ઓક્ટોબરમાં આવી શકે છે કોરોનાની વેક્સિન, ઓક્સફોર્ડ બાદ હવે આ કંપની પર આશા


વોશિંગ્ટન, તા. 30 મે 2020, શનિવાર

કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરવા માટે હવે વધુ એક કંપનીએ વિશ્વને આશાનું કિરણ બતાવ્યું છે. વાયગ્રા જેવી દવાઓની શોધ કરનારી અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની Pfizer એ ચાલુ વર્ષ દરમિયાન ઓક્ટોબર મહીનાના અંત સુધીમાં તેમની કોરોના વેક્સિન બનીને તૈયાર થઈ જશે તેવો દાવો કર્યો છે. 

Pfizerના સીઈઓ આલ્બર્ટ બુર્લાએ જણાવ્યું કે, 'જો બધું સરખી રીતે ચાલશે અને નસીબ સાથ આપશે તો ઓક્ટોબરના અંત સુધીમાં વેક્સિન તૈયાર થઈ જશે. એક ગુણકારી અને સુરક્ષિત વેક્સિન માટે તેઓ ભરપૂર પ્રયત્નો કરી રહ્યા છે.'

કંપનીના સીઈઓએ જણાવ્યું કે, તેમની કંપની જર્મનીની ફર્મ બાયોન્ટેક સાથે યુરોપ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં અનેક સંભવિત વેક્સિન માટે કામ કરી રહી છે. તે સિવાય એસ્ટ્રાજેનેકા નામની અન્ય એક કંપનીએ પણ આ વર્ષના અંત સુધીમાં એક કે તેનાથી વધારે વેક્સિન તૈયાર થઈ શકે છે તેવો દાવો કર્યો છે. એસ્ટ્રાજેનેકા હાલ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સિન પર કામ કરી રહી છે અને એક વેક્સિનનું કામ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ શકે છે. 

એસ્ટ્રાજેનેકાના પ્રમુખ પાસ્કલ સોરિએટ્સે જણાવ્યું કે, 'અમારી વેક્સિનથી અનેક લોકોમાં ઉમ્મીદ જાગી છે. જો તમામ તબક્કે સફળતા મળશે તો વર્ષના અંત સુધીમાં તેમના પાસે વેક્સિન આવી જશે.' એક અહેવાલ પ્રમાણે આગામી સમયમાં પડકાર વધુ આકરો બની શકે છે અને લોકોને મહામારીથી બચાવવા 1,500 કરોડ ડોઝ તૈયાર કરવા પડશે. 

હાલ સમગ્ર વિશ્વમાં 100 જેટલી લેબમાં કોરોના વાયરસની વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી માત્ર 10 જ ક્લિનિકલ ટ્રાયલ સુધી પહોંચી શકી છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે