મોદીના ઉદ્યોગપતિઓને સંબોધન પર સૌની નજર


મોદીના ઉદ્યોગપતિઓને સંબોધન પર સૌની નજર

નવીદિલ્હી, તા.૩૧

નરેન્દ્ર મોદી મંગળવારે દેશના ટોચના ઉદ્યોગપતિઓને સંબોધવાના છે ત્યારે ઈન્ડસ્ટ્રી-બિઝનેસ વર્લ્ડની નજર મોદી શું કહે છે તેના પર છે. સીઆઈઆઈના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મોદી ઉદઘાટન પ્રવચન આપવાના છે. મોદી વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે કેમ કે આ સમારોહ વર્ચ્યુઅલ હશે. આ કાર્યક્રમની થીમ 'ગેટિંગ ગ્રોથ બેક' છે. વિકાસના રસ્તે કઈ રીતે પાછા વળવું એ અંગે આ કાર્યક્રમમાં ઉદ્યોગ-બિઝનેસ જગતના બીજા ધુરંધરો પણ પોતાના વિચારો રજૂ કરવાના છે પણ લોકોને મોદી વિકાસના રસ્તે પાછા વળવા શું ઉપાય બતાવે છે તે જાણવામાં વધારે રસ છે.  

મોદી સરકારે દેશને અનલોક કરવાની જાહેરાત કરીને મોટા પ્રમાણમાં છૂટછાટો આપી દીધી છે. દેશના અર્થતંત્રને ફરી બેઠું કરવા માટે આ નિર્ણય લેવાયો છે. મોદી સરકારે ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી પછી ઉદ્યોગ-બિઝનેસ જગત સાથે મોદીનો આ પહેલો સીધો સંવાદ છે. તેના કારણે પણ તેમના સંબોધન અંગે ભારે ઉત્સુકતા છે.

કોરોનાનો ચેપ હવે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ) સુધી 

કોરોનાનો ચેપ હવે પ્રાઈમ મિનિસ્ટર્સ ઓફિસ (પીએમઓ) સુધી પહોંચી ગયો છે. પીએમઓમાં કામ કરતા ૫૫ વર્ષીય આ અધિકારી અને તેમનાં પત્નીનો કોરોનો રીપોર્ટ પોઝિટિવ આવતાં બંનેને આઈસોલેસન વોર્ડમા દાખલ કરી દેવાયાં છે. તેમની દીકરીને પણ તાવ અને ખાંસીની તકલીફ હોવાથી તેનો પણ ટેસ્ટ કરાવાયો છે.

આ અધિકારીનાં પત્ની પણ સરકારી નોકરી કરે છે. થોડા દિવસ પહેલાં તેમની ઓફિસમાં એક કર્મચારીનો કોરોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના પગલે પતિ-પત્ની બંને હોમ ક્વોરેન્ટાઈ થઈ ગયાં હતાં પણ ખાંસી અને તાવની તકલીફ ચાલુ રહેતાં છેવટે ટેસ્ટ કરાવ્યા તેમા કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું.

આ અધિકારી એકાદ અઠવાડિયાથી ઘરે જ હતા પણ કોરોના ખતરો ના રહે એટલા માટે પીએમઓમાં તમામ અધિકારી તથા કર્મચારીઓના ટેસ્ટ સાવચેતી ખાતર કરાવી લેવાશે એવું પીએમઓના સૂત્રો કહે છે. આ અધિકારીની ઓફિસ સીલ કરી દેવાઈ છે ને સોમવારે તેને સેનિટાઈઝ કરાશે. બીજી ઓફિસોને પણ સેનિટાઈઝ કરાશે.

દિલ્હી સરકારની તિજારી ખાલી, કર્મચારીઓ ટેન્શનમાં

દિલ્હીની કેજરીવાલ સરકારે સરકારી કર્મચારીઓને પગાર આપવાનાં પણ નાણાં નહીં હોવાનો દાવો કરીને કેન્દ્ર પાસે તાત્કાલિક ૫ હજાર કરોડ રૂપિયાની માગણી કરી છે. તેના પગલે વિપક્ષી નેતાઓ તૂટી પડયા છે. કેજરીવાલ સરકારે પ્રચાર પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરીને સરકારી તિજોરી ખાલી કરી નાંખી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

કેજરીવાલે બે દિવસ પહેલાં ટીવી ચેનલો પર ૧૪ મિનિટની જાહેરખબરમાં ૨૫ કરોડ રૂપિયા ફૂંકી માર્યા અને દરરોજ ૫ કરોડ રૂપિયાનો ધુમાડો કરાઈ રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ સરકારનો દાવો છે કે, દેશમાં દિલ્હીમાં સૌથી વધારે પ્રમાણમાં ટેસ્ટિંગ થાય છે. તેની પાછળ અને ડોક્ટરો-મેડિકલ સ્ટાફને પીપીઈ કીટ આપવા પાછળ જંગી ખર્ચ થયો હોવાથી તેની પાસે નાણાં રહ્યાં નથી.

આ બંનેમાંથી સાચું કોણ બોલે છે એ નક્કી કરવું મુશ્કેેલ છે પણ સરકારી કર્મચારીઓ ટેન્શનમાં છે. કેન્દ્ર અને કેજરીવાલની લડાઈમાં આ મહિને પગાર નહીં થાય તો શું હાલત થશે તેની ચિંતામાં તેમની ઉંઘ ઉડી ગઈ છે.

મોદી ઓસ્ટ્રેલિયન પીએમ સાથે સમોસા ખાશે

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિશનની સમોસા પાર્ટીનું નિમંત્રણ સ્વીકાર્યું છે. મોદી અને મોરિસન વચ્ચે ૪ જૂને વીડિયો કોન્ફરન્સિંગથી ભારત-ઓસ્ટ્રેલિયા શિખર સંમેલન અંતર્ગત બેઠક થવાની છે. આ બેઠકમાં બંને દેશોના સંબંધો મજબૂત કરવાની ચર્ચા થશે.

આ બેઠક પહેલાં મોરિસને રવિવારે પોતાના સત્તાવાર નિવાસસ્થાને બનાવેલા 'સ્કોમોસા' અને કેરીની ચટણીનો ફોટા મૂકીને સમોસા ખાવા નિમંત્રણ આપ્યું. સ્કોટ મોરિસને પોતાના નામમાંથી 'સ્કોદ અને 'મો'  લઈને આ નામ આપ્યું હતું. મોરિસને દાવો કર્યો કે, ચટણી સહિત બધું પોતે જ બનાવ્યું છે. એક પછી એક વસ્તુઓ એકઠી કરીને અને પોતે સમોસા બનાવ્યા છે. મોરિસને અફસોસ વ્યક્ત કર્યો કે, અમારી બેઠક વીડિયોલિંકથી થવાની છે, નહિંતર મોદી સાથે શાકાહારી સમોસા ખાવાનું બહુ ગમ્યું હોત.

મોદીએ પણ ટ્વિટ કરીને આ નિમંત્રણનો સ્વીકાર કરતાં લખ્યું કે, હિંદ મહાસાગરથી આપણે જોડાયેલા છીએ ને સમોસાથી એક છીએ. સમોસા સ્વાદિષ્ટ લાગે છે. એક વાર આપણે કોરોના સામે નિર્ણાયક જીત મેળવી લઈએ એ પછી સાથે બેસીને સમોસા ખાઈશું.

 સુપ્રીમ કોર્ટના બે જજ વચ્ચે તુ-તુ મૈં-મૈં

સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત જજ અને એક વર્તમાન જજ વચ્ચે હિજરતી કામદારોના મુદ્દે શરૂ થયેલી 'તુ-તુ મૈં-મૈં'  ચર્ચાનો વિષય બની છે. નિવૃત્ત જજ જસ્ટિસ મદન લોકુરે બુધવારે એક લેખમાં લખ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે કામદારોના પ્રશ્નને જે રીતે લીધો એ જોતાં સુપ્રીમ કોર્ટ 'એફ'  ગ્રેડની હકદાર છે. જસ્ટિસ લોકુરે વાપરેલા 'એફ'  ગ્રેડ શબ્દના કારણે ખળભળાટ મચ્યો હતો.

જસ્ટિસ લોકુરની આ ટીકાનો જવાબ આપતાં વર્તમાન જજ જસ્ટિસ સંજય કે. કૌલે એવી ટીપ્પણી કરી કે, કેટલાક નિવૃત્ત જજો એવું જ માને છે કે પોતે જતા રહ્યા પછી પ્રલય આવી ગયો છે ને બધું સાવ ખાડે ગયું છે. સુપ્રીમ કોર્ટે હિજરતી કામદારોના પ્રશ્ને સ્યુઓ મોટ્ટો સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણી કરી રહેલી બેંચમાં જસ્ટિસ કૌલ પણ છે.

કાનૂની નિષ્ણાતોના મતે, જસ્ટિસ લોકુરની ટીપ્પણી અણછાજતી હતી પણ આ લેખ બહુ ઓછા લોકોએ વાંચ્યો હતો. જસ્ટિસ કૌલે તેનો ઉલ્લેખ કરવાની જરૂર નહોતી. આ કોમેનેટનો ઉલ્લેખ કરીને તેમણે લેખને પબ્લિસિટી આપી દીધી.

