J&K : ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર, વિસ્ફોટક સામગ્રી જપ્ત
![]() |
| Image - Twitter |
પૂંછ, તા.06 સપ્ટેમ્બર-2023, બુધવાર
જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના મંડી વિસ્તારમાં LOC પર ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનાર 2 આતંકવાદીઓને ઠાર કરાયા છે. ભારતીય સેનાએ આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓ LOC પાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓને રોકવા સેના અને પોલીસે તુરંત ઓપરેશન હાથ ધર્યું હતું... ઘોર જંગલમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડાણ થઈ, જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે... એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજાની શોધખોળ ચાલી રહી છે... મૃતક આતંકી પાસેથી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
9થી 12 આતંકવાદીઓ સક્રિય
જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહના જણાવ્યા મુજબ રાજૌરી-પૂંછ બેલ્ટમાં 9થી 12 આતંકવાદીઓ સક્રિય છે. આ તમામનો ટુંક સમયમાં ખાતમો બોલાવાશે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાના પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ બનાવવા માટે પાકિસ્તાનની શરણ લેનારા ગદ્દારો અને જમ્મુ-કાશ્મીરમાં તેના સમર્થકોને પણ ખતમ કરવામાં આવશે....
દિલબાગ સિંહે કહ્યું કે, અમે કોઈપણ પ્રકારે રાજૌરી અને પુંછમાં આતંકવાદીઓને ફરી માથુ ઊંચકવા દઈશું નહીં... આતંકવાદને ખતમ કરવામાં આવશે અને તેના સમર્થકો સામે પણ કડકાઈ રીતે વર્તવામાં આવશે... તેમણે કહ્યું કે, પાકિસ્તાન ભાગતા પહેલા અહીં આતંકવાદમાં સામેલ કેટલાક દેશદ્રોહીઓ હજુ પણ સરહદ પાર ભારત વિરુદ્ધ આતંકવાદીઓ ગતિવિધિઓ ચલાવી રહ્યા છે.
આતંકીઓના સાથીઓને જમીન જપ્ત કરાશે
ડીજીપીએ કહ્યું કે, અમે આતંકવાદીઓને સાથ આપનારાઓની યાદી તૈયાર કરી છે. તેમની સંપત્તિ જપ્ત કરાશે... તેમને ગુનેગાર જાહેર કરાશે.

Comments
Post a Comment