કર્યો હતો  અને જે આંકડા આપ્યા હતા તે  પ્રમાણે જ આ આંકડા સામે આવી  રહ્યા છે.

શા માટે દીદી જેઇઇટી અંગે કેન્દ્ર સાથે લડે છે?  

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની સોનિયા ગાંધી દ્વારા  એનઇઇટી અને જે ઇઇ અંગે બોલાવવમાં આવેલી વિરોધ પક્ષોની બેઠકમાં હાજરીને ખુબ મહત્તવ અપાઇ રહ્યું છે,કારણ કે તેઓ એક માત્ર મુખ્યમંત્રી હતા જેઓ કોંગ્રેસ અથવા તો કોંગ્રેસના સાથી પક્ષના નહતા. પરંતુ  તેમના રાજ્યમાં માત્ર એક લાખ જ જેઇઇના ઉમેદવારો હોવાથી શા માટે ટીએમસી એ આક્રમક વલણ અપનાવ્યું હતું તે સમજાતું નથી. રાજ્યની આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે આ વલણ અપનાવ્યું હતું, એમ રાજકીય વિશલેષ્કો માને છે. કેટલાકે એવું પણ કહ્યું હતું કે રાજ્યમાં મમતા-કોંગ્રેસ વચ્ચે ગઠબંધની શક્યતા પણ હોઇ શકે.

રાજ્યમાં યુવાનો માટે મમતા એ જે વલણ અપનાવ્યું હતું તેના થી બંગાળના યુવાનોને તેઓ પોતાની તરફ આકર્ષવા ઇચ્છે છે તે સાબીત થયું હતું. તૃણમુલ કોંગ્રેસના સૂત્રો અનુસાર, અનઇઇટી જેવા મુદ્દાઓ તેમના માટે સુરક્ષા પ્રદાન કરશે, કારણ કે કાશ્મીર, પાકિસ્તાન અને ચીન કરતાં આ મુદ્દાથી તેમને અવકાશ મળશે અને તેઓ બોલી શકશે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો