ભારત સાથેના સરહદી વિવાદ મુદ્દે અમેરિકાની મધ્યસ્થીવાળી વાત પર ચીનનું રિએક્શન
બેઈજિંગ, તા. 29 મે 2020, શુક્રવાર
ભારત અને ચીન વચ્ચે વધી રહેલા સરહદી વિવાદના નિરાકરણ માટે અમેરિકાએ મધ્યસ્થતા કરવાની તૈયારી દર્શાવી હતી. તેના અનુસંધાને ચીનના સરકારી મીડિયાએ ચીન અને ભારતને વર્તમાન સરહદી વિવાદના ઉકેલ માટે અમેરિકાની મદદની કોઈ જ જરૂર નથી તેમ જણાવ્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટના માધ્યમથી બંને દેશ વચ્ચેના સરહદી વિવાદને ઉકેલવા મધ્યસ્થતા કરવાની તૈયારી દર્શાવી હતી.
ટ્રમ્પે ટ્વિટમાં લખ્યું હતું કે, 'અમે ભારત અને ચીન બંનેને અમેરિકા સીમા વિવાદમાં મધ્યસ્થતા કરવા તૈયાર, ઈચ્છુક અને સક્ષમ છે તેમ જણાવેલું છે.' ચીની વિદેશ મંત્રાલય તરફથી ટ્રમ્પની ટ્વિટના જવાબમાં કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી પરંતુ સરકારી સમાચારપત્રમાં છપાયેલા એક લેખમાં બંને દેશોને રાષ્ટ્રપતિ ટ્રમ્પની આવી મદદની કોઈ જરૂર નથી તેમ લખવામાં આવ્યું હતું.
ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં લખવામાં આવ્યું હતું કે, 'ભારત અને ચીન દ્વિપક્ષીય વાર્તાલાપ દ્વારા વર્તમાન વિવાદને ઉકેલવા સક્ષમ છે. બંને દેશોએ અમેરિકાથી સતર્ક રહેવું જોઈએ કારણ કે, અમેરિકા ક્ષેત્રમાં શાંતિ અને સદ્ભાવને બગાડવાના અવસરને શોધતું રહે છે.'
ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ અને સિક્કિમની વાસ્તવિક નિયંત્રણ રેખા મામલે તણાવ ખૂબ વધી ગયો છે. બંને દેશોએ સરહદ પર સૈનિકોની તૈનાતી અને પેટ્રોલિંગ વધારી દીધું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
Comments
Post a Comment