વિવાદાસ્પદ મહિલા અધિકારી પર હુમલાથી ચકચાર

આઈએએસમાંથી રાજીનામું આપનારાં મહિલા અધિકારી રાની નાગર પર શનિવારે રાત્રે ગાઝિયાબાદમાં હુમલો થતાં ચકચાર મચી છે. ગાઝિયાબાદ નેશનલ કેપિટલ રીજિયન (એનસીઆર)નો હિસ્સો છે. રાની અને તેની બહેન રીમા શનિવારે રાત્રે ઘરની બહાર ફરતાં હતાં ત્યારે હુમલાખોરે સળિયાથી હુમલો કર્યો. તેમાં રાની બચી ગઈ પણ રીમાને ઈજા થઈ. રાનીએ ભાગ રહેલા હુમલાખોરની કારનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને પોલીસ ફરિયાદ પણ કરી છે.

રાની હરિયાણા કેડરમાં અધિકાર હતાં. તેમણે એક ઉચ્ચ અધિકારી સામે સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ પણ કરી હતી. આ સતામણી ચાલુ રહેતાં છેવટે ગયા મહિને તેમણે રાજીનામું આપી દીધું.

રાનીની નજીકનાં સૂત્રોના મતે, રાની હરિયાણાના ટોચના નેતાઓ તથા અધિકારીઓનાં ઘણાં રહસ્યો જાણે છે. રાની પોતાના અનુભવો અંગે પુસ્તક લખવા માગે છે. પોતાનાં પાપ છાપરે ચડીને ના પોકારે એટલે આ મોટાં માથાં રાનીને ખતમ કરી દેવા માગે છે એવો તેમનો દાવો છે. 

***

મુશ્કેલીઓનો મહિનો

આજે પૂરો થઇ રહેલો મે મહિનો દુર્ઘટનાઓ અને હતાશાની યાદો મૂકી જઇ રહ્યો છે.  આ મહિનામાં કોરોનાના ૧,૮૨,૫૦૭ પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે  ૫૧૮૬ દર્દીઓ મૃત્યુ પામ્યા. સ્થળાંતરિત શ્રમિકોની વેદના માનવીય કરૂણાંતિકાની કહાનીઓ બની રહી. બિહારના રેલવે સ્ટેશને મૃત્યુ પામેલી માતાને જગાડવા મથતું એનું નાનું બાળક - કરૂણતાની પરાકાષ્ઠા બની રહ્યું. વડાપ્રધાને પણ એમના રેડિયો કાર્યક્રમ 'મનકી બાત' માં શ્રમિકોની યાતનાને  અવર્ણનીય ગણાવી. એમ્ફાન વાવાઝોડાએ બંગાળમાં વ્યાપક વિનાશ  વેર્યો. તીડોના આક્રમણે વિવિધ રાજ્યોમાં ભારે બગાડ કર્યો. ખેડૂતો માટે જળસર્જિત આફતો ઊભી કરી. ઉત્તર ભારત સમગ્ર પૃથ્વી પરના સૌથી વધુ ગરમ પ્રદેશ તરીકે તાપની ભઠ્ઠી બની ગયું. છેલ્લા બે દિવસથી ત્યાં  થોડી રાહત થઇ છે. 

લોકડાઉનનો અમલ બિનઆયોજિત ઃ અભ્યાસ

દિલ્હીસ્થિત બિનસરકારી સંગઠન (એનજીઓ) ઇન્ડો-ગ્લોબલ સોશ્યલ સાયન્સ સોસાયટી (આઇજીએસએસએસ)એ લોકડાઉનના અમલને 'અધકચરો અને બિનઆયોજિત'  ગણાવ્યો છે. કેન્દ્ર અને રાજ્યોએ અનૌપચારિક ક્ષેત્રના કામદારો માટે પ્રસિધ્ધ કરેલા ૭૦૦ આદેશો, પરિપત્રો અને માર્ગદર્શિકાઓના અભ્યાસ પછી એનજીઓ, ઉપરોક્ત તારણ પર  પહોંચ્યું છે.  ૨૨ માર્ચના જનતા કરફ્યુ અને એના બે દિવસ પછીથી આવી પડેલા લોકડાઉને શહેરી ગરીબો અને સ્થળાંતરિતોને અચંબામાં નાખી દીધા હતા. જીએસએસએસની ટીમના વ્યવસ્થાપક અરવિંદ  ઊન્નીના મતે, સ્થાનિક કામદારો, ઘરવિહોણાઓ, શેરીના ફેરિયાઓ અને ટ્રાન્સજેડર્સની સંપૂર્ણપણે અવગણના કરાઇ હતી. ફક્ત મેઘાલયે જ સ્થાનિક કામદારો માટે ખાસ જોગવાઇઓ કરી હતી. 

પાછા વળતા સ્થળાંતરિત શ્રમિકોની વિગતો વિના રાજ્યો ચિંતિત 

કોરોના વાઇરસના ઉપદ્રવ વચ્ચે સ્થળાંતરિત શ્રમિકોને પોતાને ત્યાં આવકારી રહેલા રાજ્યો માટે આ કામદારોની ઉંમર, જાતિ, ઘરનું સરનામું અને મોબાઇલ ફોન નંબર જેવી વિગતોનો અભાવ, ચિંતાનો વિષય બની રહ્યો છે. કેન્દ્ર સાથેની તાજેતરની બેઠકો દરમિયાન ત્રણ રાજ્યોએ આ મુદ્દે ચિંતાને વાચા આપી હતી.  સ્થળાંતરિત શ્રમિકોના કલ્યાણ સંબંધી કોઇપણ આયોજન માટે એમના સ્વાસ્થ્ય ઉપરાંત એમને લગતી આનુષંગિક વિગતો મહત્વપૂર્ણ છે, એમ અધિકારીઓએ જણાવ્યું. 

પીએમ કેઅર્સ ફંડ વિષેની ગુપ્તતાથી શંકાના વાદળ 

વડાપ્રધાન કાર્યાલયે અઝિમ પ્રેમજી યુનિવર્સિટીની કાયદાની અનુસ્નાતક વિદ્યાર્થિની હર્ષા કાન્દુકુરિએ પીએમ કેઅર્સ ફંડ વિષે કરેલી આરટીઆઇના જવાબમાં પીએમ કેઅર્સ ફંડના ટ્રસ્ટના દસ્તાવેજની નકલ પૂરી પાડવાનો ગઇકાલે ઇન્કાર કર્યો. હર્ષાએ ૧ એપ્રિલે એ આરટીઆઇ અરજી કરી હતી. અરજદારને ફંડની રચના સંબંધી સરકારના આદેશો, જાહેરનામાઓ અને પરિપત્રોની નકલો પણ આપવાનો ઇન્કાર કરતા વડાપ્રધાન કાર્યાલયે કહ્યું કે ''પીએમ કેઅર્સ ફંડ એ જાહેર સત્તામંડળ નથી. આથી એને આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન- માહિતીનો અધિકાર સંબંધી) કાયદો લાગુ પડતો નથી.'' આ વિષે સતર્ક નાગરિક સંગઠનના અંજલિ ભારદ્વાજ ે પ્રતિભાવ આપતા પૂછ્યું કે પીએમ કેઅર્સ ફંડના સંચાલકો લોકો પાસેથી, લોક કલ્યાણના હેતુસર વાપરવા માટે પૈસા ઉઘરાવે છે. આથી એ જાણવું રસપ્રદ છે કે ફંડમાં પૈસા કયાંથી આવે છે. અને એ કેવી રીતે વપરાય છે. પીએમ કેઅર્સ ફંડની રચના થઇ ત્યારથી એના વિષે સવાલો ઉઠયા કરે છે. એની અપારદર્શકતા, એની પર શંકાના વાદળ પેદા કરે છે. ફંડની વેબસાઇટ પર છેલ્લા કેટલાક મહિનાઓથી ફંડને મળેલા યોગદાન તથા એણે કરેલા ખર્ચની વિગતો મળી રહેતી નથી. જો કે વડાપ્રધાન મોદી એના વિષે  પારદર્શક વહીવટના દાવા કરતા રહે છે. અત્યાર સુધી આ ફંડમાંથી ફક્ત એક જ કારણસર વપરાયેલા નાણાંની વિગતો જાહેર કરાઇ છે. ગઇ તા.૧૩ મે એ કરાયેલી આ જાહેરાત અનુસાર પીએમ કેઅર્સ ફંડમાંથી ૩૧૦૦ કરોડ રૂપિયા વેન્ટિલેટર, સ્થળાંતરિત શ્રમિકોના કલ્યાણ અને રસી સંશોધનના કામ માટે ફાળવાયા છે.

ચેરીના ખેડૂતોની ઉદાસી

કાશ્મિરમાં ચેરીના ખેડૂતોએ ફળની લણણી શરૂ કરી છે. જો કે કોરોના વાઇરસના ઉપદ્રવને નાથવા માટે દેશમાં અમલી બનાવાયેલા લોકડાઉનથી લદાયેલા પ્રતિબંધોના પગલે, સારો પાક છતાં ખેડૂતોને નુકસાનની ચિંતા  છે. વાહનોનો અભાવ તેમજ સપ્લાય -ચેઇનની પ્રતિકૂળ વિસંગતિઓના લીધે આ અલ્પજીવી ફળના પાક માટે, બજારમાં પહોંચવું અતિમુશ્કેલ બન્યું છે.

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે