કરણ જોહરની આત્મકથાનાં પાનાં


શાહરુખ ખાને તેને પાનો ન ચડાવ્યો હોત તો તેઓ ફિલ્મ નિર્દેશક ન બનત

અઢી વર્ષ સુધી પબ્લિક સ્પીકિંગનો કોર્સ કરી પોતાની બોડી લેન્ગ્વેજ અને અવાજમાં ધરખમ ફેરફાર કર્યો

કરણ જોહર યશ ચોપ્રા અને ઇમ્તિયાઝ અલીની જેમ પોતાની શૈલી ઊભી કરી શક્યા નથી

પ્રેમ બોલીવુડનો કેન્દ્રવર્તી વિષય રહ્યો છે. યશ ચોપરા રોમેન્ટિક ફિલ્મોના આરાધ્ય દેવતા છે ને તેમના ઉપાસકો એટલે ઇમ્તિયાઝ અલી, આદિત્ય ચોપરા અને કરણ જોહર. બહુ નાની ઉંમરે કરણે કુછ કુછ હોતા હૈ બનાવી એવો માઇલ સ્ટોન સ્થાપી દીધેલો જે આજે પણ અડગ છે અને કોઇ ઉચ્ચ શિખરની જેમ આઘેથી દ્રશ્યમાન થાય છે. ૨૦૧૭માં તેમની આત્મકથા પ્રસિદ્ધ થયેલી, તેમાં તેમની ફિલ્મો અને તેમની જિંદગીના અનેક નવા પાનાં ઊઘડયા છે. 

૨૪-૨૫ વર્ષની ઉંમરે તેમણે કુછ કુછ હોતા હૈ બનાવી, એ સમયે તેમને પ્રેમનો કોઇ વ્યકિતગત અનુભવ નહોતો. હા, વનસાઇડેડ લવનો એક નિષ્ફળ પ્રયોગ જરૂર તેમણે કરેલો. બાકી ન તો તેનો પ્રેમના યથાર્થથી પરિચિત હતા, ન વિરહની આગથી. તેમ છતાં સિલ્વર સ્ક્રીન પર એક એવો પ્રણય ત્રિકોણ રચી દીધો જે ત્યારની પેઢી માટેમહાકાવ્ય બની ગયો. યુવા પેઢી ૧૯૯૮માં આવેલી એ સંગીતમય પિક્ચર પર ઓળઘોળ થઇ ગઇ. અનેક છોકરાઓ રાજ બની ગયા, અનેક છોકરીઓ પોતાની અંદર અંજલિ જોવા માંડી. કેટલીયે પરિણીતાઓ પોતાને ટીના તરીકે તૈયાર કરવા લાગી. જ્યાં જુઓ અને જ્યાં જાવ ત્યાં કુછ કુછ હોતા હૈના ગીતો સંભળાય. યુવા મહેફિલમાં તેની સાંબેલાધાર ચર્ચા ચાલે ને આ ડાયલોગ તો જાણે તકિયા કલામ બની ગયો, તુમ નહીં સમઝોગે, કુછ કુછ હોતા હૈ.

૨૦૧૬માં તેમણે એ દિલ હૈ મુશ્કીલ બનાવી. તેમાં રણબીર કપુરે એક એવા નાયકની ભૂમિકા ભજવી છે, જેને બધું કુરબાન કર્યા પછી પણ પ્રેમમાં નિષ્ફળતા મળે છે. વન સાઇડેડ લવની એ વાર્તામાં રણબીર કપુર પડછાયો માત્ર હતા. અસલી ચહેરો હતા કરણ જોહર. ૩૫ વર્ષની ઉંમરે કરણ જોહરે બીજી વખત પ્રેમ કર્યો ને આ બીજો પ્રેમ પણ એકતરફી રહ્યો. બીજી વખત થયેલા એકતરફા પ્રેમમાં મળેલી નિષ્ફળતાથી તેઓ લાંબા સમય સુધી પીડાતા રહ્યા. પ્રેમથી ભરેલી આ દુનિયામાં પ્રેમ પર ફિલ્મો બનાવનારા આ નિર્દેશકના હાથ હંમેશા માટે ખાલી રહ્યા. એ દિલ હૈ મુશ્કીલ તેમને પ્રેમમાં મળેલી નિષ્ફળતા વ્યક્ત કરે છે. અલબત્ત આ ફિલ્મની કથન શૈલીમાં ઇમ્તિયાઝ અલીની છાંટ વર્તાયા વિના રહેતી નથી. 

કુછ કુછ હોતા હૈ થી યે દિલ હૈ મુશ્કીલ તેમની વધતી જતી પરિપક્વતાનો ગ્રાફ રચે છે. બીજા ફિલ્મ નિર્દેશકો અને લેખકોની જેમ તેમણે પણ જીવનમાં બનેલા કેટલાક કિસ્સાઓને દૃશ્યસહ પડદા પર ઉતાર્યા છે. તેનું વિગતવાર વિવરણ તેમની આત્મકથા એન અનસૂટેબલ બોયમાં વાંચવા મળે છે. વિક્રમ શેઠની વિખ્યાત નવલકથા છે એ સૂટેબલ બોય. તેના પરથી જ કરણ જોહરે પોતાની આત્મકથાને શીર્ષક આપ્યું છે. એ આત્મકથામાં એક એવા છોકરાની વાત કરવામાં આવી છે જેનું કોઇ ચીજમાં મન લાગતું નહોતુ,  ને પછી તેને હિંદી સિનેમા પ્રત્યે ગાઢ પ્રેમ થઇ જાય છે. 

કરણ જોહરની આત્મકથા અને તેમની ફિલ્મો વચ્ચે એક વિરોધાભાસ જોવા મળે છે.  તેમણે જે છેની વાત કરવાને બદલે જે નથીની અભિવ્યકિત કરીને રચેલી ફિલ્મો દ્વારા જીવનનો ખાલીપો પૂરવાની કોશિશ કરી છે. સાધારણથી લઇને અસહનીય સિનેકૃતિ બનાવનારા આ ફિલ્મકારની જીવન કથા તેમને સંવેદનશીલ, એકલવાયો, બુદ્ધિમાન અને બીજાથી અલગ મૂકી દે છે. જે કરણ જોહર ફિલ્મોમાં જોવા મળે છે તે આત્મકથામાં જોવા મળતા નથી. કદાચ આ જ તેમની વિશેષતા છે. 

નાનપણથી જ તેઓ  બીજાથી અલગ હતા. ધનાઢ્ય પરિવારમાં ઉછેર થયો. તેમનો સંઘર્ષ એવો હતો જે બીજા સામે વ્યક્ત કરી શકતા નહોતા. મેદસ્વી શરીર અને છોકરીઓ જેવા હાવભાવને કારણે તેઓ બીજા છોકરાઓ સાથે ભળી શકતા નહોતા. ફલતઃ એકલતા અને ઉદાસીનો શિકાર રહેતા. ઉદાસી અને એકલતાની અસર તેમના ભણતર પર પણ થઇ. અભ્યાસમાં કમજોર હોવાથી તેમને તારે જમીન પરના ઇશાનની જેમ બોર્ડીંગ સ્કુલ મોકલવામાં આવ્યા. ત્યાંથી પણ તે રડીને પાછા આવી ગયેલા. વર્ષો બાદ તેમણે તારે જમીન પર જોઇ તો જાણે પોતાનું જ બાળપણ પડદા પર ભજવાઇ રહ્યું હતું અને તેઓ ધુ્રસ્કે ધુ્રસ્કે રડી રહ્યા હતા.  

મેદસ્વીપણાને કારણે તેઓ સ્પોર્ટ્સમાં પણ કમજોર હતા. જૂતાને લેસ બાંધવામાં પણ મુશ્કેલી પડતી હતી. બાળપણમાં એક બાબતમાં તેઓ હોંશિયાર હતા. એ બાબત એટલે લેખન.  આ ઉપરાંત તેઓ ડિબેટમાં પણ પાવરધા હતા. શાળા અને કોલેજમાં તેમણે અનેક ડિબેટ કોમ્પિટીશન જીતીને પોતાનો ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો મેળવ્યો. આ વર્ષોમાં તેમની કલમ પણ સતત વિકસતી રહી. થોડા વર્ષો બાદ એક એવો પણ પ્રસંગ બન્યો કે શાહરૂખ ખાન કરણના લેખનથી પ્રભાવિત થઇ ગયા. 

નિર્દેશક અને નિર્માતા કરણ જોહર વિશે ખૂબ વાતો થાય છે પણ લેખક કરણ જોહરની ચર્ચા ભાગ્યે જ થતી હશે. પોતાની બધી જ ફિલ્મો તેમણે જાતે લખી હોવા છતાં એક સમર્થ લેખક તરીકે ક્યારેય તેમને સેલિબ્રેટ કરવામાં આવ્યા નથી. આત્મ કથામાં તેમણે લખ્યું છે કે આદિત્ય ચોપરા નિર્દેશિત દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે વખતે તેઓ એક અજ્ઞાાત આસિસ્ટન્ટ હતા. યશ જોહરના દીકરા સિવાય તેમની કોઇ ઓળખ નહોતી. એ જ ફિલ્મ દરમ્યાન તેમને બીજી ઓળખ તેમની લેખન કળાને લીધે પ્રાપ્ત થઇ. ડીડીએલજેનો મશહુર ડાયલોગ બાબુજી સહી કહતે હૈ... તેમણે લખેલો. આદિત્ય ચોપરાએ કરણ પાસે આ ડાયલોગ લખાવી શાહરૂખને ભજવવા માટે આપ્યો. શાહરૂખને સીન ખૂબ જ ગમ્યો. તેમણે વખાણ કર્યા. આદિત્યએ કહ્યું, આ ડાયલોગ કરણે લખ્યો છે. આ વાત શાહરૂખને માનવામાં આવતી નહોતી. શાહરૂખે કરણને કહ્યું, ખરેખર તે લખ્યો છે? જે રીતે તું બોલે છે એ જોતાં લાગે છે તારી તો હિંદી ખરાબ છે. 

હું સારી હિંદી બોલી શકતો નથી પણ લખી શકું છું, નવયુવા કરણે જવાબ આપ્યો. ચકિત થયેલા શાહરૂખે ફરી પૂછયું સાચે જ આ સીન તે લખ્યો છે? એ ઘટના પછી શાહરૂખના મનમાં એ અજાણ્યા આસિસ્ટન્ટ છોકરાનું મહત્ત્વ વધી ગયું. તે પોતાના અનેક સીન તેની સાથે બેસીને તૈયાર કરવા લાગ્યો. તેની સલાહ લેવા લાગ્યો.  તેને એટલું મહત્વ આપવા લાગ્યો, ડીડીએલજેનું શૂટીંગ પૂરું થયું ત્યાં સુધીમાં ૨૩ વર્ષના દિશાહીન કરણે કોસ્ચ્યુમ ડિઝાઇનર બનવાનો નિર્ણય કરી લીધો હતો. શાહરૂખ ઇચ્છતા હતા કે કરણ નિર્દેશક બને અને પોતાને તેની ફિલ્મમાં હીરો તરીકે લે. 

કરણને શાહરૂખની વાત પર વિશ્વાસ આવતો નહોતો. તેને હસવું આવી રહ્યું હતું. આ બાજુ જેવું ડીડીએલજેનું પ્રીમિયર પૂરું થયું કે શાહરૂખે કરણને ફોન કરીને કહ્યું, અત્યારે ઓકટોબર ૧૯૯૫ ચાલે છે હું તને ૧૯૯૭ની ડેટ્સ આપું છું. બે વર્ષનો સમય છે તારી પાસે પોતાની પહેલી ફિલ્મ લખવા માટે. શાહરૂખે તેનામાં મૂકેલા વિશ્વાસને કારણે જ તેઓ કુછ કુછ હોતા હૈ જેવી અમરપ્રેમ કથા રચી શક્યા. ત્યારબાદ વર્ષો સુધી કરણ કહેતા રહેલા કે શાહરૂખ વિના હું ફિલ્મ બનાવવાનું વિચારી પણ શકતો નથી.  

કરણની આ ઘોષણા જ કદાચ બંને વચ્ચે અંતર ઊભું કરવાનું કારણ બની. શાહરૂખે ફરિયાદ કરી કે માય નેમ ઇઝ ખાન પછી કરણે તેની સાથે કોઇ ફિલ્મ બનાવી નહીં. કરણની ફરિયાદ હતી કે સ્ટુડન્ટ ઓફ ધ ઇયરની શાહરુખે સંપૂર્ણપણે ઉપેક્ષા કરી. દોસ્તી થવી, દોસ્તીમાં ટકરાવ પેદા થવો અને ફરી દોસ્ત બની જવું આ ઘટનાક્રમ પર કરણ જોહરે ૧૩ પાનાનું પ્રકરણ લખ્યું છે ને પ્રકરણનું શીર્ષક છે, શાહરૂખ ખાન.  તે વાંચીને સ્પષ્ટપણે સમજી શકાય છે કે બંનેની દોસ્તી અફવાઓથી ઘણી ઉપર છે. 

પોતાની લેખનશૈલીને કારણે સ્ટાર અભિનેતાની નજરે ચડેલો યુવાન અનેક ફિલ્મો લખ્યા પછી પણ શા માટે સમીક્ષકોની નજરે ન ચડયો? તે યક્ષપ્રશ્ન છે. ઇમ્તિયાઝ અલી તથા રાજકુમાર હીરાણીના લેખન કસબની જે રીતે નોંધ લેવામાં આવી છે એ રીતે કરણ જોહરની નથી લેવાઈ. કદાચ એટલા માટે કેમ કે કભી અલવિદા ના કહેના, માય નેઇમ ઇઝ ખાન અને યે દિલ હૈ મુશ્કિલ જેવી નવી વાર્તાઓ પણ જૂની શૈલીમાં કહી છે. તેમણે પણ મોટાભાગે યશ ચોપરાની જેમ અતિનાટકીયતા અને ખોખલી ભવ્યતાની આંગળી ઝાલીને જ પોતાની ફિલ્મો બનાવી છે. એ દિલ હૈ તો વળી યે દિલ હૈ મુશ્કિલમાં તેઓ ઇમ્તિયાઝ અલીના બહુરૂપી બની જતા જોવા મળે છે. અનેક ફિલ્મોનું નિર્દેશન તથા નિર્માણ કરવા છતાં તેઓ પોતાની સીગ્નેચર સ્ટાઇલ ઉભી કરવામાં નિષ્ફળ નીવડયા છે. અદ્ભુત લેખન શૈલીના માલિક હોવા છતાં હજી સુધી પોતાની સિનેમાયી ભાષા શોધી શક્યા નથી. ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા હોવા છતાં તેમને ફિલ્મો બનાવવામાં ખાસ રસ નહોતો. કોલેજમાં આદિત્ય ચોપરા તેમની સાથે ભણતા હતા અને બંને દોસ્તાર હતા. આદિત્યની મિત્રતાને કારણે જ તેમનામાં ફિલ્મો પ્રત્યે રુચિ પેદા થઇ અને આદિત્ય જ તેમના પ્રથમ સિનેમા ગુરૂ બન્યા. 

ડીબેટ કોમ્પિટીશનમાં ધારદાર દલીલો કરવાને કારણે તેઓ કોલેજનો જાણીતો ચહેરો  બની ગયેલા. ફ્રેન્ચ શીખવાનું પણ શરૂ કરી દીધેલું. કારણ કે પપ્પાનો ઇમ્પોર્ટ- એક્સપોર્ટનો બીઝનેસ સંભાળવા ફ્રાંસ જવા માગતા હતા.   

આજે કરણ જોહરની જે બોડી લેંગ્વેજ છે જે તેનો અવાજ છે તે અસલ કરણ જોહર નથી. પોતાનું વ્યકિતત્વ બદલવા માટે તેમણે અઢી વર્ષનો પબ્લિક સ્પીકિંગનો કોર્સ કરેલો. આ દરમિયાન  તેમના મેન્ટર એક વખત કરણને પોતાની ચેમ્બરમાં લઇ ગયા અને કહ્યું કે તારો અવાજ અને તારી બોડી લેંગ્વેજ સ્ત્રૈણ છે તેમાં પરિવર્તન લાવવું પડશે. ઘણી મહેનત અને તાલીમ બાદ તેમણે પોતાની એક અલગ જ ઇમેજ ઊભી કરી. પબ્લિક સ્પીકિંગનો કોર્સ ચોરીછુપીથી કર્યો હતો. ઘરે એવું કહેતા કે કોમ્પ્યુટર શીખવા જઇ રહ્યો છું. 

તેમણે ક્યારેય શા માટે સજાતીયતા પર ગંભીર ફિલ્મ ન બનાવી તે સવાલ રહે છે. તેઓ ભલે બ્લ્યુ ઇઝ ધ વોર્મેસ્ટ કલર અથવા સેન્સ-૮ જેવી ફિલ્મો ન બનાવે પણ ઓનિરની જેમ માય બ્રધર નિખિલ તો બનાવી જ શક્યા હોત. 

બેવફાઇ પર આજથી દોઢ દાયકા પહેલાં કભી અલવિદા ન કહેના બનાવવી એ તેમની સાહસિકતાનું દ્રષ્ટાંત ગણાય. આ ફિલ્મ બદલ એ સમયે તેમણે ટીકાકારોનો ભરપૂર સામનો કરેલો. તેમના નજીકના લોકોએ નારાજ થઇને કહ્યું, તને એ તો ખબર છે ને કે તારા પ્રોડકશન હાઉસનું નામ ધર્મા છે અને તેનો (જૂનો)લોગો ગણેશજી છે. એવી ગુસ્તાખી કરણ જોહર બીજી વખત ક્યારે કરશે તેની ઇન્તેજારી.

આજની નવી જોક

છગન (મગનને): કોરોના ઘાતક છે, પણ આપણે માનીએ છીએ એટલો નહીં.

મગનઃ કઈ રીતે?

છગનઃ કોરોનાએ દેશ ભલે બંધ કરાવ્યો, પણ રાજનીતિ બંધ કરાવી શક્યો નથી.

મગનઃ હેં!?

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો