વિજ્ઞાન લેખક આઇઝેક અસીમોવે જે ભયાવહ ભાવિની કલ્પના કરતી કથા લખી છે તેના માટે આપણે લાયક છીએ

- ભૌતિક સુખનો વિરોધ નથી, પણ વિવેક જરૂરી છે: ક્યાંક તો અટકવું જ પડશે


વરસાદ પડી રહ્યો છે, આજે ફરી તમારે તમારી ઓફિસે પગપાળા જવું પડશે. સબઅર્બન ટ્રેનો ઠાંસોઠાંસ ભરેલી છે, બસના તો દિવસો ગયા. ભીની સડકો પર સાયકલ સ્લીપ થઇ જાય છે. સારું છે કે તમારે બહુ દૂર જવાનું નથી. છત્રી છે ને તમારી પાસે? તે ઉઘાડો અને ચાલતા થાવ. તમે બહુ નસીબદાર છો કે તમને નજીકમાં જ આવેલી બહુમાળી ઇમારતને તોડવાનું કામ મળ્યું છે. વીજળી ગુમસુદા થયા પછી ઊંચી ઇમારતો નરક સમાન બની ગઇ છે.

લોકો એક માળના, ખુલ્લા તથા હવા ઉજાસવાળા મકાનમાં રહેવા લાગ્યા છે. ઊંચી ઇમારતોને તોડવાનું કામ ચાલી રહ્યું છે કારણ કે ધરતીના ગર્ભમાં છુપાયેલી તમામ ધાતુ વપરાઇ ચૂકી છે. હવે જે જરૂરિયાત છે તે ઇમારતોમાં ચણવામાં આવેલા ઇસ્પાત થકી જ પૂરી થઇ શકે એમ છે. પોતાના સપનાંના મહેલોને જાતે તોડવાના અને જરૂરિયાતની ચીજો કાઢી લેવાની. પેટ્રોલ અને વિજળીની જેમ કોલસો પણ ખતમ થઇ ગયો છે. પરમાણુ બળતણનો અનુભવ અત્યંત ભયાનક સાબિત થઇ ચૂક્યો છે. સૌર ઉર્જા પણ અવ્યવહારુ જ હતી. 

૧૦ વર્ષથી ઉપરના હજુ મોટર ગાડી ભૂલ્યા નથી. વડીલોને તો હજુ પણ એ દિવસો યાદ છે જ્યારે પેટ્રોલના ભાવ આભને આંબવા માંડયા હતા. સડક પર મોટરોની સંખ્યા દિવસે દિવસે ઘટવા લાગી હતી. પેટ્રોલ ખરીદવું સામાન્ય લોકોના ગજા બહારની વાત હતી. કેટલાક સમૃદ્ધ લોકો જ તેમની મોટર ચલાવી શકતા હતા.

હવે એ મોટરો નિર્લજજ અમીરીનું  પુરાવો બની ગઇ હતી અને તેથી જ બાકીના લોકો ગાડી જોઇને ચિડાઇ જતા હતા. આવી એકલ-દોકલ દોડતી ગાડીઓને ક્યારેક રોકી ને આગ ચાંપી દેતા. બાદમાં પેટ્રોલનું રેશનીંગ શરૂ થયું. સડક પર મોટર ઓર ઘટી ગઇ. રેશનિંગમાં પેટ્રોલ ખરીદતા લોકોની સંખ્યા પણ દર ત્રણ મહિને ઘટતી જતી હતી. છેવટે એ પણ દિવસ આવ્યો જ્યારે પેટ્રોલનું રેશનિંગ જ બંધ થઈ ગયું. 

નિરાશાથી ભરેલા આ સમયમાં પણ કેટલાક આશાના કિરણો અજવાળું પાથરી રહ્યા હતા. શરત એ છે કે તમે તેને આશાના કિરણ માનો છો કે નહીં? ૨૦૨૭ના અખબાર ઉઠાવીને જૂઓ તેઓ કહે છે કે આપણા શહેરની હવા હવે કેટલી સ્વચ્છ થઇ ગઇ છે! અહીં હવે ન તો ઉદ્યોગોની ચિમનીમાંથી નીકળતો ધુમાડો છે, ન મોટરોનો. એવું માનવામાં આવતું હતું કે પોલીસની પેટ્રોલિંગ જીપ ફરતી બંધ થતાં  ગુનાખોરી ફાટીને ધુમાડે જશે, પરંતુ આપણા આશ્ચર્ય વચ્ચે ગુનાખોરીમાં ધરખમ ઘટાડો થઇ ગયો છે. હવે પોલીસવાળા પગપાળા પહેરો ભરે છે.

રસ્તા પહેલા જેટલા વિરાન રહ્યા નથી. પગપાળા ચાલનારા લોકોથી શહેર ઉભરાઇ રહ્યું છે. પોતપોતાની મોટરમાં એકલા ફરવાને બદલે લોકો હવે પગપાળા એકબીજાની સાથે ફરવાનું પસંદ કરે છે. જાણીતા લોકોની ભીડમાં બધાને એક-મેકનું રક્ષણ પણ મળી રહે છે. સડક પરના અપરાધ નહિંવત બની ગયા છે. 

મોસમ? જો વધારે ઠંડી હોય તો લોકો બહાર તડકામાં બેસે છે. વધારે ગરમી હોય તો બહાર છાંયામાં બેસે છે. ખુલ્લું વાતાવરણ એ જ વાતાનુકૂલનનો એકમાત્ર ઉપાય છે. ઘરમાં વીજળી પહોંચાડી શકાતી નથી. તે હવે બહુ જ ઓછી ઉત્પન્ન થાય છે. સારું છે કે હજુ સડકો પર ઇલેકટ્રીક લાઇટ ઉપલબ્ધ છે. શહેરમાં રહેતા લોકોને એટલું આશ્વાસન છે કે તેમનું જીવન સબર્બનમાં રહેતા લોકોની સરખામણીએ વધારે સારું છે. આ ભવ્ય ઉપનગરો મોટર ગાડીના દમ પર જ વિકસ્યા હતા. તેના જોર પર જ તેની ભવ્યતા કાયમ હતી. અને આજે તેના અભાવે જ તે છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે.

ઉપનગરમાં રહેતા લોકોને આજે ભયાનક મુસીબતોનો સામનો કરવો પડે છે. પહોળા રસ્તાના બંને કિનારે બનેલા ભવ્ય બંગલામાં રહેતા લોકો આજે ખાવાપીવાનો સામાન જાતે અથવા હાથગાડીમાં ઊંચકીને લઇ જાય છે. જ્યારે હિમ ઝંઝાવાત આવે ત્યારે તો બહુ જ ખરાબ હાલત થાય છે. વીજળી ગુલ થઇ ગયા પછી ફ્રીઝ કબાટ બનીને રહી ગયું છે.

ખાવા-પીવાની ચીજોનો અધિક સંગ્રહ શક્ય નથી.  અલબત્ત ઘરની બહાર જામેલા બર્ફમાં ખાણી-પીણીની ચીજો દાટીને ઠંડી રાખી શકાય છે, પણ એવું કરીએ તો શેરીમાં રખડતા કૂતરા પર વૉચ રાખવી પડે છે. 

જે રહી-સહી ઊર્જા બચી છે, તેને અંગત સુખ-સુવિધામાં ઉડાવી શકાય તેમ નથી. ઊર્જાના અન્ય સ્રોત હસ્તગત ન થાય ત્યાં સુધી કોઇ પણ કાળે રાષ્ટ્રને ચલાવવાનું છે. આથી થોડી-ઘણી બચેલી ઊર્જાને ખેતીના કામમાં લગાડવામાં આવી રહી છે. કાર બનાવતી કંપની હવે કૃષિના ઓજાર બનાવવામાં લાગી ચૂકી છે. સખત ઠંડી પડે તો એકબીજાને ચીપકીને સૂઇ જવાનું અને સખત ગરમી પડે તો હાથ પંખો ફરકાવવાનો. કાર ન હોય તો શું થયું? ઘોડાગાડી તો છેને? 

અનાજ નહીં રહે તો શું કરીશું? માન્યું કે આપણી વસ્તી  અધિક વધી રહી નથી તોય અનાજ વિતરણ વ્યવસ્થાનું એક સ્તર જાળવી રાખવાનું પ્રતિદિન કઠીન બનતું જાય છે. કેટલાક અનાજની નિકાસ પણ કરવી પડે છે, જેથી થોડું પેટ્રોલ આ તરફ વરસાવી શકાય.  બટ નેચરલ છે કે દુનિયાના બીજા કેટલાક વિસ્તારો આપણા જેટલા ભાગ્યશાળી નથી. 

કેટલાક માથા ફરેલા એવું પણ માને છે કે દુનિયાના બીજા દેશમાંથી આવતા ખરાબ સમાચાર અમેરિકનોને ધરપત આપી રહ્યા છે.  પૃથ્વીની વસ્તી સતત વધતી જાય છે આથી એ વિસ્તારમાં લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે.  આજે પૃથ્વીની વસ્તી લગભગ સાડા પાંચ અબજ છે. યુરોપ અને અમેરિકાની બહાર વસનારી આબાદીમાં દર પાંચમાંથી એક વ્યક્તિ પાસે બે ટંકનું અનાજ પણ નથી. 

આંકડાઓ જણાવે છે કે હવે વસ્તી ઝડપથી ઘટશે, તેનું મુખ્ય કારણ છે શિશુ મૃત્યુદરમાં આવેલો ઉછાળો. ભૂખમરાનો પહેલો શિકાર બાળકો જ બને છે. આથી અમેરિકાના કેટલાક અખબારો આ ઘટનાક્રમને સારો માની રહ્યા છે. તેઓ કહે છે, ચલો, આ બહાને તો વસ્તી ઓછી થઇ રહી છે. જીહા, આવા વિકટ સમયમાં પણ કેટલાક અખબાર ખરાબ સમાચારથી ખચોખચ ભરેલાં આઠ પાનાં બરાબર છાપી રહ્યાં છે. ભૂખમરાથી ત્રસ્ત વિસ્તારોમાં બહુ મોટી વસ્તી એવી છે જેને થોડોક જ ખોરાક ઉપલબ્ધ બને છે.

આ નવા કૂપોષણથી વધુ એક વિચિત્ર સમસ્યાનો જન્મ થયો છે. આવા લોકોનું શરીર તો ચાલે છે પરંતુ મગજ સતત નબળું પડતું જાય છે. દર વર્ષે આવા કમજોર અથવા વિકૃત મગજવાળા લોકોની સંખ્યા વધતી જાય છે.  અમારે ત્યાં એવું પણ કહેવાય છે કે આવા લોકોને ચૂપચાપ મારી નાખવા જોઇએ. આ વિચારનું અમલીકરણ થયાનું કોઇ છાપામાં વાંચ્યું નથી પણ બીજા દેશમાંથી આવતા કેટલાક પ્રવાસીઓ ધીમા અવાજે આવા ભયાનક કિસ્સા સંભળાવતા રહે છે. 

ઊર્જાના આ સંકટે બીજું પણ મોટું કામ કરી નાખ્યુ છે. બધા જ રાષ્ટ્રોની સેના ખબર નહીં ક્યાં ગાયબ થઇ ગઇ છે? પેટ્રોલને પચાવવાની ભયાનક પાચન શક્તિ ધરાવતી આ સેનાઓને રાખવાનું કોને પોસાઈ શકે ભલા? ખભા પર બંદૂક તાણીને આમ-તેમ ફરતા કેટલાક વર્દીધારી સૈનિકો જોવા મળી જાય છે. તેઓ પગપાળા જ જોવા મળે છે. યુદ્ધ વિમાનો, ટેન્ક, ટ્રક, જીપ પડયાં-પડયાં કાટ ખાઇ રહ્યાં છે.

ઊર્જાના સ્રોત સતત ડૂકતા જાય છે એટલે જ મશીનોનું સ્થાન હવે હાથે લઇ લીધું છે અને મશીનોની વિદાય એ કામના કલાકો વધારી દીધા છે અને બિનજરૂરી આરામના કલાકો ઘટાડી દીધા છે. મનોરંજનના નિરર્થક સાધનો પણ ગાયબ થઇ ગયાં છે. ચોવીસ કલાક ચાલતા ઢંગધડા વગરના વિજ્ઞાાપનો અને ટેલિવિઝન કાર્યક્રમો હવે માત્ર રાત્રે ત્રણ કલાક પ્રસારિત થાય છે. સિનેમા ઘરો અઠવાડિયામાં કેવળ ત્રણ જ શો દેખાડી શકે છે. નવા પુસ્તકો છપાતા બંધ થઇ ગયાં છે. સન ૨૦૨૭માં માત્ર ત્રણ જ ચીજો બાકી રહી ગઇ છે, કામ કરો, ઊંઘો અને જમો. જમવાની કોઇ ગેરંટી નથી. 

રીવર્સ ગિયરમાં ચાલી રહેલું આ ચક્ર ક્યાં જઇને અટકશે? એક અંદાજ પ્રમાણે સન ૧૮૦૦માં જઇને. શહેરોમાં એકત્રિત થતી ભીડને ગામડા ભેગુ થવું પડશે. નાના-નાના સ્વાવલંબી ઉદ્યોગો અને નાની-નાની ખેતી પર નિર્ભર બનવું પડશે. હસ્ત ઉદ્યોગ અને ગ્રામોદ્યોગનું કોઇપણ પ્રકારના અભિયાન વગર પુનરાગમન થયું છે.

*** 

શું આપણે આ પરિસ્થિતિમાં કોઇ સુધાર કરી શકીએ તેમ નથી? જી ના, હવે કોઇ રસ્તો બચ્યો નથી. આજથી ૫૦ વર્ષ પહેલાં એટલે કે ૧૯૭૮માં પહેલા લીધા હોત તો  સાલ ૨૦૨૭ની આ સ્થિતિ જરૂર ટાળી શકાઈ હોત. જો આપણે ૧૯૫૮માં જ સાચી દિશા પકડી લીધી હોત તો જીવન વધારે સરળ હોત.

આ વાર્તા અમેરિકાના પ્રસિદ્ધ વિજ્ઞાાન લેખક આઇઝેક અસીમોવે લખેલી અને ૧૯૭૮ના ટાઇમ મેગેઝીનમાં છપાયેલી. આજે આવું કશું બન્યું નથી પણ આજે જે સ્થિતિ આપણે જોઇ રહ્યા છીએ તે પ્રમાણે આવું બનવંઆ એટલું અશક્ય પણ લાગતું નથી. ૨૦૨૭ નહીં તો ૨૦૭૮ કે ૨૧૨૭માં આવું જરૂર બની શકે છે.

કોરોના મહામારીએ ઉપરનું ઘણું બધું સ્પષ્ટ કરી દીધું છે. કોરોનાના ફેલાવાનું એક કારણ અને સૌથી મોટું કારણ વસ્તી છે, વસ્તી ગીચતા છે. જે દેશમાં વસ્તી ઓછી છે અને લોકો આઘા-આઘા રહે છે ત્યાં આ મહામારી એટલી ફેલાઈ નથી. કોરોનાજનિત લોકડાઉન આવ્યું ત્યારે હિમાચલ પ્રદેશની ધોલાધારની પર્વતમાળાઓ છેક ૨૦૦ કિલોમીટર દૂર ચંડીગઢમાં દેખાવા લાગેલી, જે અગાઉ વાયુ પ્રદુષણને કારણે ઢંકાઇ ગઇ હતી. જ્યારે તે દેખાવા લાગી ત્યારે જરૂર ન્યૂઝ બન્યા હતા. આજે લોકડાઉન ખૂલ્યા પછી હજુ તે દેખાઇ રહી છે કે ઢંકાઇ ગઇ છે એ વિશે ખબર નથી.

સૌથી મોટી સમસ્યા એ છે કે આપણે આપણી ભૂલમાંથી કશું શીખતા નથી. પૃથ્વી દર વર્ષે જેટલા સંસાધનો પેદા કરે છે તેના કરતાં અનેકગણા બરબાદ કરીને આપણે વિકાસના કેફમાં રાચીયે છીએ. પશ્ચિમે આખી દુનિયાને પઢાવી દીધું છે કે ભૌતિક સુખ એ જ સાચુ સુખ છે એના સિવાય કશું છે નહીં.   

કોરોના આવ્યો ત્યારે લોકો ગામડે જેવા લાગેલા, ગામડાની સુખ-શાંતિથી આકર્ષાઇને નહીં, પણ લોકડાઉનથી ભાગવા માટે. લોકડાઉન ખૂલતા એ જ લોકો પાછા શહેરમાં આવી ગયા છે. પાછો ધુમાડો વધવા લાગ્યો છે, એટલું જ પ્રદૂષણ થવા માંડયુ છે.   મોકાણ એ જ  છે કે આપણે આપણી ભૂલમાંથી કશું જ શીખતા નથી. એટલે જ લેખક આઇઝેક અસિમોવે જે ભયાવહ ભાવિની કલ્પના કરી છે એના માટે આપણે લાયક છીએ.

આજની નવી જોક

મગન (છગનને): પ્રેમ એકતરફી હોવો જોઈએ કે બંને બાજુથી.

છગન: એકતરફી?

મગન: કેમ?

છગન: બંને તરફથી પ્રેમ હોય તો લગ્ન થઈ જવાનું જોખમ રહે છે.

મગન: હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો