અમે તો મંત્રણા કરવા તૈયાર બેઠાં છીએ, LAC પર નિષ્ફળ આક્રમણ પછી ચીને પેંતરો બદલ્યો


- ચીનના વિદેશ પ્રધાન વાંગ યી મંત્રણાની વાત કરે છે

નવી દિલ્હી તા.1 સપ્ટેંબર મંગળવાર

લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પર ઘુસણખોરીના ચીનના પ્રયાસને ભારતીય લશ્કરે નિષ્ફળ બનાવ્યો ત્યારે દુનિયા સમક્ષ ચીન વાટાઘાટોની વાત કરી રહ્યું હતું. હાલ ફ્રાન્સના પ્રવાસે ગયેલા ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ ફ્રાન્સની ધરતી પર એવો દાવો કર્યો હતો કે અમે ભારતીય સરહદ પર શાંતિ અને સ્થિરતા સ્થાપવા કટિબદ્ધ છીએ.

ચીનની સરકારના મુખપત્ર જેવા ગ્લોબલ  ટાઇમ્સ સાથેની વાતચીત દરમિયાન વાંગ યીએ એવો દાવો કર્યો હતો કે ભારત અને ચીન વચ્ચે કોઇ સીમાંકન થયું નથી. એટલે સમસ્યા સર્જાય છે. ચીન પોતાની પ્રાદેશિક સીમા અને રાષ્ટ્રીય અખંડિતતા જાળવવા કટિબદ્ધ છે. ભારત સાથેના તમામ મતભેદો વાટાઘાટ દ્વારા નિવારી લેવા ચીન તૈયાર હતું. 

વાસ્તવિકતા એ હતી કે 29 અને 30મી ઑગષ્ટની રાત્રે આશરે બસો ચીની સશસ્ત્ર  સૈનિકોએ ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આંખમાં તેલ આંજીને સરહદો સાચવી રહેલા ભારતીય લશ્કરના જવાનોએ એ લોકોને ખદેડી કાઢ્યા હતા. લદ્દાખમાં બંને દેશો વચ્ચે તાજો સંઘર્ષ ભારતીય સીમામાં પેંગોંગ  સરોવર નજીકના એક શિખર પર થઇ હતી. આ શિખર એલએસીની ભારતીય સીમા તરફ આવેલું હતું. 

આ શિખર પર અત્યાર સુધી કોઇ દેશનો કબજો નહોતો. બંને દેશો વચ્ચે કમાન્ડર લેવલે ચર્ચા થઇ ત્યારે આ શિખરનો મુદ્દો પણ ઉપસ્યો હતો. પરંતુ વાતનો નિવેડો આવ્યો નહોતો. ચીન આ શિખર કબજે કરવાની મનમુરાદ સેવતું હતું. એ પારખી જઇને ભારતીય લશ્કરે તૈયારી કરી રાખી હતી.

ચીનની મથરાવટી પહેલેથી મેલી રહી હતી. છેક 1960ના દાયકાથી ચીન ભારત સાથે સતત કાવાદાવા રમી રહ્યું હતું. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ પહેલાં જવાહરલાલ નહેરુની જેમ ચીનની દોસ્તીની વાતોમાં આવી ગયા હતા અને ચીનને ભારતનું દોસ્ત સમજી બેઠા હતા.


Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો