દિલ્હીની વાત : મોદીના પત્રે લોકોને નિરાશ કરી દીધા


મોદીના પત્રે લોકોને નિરાશ કરી દીધા  

નવીદિલ્હી, તા.30 મે 2020, શનિવાર

નરેન્દ્ર મોદી સરકારની બીજી ઈનિંગ્સને શનિવારે એક વર્ષ પૂરું થયું. આ નિમિત્તે નરેન્દ્ર મોદી પ્રજાને લાગણીસભર પત્ર લખશે એવી જાહેરાત કરાઈ હતી તેથી આ પત્ર વિશે ભારે ઉત્સુકતા હતી. જો કે આ ઉત્સુકતા નિરાશામાં ફેરવાઈ ગઈ કેમ કે પત્રમાં એવું કશું અસામાન્ય નથી.

મોદીના પત્રમાં એક તરફ તેમની સરકારની સિધ્ધીઓની વાતો છે તો બીજી તરફ પ્રજાનાં વખાણ છે. મોદીના શાસનમાં ભારત વિશ્વમાં કઈ રીતે એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભર્યું તેની વાતો દ્વારા મોદીએ જાતે જ પોતાની પીઠ થાબડી છે. આ વાતોમાં નવું કશું જ નથી. મોદી પોતાનાં પ્રવચનોમાં કે રાષ્ટ્રજોગ સંબોધનોમાં જે વાતો કહે છે એ જ વાતો આ પત્રમાં છે તેથી નિરાશા ઉપજે છે.

રાજકીય વિશ્લેષકોના મતે મોદીએ હવે પછીનાં ચાર વર્ષમાં તેમની સરકાર ક્યાં નક્કર કામો કરશે તેની વાત કરવાની જરૂર હતી. મોદીએ ભવિષ્યની વાત કરી છે પણ તેમાં કશું નક્કર નથી તેથી આ પત્ર ચીલાચાલુ લાગે છે.

'પીએમ કેર્સ ફંડ' અંગે માહિતી આપવા ઈન્કાર

નરેન્દ્ર મોદીએ બનાવેલું 'પીએમ કેર્સ ફંડ' નવા વિવાદમાં સપડાયું છે. આરટીઆઈ એક્ટ હેઠળ અરજી કરીને એક સામાજિક કાર્યકરે પીએમઓ પાસે આ ફંડના ટ્રસ્ટ ડીડ,  ફંડને લગતા તમામ સરકારી આદેશોની નકલ, નોટિકફિકેશન્સ અને સર્ક્યુલરની માહિતી માંગી હતી.

પીએમઓએ આ અરજી ફગાવી દઈને જવાબ આપ્યો છે કે, 'પીએમ કેર્સ ફંડ' કોઈ 'પબ્લિક ઓથોરિટી' નથી તેથી પીએમઓ તેનો જવાબ ના આપી શકે. અલબત્ત, 'પીએમ કેર્સ ફંડ'ની વેબસાઈટ પરથી આ ફંડ અંગેની તમામ માહિતી મેળવી શકાય છે. રસપ્રદ વાત એ છે કે, 'પીએમ કેર્સ ફંડ'ની વેબસાઈટ પર ટ્રસ્ટ ડીડ સહિતની કોઈ માહિતી જ નથી.

પીએમઓના આ જવાબના પગલે ગૂંચવાડો થઈ ગયો છે. કાનૂની નિષ્ણાતોના મતે, આ ફંડ પબ્લિક ઓથોરિટી નથી તેનો અર્થ એ થાય કે, આ ફંડ પર સરકારનો કોઈ અંકુશ નથી. સવાલ એ થાય કે, સરકારનો અંકુશ નથી તો કોનો અંકુશ છે ? આ ફંડ સાથે દેશના પ્રાઈમ મિનિસ્ટરનું નામ જોડીને પ્રાઈમ મિનિસ્ટર દ્વારા તેની જાહેરાત કરાઈ છે ત્યારે તેને પબ્લિક ઓથોરિટી નહીં બનાવીને શું છૂપાવાઈ રહ્યું છે એવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે.

મોદીનો આઈએએસ પરથી ભરોસો ઉઠી ગયો ?

નરેન્દ્ર મોદીએ પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ)માં કરેલી નવી નિમણૂકો ચર્ચાનો વિષય છે. આ નિમણૂકોમાં માત્ર ૨ આઈએએસ અધિકારી છે જ્યારે બાકીના ૧૧ એવા અધિકારીને જોઈન્ટ સેક્રેટરી તરીકે મોદીએ પસંદ કર્યા છે કે જે આઈએએસ અધિકારી નથી. મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અને વડાપ્રધાન તરીકે પણ આઈએએસ અધિકારીઓ પર જ મદાર રાખતા રહ્યા છે.

પહેલી વાર એવું બન્યું છે કે, મોદીએ મોટા પ્રમાણમાં નોન-આઈએએસને પસંદ કર્યા હોય. તેના કારણે એવી ચર્ચા છે કે, મોદીને આઈએએસ અધિકારીઓ પરથી ભરોસો ઉઠી ગયો છે કે શું ? પીએમઓ પરથી આઈએએસ લોબીની પકડ ઢીલી પડી રહી હોવાની પણ ચર્ચા છે.

આઈએએસ અધિકારીઓમાં એસ. ગોપાલકૃષ્ણનને એડિશનલ સેક્રેટરી અને સી. શ્રીધરને જોઈન્ટ સેક્રેટરી નિમાયા છે. ગોપાલકૃષ્ણન આઈઆઈટીના ઈલેક્ટ્રિકલ એન્જીનિયર ગોપાલકૃષ્ણન નવી ટેકનોલોજી, ઈનોવેશન્સ અને સ્ટાર્ટ અપ્સનો બહોળો અનુભવ છે.  જીનેટિક્સ અને હેલ્થ એક્સપર્ટ  શ્રીધર ડિઝાસ્ટર અને ક્રાઈસિસ મેનેજમેન્ટમા મોટું નામ છે. આ બંને અધિકારીની નિમણૂક પણ કોરોના સામેની લડત માટે થઈ છે એ સ્પષ્ટ છે.

યોગી-યેદી સામે પડતાં મોદી સરકાર નારાજ

નરેન્દ્ર મોદી સરકાર લોકડાઉન અંગે શું જાહેરાત કરે છે તેના પર સૌની નજર છે ત્યારે ભાજપ શાસિત બે મોટાં રાજ્યોના મુખ્યમંત્રીઓ ખુલ્લેઆમ લોકડાઉન નહીં લંબાવવાની તરફેણ કરી છે. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ અને કર્ણાટકના યેદુરપ્પાએ મોદી સરકારને સ્પષ્ટ શબ્દોમાં લોકડાઉન નહીં લંબાવવા કહ્યું છે.

બંને ધામક સ્થળો અને મોલ પણ ખોલી નાંખવાની તરફેણમાં છે. યોગીએ તો લોકડાઉન લંબાવવાનો નિર્ણય હવે પછી કેન્દ્ર સરકાર ના લે અને રાજ્યોને આ નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે એવું પણ કહ્યું છે.

મોદી સરકાર આ બંને મુખ્યમંત્રીથી ખુશ નથી. કોરોના સામેની લડતમાં ભારત બીજા દેશો કરતાં વધારે સક્ષમ સાબિત થયું છે એ વાતનો મોદી જોરશોરથી પ્રચાર કરે છે. હવે અચાનક બધું ખોલી દેવાય ને કોરોનાના કેસો વધી જાય તો એ પ્રચાર પર પાણી ફરી વળે. આ કારણે મોદી ધીરે ધીરે નિયંત્રણો હળવાં કરવા માગે છે પણ યોગી-યેદીને પોતાની ઈમેજની વધારે ચિંતા છે. આ કારણે ભાજપમાં જ ટકરાવની સ્થિતી થઈ ગઈ છે.     

પ્રજ્ઞાા ગુમ નહીં, કેન્સરની સારવાર માટે એઈમ્સમાં ભરતી

મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાયા પછી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પોસ્ટર વોર ચાલી રહી છે. ભોપાલનાં ભાજપનાં સાંસદ પ્રજ્ઞાા ઠાકુર પણ આ પોસ્ટર વોરમાં ઝપટે ચડી ગયાં. ભોપાલમાં પ્રજ્ઞાા ગુમ હોવાનાં પોસ્ટર લાગી ગયાં હતાં.

આ મુદ્દે ભાજપે સ્પષ્ટતા કરવી પડી છે કે, પ્રજ્ઞાા ગુમ નથી પણ તેમની દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)માં સારવાર ચાલી રહી છે. પ્રજ્ઞાાને કેન્સર છે અને આંખોમાં પણ મોટી તકલીફ છે. આ બંને તકલીફોની સારવાર લઈ રહ્યાં હોવાથી પ્રજ્ઞાા દેખાતાં નથી.

ભાજપે એવો દાવો પણ કર્યો કે, પ્રજ્ઞાા ફોન દ્વારા મતદારોને સંપર્કમાં છે અને શુક્રવારે વીડિયો કોલ દ્વારા એક મોબાઈલ હોસ્પિટલ સવસનું લોકાર્પણ કર્યુંહતું.

ભાજપનાં સૂત્રોના મતે પ્રજ્ઞાાની તબિયત લાંબા સમયથી ખરાબ છે છતાં તે કામ કર્યા કરતાં હતાં તેથી હવે વધારે બગડી છે અને એઈમ્સમાં ભરતી થવું પડયું છે.

ભાજપના નેતા દેશના શ્રમ મંત્રીનું નામ ના કહી શક્યા

ભાજપના નેતા ગૌરવ ભાટિયા ટીવી પરની લાઈવ ડીબેટમાં મોદી સરકારના શ્રમ મંત્રીનું નામ ના આપી શકતાં સોશિયલ મીડિયા પર તેમની ભારે મજાક ઉડી રહી છે. દેશમાં હિજરતી કામદારોની સમસ્યા અંગે ચર્ચા ચાલતી હતી ત્યારે અચાનક જ કોંગ્રેસના નેતા રોહન ગુપ્તાએ ગૌરવ ભાટિયાને દેશના શ્રમ મંત્રી કોણ છે તેનો જવાબ આપો એવો સવાલ પૂછી લીધો હતો.

ભાટિયા આ સવાલ સાંભળીને થોથવાઈ ગયા હતા અને કોઈ જવાબ શોધી શક્યા નહોતા. ટીવી એન્કરે પણ સવાલ કરતાં તે જવાબ ના આપી શકતાં ગુપ્તાએ ટોણો માર્યો કે, ગુગલ પર સર્ચ કરવાના બદલે જવાબ આપો. ભાટિયા એ પછી આડીઅવળી વાતો કરવા માંડયા હતા ને લાંબા સમય પછી અચાનક બોલ્યા કે, દેશના શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવાર છે.

ભાટિયા જવાબ ના આપી શક્યા તેનો વીડિયો વાયરલ થતાં લોકો તૂટી પડયા. ગુગલ સર્ચ મત કરિયે હેશ ટેગ સાથે લોકોએ ભાટિયાની બરાબરની ફિરકી લઈ લીધી.  લોકોએ એવી કોમેન્ટ પણ કરી કે, સંબિત પાત્રાને કોરોના થઈ ગયો તો ભાજપમાંથી બીજા પાત્રા બહાર આવી ગયા.

***

કોરોનાએ મોદી સરકારની મુશ્કેલી વધારી

વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની બીજી ટર્મનું એક વર્ષ પૂરું થયું. એમાં આર્ટિકલ-૩૭૦થી લઈને ત્રિપલ તલાક, સીએએ, રામ મંદિર જેવા મુદ્દે સફળતા મળી એવો દાવો ભાજપે અને કેન્દ્ર સરકારે કર્યો હતો, પરંતુ એમાં સૌથી વધુ મુશ્કેલી કોરોનાએ સર્જી દીધી. આ તમામ મુદ્દે હકારાત્મક વાતાવરણ હતું જ, પરંતુ કોરોનાએ સરકારની મુશ્કેલી એકાએક વધારી દીધી. આમ પણ કોરોના પહેલાં આર્થિક બદહાલી હતી.

સરકારના ઘણાં પ્રયાસો છતાં અર્થતંત્રની ગાડી પાટા ઉપર ચડતી ન હતી, એમાં કોરોના ત્રાટક્યો હોવાથી અર્થતંત્રની ગાડી સાવ પાટા ઉપરથી ઉતરી ગઈ. ઐતિહાસિક નિર્ણયો, ઐતિહાસિક સ્થિતિ નિર્માણ થઈ હોવા છતાં એક વર્ષમાં અર્થતંત્રની સ્થિતિ અને કોરોના એ બે બાબતો મોદી સરકારના બીજા બધા જ કાર્યો ઉપર ભારે પડી. એક વર્ષ પૂરું થવામાં છે ત્યારે જ બરાબર આ સ્થિતિ છે એ જોતાં વધુ એક વર્ષ તો આ ડેમેજ કંટ્રોલમાં જ નીકળી જશે. સરકાર માટે રાહ મુશ્કેલ હશે એ નક્કી છે.

ભાજપની ઉજવણીમાં કોરોના બાધક નહીં બને!

ભાજપે મોદી સરકારના એક વર્ષની ઉજવણી માટે કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. જ્યાં કોરોનાના કારણે સ્થિતિ ખરાબ છે ત્યાં રસ્તા ઉપર કાર્યક્રમો નહીં થાય, પરંતુ તે સિવાયના શહેરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યક્રમો થશે. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળીને આ કાર્યક્રમો થશે એવું ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કાર્યક્રમો કહ્યું હતું. એક મહિના સુધી ઉજવણી ચાલશે, પરંતુ મોટાભાગના કાર્યક્રમો વર્ચ્યુઅલ હશે એવી પણ સ્પષ્ટતા થઈ છે.

જેપી નડ્ડાએ ફેસબુક લાઈવમાં કાર્યકરોને જાણકારી આપી હતી કે ડિજિટલ રેલી સહિતના કાર્યક્રમો જૂન માસમાં થશે અને ભાજપના કાર્યકમો મોદી સરકારે કરેલા કાર્યો લોકો સુધી પહોંચાડશે. લોકસેવાનું જે કામ મોદી અને તેમની કેબિનેટ કરી રહી છે તેની વાત લોકો સુધી પહોંચાડવા ભાજપે સંખ્યાબંધ ઓનલાઈન કાર્યક્રમો ઘડી કાઢ્યા છે. ટૂંકમાં, ભાજપની ઉજવણીમાં કોરોના અવરોધ બનશે નહીં.

'પ્રજ્ઞાા ઠાકુર લાપતા છે' : ભાજપે જવાબ આપ્યો

'બીજેપી સાંસદ પ્રજ્ઞા ઠાકુર લાપતા છે' એવા પોસ્ટર્સ ઠેર-ઠેર લાગ્યા હતા. ભોપાલની સાંસદના આ પોસ્ટર્સ પછી ભાજપ-કોંગ્રેસે એક બીજા ઉપર આરોપો લગાવ્યા હતા. ભાજેપ કહ્યું હતું કે કોંગ્રેસે આ પોસ્ટર્સ લગાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય પીસી શર્માએ કહ્યું હતું કે પોસ્ટર્સમાં કશું ખોટું લખ્યું નથી. લોકો મુશ્કેલીમાં છે ત્યારે પ્રજ્ઞાા ઠાકુરનું એક પણ કામ પ્રજાહિતમાં સામે આવ્યું નથી.

મધ્યપ્રદેશના આટલા મજૂરો અન્ય રાજ્યોમાં ફસાયા છે અને લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે ભાજપના સાંસદે એક પણ વખત કોઈ એક્શન લીધું નથી એવા કોંગ્રેસના આરોપ પછી ભાજપે સ્પષ્ટતા કરી હતી કે પ્રજ્ઞાા ઠાકુરનો દિલ્હીની એઈમ્સમાં ઈલાજ થઈ રહ્યો છે. તેમની આંખની સારવાર ચાલી રહી છે, તેમ છતાં તેમણે લોકોને ખોરાક પહોંચાડવાનું અને લોકોને ઘરે પહોંચાડવાનું કામ કર્યું છે એવું પણ મધ્યપ્રદેશ ભાજપે બચાવમાં કહ્યું હતું.

શ્રમિક ટ્રેનમાં કુલ 80નાં મોત

રેલવે પ્રોટેક્શન ફોર્સના રીપોર્ટ પ્રમાણે શ્રમિક ટ્રેનમાં અત્યાર સુધીમાં કુલ ૮૦ શ્રમિકોના મોત થયા હતા. ૯મીમેથી ૨૭મી મે દરમિયાન શ્રમિક ટ્રેનમાં મુસાફરી કરનારા અલગ અલગ ૮૦ શ્રમિકોનું જુદા-જુદાં કારણોથી મોત થયું હતું. રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે મોટાભાગના મૃત્યુ પાછળ આકરી ગરમીના કારણે સર્જાતી અકળામણ, અતિશય થાક અને ભૂખ-તરસ મુખ્ય હતા.

લાંબી મુસાફરીના કારણે જેમની વય વધારે હતી એવા ઘણાં શ્રમિક મુસાફરોને મુસાફરીમાં મુશ્કેલી પડી હતી. ઘણાં પેસેન્જર્સને ચાલુ ટ્રેને રેલવેએ સારવાર આપી હોવાનું પણ નોર્થન રેલવેના પ્રવક્તાએ કહ્યું હતું. રેલવે મંત્રાલયે ગાઈડલાઈનમાં ખાસ કહ્યું હતું કે મોટી વયના લોકોએ તેમ જ બાળકોએ ટ્રેનમાં મુસાફરી કરવી હિતાવહ નથી.

વર્ક ફ્રોમ હોમથી સરકારી નોકરિયાતો પરેશાન!

વર્ક ફ્રોમ હોમનું ચલણ વધતું જાય છે. કોરોનાના કારણે ઘણી મોટી કંપનીઓએ પણ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની છૂટ આપીને સોશિયલ ડિન્સ્ટિંગના નિયમોનું ધ્યાન રાખવાની પોલિસી અપનાવી છે. સરકારે પણ શક્ય હોય એટલા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની છુૂટ આપ છે, પરંતુ તેમને નવી મુશ્કેલી સર્જાઈ છે. જે કર્મચારીઓ ટેકનોસાવી નથી, તેમને વર્ક ફ્રોમ હોમમાં બહુ જ મુશ્કેલી પડે છે.

સરકારી કર્મચારીઓએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે ઘરેથી કામ કરવામાં સાઈબર હુમલા વધી શકે છે અને ગુપ્ત માહિતી લીક થવાના બનાવો વધી શકે છે. એટલું જ નહીં, ઘરમાં ને ઘરમાં રહેવાથી ઘરમાં પણ ઘણી સમસ્યા સર્જાય છે! એક તરફ કોરોનાના કારણે બહાર નીકળવું જોખમી છે એટલે વર્ક ફ્રોમ હોમ વધારે સારો વિકલ્પ છે, બીજી તરફ આવા બધા અનોખા જોખમો પણ એમાં છે. એ બંને સ્થિતિ વચ્ચે સંતુલન જાળવવાનું કામ અત્યારે કપરું બન્યું છે.

- ઈન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો