સ્વપ્નદ્રષ્ટા ઇલોન મસ્કઃ માનવીને બીજા ગ્રહ પર વસાવવાનું સપનું


અમેરિકાની સ્પેસએક્સ કંપનીએ નાસાના બે અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલીને ઇતિહાસ સર્જ્યો

- ઇલોન મસ્કનું માનવું છે કે ક્લાયમેટ ચેન્જ કે પછી બીજી કોઇ કુદરતી કે માનવસર્જિત આફત બાદ પૃથ્વી રહેવાલાયક નહીં રહે એ સંજોગોમાં માનવીએ વેળાસર બીજો કોઇ ગ્રહ શોધવાની જરૂર છે એટલું જ નહીં, ઇલોન મસ્કનું સપનું મંગળ ગ્રહ ઉપર માનવ વસાહત સ્થાપવાનું છે

- એક સાથે ૧૦૦  વ્યક્તિઓને મંગળ પર પહોંચાડવાના મહત્ત્વાકાંક્ષી મિશન પર કામ ચાલી રહ્યું છે

- મસ્ક સ્પેસ ક્રાફ્ટમાં રેસ્ટોરન્ટ, ગેમ્સ અને સિનેમા જેવી સગવડો પણ ઊભી કરવા માગે છે

અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ઇતિહાસ રચ્યો છે. અમેરિકાના બે અંતરિક્ષયાત્રીઓ નવ વર્ષના લાંબા ગાળા પછી અમેરિકાની ધરતી પરથી અવકાશયાત્રાએ રવાના થયા છે. અમેરિકાના ફ્લોરિડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સનું અવકાશયાન ધ ક્રૂ ડ્રેગન બોબ બેનકેન અને ડગ્લાસ હર્લી નામના નાસાના બે એસ્ટ્રોનૉટને લઇને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવા રવાના થયુ. આ એ જ સ્થળ છે જ્યાંથી નીલ આર્મસ્ટ્રોંગ અને અન્ય અવકાશયાત્રીઓને ચંદ્ર પર લઇ જતું એપોલો મિશન રવાના થયું હતું. આ પહેલી વખત બન્યું છે કે કોઇ ખાનગી યાન દ્વારા અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યાં છે. 

જાણીતા બિઝનેસ માંધાતા ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સની કેપ્સૂલ ડ્રેગનમાં રવાના થયેલા એસ્ટ્રોનૉટ્સ બોબ બેનકેન અને ડગ હર્લી વર્ષ ૨૦૦૦થી નાસા સાથે જોડાયેલા છે અને નાસાના એસ્ટ્રોનૉટ કોર્પ્સના સૌથી અનુભવી અવકાશયાત્રીઓ છે. બંને અવકાશયાત્રીઓ સ્પેસ શટલ દ્વારા બે વખત અવકાશમાં જઇ ચૂક્યાં છે. આમ તો આ મિશન ગયા બુધવારે રવાના થવાનું હતું પરંતુ ખરાબ હવામાનના કારણે તેને છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૧ બાદ અમેરિકાની ધરતી પરથી પહેલી વખત આ પ્રકારના મિશનને અંજામ આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પળના સાક્ષી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બન્યાં હતાં. 

આદિકાળથી માનવી જિજ્ઞાાસુ રહ્યો છે અને તેને હંમેશા જળ, ધરતી, પાતાળ અને અંતરિક્ષના રહસ્યો જાણવાની તાલાવેલી રહી છે. એમાંયે અવકાશ તરફ માનવીની દોટ પહેલેથી રોમાંચક રહી છે. ૧૯૫૭માં સોવિયેત સંઘે માત્ર ૫૯ સેમીના પહેલાવહેલા સેટેલાઇટ સ્પુટનિક-૧ને અવકાશમાં તરતો મૂકીને દુનિયાભરમાં સનસનાટી ફેલાવી દીધી હતી. અંતરિક્ષમાં જઇને આ સેટેલાઇટે પૃથ્વી પર સિગ્નલો મોકલવાની શરૂઆત કરી ત્યારે દુનિયાભરમાં રોમાંચ વ્યાપી ગયો હતો. જોકે છેલ્લા છ દાયકામાં અવકાશ સુધી જવાનું સપનું ગણ્યાંગાંઠયાં દેશો જ સાકાર કરી શક્યાં છે.

સ્પેસએક્સના રોકેટમાં રવાના થયેલા અવકાશયાત્રીઓએ નવા યુગની શરૂઆત કરી છે. નાસાના સ્પેસ શટલ પ્રોગ્રામને બંધ કર્યા પછી અમેરિકાએ પોતાના અભિયાનો માટે રશિયાની મદદ લેવી પડી. જોકે રશિયા દ્વારા અવકાશ પ્રોગ્રામ યોજવાનું અમેરિકાને આર્થિક રીતે ભારે પડતું હતું. નાસાના યાનને અવકાશમાં મોકલવાનું બંધ કરવા પાછળ એવો તર્ક રજૂ કરવામાં આવ્યો હતો કે એ નાણાનો ઉપયોગ સ્પેસના રહસ્યોને સમજવા માટે કરવામાં આવશે. આ નવ વર્ષ દરમિયાન જ્યારે જરૂર લાગી ત્યારે નાસાએ રશિયાના સોયૂઝ યાન દ્વારા પોતાના એસ્ટ્રોનૉટને અવકાશમાં મોકલ્યાં. 

છેલ્લા થોડા વર્ષોથી ખાનગી કંપનીઓ પણ અવકાશયાત્રામાં ઘણો રસ લઇ રહી છે. અમેરિકાની કંપની સ્પેસએક્સ આ રેસમાં સૌથી આગળ છે. વર્ષ ૨૦૦૨માં અમેરિકાના બિઝનેસ ટાયકૂન ઇલોન મસ્કે આ કંપનીની સ્થાપના કરી હતી. ૧૯૭૧માં દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ઇલોન મસ્ક દક્ષિણ આફ્રિકા, અમેરિકા અને કેનેડા એમ ત્રણ દેશની નાગરિકતા ધરાવે છે. તેમના માતા મોડલ હતાં અને પિતા એન્જિનિયર હતાં. જોકે ઇલોન મસ્કને તેમના પિતા પ્રત્યે ખાસ લગાવ નહોતો. ત્રણ સંતાનોમાં સૌથી મોટા એવા ઇલોનને નાનપણથી પુસ્તકો અને કમ્પ્યુટરનો શોખ હતો. અભ્યાસમાં કાયમ રચ્યાપચ્યા રહેલા ઇલોનને નાનપણથી ખાસ મિત્રો રહ્યાં નથી. શાળામાં પણ ચૂપચાપ રહેવાના કારણે બીજા વિદ્યાર્થીઓ તેમને પરેશાન પણ કરતાં હતાં.

જોકે કિશારાવસ્થામાં તેમના વ્યક્તિત્ત્વમાં બદલાવ આવ્યો. ૧૯૯૫માં પીએચડી કરવા માટે તેઓ અમેરિકાની સિલિકોન વૅલી પહોંચ્યાં. તેમણે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એપ્લાઇડ ફિઝિક્સમાં એડમિશન લીધું પરંતુ માત્ર બે જ દિવસ બાદ એ કોર્સ છોડી દીધો. એ વખતે તેમના નાના ભાઇ કિમ્બલ મસ્કે કવીન્સ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું. કિમ્બલ ઇલોનથી ૧૫ મહિના નાના છે. ગ્રેજ્યુએશન બાદ કિમ્બલ ઇલોન પાસે કેલિફોર્નિયા આવી ગયાં.  આ સમય દરમિયાન ઇન્ટરનેટનો જમાનો નવો નવો શરૂ થયો હતો. બંને ભાઇઓએ મળીને એક સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું અને એનું નામ રાખ્યું ઝિપ૨. આ એક ઓનલાઇન બિઝનેસ ડિરેક્ટરી હતી. ધીમે ધીમે તેમને રોકાણકારો મળતા ગયાં અને કંપની આગળ વધવા લાગી. ૧૯૯૯માં તેમણે ૩૦ લાખ ડોલરમાં આ કંપની કમ્પ્યુટર કંપની કોમ્પેકને વેચી દીધી. 

ત્યારબાદ ઇલોને એકલા હાથે એક્સ.કોમ નામની ઓનલાઇન ફાઇનાન્સ કંપની ખોલી. આ કંપનીની ઓફિસ જે બિલ્ડીંગમાં હતી ત્યાં તેની જ એક પ્રતિસ્પર્ધી કંપની ખુલી જેનું નામ કોનફિનિટી હતું. જોકે માર્ચ ૨૦૦૦માં બંને કંપની મર્જ થઇ ગઇ જે આજે પેપાલ નામે જાણીતી છે. ઓક્ટોબર ૨૦૦૨માં ઇબે નામની કંપનીએ દોઢ અબજ ડોલરના શેરના બદલે પેપલને ખરીદી લીધી. પેપલ છોડયા બાદ ઇલોન મસ્કે બીજી ઘણી કંપનીઓ ઊભી કરી. એમાંની બે સ્પેસએક્સ અને ટેસ્લા મોટર્સ પર તેમણે પોતાની તમામ પૂંજી લગાવી દીધી. 

ઇલોન મસ્કની દરેક કંપનીનો હેતુ એક જ છે અને એ છે માનવી પર તોળાઇ રહેલા ત્રણ જોખમોના તોડ શોધવા. આ ત્રણ જોખમ છે, ક્લાયમેટ ચેન્જ, માત્ર પૃથ્વી પર માનવીની નિર્ભરતા અને માનવ પ્રજાતિ સાવ નકામી બની જવાનો ખતરો. જેમ જેમ મશીનો સક્ષમ બની રહ્યાં છે તેમ તેમ માણસો નકામા બની રહ્યાં છે. 

ટેસ્લા મોટર્સ, સોલર સિટી અને ધ બોરિંગ કંપની ઉર્જાના સ્વચ્છ વિકલ્પોનો ઉપયોગ કરીને ક્લાયમેટ ચેન્જ સામે લડવાની પ્રયાસ કરી રહી છે. 

ઇલોન મસ્કનું માનવું છે કે જો માણસો એક જ ગ્રહ પર વસવાટ કરવા સુધી સીમિત રહ્યાં તો તેઓ પોતાનું અસ્તિત્ત્વ બચાવી નહીં શકે. ક્યારેક ને ક્યારેક તો કોઇ માનવસર્જિત કે કુદરતી આફત આવશે જે માનવજાતના અસ્તિત્ત્વને જોખમમાં મૂકી દેશે. ગમે તે ઘડીએ કોઇ એસ્ટેરોઇડ પૃથ્વી સાથે અથડાઇને વિનાશ નોતરી શકે છે. કે પછી કોઇ વિશાળ જ્વાળામુખી ફાટવાથી કે પછી અણુયુદ્ધ ફાટી નીકળવાથી માનવજાતનું નામોનિશાન મટી જઇ શકે છે. એટલા માટે તેમણે પૃથ્વી સિવાયના રહેવાલાયક ગ્રહ શોધવા માટે સ્પેસએક્સની શરૂઆત કરી. તેઓ રોકેટ ડિઝાઇન કરતા શીખ્યાં અને આજે તેઓ સ્પેસએક્સના માત્ર સીઇઓ જ નહીં, ચીફ ટેકનોલોજી ઓફિસર પણ છે. 

ઇલોન મસ્ક જીનિયસ છે અને તેમની પાસે એકથી એક ચડિયાતા આઇડિયા છે. પરંતુ તેમની સાથે કામ કરી ચૂકેલાં લોકોનું કહેવું છે કે તેમની સાથે કામ કરવું અત્યંત મુશ્કેલ છે. તેઓ પોતે અઠવાડિયાના ૮૦ કલાક કામ કરે છે અને બીજા લોકો પાસેથી પણ એટલા જ કામની અપેક્ષા રાખે છે. કામમાં મશગુલ હોય ત્યારે તેઓ નાની અમથી વાતમાં પણ ગુસ્સે થઇ જાય છે. ટ્વીટર પર તેમના આ મિજાજનો પરચો ઘણાંને મળી ચૂક્યો છે. ઘણી વખત તો તેઓ એવા ટ્વીટ કરે છે કે બાદમાં તેમણે માફી પણ માંગવી પડે છે. 

ઇલોન મસ્કનું સપનું મંગળ ગ્રહ ઉપર માનવ વસાહત સ્થાપવાનું છે. એ માટે તેમણે એક યોજના પણ બનાવી દીધી છે. મસ્ક પોતાની આ યોજના બે વર્ષ અગાઉ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિકલ કોંગ્રેસમાં જાહેર કરી ચૂક્યા છે. મસ્કની યોજના અનુસાર મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે તેઓ એક અતિ વિશાળ સ્પેસક્રાફ્ટ બનાવશે જેમાં એક સાથે ૧૦૦ જણાને લઇ જઇ શકાય. આવું મોટું સ્પેસક્રાફ્ટ બનાવવાનો ફાયદો એ થશે કે મંગળ સુધી પહોંચવા માટે વ્યક્તિદીઠ એક લાખ ડોલર જેટલો ખર્ચ આવશે એવું મસ્કનંર અનુમાન છે. 

મસ્કને આશા છે કે તે આપણા જીવનકાળ દરમિયાન જ મંગળ ઉપર આવું એક રોકેટ મોકલવામાં સફળ નીવડશે. તેમની અપેક્ષા અનુસાર ૨૦૨૪ સુધીમાં પહેલું સમાનવ મંગળ મિશન કરોડો કિલોમીટરની યાત્રાએ રવાના થઇ જશે. મંગળ ગ્રહની સમાનવ યાત્રા યોજાય એ પહેલા સ્પેસએક્સ એક માનવરહિત કાર્ગો મિશન મંગળ રવાના કરશે જે મંગળ ગ્રહ ઉપર અમુક સામાન પહોંચાડશે. જોકે મસ્કના મતે આ પહેલી સમાનવ મંગળ યાત્રા ભારે ખતરનાક હશે અને એમાં મોતનો ડર સૌથી વધારે હશે. હકીકતમાં તો આ પહેલા મિશન ઉપર જનારા લોકોએ મોતનો સામનો કરવા પણ તૈયાર રહેવાની જરૂર પડશે. 

સ્વપ્નદૃષ્ટા મસ્ક તો આ સ્પેસક્રાફ્ટમાં રેસ્ટોરન્ટ, કેબિન, ગેમ્સ અને સિનેમા જેવી સગવડો પણ ઊભી કરવાની ખેવના રાખે છે. મસ્ક કહે છે કે આટલી લાંબી મુસાફરી બોરિંગ ન બની જાય એટલા માટે આવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જોકે સમાનવ મંગળ યાત્રા સફળ બનાવવા માટે બહુ મોટી સરકારી અને ખાનગી મદદની જરૂર પડશે. હાલ તો મસ્કની આ યોજનામાં કોઇ સરકારી મદદ મળી નથી. સ્પેસએક્સનું પહેલું મિશન ઘણું વધારે મોંઘું પડશે પરંતુ મસ્કની એ કોશિશ રહેશે કે મંગળ ઉપર જવા માંગતા લોકોને એ પરવડે. જોકે ઘણાં જાણકારો ઇલોન મસ્કના આ સપનાને દીવાસ્વપ્ન જ માની રહ્યાં છે. મસ્કના મતે પોતાના જીવને જોખમમાં મૂકીને પહેલી મંગળ યાત્રા ખેડનારા લોકો માનવજાત માટે નવો માર્ગ તૈયાર કરશે. તેઓ મસ્કના ઉદ્દેશને ઉમદા ગણાવી રહ્યાં છે પરંતુ વ્યવહારિક રીતે એ કેવી રીતે શક્ય બનશે એ અંગે તેમના મનમાં શંકા છે. હાલ કોરોના સંકટ વચ્ચે પણ સ્પેસએક્સનું મિશન યોજીને ઇલોન મસ્ક એ સાબિત કરવા માંગે છે કે ગમે તેવી ઉથલપાથલ આવે પરંતુ તેમનું કામ નહીં અટકે. આમ પણ માનવીની દુનિયા અટકી ન જાય એટલા માટે જ ઇલોન મસ્ક દિવસરાત કામ કરે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો