કોરોનાનો ડર નાથવા મંદિરોના હીલીંગ ચમત્કાર કરી શકે છે
પ્રસંગપટ
ગુજરાતમાં ૨૦૦૧ના વર્ષમાં ભૂકંપ આવ્યા પછી લોકોની ભગવાન પ્રત્યેની આસ્થામાં વધારો થયો હતો એમ વર્તમાન કોરોના કાળમાં પણ લોકોની આસ્થામાં વધારો જોવા મળે છે. ઓનલાઇન દર્શનની સિસ્ટમનો ઉપયોગ દરેક કરી રહ્યા છે. હવે જ્યારે વિમાન સેવા અને ટ્રેન સેવા શરૂ થઈ રહી છે ત્યારે એવી માગ ઉઠી છે કે મંદિરો પણ દર્શન માટે ખોલવા જોઈએ. ભગવાન પ્રત્યેની શ્રધ્ધા લોકોના રોજીંદા જીવન સાથે વણાઈ ગઈ છે.
સરકારે વિમાનસેવા કેટલાક નિયંત્રણો સાથે ખોલી છે એમ મંદિરો પણ ખોલવા જોઈએ. મંદિરો સાથે જે તે ગામનું આર્થિક તંત્ર પણ ચાલતું હોય છે. ઉદાહરણ તરીકે અંબાજી કે ડાકોરમાં રહેતા લોકો ભક્તિ સાથે સંકળાયેલા નાના-મોટા વ્યવસાય સાથે જોડાયેલા છે. જેમ કે પ્રસાદ, ફૂલ, સેવક ભાવના, પૂજન, રમકડાં, ફોટો ફ્રેમ, પાર્કિંગ, ટુરીંગ વગેરે વ્યવસાયો લૉકડાઉનના કારણે ઠપ્પ થઇ ગયા છે.
આપણે મોટા શહેરોના આર્થિક તંત્રનું વિચારીએ છીએ પણ મંદિરો સાથે સંકળાયેલા ટાઉન લેવલના ગામો તો આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે. મંદિર ખુલવાના એક કલાક પહેલા અને મંદિર બંધ થયાના એક કલાક સુધી તેમનો વ્યવસાય ચાલતો હોય છે. વરસાદ કે તોફાનો જેવી સ્થિતિમાં ધાર્મિક સ્થળો પર હાજરી હોય છે પરંતુ કોરોનાએ તો મંદિરોને બંધ કરવા પડે એવી સ્થિતિ ઉભી કરી હતી.
જ્યારે કુદરતી કટોકટી ઉભી થાય ત્યારે શ્રધ્ધાળુઓની સંખ્યા વધતી જોવા મળી છે. મંદિરોએ લોકોમાં રહેલી ધાર્મિક ભાવના વ્યક્ત કરવાનું પવિત્ર સ્થળ છે. એટલે તો ઓનલાઇન દર્શનની બોલબાલા બમણી થઇ હતી. સોમનાથથી માંડીને ડાકોર, ઉજ્જૈનથી માંડીને સિધ્ધિ વિનાયકના દર્શન ઓનલાઇન કરવાની લોકોને ટેવ પડી ગઇ હતી. લૉકડાઉન દરમ્યાન અનેક શ્રધ્ધાળુઓ ડાકોરના મંગળા ઓનલાઇન કર્યા બાદ ચા પીવાના નિયમને વળગી રહ્યા હતા.
મંદિરો હિલીંગ ટચ આપતા સેન્ટરો છે. દરેક શ્રધ્ધાળુઓના મનમાં એવું હોય છે કે મારો ભગવાન મારું રક્ષણ કરશે અને યોગ્ય માર્ગ બતાવશે. શ્રધ્ધાળુઓ પોતાના કુટુંબ, મિત્રો અને લોકોના કલ્યાણ માટે ભગવાનને હાથ જોડીને વિનવતા હોય છે. તેમની પ્રાર્થનાઓ ફળતી હોઈ તેમનો ભગવાન પ્રત્યેનો લગાવ વધતો રહે છે.
લૉકડાઉન દરમ્યાન લોકોને ઘરમાં પુરાઇ રહેવું પડયું હતું. દરેક દેશની સુખાકારી માટે અને કોરોના સામેના જંગને ટેકો આપવા મંદિરો બંધ કરવાના નિર્ણયને આવકારતા હતા પરંતુ હવે લૉકડાઉન તબક્કાવાર ખુલી રહ્યું છે ત્યારે શ્રધ્ધાળુઓની નજર મંદિરના બંધ દ્વાર તરફ ચીટકેલી છે.
હરદ્વારમાં ગ્રીન ઝોન છે. ત્યાં દુકાનો ખુલી રહી છે. ત્યાંના લોકોએ હરખી પેઢી સહિતના ધાર્મિક સ્થળો ખોલવા રજૂઆતો કરી છે. કહે છે કે યોગી સરકાર સવારના દર્શન અને સાંજની આરતી માટે મંજૂરી આપી શકે છે.
લૉકડાઉન દરમ્યાન ભલે મંદિરો બંધ હોય પણ લોકો ઘેર-ઘેર લાલજી ભગવાનને થાળ ધરાવતા હતા અને પોતાના ઇષ્ટદેવની આરતી પણ કરતા હતા. જેમના ઘેર લાલજી હોય છે એ તો દરેક દર્શનભોગ ચઢાવતા હતા.
જો કે સત્તાવાળાઓએ કારખાના અને કેટલાક બજારો ખોલવાની મંજૂરી આપી છે ત્યાં પણ સોશ્યલ ડિસ્ટન્સીંગના લીરાં ઉડતા જોવા મળ્યા છે. સરકારને મંદિરોમાં થતી ભીડભાડના નિયંત્રણ બાબતે શંકા હોઇ શકે છે પરંતુ દરેક સ્થળે ભીડભાડ જોવા મળે છે. લોકો જોખમના એહસાસને જાણતા હોવા છતાં પોલીસોને ગાંઠતા નથી.
મંદિરો ખોલવા બાબતે એક દલીલ એવી થઈ રહી છે કે સરકાર મોટા મંદિરો જેવાં કે ડાકોર, અંબાજી, સોમનાથ, દ્વારકા વગેરેને કેટલોક સમય ભલે બંધ રાખે પણ સોસાયટીઓ અને ફલેટોમાં રહેલા મંદિરોને ખોલવા માટે વિચારવું જોઇએ.
સરકારે લોકોની આસ્થા બાબતે પણ વિચારવાની જરૂર છે. સેનિટાઇઝેશન અને ફરજીયાત માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગનું કડક પાલન કરાવવાની જવાબદારી મંદિરોને સોંપવી જોઈએ. જો યોગી સરકાર હરદ્વારમાં મંદિરો ખોલશે તો ગુજરાતમાં પણ મંદિરો ખોલવાની માંગ વધુ બળવત્તર થશે.
મંદિરો સાથે તે ટાઉનનું અર્થતંત્ર સંકળાયેલું છે. આવા ટાઉન લૉકડાઉન દરમ્યાન આર્થિક રીતે પાયમાલ થઇ ગયા છે. આવા ગામોએ વધારાની આવક ઉભી કરવાનું ક્યારેય વિચાર્યું નથી કે નથી તો આ લોકો ખેતી સાથે સંકળાયેલા. ટૂંકમાં મંદિરો ધાર્મિક સ્થળોના આર્થિક તંત્રને ધબકતું પણ રાખે છે.
કોરોનાના ડર સામે મંદિરો હિલીંગ ટચ આપી શકે છે. કારખાના ખોલવા જેવા બોલ્ડ નિર્ણય સરકારે લીધા છે એમ મંદિરો માટે પણ નિર્ણય લેવો જોઈએ.
Comments
Post a Comment