હવે અનલોક વન : લોકડાઉન ફાઈવ પોઇન્ટ ઝીરોને બદલે અનલોક વર્ઝન વન આવ્યું છે
તાળા અને કૂંચીની વ્યાખ્યા બદલવાથી ચોર ખાતર ન પાડી શકે એવું માનવું ભૂલભરેલું છે. લોકડાઉન ફાઈવ પોઇન્ટ ઝીરોને બદલે અનલોક વર્ઝન વન આવ્યું છે. સરકારે મને કમને લોકડાઉનના તાળાઓ ખોલી નાખવા પડયા છે. વેન્ટીલેટર ઉપર રહેલા અર્થતંત્રનો જીવ સાવ ચાલ્યો જશે તો - એવી દહેશત કેન્દ્ર સરકારને ડરાવી રહી છે. અર્થકારણ અને રાજકારણના જે આટાપાટા આ કોરોનાકાળમાં ખેલાયા તે અભૂતપૂર્વ છે. આ સમયમાં એક જ વસ્તુ અચળ રહી છે અને તે છે કોરોના વાયરસ પોતે. સરકારે લોકડાઉન ખોલવું પડયું છે, એનો અર્થ એ નથી કે કોરોના વાયરસ નિરુપદ્રવી બની ગયો. કોવીડ નાઇન્ટિન પાસે પ્રસરવા માટે તો મોકળુ મેદાન મળ્યું. ગામડા તો પહેલેથી ખુલ્લા હતા, હવે તો શહેરો પણ ખુલી ગયા છે. રસ્તા ઉપર ફરીથી ટ્રાફિક અને હોર્નનો અવાજ શરૂ થઈ ગયો છે. આ બહુ જોખમી સમય છે.
અનલોક-વન પ્રમાણે લગભગ બધું જ ખુલી ગયું છે. જે બાકી છે તે તબક્કાવાર ખોલવામાં આવશે. રેસ્ટોરન્ટ , જિમ અને મોલ પણ થોડા સમય પછી ચાલુ કરવામાં આવશે. નિયમો સાથે ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી પણ સરકારે આપી છે. શાળાનું સત્ર અને કોલેજના એડમિશનની પ્રક્રિયાની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્ય સરકાર ઉપર નાખી દીધી છે. સાંજે સાત વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે અને નવ વાગ્યા પછી કરફ્યુ લાદવામાં આવશે. દ્વિચક્રીય વાહન ઉપર સગપણ ધરાવતી બે વ્યક્તિને બેસવાની છૂટ. કન્ટેઇનમેન્ટ ઝોન સિવાય બધે જ છૂટછાટ. કન્ટેઇનમેન્ટન ઝોનમાં પણ બેન્ક તો ખુલી રાખવી પડશે જ. આ બધા નિયમોનો અર્થ એ થયો કે સુપર સ્પ્રેડર બની શકે એવા જાહેર સ્થળો ખુલી ગયા છે અને કોરોના અભૂતપૂર્વ તાકાતથી મોટો ભરડો લઈ શકે છે.
એક સમય હતો જ્યારે જનતા કરફ્યુને કારણે કોરોના વાયરસના સંક્રમણની સાંકળ તૂટી જશે એવી ગેરમાન્યતા લોકોમાં વ્યાપ્ત થઈ હતી. તેના પછીના એકવીસ દિવસના લોકડાઉન દરમિયાન બહુધા ભારતીય પ્રજા એ ભ્રમમાં રહી કે મહિના દિવસની અંદર કોરોના લુપ્ત થશે અને આપણે ફરી હતી એ જ જિંદગી અને એ જ ટહૂકા કરતાં થઈશુ. કેસો વધતા ગયા પણ સાથે સાથે સરકારની પ્રશંસા પણ થતી ગઇ. લોકડાઉન ક્રમ બેમાં પણ ઠગારા આશાવાદનો આ જ સિલસિલો ચાલુ રહ્યો. બીજા દેશોની સરખામણીના ભારતના કોરોના સંક્રમણનો દર બહુ ઓછો હતો. મૃત્યુઆંક પણ ઘણો ઓછો હતો. અમેરિકા જેવી મહાસત્તા કરતા કોરોનાએ ભારતમાં ઓછી તારાજી ફેલાવી હતી. લોકોને ભારત પ્રત્યે અને કેન્દ્ર સરકાર પ્રત્યે ગૌરવ વધવા લાગ્યું. અસલી ચિત્ર ત્રીજા લોકડાઉન સાથે સ્પષ્ટ થતું ગયું. લોકડાઉનનો બ્લેકહોલ અને કોરોના વાયરસની ભયંકર ગંભીરતા દેશને છેક ત્યારે સમજાઈ. એક વાયરસ જિંદગી અને મૃત્યુ વચ્ચે ઝોલા ખવડાવી શકે છે અને જો ચેપ ન લાગે તો પણ એ જ વાયરસને કારણે પૈસેટકે ખુવાર થવું પડે એમ છે.
દેશને ટકાવી રાખવા માટે ધંધો-વ્યાપાર-રોજગારના ચક્રો ગતિમાન થાય તે અનિવાર્ય હોય છે. માટે અનલોક-વનની ઘોષણા કરવી પડી. ભારતની મોટા ભાગની પ્રજા અનલોક-વનના ઘોષણાપત્રને કારણે ખુશ છે. જાણે વનવાસ જેવો ઘરમાં પુરાઈ રહેવાનો ઘરવાસ સમાપ્ત થયો. પરંતુ આ જ હવે મોટી ચિંતાનું કારણ છે. એક સમયે ભારત કોરોનાગ્રસ્ત અને કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં વિશ્વમાં ચાલીસમા ક્રમે આવતું. આજે ભારત નવમા ક્રમે આવી ગયું છે. જે દેશે કોરોનાનો શ્રાપ આપ્યો એ ચીન ખુલી ગયું છે. વુહાન શહેર પણ અત્યારે લોકડાઉનમાં નથી. ભારતમાં સંક્રમણનો વેગ અને સંક્રમિતોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને ચેપદર વધતો જાય છે. લોકડાઉનનો કડકાઈથી અમલ કરવામાં ન આવ્યો એ પણ ભારતની હાલની સ્થિતિ માટે કારણભૂત છે.
એક નિયત સમયથી વધુ કોઈ પણ સરકાર પ્રજાને બંધનોમાં ન રાખી શકે. લોકો જાહેર સ્થળો ઉપર ઉમટી પડયા છે. હેલ્મેટ ન પહેરવા માટેનો દંડ હજારોમાં હતો, માસ્ક ન પહેરવાનો દંડ ફક્ત બસ્સો રૂપિયા છે. દંડની રકમમાં ઘટાડો ભારતની આર્થિક બેહાલી અને સરકારની લાચારી બતાવે છે. જો હિન્દુસ્તાનની પ્રજા ધ્યાન નહીં રાખે તો કોરોનાની ઝપટમાં દેશનો મોટો હિસ્સો આવી શકે છે. ફક્ત અઠવાડિયાની અંદર લાખો પોઝિટિવ કેસ થઈ શકે છે. ઇટાલીની સરકાર ઘૂંટણિયે આવી ગઈ હતી એ આપણે સૌ જાણીએ છીએ. કોરોના કોઈ પણ માણસ ઉપર હુમલો કરી શકે છે. જો સ્વયંશિસ્ત જાળવવામાં નહીં આવે તો કોરોનાના ફેલાવાની બાબતમાં હિન્દુસ્તાન ચીન, ઇટાલી અને અમેરિકા કરતા પણ વધુ મુશ્કેલીમાં આવી શકે એમ છે. હવે દેશનો આધાર પ્રજાની શિસ્ત પર છે.
Comments
Post a Comment