દિલ્હીની વાત : ઝફરને ટિકિટ, મોદીનું એક તીર, અનેક નિશાન


ઝફરને ટિકિટ, મોદીનું એક તીર, અનેક નિશાન   

નવીદિલ્હી, તા.27 ઓગસ્ટ 2020, ગુરુવાર

નરેન્દ્ર મોદીએ લોકોને આંચકો આપવાની સ્ટાઈલનો ફરી પરચો આપીને ઉત્તર પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સૈયદ ઝફર ઈસ્લામને પસંદ કર્યા. યુપીમાં ભાજપ હિંદુવાદી રાજકારણ રમે છે ત્યારે મુસ્લિમ નેતાને રાજ્યસભાના ઉમેદવાર બનાવીને મોદીએ ભાજપના નેતાઓને પણ મોટો આંચકો આપી દીધો છે. ભાજપના ઈતિહાસમાં શાહનવાઝ હુસૈન, મુખ્તાર અબ્બાસ નકવી, સિકંદર બખ્ત અને આરીફ બેગ પછી ઝફર માત્ર પાંચમા મુસ્લિમ સાંસદ હશે.

મોદીએ એક કાંકરે અનેક પક્ષી માર્યાં છે. ભાજપ મુસ્લિમ વિરોધી પાર્ટી છે અને મુસ્લિમોને તક નથી આપતી એવા પ્રચારનો મોદીએ જવાબ આપ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ મતદારો મહત્વનું પરિબળ છે ત્યારે મોદીનો આ દાવ ભાજપ-જેડીયુને ફાયદો કરાવશે એવું મનાય છે. ઝફરે જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં લાવીને મધ્ય પ્રદેશમાં ભાજપને સત્તા અપાવી તેનો પણ બદલો મોદીએ વાળી દીધો છે.

ભાજપનાં સૂત્રોના મતે, ઝફર ઈન્વેસ્ટમેન્ટ બેંકર રહી ચૂક્યા છે અને મોદી સરકાર હવે પછી મોટા પાયે ડિસઈન્વેસ્ટમેન્ટ કરવાની છે ત્યારે ઝફરના અનુભવ અને જ્ઞાાનનો લાભ લેવા માગે છે.

કોંગ્રેસની કાનૂની કમિટીમાંથી કપિલ સિબ્બલ આઉટ

કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મોદી સરકાર દ્વારા બહાર પડાતા વટહુકમોનો અભ્યાસ કરવા પાંચ સભ્યોની સમિતી બનાવી છે. આ સમિતીના સભ્યોની પસંદગી સ્પષ્ટપણે દર્શાવે છે કે, સોનિયાએ પોતાની સામે બગાવત કરનારા નેતાઓને માફ કર્યા નથી.

કોંગ્રેસમાં અત્યાર સુધી કાયદાકીય અને બંધારણીય બાબતોમાં કપિલ સિબ્બલ સર્વેસર્વા હતા. કોંગ્રેસના કેસ લડવાના હોય કે કોઈ બંધારણીય બાબતને લગતો ડ્રાફ્ટ બનાવવાનો હોય, સિબ્બલ જ આ કામગીરી કરતા. સોનિયાએ બનાવેલી નવી કમિટીમાં સિબ્બલને બાજુ પર મૂકી દેવાયા છે. સિબ્બલના બદલે રમેશ જયરામને મહત્વ આપીને કન્વીનર બનાવાયા છે. રમેશ ટેકનોલોજીના માણસ છે પણ તેમને વફાદારીનું ફળ મળ્યું છે. આ સિવાય પી. ચિદંબરમ, દિગ્વિજયસિંહ, ગૌરવ ગોગોઈ અને ડો. અમરસિંહ અન્ય સભ્યો છે.

કોંગ્રેસનાં સૂત્રોના મતે, આ કમિટીની રચના બળવાખોર નેતાઓ માટે સ્પષ્ટ સંકેત છે કે પાર્ટીમાં હવે તેમના માટે અચ્છે દિન નહીં હોય. સોનિયાએ બાગી નેતાઓએ ઉઠાવેલા મુદ્દા પક્ષના હિતમાં હતા એ રીતે લેવાના બદલે પોતાની સામેના અંગત પ્રહાર તરીકે જ લીધા છે.

રામ માધવને કાશ્મીરમાં સલાહકાર બનાવાશે

જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતી  સામાન્ય થાય અને જલદી ચૂંટણી થાય એ માટે લેફ્નનન્ટ ગવર્નરને બદલ્યા પછી મોદી સરકાર હવે લેફ્ટનન્ટ ગવર્નરને મદદ કરવા એડવાઈઝર તથા એડવાઈઝરી કાઉન્સિલ રચવા વિચારી રહી છે.

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તેમજ જમ્મુ અને કાશ્મીરના પ્રભારી રામ માધવની એડવાઈઝર તરીકે નિમણૂક નક્કી છે. રામમાધવ આ ભૂમિકા ભજવવા તૈયાર છે. એડવાઈઝરી કાઉન્સિલમાં કાશ્મીરના ભાજપના નેતાઓ ઉપરાંત ભૂતપૂર્વ લશ્કરી અને વહીવટી અધિકારીઓ હશે. ભાજપના નેતાઓમાંથી કોનો સમાવેશ કરી શકાય તે નક્કી કરવાનું મોદીએ લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને રામ માધવ પર છોડયું છે. માધવ અત્યારે કાશ્મીરમાં જ છે તેથી આ નામો એક-બે દિવસમાં નક્કી થઈ જશે એવું મનાય છે.

સૂત્રોના મતે, આતંકવાદીઓ ભાજપના નેતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે તેથી ફફડેલા નેતા ભાજપ છોડી રહ્યા છે.  મોદી સરકાર એડવાઈઝરી કાઉન્સિલની રચના દ્વારા આ નેતાઓને સરકારી ખર્ચે સલામતી તથા અન્ય સવલતો પૂરી પાડવા ઉપરાંત તેમને સત્તાનો સ્વાદ ચખાડીને ભાજપ સાથે જોડાયેલા રાખવા માગે છે.

જીએસટી મુદ્દે એજીના અભિપ્રાયથી કેન્દ્ર મુશ્કેલીમાં

જીએસટી વળતરના મુદ્દે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષનાં એંધાણ છે ત્યારે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલના અભિપ્રાયે મોદી સરકારની મુશ્કેલી વધારી છે. મોદી સરકારની યોજના લોકડાઉનના બહાને રાજ્યોને અપાતા જીએસટી વળતરમાં કાપ મૂકવાની હતી. નિર્મલા સીતારામને આ મુદ્દે એટર્ની જનરલનો અભિપ્રાય માંગ્યો હતો.

વેણુગોપાલે સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે કે, કેન્દ્ર સરકાર રાજ્યોને પૂરેપૂરું વળતર આપવા બંધાયેલી છે અને તેમાં કોઈ કાપ ના મૂકી શકે. લોકડાઉનના સમયમાં આથક પ્રવૃત્તિ બંધ રાખવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધો હતો. આ સંજોગોમાં કેન્દ્રે આ સમય દરમિયાન રાજ્યોની આવકમાં થયેલી ખોટની પૂરેપૂરી રકમ ચૂકવી આપવી જોઈએ. જીએસટી એક્ટમાં આ સ્પષ્ટ જોગવાઈ છે અને સરકાર તેમાંથી ફરી જઈ ના શકે.

રાજ્યો પહેલાં જ આ મુદ્દે મોરચો માંડીને બેઠાં છે. કેન્દ્રે રાજ્યોને બહારથી દેવું કરીને વહીવટ ચલાવવા કહ્યું હતું પણ રાજ્યો એ માટે તૈયાર નથી. તેમનો આગ્રહ છે કે, કેન્દ્ર દેવું કરીને રાજ્યોને વળતર ચૂકવે. રાજ્યો આક્રમક છે તે જોતાં સરકારની હાલત કફોડી થશે એ નક્કી છે.  

નિર્મલાની 'એક્ટ ઓફ ગોડ' કોમેન્ટની મજાક ઉડી

જીએસટી કાઉન્સિલની બેઠક પછી નિર્મલા સીતારામન પ્રેસ બ્રીફિંગ દરમિયાન હિન્દી ફિલ્મના કારણે લોકપ્રિય બનેલો શબ્દપ્રયોગ કરવા જતાં ખરાબ રીતે ભેરવાઈ ગયાં ને સોશિયલ મીડિયા પર મજાકનું પાત્ર બની ગયાં. નિર્મલાએ કોરોના રોગચાળાને 'એક્ટ ઓફ ગોડ' ગણાવીને કહ્યું કે, આ વર્ષે આપણે 'એક્ટ ઓફ ગોડ'નો સામનો કરી રહ્યા છીએ એ જોતાં આપણે મંદીમાં ફસાઈએ એવું પણ બને.

નિર્મલાની આ કોમેન્ટ સામે સવાલ કરાયા કે, બધું ભગવાન પર છોડી દેશો તો તમે શું કરશો ? ઘણાંએ કટાક્ષ પણ કર્યો કે, તમે દેશનાં નાણાં મંત્રી બની ગયાં એ પણ 'એક્ટ ઓફ ગોડ' જ છે, બાકી તમારામાં નાણાં મંત્રી બનવાની લાયકાત જ ક્યાં છે ?

ઘણાંએ આ સ્થિતી મોદીની આડેધડ લોકડાઉન લાદવાની અને બીજી ભૂલોને કારણે ઉદભવી છે એવું બતાવવા કટાક્ષ કર્યા કે, 'એક્ટ ઓફ ગોડ' તો બરાબર છે પણ ગોડ કોના ? તમારા કે દેશનાં લોકોના ?

નિર્મલાની કોમેન્ટ્સ પર મીમ્સ પણ બન્યા જે વાયરલ થઈ રહ્યા છે.

માંઝી મુદ્દે ભાજપ-જેડીયુ વચ્ચે પાછો સંઘર્ષ

બિહારમાં જીતનરામ માંઝીના મુદ્દે ભાજપ અને જેડીયુ વચ્ચે સંઘર્ષનાં એંધાણ છે. લાલુ પ્રસાદ યાદવની આરજેડી અને કોંગ્રેસનો સાથ છોડીને આવેલા માંઝીને એનડીએમાં લેવા નીતિશ આતુર છે પણ ભાજપને તેમનામાં રસ નથી કેમ કે માંઝી ૨૦ બેઠકોની માગણી કરી રહ્યા છે.

ભાજપ માંઝીને વધુમાં વધુ પાંચ બેઠકો આપવા તૈયાર છે. આ પૈકી એક બેઠક ભાજપ પોતાના ક્વોટામાંથી છોડે જ્યારે નીતિશ અને પાસવાન બે-બે બેઠકો છોડે એવી ભાજપની ફોર્મ્યુલા છે. પાસવાન નીતિશના કહેવાથી તૈયાર ના થાય પણ ભાજપે પાસવાનને સમજાવવાની જવાબદારી લેવા તૈયારી બતાવી છે.

નીતિશે માંઝીને ૧૨ બેઠકો આપવા ભાજપને અનુરોધ કર્યો છે. ભાજપને વાંધો નથી પણ ભાજપ પોતાના ક્વોટામાંથી એકથી વધારે બેઠક આપવા ભાજપ તૈયાર નથી તેથી કોકડું ગૂંચવાયું છે. નીતિશે માંઝીને એનડીએમાં લેવાનું વચન આપીને લાલુની પાર્ટીથી દૂર કર્યા છે તેથી નીતિશ માટે હવે નાકનો સવાલ છે. નાક બચાવવા નીતિશ ભાજપ સામે બિડાઈ જાય છે કે માંઝીને બાજુ પર મૂકે છે એ જોવાનું રહે છે. 

***

પત્ર લખનારાઓને સોનિયાનો જવાબ

સંસદના ચોમાસુ સત્ર પહેલાં કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ  મોદી સરકારે બનાવેલા કેટલાક મહત્તવના જાહેરનામા અંગે રણનીતિ બનાવવા એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. પરંતુ કોંગ્રેસના આંતરિક વર્તુળો મુજબ એ સમિતિમાં એ જ લોકોને રાખવામાં આવ્યા નથી જેમણે વિવાદાસ્પદ પત્રમાં સહી કરી હતી અને જેના કારણે કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકમાં હોહા થઇ હતી.સંદેશ સ્પષ્ટ છે.'જો તમારે ગુડ બુકમાં રહેવું હોય તો  તમારે સાચી તરફે રહેવું પડશે અને પત્ર લખવાનું બંધ કરવું પડશે. દા.ત.રાજ્યસભાના સભ્ય ચિદમ્બરમ. 

પક્ષમાં એક અન્ય વકીલ પણ છે કપિલ સિબલ જેમણે પત્રમાં સહી કરુ હતી. દિગ્વિજય સિંહની નિમણુંક ગુલામ નબી આઝાદ અને આનંદ શર્મા માટે મોટો ફટકો છે જેઓ સિંહના સમકાલિન છે. ઉપરાંત એક અન્ય રાજયસભાના સભ્ય પણ સમિતિમાં છે અને તે છે જયરામ રમેશ તેમને સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

ત્યાર પછી પૂર્વ આઇએએસ અને પંજાબના ફતેહસાીબના લોકસભાના સભ્ય અમર સિંહ. પંજાબના જ એક અન્ય સભ્ય મનિષ તિવારી માટે આ એક મોટો ઝાટકો હતો. ત્યાર પછી ગૌરવ ગોગોઇનું નામ હતું જેમને એક આશાસ્પદ નેતા માનવામાં આવે છે અને પશ્ચિમ બંગાળની આગામી વિધનસભાની ચૂંટણીના ઇનચાર્જ છે. જીતેન પ્રસાદ અને શશી થરૂર જેવા યુવાનોને આ એક સંદેશ છે કે સીધા રહેજો.

આઇટી પેનલના વડા તરીકે થરૂરને ભાજપ

ઇન્ફોર્મેશન ટેકનોલોજી  અંગેની સંસદીય સમિતિની પ્રક્રિયામાં વગ વાપરવાનો પ્રયાસ કરનાર ભાજપના સાંસદ નિશિકાંત દુબે વિરૂધ્ધ પ્રિવિલેજ નોટીસનો જવાબ આપ્યા પછી શશી થરૂરે ભાજપના સાંસદે થરૂરને એ પદ પરથી હટાવવા માગ કરી હતી. સમિતિના ચેરમેન પદેથી શશી થરૂરને હટાવવા તેમણે સ્પીકરને પત્ર લખ્યો હતો.

પરંતુ નિષ્ણાંતો કહે છે કે સ્પીકર પાસે તેમને હટાવવાની સત્તા જ નથી. દુબેએ બંધારણની કલમ ૨૮૩ હેઠળ થરૂરને હટાવવાની માગણી કરી હતી. જોકે ક્લમ ૨૮૩માં સ્પીકર માત્ર પ્રક્રિયાની નિયમીત કરવા માત્ર આદેશ જ આપી શકે છે. ચેરમેનને હટાવવાની તેમની પાસે સત્તા હોતી જ નથી.

માસ્કના બદલે દિલ્હીવાસીઓએ રૂ.9.42 દંડ ભર્યો

કોવિડ-૧૯ને રોકવા માટે સમગ્ર વિશ્વના નિષ્ણાંતો કોરોના સબંધીક નિયમો પર સખત પાલન કરવાની ભલામણ કરી રહ્યા છે ત્યારે દિલ્હી પોલીસે  ૧૪ જૂન પછીથી ૧૮૮૫૭૮ લોકોને દંડીત કરીને રૂપિયા ૯.૪૨ કરોડ ભેગા કરી લીધા હતા.દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતુ કે એવી લોકો જ દંડીત થયા હતા જેઓ માસ્ક ખરીદી શકતા હતા, છતાં તેના વગર જાહેરમાં નીકળતા હતા.

દિલ્હી સરકારે દિલ્હી મહામારી ધારા  (સંચાલન)હેઠળ કાયદો બનાવ્યો હતો કે માસ્ક ન પહેરનાર પાસેથી ઘટના સ્થળે જ રૂપિયા ૫૦૦ દંડ વસુલવામાં આવે. આ કાયદાને દિલ્હીના ઉપ રાજ્યપાલે પણ મંજૂરી આપી હતી.

કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધથી મોટુ નુકસાન

કાશ્મીર ખીણના એક અગ્રણી માનવ અધિકાર જુથે કાશ્મીરમાં અવારનવાર બંધ કરાતી ઇન્ટરનેટની સેવાને 'ડીજીટલ ભેદભાવ' ગણાવી હતી. કાશ્મીરના નાહરિકોને ઇન્ટરનેટથી વંચિત રાખવાનો અર્થ એ થયો કે ડીજીડલાઇઝ્ટ વર્લ્ડથી તેમને દૂર રાખવા જે તેમના જીવન પર અસર કરે છે.

જમ્મુ કાશ્મીર કોલિએશન ઓફ સિવિલ સોસાયટી એ પોતાના અહેવાલમા કોમ્યુનિકેશન બ્લેકઆઉટને અંગે જણાવ્યું હતું કે ગયા વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા ખીણમાં લાદવામાં આવેલો  પ્રતિબંધ એ  કાશ્મીરના લોકોને મળેલી સામુહિક સજા.'કાશ્મીરમાં ઇન્ટરનેટ શટડાઉન અને પ્રતિબંધના કારણે હાલમાં ચાલી રહેલી સશસત્ર લડાઇના સંદર્ભમાં પણ સામુહિક સજા જેવી સ્થિતિ સર્જી હતી. આ સંસ્થાના વડા છે શ્રીનગર સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા ખુર્રમ પરવેઝ. તેમણે અને તેમના સાથીઓએ  સર્વે કરીને અહેવાલ તૈયાર કર્યો હતો.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે