યુપીના કન્નૌજમાં તોફાન અને કરા વરસવાના લીધે ભારે તબાહી, 6ના મોત, 4 ઘાયલ


કન્નૌજ, તા. 31 મે 2020, રવિવાર

ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લામાં ચક્રવાતી તોફાન અને કરા વરસવાના કારણે ભારે તબાહી મચી છે અને તેની લપેટમાં આવવાથી છ લોકોના મોત થયા છે. તે સિવાય અન્ય ચાર લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. સરકારે કન્નૌજ જિલ્લાના તિર્વા ક્ષેત્રમાં વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર ચુકવવાની જાહેરાત કરી છે. 

કન્નૌજ જિલ્લામાં વાવાઝોડાના કારણે તિર્વા ક્ષેત્રને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. તોફાનના કારણે અનેક ડઝન ઝાડ, વીજળીના થાંભલા, મરઘાં ઉછેર કેન્દ્ર, ડેરી ફાર્મ અને ગેસ એજન્સી ધરાશયી થઈ ગયા છે. વીજળીનો થાંભલો પડી જવાના કારણે 12થી વધુ ગામોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ઉપજિલ્લાધિકારી આ ગામોમાં જઈને નુકસાનની તપાસ કરી રહ્યા છે. 

સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે તોફાન એટલું તીવ્ર હતું કે અનેક ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું છે. ગ્રામીણોના મતે જિલ્લામાં અગાઉ કદી આટલું ભયંકર તોફાન નથી જોવા મળ્યું અને લોકોએ આટલી તબાહી નથી જોયેલી. આ તરફ ઠઠિયા ક્ષેત્રમાં એક વ્યક્તિના માથા પર ભારે મોટો કરો પડવાના કારણે તેનો જીવ નીકળી ગયો હતો જ્યારે બે જગ્યાએ દીવાલ ધસી પડવાથી બે લોકોએ જીવ ગુમાવ્યો હતો. 

ઝાડ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું જ્યારે તિર્વા ક્ષેત્રમાં ઢાળ પર ઉભી રહેલી ટ્રેક્ટર-ટ્રોલી ભારે આંધીના કારણે પલટી ગઈ હતી અને તેમાં બેઠેલા આઠ વર્ષના બાળકનું મોત થયું હતું. આ સમગ્ર હોનારતમાં 26 જેટલા પશુઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો