નોમ ટાઉનમાં મહામારીના સંક્રમણમાં વધારો...
- સ્લેજ ડોગની વિરોચિત કહાની- ભાગ-22
- જીવ જોખમમાં મુકીને સ્લેજગાડીના ડ્રાઇવરો ભયંકર ઠંડીમાં ગાડી દોડાવતા હતા
- દવાનું પાર્સલ શક્ય તેટલી વહેલી તકે પહોંચાડવા માટે જીવસટોસટની બાજી
કાલાન્દસને જોઇ સિગ્નલમેને પણ હાથ ઊંચો કરી તેનું અભિવાદન કર્યા બાદ તુરત રેડિઓ સંદેશો આપવાના યંત્ર પર સંદેશો ટાઇપ કરવાનું શરૂ કર્યું.. ''એન્ટિટોક્સિન દવાનું પાર્સલ લઇને કાલાન્દસ અહીંથી સવારે ૧૧ વાગે રવાના થઇ ગયો છે.''
અલાસ્કાના ગવર્નરે ડિપ્થેરિઆની દવા નેનાના ટાઉનથી લગભગ ૬૭૪ માઇલ દૂર આવેલા નોમ ટાઉન સુધી પહોંચાડવા માટે સ્લેજગાડીની રિલે રેસનું જે આયોજન કર્યું હતું, તેના મોનિટરિંગનું કામ એડ વેટઝલરને સોંપાયું હતું. ટોલોવાનાથી સિગ્નલમેને નેનાના ટાઉનમાં બેઠેલા એડ વેટઝલરને સંદેશો મોકલ્યો કે દવાનું પાર્સલ અહીંથી રવાના થઇ ચૂક્યું છે.
નેનાના ટાઉનની કચેરીમાં બેઠા બેઠા વેટઝલર સતત રિલે રેસનું મોનિટરિંગ કરતો રહેતો હતો, જેથી અલાસ્કાના પાટનગર જુનેઉમાં ગવર્નરને માહિતગાર કરી શકાય કે દવાનું પાર્સલ કયાં સુધી પહોંચ્યું છે.
રિલે રેસની ઘટનાના વર્ષો પછી કાલાન્દસે એક વખત રિપોર્ટરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને ખબર જ નથી કે માઇનસ ૬૦ ડિગ્રી સુધીની ભયંકર ઠંડીમાં માઇલો સુધી સ્લેજગાડી હંકાર્યા પછી પણ હું કંઇરીતે જીવતો રહી શક્યો...!
એક તરફ ટોલોવાનાથી તીવ્ર ગતિએ સ્લેજગાડી હંકારતો કાલાન્દસ આગળ વધી રહ્યો હતો, તો બીજી બાજુ ટોલોવાનાના રેસ્ટ હાઉસમાં વાઇલ્ડ બિલ આરામ કરી છેલ્લા બે દિવસનો થાક ઊતારી રહ્યો હતો. રેસ્ટ હાઉસના રૂમમાં દેખીતી રીતે ભલે આડો પડીને આરામ કરતો હતો પરંતુ તેના મનમાં તો કેમ્પબેલના રેસ્ટ હાઉસમાં તે પાછળ મુકીને આવેલો તે કબ, જેક અને જેટ નામના ત્રણ ડોગ્સના જ વિચારો ઘુમરાતા હતા.
એકાદ-બે દિવસમાં તે ટોલોવાનાથી નેનાના પાછા વળતી વેળા રસ્તામાં કેમ્પબેલના રેસ્ટ હાઉસમાંથી આ ત્રણ ડોગ્સને પોતાની સાથે લેતો જવાનો હતો. પણ નેનાના પહોંચ્યા પછીના થોડા જ દિવસોમાં આ ત્રણ ડોગ્સ આખરી શ્વાસ લેવાના હતા. વાઇલ્ડ બિલને પણ એટલા બધા હિમડંખ લાગ્યા હતા કે દિવસો સુધી તે જાતે રેઝરથી દાઢી કરી શકવાનો નહોતો.
વર્ષો પછી રિલે રેસ વિશે વાત કરતા વાઇલ્ડ બિલે રિપોર્ટરોને કહ્યું હતું કે મેં કોઇ અસાધારણ કામ કર્યૂ નથી. જે કોઇ ધન્યવાદ આપવા હોય કે પ્રશંસા કરવી હોય અને ''ક્રેડિટ'' આપવી હોય તો સ્લેજગાડીના ડોગ્સને આપવી જોઇએ; કારણ કે અંધારી રાતે ભયંકર ઠંડીમાં કલાકો સુધી આ ડોગ્સ તીવ્ર ઝડપે દોડતા રહ્યા હતા.
નોમમાં ફાટી નીકળેલી મહામારીમાંથી લોકોને બચાવી લેવા માટે તાબડતોબ ત્યાં સુધી દવાનો જથ્થો પહોંચાડવા માટે સ્લેજગાડીના ડોગ્સે હીરો જેવું કામ કર્યૂં છે અને માનવતાના આ સેવાયજ્ઞામાં કબ, જેક અને જેટ નામના મારા ત્રણ ડોગ્સે તો તેમના જીવનનું બલિદાન આપી દીધું છે. મારી સ્લેજગાડીના બેઅર નામના ચોથા ડોગની હાલત પણ હાલમાં ખૂબ બદતર છે. મને નથી લાગતું કે હું તેને બચાવી શકકીશ. મારે તેને પણ ગુમાવી દેવો પડશે એવી મને સતત મનોમન દહેશત રહ્યા કરે છે....
ટોલોવાના રેસ્ટ હાઉસમાંથી કાલાન્દસ સ્લેજગાડીમાં દવાનું પાર્સલ લઇને નીકળ્યો, તેણે ૩૧ માઇલ દૂર આવેલા મેનલી હોટ સ્પ્રિંગ્સ નામના ટાઉન સુધી દવા પહોંચાડવાની હતી, ત્યાંથી દવા આગળ લઇ જવા માટે બીજી સ્લેજગાડીનો ડ્રાયવર તૈયાર બેઠો હતો.
અલાસ્કાના પાટનગર એન્કરેજથી ૩ લાખ યુનિટ સિરમનો (ડિપ્થેરિઆ મહામારી સામેની દવા) જથ્થો ટ્રેન દ્વારા નેનાના સ્ટેશને આવ્યો, ત્યાંથી નોમ ટાઉન કે જ્યાં આ દવા પહોંચાડવાની હતી, તે ૬૭૪ માઇલ દૂર હતું. પરંતુ નેનાનાથી આગળ રેલ્વે લાઇન નહોતી, બસ સર્વિસ પણ નહોતી, એટલે નેનાના સ્ટેશનેથી ૬૭૪ માઇલ દૂર નોમ ટાઉન સુધી દવાનું પાર્સલ પહોંચાડવા માટેનો માત્ર એક જ વિકલ્પ હતો અને તે હતો સ્લેજગાડીનો.
એક જ સ્લેજગાડી દવાનું પાર્સલ લઇને રવાના કરાય તો વચ્ચે વચ્ચે ડ્રાયવરો અને સ્લેજગાડીના ડોગ્સે રાત્રિ રોકાણ કરવું પડે. વળી દિવસ દરમિયાન પણ સ્લેજગાડીના ડ્રાયવર ચા-નાસ્તા માટે રોકાય એટલે નોમ પહોંચવામાં દિવસોના દિવસો નીકળી જાય, ત્યાં સુધી નોમના સેંકડો લોકો મહામારીનો ભોગ બની જાય એટલે નેનાનાથી સ્લેજગાડીની રિલે રેસ દ્વારા શક્ય તેટલી વહેલી તકે દવાનું પાર્સલ મોકલવાનો પ્લાન ઘડાયો હતો.
નેનાના સ્ટેશનેથી દવાનું પાર્સલ ડ્રાયવર વાઇલ્ડ બિલે તેની સ્લેજગાડીમાં ટોલોવાના ટાઉન સુધી પહોંચાડયું અને ત્યાંથી બીજા ડ્રાયવર નામે કાલાન્દસ તેની સ્લેજમાં એ પાર્સલ આગળના ટાઉન પહોંચાડવા માટે રવાના થઇ ચૂક્યો હતો.
આ દરમિયાન જોઇએ અહીંથી હજી સેંકડો માઇલ દૂર આવેલા નોમ ટાઉનમાં મહામારીની પરિસ્થિતિ કેવી છે...
નોમમાં ડો.વેલ્ચ અને હેડ નર્સ મોર્ગન હોસ્પિટલમાં દાખલ કરાયેલા ડિપ્થેરિયાના ૨૨ દર્દીઓની સાથોસાથ ડિપ્થેરિઆથી સંક્રમિત થયા હોવાની શંકાવાળા બીજા ૩૦ શંકાસ્પદ દર્દીઓની સારવારમાં લાગી ગયા હતા. ડો. વેલ્ચ પાસે ડિપ્થેરિઆની કોઈ દવા નહોતી. સિરમનો જે કાંઈ થોડો ઘણો જથ્થો તેમની પાસે હતો તે ''એકસપાયરી ડેટ''નો હોવાથી કામ લાગે તેવો નહોતો અને નેનાનાથી સ્લેજગાડી રવાના કરાયેલો સિરમ (દવા)નો જથ્થો હજી સુધી નોંમ પહોંચ્યો ન હોવાથી ડો. વેલ્ચ અને નર્સ મોર્ગન ચિંતામાં મુકાયા હતા.
તા.૨૦મી જાન્યુઆરીએ નોમમાં ડિપ્થેરિઆની મહામારી ફેલાવાની શરૂઆત થઈ હતી. અને જોતજોતામાં ઘણાં બધા લોકો આ બિમારીથી સંક્રમિત થઈ ગયા હતા. અને દર બે દિવસે એક માણસ ડિપ્થેરિઆનો ભોગ બનતો હતો. તા.૩૦મી જાન્યુઆરી સુધીમાં પાંચેક જણ આ મહામારીમાં યમસદને સીધાવી ગયા હતા. નાના ટાઉનમાં ૧૦ દિવસના ટૂંકા સમયગાળામાં પાંચના મોતથી લોકોમાં ભારે ગભરાટની લાગણી ફેલાઈ ગઈ હતી.
હોસ્પિટલમાં દાખલ કરાયેલા ડિપ્થેરિઆના ૨૨ દર્દીઓ નોમ ટાઉનના બીજા કમસેકમ ૫૫ લોકોના સંપર્કમાં આવી ચૂક્યા હોવાથી આ લોકો પણ થોડા દિવસમાં ડિપ્થેરિઆથી સંક્રમિત થઈ ખાટલે પટકાવાની દહેશત ડો. વેલ્ચને સતાવતી હતી.
ટૂંકમાં નોમ અને તેની આસપાસના પ્રદેશમાં ડિપ્થેરિઆની મહામારીનું સંક્રમણ વધવાની પુરી શક્યતા હતી, તેથી નોમના મેયર જયોર્જ મેનાર્ડ પણ અત્યંત ચિંતિત હતા, જ્યોર્જ મેનાર્ડ પોતે નોમમાં ''નોમ નગિટસ'' નામનું અખબાર પ્રકાશિત કરતા હતા. નોમમાં ફેલાયેલી ડિપ્થેરિઆની મહામારી વિશે તેમણે તેમના આ અખબારમાં લંબાણપૂર્વક ખબરો છાપી હતી એટલું જ નહીં છે ક વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને દેશના અન્ય અખબારોમાં પણ નોમ વિસ્તારમાં ફેલાયેલી મહામારીના ન્યૂઝ ફેલાઈ ગયા હતા.
તેની સાથે નોમના ડોકટર પાસે ડિપ્થેરિઆના ઈલાજ માટે દવાનો સ્ટોક નથી અને દવાનું પાર્સલ નોમ સુધી પહોંચાડવા સ્લેજગાડીની રિલે રેસ શરૂ થઈ હોવાની સનસનાટીભરી ખબરો પણ જુદા જુદા અખબારોમાં છપાવાનું શરૂ થતાં આખા અમેરિકામાં સ્લેજગાડીની દોડ તરફ લોકોનું ધ્યાન ખેંચાયુ હતુ. રોજ સવાર પડેને લોકો ડિપ્થેરિઆની દવાનું પાર્સલ લઈને સ્લેજગાડી ક્યાંથી ક્યાં સુધી પહોંચી ? માર્ગમાં તેને હિમહર્ષા કે બરફનું તોફાન તો નથી નડયું ને ? તેની ખબર જાણવા છાપા વાંચવા બેસી જતા હતા.
Comments
Post a Comment