રંગભેદ વિરોધી લડતમાં ક્રિકેટનું યોગદાન

- ઇંગ્લેન્ડના દર્શકોને તેમની ટીમની હારના દુઃખ કરતા રેસ્ટ ઑફ ધ વર્લ્ડ 11ની જીતનો આનંદ વધુ હતો


ગાંધીજીના સિદ્ધાંતો ઘણી વાર આપણને અટપટા લાગ્યા છે. તેઓ ચરખો કાંતવાનું કહીને અંગ્રેજોનો વિરોધ કરવાનું શીખવતા હતા. આપણને થાય ભલા, ચરખો કાંતવાથી અંગ્રંજોનો વિરોધ કેવી રીતે થાય? પણ એવું નથી. જરાક બારીકિથી જોઇએ તો સમજ પડે કે ચરખો કાંતનારી વ્યક્તિ પોતાના કપડાં જાતે બનાવી શકે અને વિદેશી વસ્ત્રો પહેરવાનું ટાળી શકે. અંગ્રેજોનો ધંધો પડી ભાંગે તે પણ એક પ્રકારનો પ્રતિરોધ જ થયોને? વિરોધ કરવાની ઘણી બધી પદ્ધતિઓ છે.

જાપાનની એક ચંપલ કંપનીએ જુદી રીતે હડતાળ પાડીને શોષણ નીતિનો વિરોધ કરેલો.  ફેક્ટરી બંધ કરવાને બદલે કામ ચાલુ રાખ્યું પણ એક જ પગનું ચંપલ બનાવવાનું. આવી રીતે રમત-ગમતો પણ વિરોધનું સશક્ત માધ્યમ બની છે. અંગ્રજોની શોષણ નીતિનો જવાબ કઇ રીતે ક્રિકેટ દ્વારા આપવામાં આવે છે તે આપણે લગાન ફિલ્મમાં જોયું છે. આજે આવી જ એક ક્રિકેટ ઘટનાની વાત કરવી છે. જેના થકી રંગભેદની નીતિનો તારસ્વરે વિરોધ કરવામાં આવેલો.

૧૯૭૦ની વાત છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ક્રિકેટ ખેલવા ઇંગ્લેન્ડ જવાની હતી. એ જમાનામાં દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ એ માઝા મૂકેલી. દક્ષિણ આફ્રિકાની ટીમમાં અશ્વેત ખેલાડીઓને સ્થાન આપવામાં આવતું નહોતું. તેણે એવી પણ શરત રાખેલી હતી કે યજમાન ટીમમાં પણ કોઈ અશ્વેત ખેલાડી હોવો જોઈએ નહીં.

બ્રિટનમાં આ મુદ્દે દક્ષિણ આફ્રિકા સાથેના ખેલ સંબંધો તોડી નાખવાનું આંદોલન ઊભું થઇ રહ્યું હતું. ૧૯૬૮-૬૯ના શિયાળામાં ઇંગ્લેન્ડની ટીમ દક્ષિણ આફ્રિકા રમવા જવાની હતી તે પ્રવાસ રદ થયેલો. દક્ષિણ આફિકાને ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ બેસિલ ડી ઓેલિવેરા નામના અશ્વેત ખેલાડી સામેલ હોવા સામે વાંધો હતો.

બેસીલ મૂળ આફ્રિકાના કેપટાઉન શહેરનો હતો પરંતુ વર્ષોથી બ્રિટનમાં રહેતો હોય હવે બ્રિટિશ નાગરીક હતો ને દક્ષિણ આફ્રિકાને અશ્વેતો સામે વાંધો એટલા માટે હતો કેમ કે દક્ષિણ આફ્રિકાનું રાજકાજ પણ ગોરાઓના હાથમાં જ હતું.  ૧૯૬૭-૬૮માં આફ્રિકાની એક રગ્બી ટીમ ઇંગ્લેન્ડ રમવા આવેલી. એ ટીમમાં એક પણ અશ્વેત ખેલાડી નહોતો. ન્યુ સ્ટેટસમેન અખબારે આ બાબતનો વિરોધ કર્યો. રંગભેદ ખેલ નથી એવા શીર્ષક સાથે લેખ છાપીને રગ્બી સીરીઝના તમામ મેચોનો બહિષ્કાર કરવાનું આહ્વાન કરેલું. રૂઢિવાદી વિચાર ધારા ધરાવતું સ્પેકટેટર્સ સાપ્તાહિક સામે પડયું.

તેણે એવી દલીલ કરી કે ખેલ અને રાજનીતિની ભેળસેળ કરવામાં ન આવે. એ સીરીઝ તો યોજાઈ, પરંતુ જ્યાં જ્યાં મેચ ખેલાયા ત્યાં ત્યાં રંગભેદના વિરોધીઓએ જોરશોરથી વિરોધ કર્યો. એક વખત તો દક્ષિણ આફ્રિકન ટીમની બસને જ બંધક બનાવી દેવામાં આવી.  

૧૯૭૦માં ઇંગ્લેન્ડના ક્રિકેટ જગત પર માર્લેબન ક્રિકેટ કલબ આ સંસ્થાની માનસિકતા પણ રંગભેદી હતી. તે પણ ઇચ્છતી હતી કે દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટુર્નામેન્ટ ખેલાવી જોઇએ. બીજી તરફ દક્ષિણ આફ્રિકાથી આવીને ઇંગ્લેન્ડમાં વસી ગયેલા પીટર હેન જેવા રંગભેદ વિરોધી સામાજિક કાર્યકર્તા આ ટુર્નામેન્ટને રોકાવવા માટે સંકલ્પબદ્ધ હતા.

જીવનભર રંગભેદની નીતિનો વિરોધ કરતા રહેલા ચર્ચિત ક્રિકેટ લેખક અને પ્રસારક જોન એરલોટ પણ પીટર હેનની સાથે હતા. એરલોટે જ ડી ઓલિવેરાને ઇંગ્લેન્ડ બોલાવેલા. તેમણે એ રંગભેદી ટુર્નામેન્ટમાં કલમ મ્યાન કરી દેવાની ઘોષણા કરેલી. બીજા પત્રકારોએ પણ તેમને સમર્થન આપ્યું. ક્રિકેટના કર્તાધર્તાઓને તેનાથી કોઇ ફરક પડતો નહોતો. ૨૦ મે ૧૯૭૦ના રોજ એલાન થયું કે પહેલી મેચ જૂનની શરૂઆતમાં યોજાશે. ત્રણ જ દિવસમાં આ ટુર્નામેન્ટ રદ કરવાની ઘોષણા થઇ.

સવાલ એ પેદા થાય છે કે ઇંગ્લીશ ક્રિકેટના સંચાલકો આટલા જલ્દી ઢીલા કેમ પડી ગયા? ઇંગ્લેન્ડમાં એ દિવસોમાં લેબર પાર્ટી સત્તામાં હતી અને તેના મોટાભાગના સદસ્યો રંગભેદના વિરોધી હતા. ગૃહમંત્રી જેમ્સ કેલેગને આઇસીસીને એક પત્ર લખીને આ ટુર્નામેન્ટને રદ કરવા કહેલું. સરકારની નારાજગી વહોરવાના ડરથી આઇસીસી માની ગઇ. જો સત્તામાં કન્ઝર્વેટિવ પાર્ટી હોત તો કોઇપણ કાળે એ ટુર્નામેન્ટ યોજાઈને રહેત. 

આપણે ત્યાં જેમ આઇપીએલ લોકપ્રિય છે એવી જ રીતે ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ છે. દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝ રદ થતાં પડેલી ખાલી જગ્યા કઇ રીતે ભરવી? તેની વિચારણા શરૂ થઇ. ત્યાર પછી જે થયું તે ઇતિહાસ છે. દુનિયામાં જુદા જુદા દેશના સારા ખેલાડીઓને વીણીને એક ટીમ તૈયાર કરવામાં આવી અને તે ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ રમશે એવું નક્કી થયું. ચર્ચિત શરાબ ઉત્પાદક કંપની ગીન્નીઝે ૨૦ હજાર પાઉન્ડમાં ટુર્નામેન્ટ સ્પોન્સર કરવાની ઘોષણા કરી. 

આજથી ૫૦ વર્ષ પહેલાં રંગભેદના વિરોધમાં બનેલી એ ટીમને રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ઇલેવન નામ આપવામાં આવ્યું. ઓલ ટાઇમ ગ્રેટ પ્લેયર ગારફિલ્ડ સોબર્સને તેના કેપ્ટન બનાવાયા. વેસ્ટ ઇન્ડિઝના ચાર ખેલાડી સામેલ કરવામાં આવ્યા. તે હતા રોહન કન્હાઇ, ક્લાવઇ લોઇડ, લેન્સ ગીબ્સ અને ડેરીક મરે. 

દક્ષિણ આફ્રિકાના શ્વેત ખેલાડી બેરી રીચર્ડ્સ, ગ્રીન પોલોક અને એડી બાર્લો, પીટર પોલોક અને માઇક પ્રોકટરને પણ સામેલ કરવામાં આવેલા. પાકિસ્તાન તરફથી ઇમ્તિખાબ આલમ અને મુસ્તાક મહમદ જોડાયેલા. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્રેહામ મેકીન્ઝી, ભારત તરફથી પણ એક ખેલાડી આ ટીમમાં હતો.

તે ફારૂક એન્જિનિયર. યજમાન ટીમમાં આવડા મોટા ધૂરંધરો નહોતા કિંતુ કેટલાક તીર તો તેનાય તરકશમાં હતા. જેમ કે કેપ્ટન ઇલીંગ વર્થ. તેઓ અનુભવી હતા અને તેમને ચતુર રણનીતિકાર માનવામાં આવતા. બેટ્સમેનોની વાત કરીએ તો ઇંગ્લેન્ડ પાસે જ્યોફ બોયકોટ અને કોલીન કાઉન્ડ્રી હતા. બોલીંગના મોરચા પર જોન્સનો અને ડેરીક અન્ડરવુડ હતા. ઇંગ્લેન્ડના વિકેટકીપર એલન નોટને એ સમયમાં દુનિયાનો સૌથી સારો વિકેટકીપર માનવામાં આવતો.

૧૭મી જૂન ૧૯૭૦ના રોજ પહેલો મેચ લોર્ડ્સના મેદાન પર શરૂ થયો. છેલ્લો મેચ ઠીક બે મહિના બાદ ઓવલમાં આટોપાયો. પાંચમાંથી ચાર મેચ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ઇલેવને પોતાના નામે કરી લીધા. ઇંગ્લેન્ડ માત્ર નોટિંગહામમાં ખેલાયેલી બીજી મેચમાં વિજેતા  બન્યું. દર્શકોએ મહેમાન ટીમની અદ્ભુત બેટીંગનો લ્હાવો લીધો. રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ઇલેવનનું પર્ફોમન્સ અશ્વેતને કમજોર માનનારા,  તેમને નીચ ગણનારા લોકોને સણસણતો જવાબ હતો. બ્રિટનની બહુધા જનતા પણ રંગભેદ વિરોધી હતી.

આથી તેમને પણ તેમના દેશની ટીમ હારી હોવાના દુઃખ કરતાં શ્વેત-અશ્વેત ખેલાડીઓના મિશ્રણથી બનેલી ટીમ જીતી રહી હોવાનો આનંદ વધારે હતો. સોબર્સ, લોઇડ અને બાર્લો ત્રણેયએ બબ્બે સેન્ચુરી ફટકારી. બાર્લોએ ઉત્તમ બોલીંગ પણ કરી.  હમવતન માઇક પ્રોકટરે તેને સધિયારો આપ્યો. 

૧૯૬૫માં દક્ષિણ આફ્રિકાની ટીમ જ્યારે ઇંગ્લેન્ડ રમવા આવેલી ત્યારે ડાબોડી બેટધર ગ્રીમ પોલોકે અદ્ભુત પ્રદર્શન કરેલું. આ વખતે પણ તેની પાસેથી એજ પર્ફોમન્સની આશા હતી. પ્રથમ ચાર મેચમાં તેમનું પ્રદર્શન ઠીકઠાક હતું, પાંચમા મેચમાં તેમણે સણસણતી સદી ફટકારી બધી જ કમી પૂરી કરી દીધી. એ ઇનિંગ દરમિયાન તેમણે ગેરી સોબર્સ જોડે લાંબા સમય સુધી બેટિંગ કરી. બંનેએ જોતજોતામાં ૧૫૦ રનની ભવ્ય ભાગીદારી રચી દીધી. ગ્રીન પોલોકની એ ઇનિંગની ઝલક યુ-ટયુબ પર પણ અવેલેબલ છે.

એ સમયે ગ્રીન પોલોકની ઇનિંગનો વૃત્તાંત જે રીતે અખબારોમાં  છપાયેલો એ વાંચતા મન થઇ જાય કે કાશ એ મેચ આપણને જોવા મળે. ધ ગાર્ડિયનમાં જોન એલરોટે લખેલું આખરી સત્ર દરમિયાન દુનિયામાં ડાબા હાથના બે સૌથી ઉત્તમ બેટધરોની બોલબાલા રહેલી. પહેલાં સોબર્સ  પોલોકના દરેક શોટનો પ્રત્યુત્તર આપી રહ્યા હતા.

પહેલો કવર ડ્રાઇવ મારે તો બીજો પણ કવર ડ્રાઇવ મારે. પહેલો સ્કવેર રમે તો બીજો પણ સ્કવેર કટ ફટકારે. દર્શકોનું જબ્બર મનોરંજન થઇ રહ્યું હતું. થોડીવાર બાદ સોબર્સે આ રમૂજ બંધ કરી અને કપ્તાનની ભૂમિકામાં આવી ગયા. પોલોકને ખુલીને રમવાની તક આપીને પોતે સપોર્ટમાં ઊભા રહી ગયા. ક્યારેક ક્યારેક શોટ ફટકારી દર્શકોને પોતાના કદની યાદ જરૂર અપાવી દેતા. એ સિવાય વધુમાં વધુ તક તેમણે પોલોકને ખીલવાની આપી. 

ધ ટાઇમ્સમાં જોન વુડકોકે લખેલું, છેલ્લાં કેટલાક વર્ષોથી ક્રિકેટ જગતમાં ચર્ચા થઇ રહી હતી કે આ બંનેમાંથી વધારે સારો ખેલાડી કોણ? ને અહીં તેઓ એક સાથે ટેસ્ટ રમી રહ્યા હતા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ અદ્ભુત ફોર્મમાં હતા. સોબર્સે મેચની શરૂઆત ફટકાબાજીની હોડ સાથે કરી.બાદમાં તેમણે પોલોકને વધુમાં વધુ તક આપવા પોતાનું બેટ મ્યાન કરી દીધું. આ તેમની મહાનતા હતી. 

એરલોટ અને વુડકોક દ્દઢપણે માનતા હતા કે તેઓ એક મહાન ઐતિહાસીક ઘટનાના સાક્ષી બન્યા છે. પોલોક અને સોબર્સ પીચ પર ઊભીને દર્શકોનું મનોરંજન કરી રહ્યા નહોતા, એક બહેતર અને ન્યાય પસંદ દુનિયાના સ્વપ્નનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતાં. આ પહેલાં ઇતિહાસમાં એવું ક્યારેય બન્યું નહોતું જ્યારે કોઇ શ્વેત દક્ષિણ આફ્રિકન ખેલાડી અને અશ્વેત વેસ્ટ ઇન્ડિયન ખેલાડી કોઇ આંતરરાષ્ટ્રીય મેચમાં એક ટીમમાંથી રમી રહ્યા હોય. ત્યારની ઇંગ્લેન્ડની ટીમમાં પણ બે ખેલાડી એવા હતા જે મૂળે દક્ષિણ આફ્રિકા સાથે સંકળાયેલા હતા.

ટોની ગ્રેગ અને બેસીલડી ઓલિવેરા. એક શ્વેત અને બીજો અશ્વેત. આ પણ એક ઐતિહાસિક ઘટના હતી. રેસ્ટ ઓફ ધ વર્લ્ડ ઇલેવનની ટીમના શ્વેત અને અશ્વેત ખેલાડીઓની જુગલબંધીએ દુનિયાભરના  ક્રિકેટ રસિયાઓને પ્રભાવીત કર્યા હતા. 

આઇસીસીએ પહેલાં આ પાંચ ટેસ્ટને સત્તાવાર મેચનો દરજ્જો આપ્યો હતો, જે બાદમાં પાછો ખેંચી લીધો. પરિણામે તેમાં ખેલાડીઓએ કરેલું પર્ફોમન્સ તેમની આંતર રાષ્ટ્રીય કારકિર્દીના રેકોર્ડમાં ન ગણાયું. જો કે તેનાથી કોઇ ફરક પડતો નહોતો. કારણ કે તેમણે જ ેકર્યુ હતું તે ઇતિહાસની નજરમાં રેકોર્ડ થઇ ચૂક્યું હતું.

દક્ષિણ આફ્રિકાની રંગભેદની લડત પહેલી વખત રાજનીતિના અખાડાની બહાર ખેલાઇ. ક્રિકેટ નામની જેન્ટલમેન ગેઇમને પણ એ લડતનો હિસ્સો બનવાનું સદ્ભાગ્ય સાંપડયું. રાજનીતિથી દૂર રહેલા ગેરી સોબર્સ પણ આ રીતે એ લડતનો હિસ્સો બન્યા ને એ દરેક ખેલાડી રંગભેદ વિરોધી લડતનો હિસ્સો બન્યો જે એ ટુર્નામેન્ટમાં સામેલ હતો. રંગભેદ દૂર કરવામાં રમતોએ આપેલા પ્રદાનને જરાય રમતમાં લઈ શકાય તેમ નથી.

આજની નવી જોક

લોકડાઉન ખૂલતા પિયર ગયેલી લીલી પાછી ફરી. ઘરનો દરવાજો ખખડાવ્યો.

છગન દરવાજો ખોલીને ખડખડાટ હસવા લાગ્યો.

લીલી ઉવાચ, કેમ હસી રહ્યા છો?

પંડિતજીએ કહ્યું છે કે જો મુસીબત આવે તો તેનું સ્વાગત હસીને કરવું જોઈએ., છગન બોલ્યો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો