લૉકડાઉન દરમિયાન પરીક્ષાની સરસ તૈયારી થઇ શકે !


દેશના ન્યાયતંત્રમાં એક તરફ જજની સંખ્યા ઓછી હોય, દાયકાઓથી કરોડો કેસ વિલંબમાં પડયા હોય, નીત નવા કેસ આવતા હોય ત્યારે 'જાહેર હિતની અરજી'ના નામે કોર્ટનો સમય, શક્તિ અને નાગરિકોનાં નાણાં વેડફી નાખવાની પ્રક્રિયા કેટલે અંશે યોગ્ય ગણાય ? છેલ્લા થોડા સમયથી જાહેર હિતના નામે સમય, શક્તિ અને નાણાં રીતસર વેડફાઇ રહ્યા છે. ખરેખર જેના હૈયે જાહેર હિત વસેલું હોય એ સચોટ અને નક્કર વાત કરે. એક દાખલો લઇએ. કોરોના છે માટે બિહાર વિધાનસભાની ચૂંટણી મોકૂફ રાખવી એવી અરજી સુપ્રીમ કોર્ટમાં થઇ. સુપ્રીમ કોર્ટે એ અરજી ફગાવી દીધી. 

હવે અહીં જાહેર હિતની વાત કરીએ તો વાસ્તવિકતા શી છે ? બિહારમાં ૧૬ જિલ્લાઓમાં બાવીસ નદીઓમાં પૂર આવ્યાં છે. એક કરોડથી વધુ લોકો પૂરની અસરમાં છે. કેટલેક સ્થળે તો લોકોનાં ઘરોમાં પાંચથી છ ફૂટ પાણી ભરાયેલાં હતાં. સેંકડો ગામોનો બિહારના પાટનગર પટણા સાથેનો સંપર્ક તૂટી ગયેા હતો.

એવા સંજોગોમાં ચૂંટણી કરવી તો કેવી રીતે કરવી એવી દલીલ થઇ શકી હોત. કોર્ટને નિરીક્ષકો મોકલીને જાતતપાસ કરવાની વિનંતી કરી શકાઇ હોત. આ જ હકીકત ચૂંટણી પંચને પણ સમજાવી શકાઇ હોત. એને બદલે સુપ્રીમ કોર્ટમાં કોરોનાને આગળ કરાયો. કોર્ટે તરત અરજી ફગાવી દીધી. જાહેર હિત કોનું અને કેવી રીતે સચવાયું એ સમજાતું નથી.

એવી જ ઔર એક અરજી વિદ્યાર્થીઓએ કરેલી. એમાં માગણી હતી કે યુનિવર્સિટીની ફાઇનલ યરની પરીક્ષાઓ રદ કરો. ચાલુ વર્ષના એપ્રિલથી લગભગ જૂન સુધી લૉકડાઉન હતું. સામાન્ય સંજોગોમાં સ્કૂલ-કૉલેજમાં અમુક ટકા ફરજિયાત હોય છે. એટલી હાજરી હોય તોજ પરીક્ષામાં બેસવાનાં ફોર્મ આપવાની પરંપરા છે. લૉકડાઉન દરમિયાન એ પરંપરા આપોઆપ રદ થઇ જતી હતી કારણ કે સ્કૂલ કૉલેજમાં જવાય એવું નહોતું. લાખો વિદ્યાર્થીઓ પોતપોતાનાં ઘરોમાં સુરક્ષિત હતા. એ દરમિયાન સરસ રીતે અભ્યાસક્રમનું રિવિઝન અને પરીક્ષાની તૈયારી થઇ શકી હોત. 

હવે જ્યારે પરીક્ષા લેવાની વાત આવી ત્યારે અઢી ત્રણ મહિના વેડફી નાખનારા વિદ્યાર્થીઓ અકળાઇ ગયા. પરીક્ષા લીધા વિના બધાંને પાસ જાહેર કરી દેવામાં આવે એવી એમની અપેક્ષા હતી. એ કેવી રીતે બને ? તમે અમેરિકા, કેનેડા કે ઓસ્ટ્રેલિયાની યુુનિવર્સિટીમાં ભણતા હો તો આવી માગણી કરવાની હિંમત દેખાડી શકો ખરા ? શક્ય જ નથી. વિદેશી યુનિવર્સિટીમાં રાંક થઇને રહેવું પડે. નહીં તો એક મિનિટમાં રસ્ટિકેટ થઇ જવાય. તો ઘરઆંગણે આવી માગણી શી રીતે ચાલી શકે ? લૉકડાઉન દરમિયાન લાખો વિદ્યાર્થીઓએ શું કર્યું એવો સવાલ સુપ્રીમ કોર્ટે કરવા જેવો હતો. 

હકીકતમાં એકલા અમેરિકામાં પચાસ કરોડ વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું હોવાનું ન્યૂયોર્ક ટાઇમ્સના ગુરુવાર (૨૭ ઑગષ્ટ)ના અંકમાં જણાવાયું હતું. કોરોનાએ આખી દુનિયામાં હાહાકાર ફેલાવ્યો છે એ હકીકત છે પરંતુ લૉકડાઉન દરમિયાન એમેઝોન પર ક્રાઇમ સિરિયલ્સ માણતાં માણતાં પણ રોજ બે ત્રણ કલાક અભ્યાસ તો થઇ શક્યો હોત. અપવાદ રુપે એકાદ વાર પરીક્ષા રદ કરવી પડે એ શક્ય છે પરંતુ આ તો દાખલો બેસાડવાની વાત છે. ડોશી મરે એનો ભો નથી પણ જમડા ઘર ભાળી જાય એની ચિંતા છે. 

એ પણ કબૂલ કે આપણી પરીક્ષા પદ્ધતિમાં પણ ઘણી ખામી છે. પરંતુ તેથી પરીક્ષા રદ કરી દેવાની માગણી કરી શકાય નહીં. આ તો માથું દુ:ખે ત્યારે માથું કાપી નાખવાની વાત જેવું છે. અગાઉ ઘણીવાર વાત થઇ છે કે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પણ દરેક મેચમાં સદી કરી નથી. એ જ રીતે એકાદ પરીક્ષામાં નબળો દેખાવ થાય તેથી કશું બગડી જતું નથી. પછીના વરસે ઉત્કૃષ્ટ દેખાવ કરી શકાય. વાતે વાતે સુપ્રીમ કોર્ટનેા દરવાજો ખખડાવવો એ પણ ઉચિત નથી. 

દરેક વાતમાં કોર્ટ પણ શું કરે ? આ તો સારું છે કે કોર્ટ આવી વાહિયાત અરજીઓ પણ સ્વીકારે છે. બાકી કોર્ટ ના પાડી શકે કે આ અમારા કાર્યક્ષેત્રમાં આવતો મુદ્દો નથી. શિક્ષણ મંત્ર્યાલય સાથે વાત કરો. કટોકટીકાળમાં સમાજના દરેક એકમે સમજદારી દાખવવી જોઇએ એમ શિક્ષણ ક્ષેત્રે પણ કોઠાસૂઝથી કામ લેવાવું જોઇએ. યુનિવર્સિટીની પરીક્ષાઓ જેવોજ મુદ્દો જેઇઇ અને એનઇઇટી પરીક્ષાનો પણ છે. 

Comments

Popular posts from this blog

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો