ભારત-ચીનના વિવાદમાં માથું મારવાનો અમેરિકાનો પ્રયાસ

- ચીન સાથેની અમેરિકાની અદાવત જગજાહેર છે અને ચીનની વધતી જતી આર્થિક અને લશ્કરી તાકાતથી અમેરિકા ચિંતિત છે અને કોઇ પણ રીતે ચીનની તાકાતને ખતમ કરવા માંગે છે પરંતુ ભારતે અમેરિકાને સાનમાં સમજાવી દીધું છે કે ચીન સાથેની તેની દુશ્મની સાધવા માટે તે ભારતને માધ્યમ નહીં બનાવી શકે


જગત જમાદાર બનવાના મોકા શોધતા અમેરિકાએ હવે ભારત અને ચીનના વિવાદમાં મધ્યસ્થી બનવાની રજૂઆત કરી છે. લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે સ્ડેન્ડઓફની સ્થિતિ ઊભી થઇ છે અને બંને દેશોની સેના સામસામે આવી ગઇ છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિવાદ ઉકેલવાની વાત કરીને અમેરિકાના ભારતીય ઉપખંડમાં પ્રત્યક્ષરૂપે દખલગીરી કરવાની ઇરાદા જાહેર કરી દીધાં છે. 

લદ્દાખા જે વિસ્તારમાં ભારત અને ચીનની સેનાઓ સક્રિય બની છે ત્યા વાસ્તવિક નિયંત્રણ રેખાને લઇને બંને દેશો વચ્ચે વ્યાપક ગેરસમજ પ્રવર્તે છે. એ ખરું કે ચીન પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાના લીધે અવારનવાર શક્તિપ્રદર્શન કરતું રહે છે પરંતુ ભારત પણ ચીનની પ્રત્યેક હિલચાલનો યોગ્ય જવાબ આપીને તેને કાબુમાં રાખે છે.

બંને દેશો વચ્ચેના તમામ વિવાદોમાં જોવા મળ્યું છે કે સેનાના ઉચ્ચ અધિકારીઓ પરસ્પર વાતચીત કરીને સમાધાન કરી લેતા હોય છે. ભારત અને ચીન, બેમાંથી એકેય દેશ પરસ્પરના વિવાદોમાં કોઇ ત્રીજા દેશની દરમિયાનગીરી ઇચ્છતાં નથી. સ્વાભાવિક છે કે ભારત અને ચીન અમેરિકાની મધ્યસ્થી કદી નહીં સ્વીકારે.  ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા પર થતા વિવાદ અંગે ટ્મ્પે પહેલી વખત મધ્યસ્થી કરવાની ઓફર કરી છે. અગાઉ ગયા વર્ષે ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરમુદ્દે મધ્યસ્થતા કરવાનો પ્રસ્તાવ રજૂ કરી ચૂક્યાં છે. ગયા વર્ષે ટ્રમ્પે કાશ્મીરમુદ્દે ભારત અને પાકિસ્તાનને મદદ કરવાની ઓફર કરી હતી.

ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની ઓફર કરી હતી. ટ્રમ્પના આ દાવા બાદ ઘણો વિવાદ થયો હતો. વિદેશ મંત્રી એસ. જયશંકરે સંસદના બંને ગૃહોમાં સ્પષ્ટતા કરવી પડી હતી કે વડાપ્રધાન કદી કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવાની વાત કરી નથી.  હકીકતમાં ટ્મ્પના બફાટ બાદ ભારતમાં તો ઠીક, અમેરિકામાં પણ હોબાળો મચી ગયો હતો. અમેરિકાના કેટલાંક સાંસદોએ ટ્રમ્પના નિવેદન વિશે માફી પણ માંગી હતી.

વ્હાઇટ હાઉસ તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કાશ્મીર એ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વીપક્ષીય મુદ્દો છે અને અમેરિકાનો એમાં મધ્યસ્થતા કરવાનો કોઇ ઇરાદો નથી. ભારતે પણ દૃઢોચ્ચાર કર્યો હતો કે તેનું વલણ સ્પષ્ટ છે કે કાશ્મીર એ દ્વીપક્ષીય મામલો છે અને આ મુદ્દે ત્યારે જ વાત શક્ય છે જ્યારે પાકિસ્તાન પોતાની ધરતી પરથી આતંકવાદને પોષવાનું બંધ કરશે. 

જોકે ભારે હોબાળો થયા બાદ પણ ટ્રમ્પે પોતાનું રટણ ચાલું રાખ્યું હતું અને ફરી વખત કાશ્મીરમુદ્દે મધ્યસ્થી બનવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. હવે ભારત અને ચીન વચ્ચે પડવાની અમેરિકાની મંશા ઉપર ભારત અને ચીને ટાઢું પાણી રેડી દીધું છે. વિદેશ ખાતાએ સ્પષ્ટતા કરી છે કે ચીન સાથેનો સરહદી વિવાદ ઉકેલવા માટે સૈન્ય સ્તરની સાથે સાથે રાજદ્વારી સ્તરે પણ વાટાઘાટો ચાલુ છે. આમ પણ ભારત અને ચીન વચ્ચેના સરહદી સમસ્યાઓ ઉકેલવા માટે અનેક પ્રોટોકોલ્સ ઘડવામાં આવ્યાં છે અને એના આધારે વિવાદ ઉકેલવાના પ્રયાસો ચાલુ છે.

ચીને પણ કહ્યું છે કે ભારત અને ચીને તેમના મતભેદોની અસર તેમના દ્વીપક્ષીય સંબંધો પર ન થવા દેવી જોઇએ. ટ્રમ્પે તો એવો દાવો પણ કર્યો છે કે ચીન સાથેના સરહદી વિવાદ અંગે તેમણે વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે અને વડાપ્રધાન મોદીનો મૂડ જરાય સારો નથી. જોકે સરકારના સૂત્રોએ ટ્રમ્પના આ દાવાને ખોટો ગણાવતા કહ્યું છે કે હાલ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે કોઇ વાતચીત થઇ નથી.

એવામાં ટ્રમ્પના ઇરાદા વિશે શંકા જાય છે કે તેઓ શા માટે ખોટું બોલી રહ્યાં છે? ગયા વર્ષે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકાની મુલાકાત લીધી ત્યારે પણ ટ્રમ્પે જુઠ્ઠાણું આચર્યું હતું કે વડાપ્રધાન મોદીએ તેમને કાશ્મીરમુદ્દે મધ્યસ્થી બનવાની ઓફર કરી છે. 

હકીકત એ છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે જે પ્રગતિ કરી છે એ અમેરિકાની આંખમાં પણ કણાની માફક ખૂંચે છે. અમેરિકા ભલે ભારતની પ્રગતિથી ખુશ હોવાનો દેખાડો કરે પરંતુ અંદરખાને તો તે પણ ભારતની વધી રહેલી આર્થિક અને લશ્કરી તાકાતથી ચિંતિત છે.

ટ્રમ્પ તો સત્તામાં આવ્યા ત્યારથી ભારત સાથે આર્થિક મોરચે શીંગડા ભરાવી રહ્યાં છે. છાશવારે તેઓ ભારતની આર્થિક નીતિઓને લઇને ટીકા કરતા રહે છે. અમેરિકા માટે મિત્રો બનાવવાનો અર્થ જ પોતાનો સ્વાર્થ સાધવો રહ્યો છે. અમેરિકાની નીતિ રહી છે કે તેના સાથી દેશોનો તે પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. ભૂતકાળ સાક્ષી છે કે અમેરિકા તેના સાથીદાર રાષ્ટ્રો ઉપર દબાણ સર્જતું રહ્યું છે.

છેક ૧૯૫૦ના દશકથી અમેરિકા ભારતને પોતાના કેમ્પમાં લેવાના પ્રયાસો કરતું આવ્યું છે. શીત યુદ્ધ દરમિયાન અમેરિકા ભારતને પોતાનું સૈન્ય સહયોગી બનાવવા માંગતું હતું પરંતુ ભારતે પોતાની સૈન્ય જરૂરિયાતોને સંતોષવા સોવિયેત સંઘની નિકટ રહેવાનું પસંદ કર્યું. હકીકત એ છે કે અમેરિકા કોઇનું મિત્ર બની શકે એમ જ નથી. તેના માટે મિત્રતા એટલે તેના આર્થિક અને વ્યૂહાત્મક હિતો સાધવા જ રહી છે.

પોતાની જરૂરિયાતોના આધારે અમેરિકા સંબંધો બનાવે છે કે બગાડે છે. ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના નેતૃત્ત્વમાં ભારતે પાકિસ્તાનના બે ટુકડા કરી દીધાં ત્યારે આ જ અમેરિકા પાકિસ્તાનને વધારે તૂટતું અટકાવવા દોડી આવ્યું હતું. ખરું જોતાં તો અમેરિકાની એ આદત રહી છે કે તે જે દેશની નિકટ જાય તેની આંતરિક બાબતોમાં માથુ મારવાનો પ્રયાસ કરે છે. 

એ વાત નિર્વિવાદ છે કે અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે અને એ કારણે જ તેની તમામ ગતિવિધિઓ પર દુનિયાની નજર રહેતી હોય છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ સોવિયેત સંઘ સાથે શરૂ થયેલા શીત યુદ્ધના સમય દરમિયાન અમેરિકાએ અનેક દેશોને પોતાના સહયોગી બનાવ્યાં હતાં.

જોકે સોવિયેત સંઘના પતન અને શીત યુદ્ધની સમાપ્તિ બાદ વૈશ્વિક સમીકરણો બદલાયા છે. પોતાને ટક્કર આપે તેવા શત્રુની ગેરહાજરીમાં અમેરિકાએ વૈશ્વિક શક્તિ સંતુલનને મનફાવે એમ અસર કરી છે. શીત યુદ્ધની સમાપ્તિ બાદ નવેસરથી સહયોગીઓ બનાવ્યા અને તાબે ન થનાર કે સામે પડનાર દેશોને તબાહ કર્યા. અમેરિકાની કાયમની કોશિશ રહી છે કે દુનિયા તેના ઇશારે ચાલે.

એમાંયે ટ્રમ્પ તો અત્યંત ઘમંડી છે અને તેમના મગજમાં એ રાઇ ભરાયેલી છે કે તેઓ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે તો તેઓ કંઇ પણ કરી શકે છે. ટ્રમ્પના સ્વભાવનું વિશ્લેષણ કરનારા નિષ્ણાંતોનું તો કહેવું છે કે ટ્રમ્પ અજ્ઞાાનથી ભરેલાં છે અને એ જ કારણે તેઓ ધડમાથા વગરના નિવેદનો આપ્યા કરે છે.

તેમને એવું લાગે છે કે તેઓ દુનિયાની કોઇ પણ સમસ્યા ઉકેલી શકે છે અને એ માટે તેમણે કોઇ સમસ્યાની જડમાં જવાની પણ જરૂર નથી. એક બાજુ તેઓ વડાપ્રધાન મોદીને પોતાના ખાસ મિત્ર ગણાવીને વખાણ કરે છે તો બીજી બાજુ તેમના જ નામે જૂઠ્ઠાણાં આચરે છે. 

જાણકારોના મતે ટ્રમ્પના આવા વલણ પાછળ એક કારણ નજીક આવી રહેલી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પણ છે. ટ્રમ્પ કોઇ પણ ભોગે પોતાની વોટબેંક જાળવી રાખવા માંગે છે. બીજી વખત સત્તામાં આવવા માટે ટ્રમ્પે મતદારોને પોતાની તરફ ખેૅચવા માટે શાંતિના દૂત બનવાના પ્રયાસો આદર્યા છે.

ઉત્તર કોરિયા સાથેનું મિત્રતાભર્યું વલણ પણ તેમની આ રણનીતિનો હિસ્સો છે. તેઓ સીરિયા અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પાછી ખેંચવાની સમજૂતિ પણ કરી ચૂક્યાં છે. ભારતે વેળાસર ચેતી જઇને ટ્રમ્પની વાતોમાં આવ્યા વગર પોતાની નીતિઓને વળગી રહેવાની જરૂર છે.

ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં કૂદી પડવાની અમેરિકાની ઇચ્છા પાછળના ઇરાદા અજાણ્યા નથી. ચીન સાથેની અમેરિકાની અદાવત જગજાહેર છે. તાજેતરમાં કોરોના વાઇરસના ફેલાવા માટે પણ અમેરિકાએ ચીનને જવાબદાર ઠરાવ્યું છે. ચીનની વધતી જતી આર્થિક અને લશ્કરી તાકાતથી અમેરિકા ચિંતિત છે અને કોઇ પણ રીતે ચીનની તાકાતને ખતમ કરવા માંગે છે.

એવામાં ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં તેને પોતાનો રોટલો શેકવાનું મન થયું. જો ભારતે ટ્રમ્પની ઇચ્છા અંગે વિચાર કર્યો હોત તો અમેરિકાને ચીનને દબડાવવાનો મોકો મળી જાત. જોકે ભારતે અમેરિકાને સાનમાં સમજાવી દીધું છે કે ચીન સાથેની તેની દુશ્મની સાધવા માટે તે ભારતને માધ્યમ નહીં બનાવી શકે. ભારતના વલણથી કદાચ અમેરિકાને સમજાય કે બીજા દેશો સાથેના સંબંધો કેવી રીતે બચાવી શકાય છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો