અવકાશ ક્ષેત્રે ઈતિહાસ રચાયો : ખાનગી કંપનીએ સમાનવયાનનું સફળ લોન્ચિંગ કર્યું



- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પર હાજરી આપી

- બે અવકાશયાત્રીઓને લઈને 'ક્રુ ડ્રેગન' ૧૯ કલાકની યાત્રા કરીને સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું

- નાસાએ સ્પેસ-એક્સ સાથે ૨.૬ અબજનો કોન્ટ્રાક્ટ કર્યો

- અમેરિકા, રશિયા અને ચીનની સરકારો બાદ સ્પેસએક્સ અંતરીક્ષમાં સમાનવયાન મોકલનારી વિશ્વની સૌપ્રથમ ખાનગી કંપની

ફ્લોરિડા,તા. 31 મે 2020, રવિવાર

ઈલોન મસ્કની 'સ્પેસ-એક્સ'કંપનીએ નાસાના બે અવકાશયાત્રીઓ - બોબ બેહ્નકૅન અને ડગ હર્લીને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચાડવાની સાથે કમર્શીયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રમાં ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કરવાની સાથે નવો ઈતિહાસ આલેખ્યો હતો. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી ક્રુ ડ્રેગન અવકાશયાન અને ફાલ્કન ૯ રોકેટે સ્પેસ સ્ટેશનની સફર શરૂ કરી તે ઘટનાના સાક્ષી બનવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ નાસા અને સ્પેસએક્સના વૈજ્ઞાાનિકો અને અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. 

આ અવકાશી મિશનની વિશેષતા એ હતી કે, વર્ષ ૨૦૧૧ બાદ પહેલી વખત અમેરિકી ધરતી પરથી અવકાશયાત્રીઓએ ઉડાન ભરી હતી. જ્યારે સૌપ્રથમ વખત ખાનગી કંપનીએ તૈયાર કરેલા અવકાશયાનમાં યાત્રીઓને સ્પેસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા છે. નાસાએ સ્પેસ-શટલ પ્રોગ્રામ બંધ કરી દીધા બાદ તે મોટાભાગે અન્ય દેશોના મિશન પર આધારિત હતુ અને હવે આ ક્ષેત્રમાં ખાનગી કંપનીઓએ પણ પ્રવેશ કર્યો છે. 

આ મિશનમાં કામયાબી મળશે તો સ્પેસ એકસ કંપની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન અન્ય ૬ ઓપરેશનલ મિશન માટે આગળ વધવાની હોવાનું જાણવા મળે છે. નાસાએ સ્પેસ એકસ સાથે ૨.૬ અબજ ડોલરનો ક્રોન્ટ્રાકટ પણ કરશે.બોઇંગ સાથેની ડિલ પણ ૪.૨ અબજ ડોલરની છે.

પ્રતિકૂળ હવામાનના કારણે તારીખ ૨૮મી મે ના રોજ લોન્ચ ન થઈ શકેલા આ મિશનનો ભારતીય સમય પ્રમાણે તારીખ ૩૦મી મે એ મધરાત બાદ ૧૨:૫૨ કલાકે (સ્થાનિક અમેરિકી સમય પ્રમાણે બપોરે ૩:૨૨ કલાકે) પ્રારંભ થયો હતો. ગણતરીની મિનિટોમાં જ મિશન સફળતાપૂર્વક પાર પડતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સાથે સ્પેસ-એક્સ કંપનીના સ્થાપક-સીઇઓ ઈલોન મસ્કે ભારે રાહત અનુભવતા ઉજવણી કરી હતી. ભારતીય સમય પ્રમાણે રાત્રે ૮:૦૦ વાગ્યે ક્રુ ડ્રેગન સ્પેસ સ્ટેશન પર પહોંચી ગયું હતુ. 

ટેસ્લાના સીઇઓ ઈલોન મસ્ક આખુ મિશન સંભાળી રહેલી 'સ્પેસ-એક્સ' કંપનીના સ્થાપક-સીઇઓ છે. મિશનની સફળતાની સાથે સ્પેસ-એક્સ વિશ્વની એવી પહેલી ખાનગી કંપની બની ગઈ છે કે, જેણે સમાનવયાનને અંતરિક્ષમાં મોકલ્યું હોય. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીનની સરકારોએ  જ  સમાનવયાનને અંતરીક્ષમાં મોકલ્યા હતા. 

પુન: ઉપયોગમાં લઈ શકાય તેવું યાન કે જેનું નામ 'ક્રુ ડ્રેગન' છે, તેમાં બંને અવકાશયાત્રીઓની સફર ૧૯ કલાકની રહેશે. ફ્લોરિડાના સ્પેસ સેન્ટરથી શરૂ થયેલી ઉડાનના ૧૯ કલાક બાદ તેઓ અવકાશમાં તરી રહેલા સ્પેસ સ્ટેશન પર પહોંચશે. અમેરિકાના સમય અનુસાર આ યાન રવિવારે જ સવારે ૧૦:૨૯ કલાકે (ભારતીય સમય પ્રમાણે રવિવારે રાત્રે ૧૯:૫૯ કલાકે) સ્પેસ સ્ટેશને પહોંચી ગયું હતુ.

કોરોના મહામારીને કારણે ભારે સંઘર્ષ કરી રહેલી અમેરિકન પ્રજાને આ મિશનથી પોતાના દર્દ ભૂલવાની સાથે ઉજવણીની એક તક સાંપડી હતી. ફ્લોરિડાના ટિટુસ્વિલેમાં આવેલા એક પૂલ પર હજ્જારોની સંખ્યામાં અમેરિકન નાગરિકો આ લોન્ચિંગને જોવા માટે ઉમટી પડયા હતા. 

નાસા રશિયાના 'સોયુઝ' યાનને પડતું મુકીને હવે 'સ્પેસ-એક્સ'ની સાથે આગળ વધશે

હાલના કપરાં સમયમાં સ્પેસ મિશન પ્રેરણાદાય

કોન્ગ્રેચ્યુલેશન ટુ એસ્ટ્રોનોટ્સ, નાસા એન્ડ મસ્ક :  ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિએ અવકાશયાત્રીઓ સાથે વાતચીત કરી

અમેરિકાની અવકાશી સંશોધન કરતી સંસ્થા- નાસા - એ તેના સ્પેસ શટલનો ૨૦૧૧માં સર્જાયેલા અકસ્માત બાદ પ્રોજેક્ટ પડતો મૂક્યો હતો. જેના કારણે તેઓ અવકાશમાં યાત્રીઓ મોકલવા માટે રશિયાના 'સોયુઝ' યાનની મદદ લેતા હતા અને આ માટે તેઓ જંગી રકમ ચૂકવતા હતા. જોકે ઈલોન મસ્કની 'સ્પેસ-એક્સ' કંપનીએ સફળતાપૂર્વક સમાનવયાન લોન્ચ કરતાં હવે નાસા આગામી સમયમાં આ જ કંપનીને વધુ પ્રોજેક્ટ આપશે તેમ મનાય છે. 

અવકાશી કમર્શિયલ ઉડ્ડયન ક્ષેત્રની સીમાચિહ્નરૂપ સિદ્ધિ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અવકાશયાત્રીઓ, નાસા અને ઈલોન મસ્કને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતુ કે, આ દિવસ અમેરિકાના ઈતિહાસનો એક યાદગાર દિવસ બની રહ્યો છે. મને નાસાના વૈજ્ઞાાનિકો-ઓફિસિઅલ્સની સાથે સાથે આ મિશન સાથે જોડાયેલા જાહેર અને ખાનગી તમામ સંસ્થાના અધિકારીઓ પર ગર્વ છે. જ્યારે તમે આ પ્રકારની દ્રષ્ટીએ જુઓ છો, તો તમને અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે. જ્યારે તમને (લોન્ચિંગનો) તેનો અવાજ - ગર્જના- સંભળાય છે, ત્યારે તમને કલ્પના કરી શકો છો કે, તે કેટલું ભયંકર હશે. 

ટ્રમ્પે ઊમેર્યુ કે, મને લાગે છે કે, આ ઘટના આપણા દેશને ક્રાંતિકારી પ્રેરણા પૂરી પાડશે. આપણો દેશ ઘણું સારું કરી રહ્યો છે. આપણે હાલ જેનો સામનો કરી રહ્યા છીએ તે અત્યંત ખતરનાક છે. તે જવું જોઈતું જ નહતુ. તે ચીનની બહાર આવવું જોઈતું જ નહતુ. આજે મારા અહીં ઉપસ્થિત રહેવા પાછળનું એક કારણ એ પણ છે. હું માનુ છું કે, તમારામાંથી પણ કોઈ પણ કહેશે કે, આપણે જે જોયું તે ખરેખર પ્રેરણાદાયી હતું

ઈલોન મસ્કને ટ્રમ્પે વિશ્વના મહાન બુદ્ધિજીવીઓમાંના એક તરીકે ઓળખાવ્યો હતો. તેમણે અવકાશયાત્રીઓની સાથે વાતચીત પણ કરી હતી. 

  ડ્રેગન - ૨ (ક્રૂ ડ્રેગન સ્પેસક્રાફ્ટ)

* ડ્રેગન-૨ અમેરિકન એરાસ્પેસ કંપની - સ્પેસ એક્સનું વારંવાર વાપરી શકાય તેવું સ્પેસક્રાફ્ટ છે. જેને ફાલ્કન-૯ રોકેટના મથાળે ગોઠવીને અંતરિક્ષમાં મોકલી શકાય છે.

* આ સ્પેશક્રાફ્ટમાં મહત્તમ ૭ અંતરીક્ષ યાત્રી સફર કરી શકે છે.

* માલસામાન મોકલવા માટે વપરાતા ડ્રેગન-૨ ને કાર્ગો ડ્રેગન તરીકે ઓળખવામાં આવે છે.

* ડ્રેગન- કે નો ઉપયોગ ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર અંતરીક્ષ યાત્રીને પહોંચાડવામાં આવ્યો છે.

* આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સાથે ક્રૂ ડ્રેગન ૨૧૦ દિવસ સુધી જોડાણ કરી રહી શકે તેમ છે.

* શરૂઆતમાં આ સ્પેશક્રાફ્ટ ડ્રેગન રાઈડર તરીકે ઓળખાતું હતું.

* મિશન પૂર્ણ થાય અથવા કટોકટીના સમયે આ સ્પેશક્રાફ્ટ મહાસાગરમાં ચોક્કસ સ્થળે ઉત્તરાણ કરી શકે છે.

* ડ્રેગન-૨નો આંશિક ભાગ વારંવાર વાપરી શકાય તેવો છે. આ સ્પેશક્રાફ્ટમાં ૩ સ્ક્રીનવાળી કંટ્રોલ પેનલ છે. સ્પેશક્રાફ્ટનું નિયંત્રણ ટચ સ્ક્રીન વડે થાય છે. જુના જમાનામાં વપરાતા જોય સ્ટીક, બટન અને નોલને કંટ્રોલ પેનલ પરથી દૂર કરવામાં આવે છે.

* ડ્રેગન-૨ ની ચાર દિશામાં ૮ એન્જીન બેસાડેલા છે જે ૮ ટનનો થ્રસ્ટ પેદા કરી શકે છે.

* ડ્રેગન-૨ના બાંધકામમાં નિકલ, લોહતત્ત્વ, કાર્બન અને એલ્યુમિલીયમની મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે.

* તેની નળાકાર ટેન્ટ ટિટાનીયમ ધાતુ ઉપર કાર્બન કોમ્પોઝીટનું લેયર ધરાવે છે.

* ડ્રેગન-૨ના અત્યાર સુધી ૪ લોન્ચીંગ થયા છે, જે સફળ રહ્યા છે.

* ઓગસ્ટ ૨૦૨૦માં નાસા ફરી વાર ૪ અંતરિક્ષ યાત્રી સાથે ડ્રેગન-૨ નું લોન્ચીંગ કરવાનું આયોજન કરી રહ્યું છે.

* નાસા બોઈન્ગ કંપનીની સ્ટાઈલાઈનર કેપ્સુલમાં અંતરિક્ષ યાત્રી મોકલવા માટે ૯૦ મિલીયન ડોલર ચુકવશે. રશિયામાં સોયુઝ સ્પેશક્રાફ્ટ માટે દરેક સીટ દીઠ ૮૬ મિલીયન ડોલર ચુકવે છે. જ્યારે ક્રૂ-ડ્રેગન ૧ સીટ માટે ૫૫ મિલિયન ડોલરનો ખર્ચ નાશા આપશે.

સ્પેસ એક્સ સ્પેસ સ્યુટ

* અંતરિક્ષની જોખમી પરિસ્થિતિ, શૂન્ય અવકાશ અને બાહ્ય અવકાશમાંથી આવતા રેકિર રેડિયેશનથી બચવા જે પહેરવેશ પહેરે છે તેને સ્પેસ સ્યુટ કહે છે.

* સ્પેસ ક્રાફ્ટમાંથી બહાર નીકળતી વખતે તેનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.

* સ્પેસ સ્યુટ ત્રણ પ્રકારના હોય છે (૧) સ્પે સક્રાફ્ટની અંદર પહેરવા માટેનો સ્યુટ, (૨) સ્પેસ ક્રાફ્ટની બહાર નીકળી સ્પેસ વૉક કે પ્રયોગો કરવા માટેનો સ્યુટ, (૩) દરેક પરિસ્થિતિમાં કામ લાગે તેવો સ્પેસ સ્યુટ.

* સ્પેસ એક્સ કંપનીનો નવો સ્પેસ સ્યુટ છેલ્લા નવ વર્ષથી સોયુઝ કેપ્સુલમાં વાપરવામાં આવતા સ્પેસ સ્યુટ કરતા પાતળો અને વજનમાં હલકો છે.

* સ્પેસ શટલમાં અંતરિક્ષ યાત્રી કેસરી રંગનો સ્પેસ સ્યુટ પહેરતા હતા જ્યારેે સ્પેસ એક્સ કંપનીના સ્પેસ સ્યુટનો રંગ સફેદ અને ગ્રે કલરનો છે.

* ૨૦૧૬માં એલોન મસ્ક દ્વારા હોલીવુડના કોસ્ચ્યુમ ડિઝાઇનર જ્યોર્જ ફર્નાન્ડિઝને સ્પેસ એક્સ કંપનીના સ્પેસ સ્યુટને ડિઝાઇન કરવા માટે રોકવામાં આવ્યો હતો.

* હોલિવડુના કોસ્ચ્યુમ ડિઝાઇનર સુપર હીરોની ફિલ્મ બેટમેન વર્સિસ (ફજ) સુપરમેન, આઇએમ જોન વગેરેના કોસ્ચ્યુમ ડિઝાઇ કરી ચૂક્યા છે.

* મિશન દરમિયાન સ્પેસ એક્સનો સ્પેસ સ્યુટ નીકળી જાય તો બેકઅપ તરીકે રશિયાએ સ્પેસ સ્યુટ સો કોલડ પણ ડ્રેનગ કેપ્સ્યુલમાં રાખવામાં આવ્યો છે.

* સ્પેસ સ્યુટ પ્રથમ વાર વપરાઈ રહ્યો છે તેથી તેના ઉપર અંતરિક્ષમાં વધારે પરીક્ષણ થશે.

* હોલીવુડના કોસ્ચ્યુમ ડિઝાઇનર જ્યોર્જ ફર્નાન્ડિઝની ફિલ્મો જેવી કે બેડમેન વર્સિસ (ફજી)સુપરમેન આયનમેન, વન્ડર વુમન, કેપ્ટન અમેરિકા વગેરેના કોસ્ચ્યુમ ડિઝાઇન કરી ચૂક્યા છે.

* સ્પેસ એક્સના સ્પેસ સ્યુટની ખાસિયતો હજી ગુપ્ત રાખવામાં આવી છે.

* દરેક અંતરિક્ષ સંશોધન કરનારી સંસ્થા પોતાના મિશન માટે અલગ અલગ પ્રકારના સ્પેસ સ્યુટ ડિઝાઇન કરે છે. આમ એપોલો મિશન, સ્પેસ શટલ એક આગવી ઓળખ એટલે કે આઇકન બની ગયા છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે