ભારતીય વૈદ્યો પાસે ચીની બાદશાહો કાયાકલ્પ કરાવતા હતા


સાવ નજીક અને છતાં કેટલાં દૂર !

માનવ સંસ્કૃતિમાં પ્રાચીન ઇતિહાસમાં ભારતીય સંસ્કૃતિ અને ચીનની સંસ્કૃતિ લગોલગ ચાલતી રહી. વિદ્યા, ભાવના, ધર્મ અને સંસ્કારનું પરસ્પર આદાન-પ્રદાન થતું રહ્યું અને છતાં નાનકડા હોંગકોંગની સીમા પરથી જ્યારે વિરાટકાય 'ડ્રેગન' ચીનમાં થોડાં વર્ષો પૂર્વે પ્રવેશ્યો ત્યારે સાવ વિરોધી અનુભવ થયો.

મનમાં બૌદ્ધ ધર્મની કરુણા અને ભવ્યતા હતી, કન્ફ્યુશિયસના વ્યવહારુ વિચારો અને લાઓત્સેનું રહસ્યવાદી ચિંતનનું સ્મરણ થતું હતું. ભારતના ઇતિહાસમાં હ્યુ-એન-સાંગ અને ફાહિયાન જેવા ચીની પ્રવાસીનાં ભારત પ્રવાસના વર્ણનો ભારતીય ઇતિહાસને માટે મૂલ્યવાન દસ્તાવેજ બની રહ્યાં છે.

ભારતનો પ્રવાસ ખેડનાર પ્રથમ ચીની યાત્રી હતો ફાહિયાન. આશરે ઈ.સ. ૩૩૭થી આશરે ઈ.સ. ૪૨૨ સુધીનો એનો સમય. આ ફાહિયાને એના પ્રવાસવર્ણનમાં નોંધ્યું છે કે ભારત એ શાંતિ અનેે સમૃદ્ધિ ધરાવતો ઐશ્વર્યવાન પ્રદેશ છે. ભારતના લોકો સંતોષી છે અને એમને ન્યાય કચેરીમાં જવાની ભાગ્યે જ જરૂર પડે છે. લાંબી- લાંબી યાત્રાઓ કરનારને ચોર-લૂંટારાનો કોઈ ભય નથી. વળી, આવા સુરાજ્યમાં લોકો બહારગામ જતા, ત્યારે પોતાના ઘરના બારણે તાળું પણ મારતા નહીં.

એક સુંદર ઘટના ચીની પ્રવાસી ફાહિયાને નોંધી છે. આ પ્રવાસી એના પ્રવાસ દરમિયાન એકવાર રાજદરબારમાં જઈ ચઢ્યો અને જોયું તો બે ખેડૂતો વચ્ચે થયેલા ઝઘડાનો ન્યાય તોળવામાં આવતો હતો. ફાહિયાને એ વાતની ઉત્સુકતા જાગી કે આવા સંતોષી અને શાંતિપ્રિય લોકો કઈ વાતમાં પરસ્પર ઝઘડતા હશે ?

પહેલા ખેડૂતે રાજાને ફરિયાદ કરી કે એણે આ બીજા ખેડૂતને એનું ખેતર વેચ્યું હતું. એ ખેતરમાંથી માટી મળે, રાખ મળે કે સોનું મળે, એ બધાની માલિકી એની ગણાય. બન્યું એવું કે આ વેચેલા ખેતરમાંથી સોનું ભરેલો એક કળશ નીકળ્યો અને તે એ મને આપવા માંગે છે, પણ હું એકવાર ખેતર વેચી દીધા પછી કઈ રીતે તે સ્વીકારી શકું ?

રાજાએ બીજા ખેડૂતને પૂછ્યું, 'તમે તમારી વાત કરો.'

એણે કહ્યું, 'અન્નદાતા, એની વાત સાચી છે. મેં એનું ખેતર ખરીદ્યું હતું; પરંતુ બાકીની ચીજો પર મારો કોઈ હક્ક ગણાય નહીં. આથી આ સુવર્ણથી ભરેલો કળશનો માલિક એ ગણાય.'

ચીની પ્રવાસી ફાહિયાન આ ઝઘડાનું કારણ જાણીને આશ્ચર્યચક્તિ થઈ ગયો. એને થયું કે લોકો અહીં સુવર્ણ છીનવી કે ઝૂંટવી લેવા માટે નહીં, પણ આપવા માટે ન્યાય કચેરીએ આવે છે. બંનેમાંથી એક પણ ખેડૂત આ સુવર્ણનો કળશ લેવા તૈયાર નહોતો અને રાજા પણ આવી અણહકની વસ્તુ કઈ રીતે સ્વીકારે ? આથી અંતે એવું નક્કી કરવામાં આવ્યું કે આ સુવર્ણ ગ્રામજનોને વહેંચી આપવું.

ભારત પ્રવાસી ફાહિયાન પછી એ સમયે હોંગકોંગની સરહદ પાર કરીને ચીનમાં પ્રવેશતા લાઓત્સેનું સ્મરણ થયું. ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના આ સ્થાપક પોતાના મોટા ભાગનો સમય ધ્યાનચિંતનમાં ગાળતા હતા અને વૃદ્ધાવસ્થા આવતા એમણે આ સ્થાન છોડી ક્યાંક અજ્ઞાાતવાસ સેવવાનો વિચાર કર્યો. આ જાણીને ઘણી વ્યક્તિઓને આઘાત લાગ્યો. જેનો ઉપદેશ અને આચરણ સમાન હતા તેવા આ ચિંતક ચાલ્યા જશે, તો એમનું ગહન ચિંતન મળશે કઈ રીતે ? લાઓત્સે પ્રસ્થાનની તૈયારી કરી ત્યારે ચીનના સમ્રાટે કહ્યું,

''તમે જે સત્ય પ્રાપ્ત કર્યું છે, એ અમને કહેતા જાવ, પછી અહીંથી પ્રસ્થાન કરજો.''

લાઓત્સેએ કહ્યું, 'મેં જે કંઈ મેળવ્યું છે અને હું જે કંઈ અનુભવ પામ્યો છું, તે બતાવવા માટે હું અસમર્થ છું.'

સમ્રાટને એમ લાગ્યું કે લાઓત્સે એમની વાતનો ઇન્કાર કરે છે. સમ્રાટના અતિ આગ્રહ છતાં લાઓત્સેએ કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના પ્રસ્થાન આદર્યું. આથી સમ્રાટે દેશના સીમારક્ષકોને સૂચના આપી કે, લાઓત્સે આવે તો એમને સીમા પાર કરવા દેવા નહીં, એટલું જ નહીં પણ એમની ધરપકડ કરીને એમની પાસે એમના અનુભવો લખાવવા.

અનુશ્રુતિ પ્રમાણે લાઓત્સેએ ભેંસ ઉપર બેસીને પ્રયાણ કર્યું. પણ સરહદ પાર કરવા જતાં અમલદારે એમને રોક્યા અને જકાત તરીકે એમને પુસ્તક લખી આપવા જણાવ્યું. તેમણે તાઓ અને તેની શક્તિને સમજાવતું પુસ્તક બે ભાગમાં લખી આપ્યું. પરંતુ એ પુસ્તકનું પહેલું વાક્ય હતું.

'સત્ય ક્યારેય કહી શકાતું નથી.'

સમ્રાટને આ ઘટનાની ખબર પડી, ત્યારે એને પણ ખ્યાલ આવ્યો કે સત્યની શોધ એ કોઈ આસાન કામ નથી.

જ્યારે ભારતીય જ્ઞાાનસમૃદ્ધિ જોઈને મંત્રમુગ્ધ બનેલો હ્યુ-એન-ત્સાંગ તો ક્યાંથી ભૂલાય ? એ ભારતીય ગ્રંથોને લઈને ચીન પાછો ફરતો હતો, ત્યારે પુસ્તકોના વજનને કારણે એની નાવ ડૂબી જાય એવું હતું. નાવિકે વજન ઓછું કરવા માટે પુસ્તકો પાણીમાં પધરાવવાનું કહ્યું, ત્યારે હ્યુ એન ત્સાંગના શિષ્યોએ જાતે પાણીમાં ડૂબવાનું પસંદ કર્યું, પરંતુ ભારતના આ મૂલ્યવાન પુસ્તકોને પ્રાણ કરતાં પણ મહત્ત્વના ગણ્યાં.

આ બધી ઘટનાઓ પર દ્રષ્ટિપાત કરીએ ત્યારે રાજા સંપ્રતિનું પણ સ્મરણ થાય. જે ભારતીય રાજાએ છેક ચીન સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. અફસોસ એ વાતનો છે કે ભારતીય સંસ્કૃતિ પર થયેલા વિદેશી આક્રમણોની વાત આપણા ઇતિહાસમાં ગાઈ- બજાવીને કહેવામાં આવે છે, પરંતુ ભારતીય સંસ્કૃતિએ એશિયા અને યુરોપના દેશો પર જે પ્રભાવ પાડયો એની વાત ભાગ્યે જ કહેવાઈ છે !

ભારતે ભારતની બહાર 'વિશાળ ભારત' સર્જ્યું છે. જેણે ભારત પર આક્રમણ કર્યું એના પ્રભાવની ઐતિહાસિક ઘટનાઓ પાર વગરની મળે છે, પરંતુ કદી કોઈ અન્ય દેશ ઉપર આક્રમણ નહીં કરનાર ભારતના પ્રભાવની વાત આજે અનેક દેશોના શિલ્પ અને સ્થાપત્યમાં, પ્રજાની રહેણીકરણીમાં અને ધર્મગ્રંથોમાં નજરે પડે છે.

'મહાભારત'માં ચીનનો ઉલ્લેખ મળે છે. ભારતીય ખગોળશાસ્ત્રમાં ચીનમાં બોલબાલા હતી. ગૌતમ, કાશ્યપ અને કુમાર એ ભારતીય ખગોળશાસ્ત્રના ત્રણેય સંપ્રદાયો ચીનમાં પ્રચલિત હતા. ચીનના શહેનશાહે ભારતીય વિદ્વાનોને ચીની પંચાંગ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું.

ભારતીય વૈદકશાસ્ત્રની પ્રાચીનતા જાણીતી છે. ચીનના બાદશાહો અને એના ઉમરાવો જ્યારે બીમાર પડતા, ત્યારે ભારતીય વૈદ્યોને આદરસત્કારપૂર્વક નિમંત્રણ આપતા આ વૈદ્યો ઔષધ આપતા અને સ્વસ્થ બનાવતા. ભારતીય વૈદકશાસ્ત્ર પાસે કાયાકલ્પના પ્રયોગો હતા. ચીનના શહેનશાહો આવા વૈદ્યો પાસે કાયાકલ્પ કરાવીને દીર્ઘ જીવન જીવવાની ઇચ્છા સંતોષતા.

છેક ઈ. પૂર્વે ૨૧૭માં ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રવેશ થઈ ચૂક્યો હતો. ચીનના વિખ્યાત હાન વંશના સમ્રાટ મિંગ-તિએ નિમંત્રણ આપતાં ઇ.સ. ૬૫માં ચીનમાં કાશ્યપ માતંગે મહાયાન બૌદ્ધ ધર્મનો પ્રસાર કર્યો. આ કાશ્યપ પોતાની સાથે બૌદ્ધ ગ્રંથો અને પવિત્ર અવશેષો ચીનમાં લઈ ગયા હતા. આ ગ્રંથોએ ચીનની ધર્મભાવના ઘડી અને આ અવશેષોએ ચીનના શિલ્પ અને સ્થાપત્યમાં નવો પ્રાણ પૂર્યો.

અહીં ઈ.સ. ૪૦૧માં ચીનમાં બૌદ્ધ વિદ્વાનોની સભા મળી અને એ સભાએ દસ, વીસ નહીં, પણ ત્રણસો જેટલા બૌદ્ધ ગ્રંથોના ચીની ભાષામાં અનુવાદ કર્યા. આ અનુવાદ એક અર્થમાં ભારતને માટે મૂલ્યવાન બની ગયો એનું કારણ એ છે કે ભારતમાં ઘણાં ગ્રંથો લુપ્ત થયા, જેનો અનુવાદ આ ચીની ભાષામાં જીવંત રહ્યા. ભારતના વૈદકની માફક એનું સંગીત પણ ચીનને આકર્ષતું હતું. પ્રાચીન સમયે ભારતના સંગીતકારોને ચીનમાં નિમંત્રણ મળતું અને એ સંગીતકારોએ ચીની સંગીત પર પ્રભાવ પાડયો.

ચીનના શિલ્પ અને સ્થાપત્ય પર ભારતીય કલાની અસર જોવા મળે છે. ભગવાન બુદ્ધની મૂર્તિઓની સાથે ભારતીય કલા ચીનમાં પ્રવેશી. બૌદ્ધ ધર્મના સ્તૂપોની બાંધણીમાં ભારતીય કલાનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે. છઠ્ઠી સદીમાં ચીની અશોક તરીકે ઓળખાયેલા સમ્રાટ વૂત્તીએ બૌદ્ધ ધર્મગ્રંથ ત્રિપિટકનો ચીની ભાષામાં સંપૂર્ણ અનુવાદ પ્રગટ કર્યો. ભારતીય અને ચીનના સંબંધનો ઇતિહાસ પરાકાષ્ઠાએ પહોંચે છે. હર્ષવર્ધનના સમયમાં. હર્ષવર્ધનનો સમય એટલે ઇ.સ. ૬૦૬થી ૬૧૮નો કાળ. આ સમયે ભારત અને ચીન વચ્ચે રાજદૂતોની આપ-લે શરૂ થઈ.

એ જમાનામાં ચીની શહેનશાહોના પ્રતિનિધિ મંડળો ગાંધાર, મગધ, બંગાળથી માંડીને કાશ્મીર સુધી અને દક્ષિણમાં પલ્લવોના દરબાર સુધી જતા હતા. ભારતના અનેક રાજ્યોમાંથી શુભેચ્છા મંડળો ચીની શહેનશાહના દરબારમાં જતા હતા. ચીનના શહેનશાહે ભારતીય બૌદ્ધ સાધુઓને બોલાવ્યા અને તેમાં જુદા જુદા સાધુઓ અને પંડિતોમાં ગુજરાતના લાટ પ્રદેશના ધર્મગુપ્ત પણ હતા. એમાંથી કેટલાકે બૌદ્ધ ધર્મના નવા પંથો પણ ઉભા કર્યા. આજે પણ ચીન અને દૂર પૂર્વના દેશોમાં 'અભિતાભ' પંથ મળે છે.

ચીની યાત્રાળુઓએ ભારતનો પ્રવાસ કર્યો અને એમનાં પ્રવાસ વર્ણનો આજે આપણને એ સમયના ભારતની ઓળખ આપે છે. હ્યુ-એન-સાંગ, ફાહિયાન, ઇત્સિંગ જેવા જિજ્ઞાાસુઓએ અપાર આપત્તિ વેઠીને ભારતની યાત્રા કરી અને એમની નોંધ એ આજે તે સમયના ભારતનો જીવંત દસ્તાવેજ બની રહી છે. જે મૂળ ગ્રંથો ભારતમાં રહ્યા નથી તે યાત્રાળુઓ અને વિદ્વાનોના પ્રયાસને કારણે ચીની ભાષામાં મળે છે. ભારતીય ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને વૈદકશાસ્ત્ર તેમજ બ્રાહ્મણ ધર્મને લગતા કેટલાક ગ્રંથો ચીની ભાષાના અનુવાદ પરથી આપણે મેળવી શકીએ છીએ. અનુવાદ મારફતે અમૂલ્ય સાહિત્ય જળવાઈ રહેવાની મહાન ઘટના ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં દ્રષ્ટિગોચર થાય છે.

ચીનમાં 'બ્રાહ્મણ વસાહતો' હતી. આ વસાહતો ભારતીય વેપારીઓને માટે ચીનના શહેનશાહોએ ઉભી કરી હતી. આ શહેનશાહે ભારતના સાહસિક વેપારીઓને માટે મંદિરો બંધાવી આપ્યા હતા અને એમાં પૂજાપાઠ માટે બ્રાહ્મણો અને પુરોહિતો ભારતથી બોલાવીને વસાવ્યા હતા.

ચીનના કેન્ટોનમાં આવી બ્રાહ્મણ વસાહતો હોવાનો ઉલ્લેખ મળે છે. ચીનમાંથી આવતા રેશમી વસ્ત્રો 'ચિરાંશુક'ના વારંવાર ઉલ્લેખો મળે છે. ભારતમાંથી કેટલાક ચીની સિક્કાઓના ભંડારો મળ્યા છે. ચીની માટીનાં વાસણોનાં અવશેષો મળ્યા છે અને આમ ૧૨મી સદી સુધી ભારત અને ચીનનો ગાઢ સંપર્ક રહ્યો છે. ભારતીય સંસ્કૃતિએ કશાય આક્રમણ વિના ચીનની સંસ્કૃતિમાં ઘણો મહત્ત્વનો ફાળો આપ્યો છે.

ભારત પર મુસ્લિમ શાસકોનું ઝનૂની આક્રમણ થયું. ભારતનાં બૌદ્ધ કેન્દ્રોનો વિનાશ થયો અને એની સાથોસાથ ભારત અને ચીન વચ્ચેનો સાંસ્કૃતિક સંબંધ નંદવાઈ ગયો.

સમય જતાં ચીનમાં સામ્યવાદ આવ્યો એ વિચારધારાએ એનાં મૂલ્યો જીવનદ્રષ્ટિ અને વ્યવહારપ્રણાલિમાં કુઠારાઘાત કર્યો. એની પ્રાચીન સંસ્કૃતિ સમૂળગી બદલાઈ ગઈ. આજે વિશ્વભરમાં એકમાત્ર ભારતીય સંસ્કૃતિ જ એવી છે કે જે હજારો વર્ષથી એની પરંપરા, મૂલ્યો અને ભાવનાઓનું સાતત્ય જાળવીને જીવંત ધબકાર સાથે વિશ્વને ઉજાગર કરે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો