હોસ્પિટલોની વિશ્વસનીયતા


સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રકારની આરોગ્યની તકલીફ હોય તો દવાખાને ન જવાનો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે. જો કે આ ટ્રેન્ડ પણ જોખમી તો છે જ. પરંતુ એમ થવાનું એક કારણ એ છે કે જન માનસમાં એક માન્યતા તબક્કાવાર ઘર કરી રહી છે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં આરોગ્યની કોઈ પણ મુંઝવણ લઈને જઈએ એટલે તેઓ પ્રથમ સલાહ આપે છે કે કોરોના ટેસ્ટ કરાવો અને કોરોના ટેસ્ટ પોઝિટિવ જ આવે છે, પછી તરત જ આવનારા પેશન્ટને સલાહ આપવામાં આવે છે કે તમે ઝડપથી બે લાખ રૂપિયા ભરી દો અને દાખલ થઈ જાઓ, કારણ કે હવે એક જ બેડ ખાલી છે. આ એક પ્રકારનું માર્કેટિંગ હોવાની પ્રજાને ગંધ આવવા લાગી છે. કોરોનાની આગેકૂચ હજુ અટકી નથી. આપત્તિઓના અઘરા પડાવ પ્રજાએ પાર કરવાના બાકી છે.

આપણા દેશમાં સરકારી તબીબી સુવિધાઓ જનસંખ્યાના પ્રમાણમાં બહુ ઓછી છે. એટલે જનસમાજ ખાનગી તબીબી ક્ષેત્રથી વિમુખ થઈ જાય તે કેમ ચાલશે ? છતાં હવે લોકો મોટા બિલોના વૃત્તવાર્ર્તિકોથી ડઘાઈ ગયા છે.

એનું કારણ એ છે કે આજ સુધીમાં અનેક સુખી સંપન્ન પરિવારો અને એમાં થોડાક દુ:ખી પરિવારો પણ આથક રીતે ધોવાણ અનુભવી ચૂક્યા છે. વળી તેઓનો અનુભવ એવો પણ છે કે જો દવાખાને ન ગયા હોત તો સારું હતું. ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રનો ઘણો વિકાસ છે અને અનેક બિનનિવાસી ગુજરાતીઓ વિદેશથી સાજા થવા માટે ગુજરાતમાં સારવાર લેવા માટે આવે છે. પરંતુ અગાઉની એ પ્રતિષ્ઠા પણ હવે જોખમમાં મુકાઇ ગઇ છે.

અગાઉ સિવિલ હોસ્પિટલોની તુલનામાં ખાનગી હોસ્પિટલોની પ્રતિષ્ઠા વધુ હતી, પરંતુ કોરોનાના આગમન પછી આ પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ છે અને લોકો ખાનગી હોસ્પિટલને બદલે સરકારી સિવિલ હોસ્પિટલો પર વધુ વિશ્વાસ મૂકવા લાગ્યા છે.

કેટલીક એવી સિવિલ હોસ્પિટલો કે જેનું સંચાલન મેડિકલ કોલેજને કારણે ખાનગી ટ્રસ્ટને સોંપવામાં આવ્યું છે તેની પણ પ્રતિષ્ઠા વધી છે. કોરોના સામે બાથ ભીડવા માટે વગર વેક્સિને સરકારી હોસ્પિટલોએ પોતાની રીતે જે આગવી પ્રણાલિકા અજમાવી છે તે મહત્ રીતે તો સ્વીકૃત થવા લાગી છે કારણ કે રોગગ્રસ્તોનો સાજાનરવા થવાનો દર ઘણો ઊંચો રહ્યો છે.

કોરોના એ કોઈ કપોળ કલ્પિત વસ્તુ નથી. એ હકીકતનો એક વાયરસ છે અને એનાથી સંક્રમણ થવાથી મનુષ્યમાત્રને જીવનું જોખમ રહે છે. આવા સંક્રમિત કિસ્સાઓમાં જ્યાં ડોક્ટરોએ નિસ્વાર્થ રીતે ધ્યાન આપ્યું છે ત્યાં મૂળભૂત વેકસિન હજુ ઉપલબ્ધ ન હોવા છતાં વૈકલ્પિક દવાઓની મદદથી લાખો પેશન્ટ સાજા થઈને ઘરે ગયા છે. પરંતુ એની સામે દેશની અને કોર્પોરેટ હોસ્પિટલો અને અન્ય વિવિધ તબીબોની સંયુક્ત ભાગીદારી ધરાવતી મધ્યમ કદની હોસ્પિટલો પણ કોરોનાના બહાને નવી વિરાટ મૂડીનું સર્જન કરતી હોય તેવું લોકોની નજરમાં આવ્યું છે.

સોશિયલ મીડિયામાં તો છેલ્લા એક મહિનાથી સામસામા બે પ્રવાહો ચાલે છે. એમાં એક પ્રવાહ તમામ ડોક્ટરો અને નર્સ ભાઈઓ-બહેનોની સતત સ્તુતિ-વંદના કરે છે અને એમને પ્રોત્સાહન આપી બિરદાવે છે. મેડિકલ ક્ષેત્રનું એ એક અત્યંત ઉજ્જવળ પ્રકરણ છે. અનેક સંનિષ્ઠ તબીબોએ દરદીઓની સેવા કરવામાં પોતાની જાન કુરબાન કરી દીધી છે.

પરંતુ એની સામેના પ્રવાહમાં ખાનગી હોસ્પિટલો દ્વારા વિશિષ્ટ પ્રકારની ચાલાકીઓ પ્રયોજીને કોરોનાને એક પ્રચંડ નફાકારક અવસર તરીકે જોવામાં આવતો હોવાનો આક્ષેપ થાય છે. એ અંગે સંખ્યાબંધ નાગરિકોએ અનેકવિધ માધ્યમો દ્વારા વિરોધ નોંધાવ્યો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટો પણ મેદાને જંગમાં ઉતર્યા છે અને ખાનગી હેલ્થ સેક્ટરનો નફાખોર ચહેરો બેનકાબ કરવામાં મચી પડયા છે.

રાજ્ય કે કેન્દ્ર સરકારનો ખાનગી હોસ્પિટલોના બિલ સ્ટ્રક્ચર પર કોઈ અંકુશ નથી. એના કોઈ નિયમો કે નિયમન નથી. ગુજરાતમાં તો પ્રાઈવેટ મેડિકલ સેક્ટરનું નિરીક્ષણ કે પરીક્ષણ કરવાનું વ્યવસ્થાતંત્ર જ નથી. એને કારણે કોરોનાકાળમાં ખાનગી હેલ્થ સેક્ટરની ઈમેજને ભારે નુકસાન થયું છે.

હજુ પણ એ નુકસાનમાં નવા ને અવનવા કિસ્સાઓથી વધારો જ થઈ રહ્યો છે. નજીકના ભૂતકાળની જેમ હજુ પણ જ્યાં આગ લાગે તો એડમિટેડ પેશન્ટો માટે બચવાના કોઈ ચાન્સ નથી એવી ઘણી હોસ્પિટલો છે. એક જ દુર્ઘટનામાંથી લેવાનો થતો બોધપાઠ ભાજપ સરકાર માટે દુર્લભ છે. કારણ કે તેઓ હજુ કેટલીક વધુ દુર્ઘટનાઓની પ્રતીક્ષામાં છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો