દિલ્હીની વાત : દેશનાં 13 શહેર-જિલ્લામાં જ લોકડાઉન લંબાવાશે


દેશનાં 13 શહેર-જિલ્લામાં જ લોકડાઉન લંબાવાશે

નવીદિલ્હી, તા.28 મે 2020, ગુરુવાર

મોદી સરકાર ૩૧ મે પછી દેશના બીજા ભાગોમાંથી લોકડાઉન હટાવી લેશે પણ ૧૩ મોટાં શહેરો અને તેમની આસપાસના વિસ્તારોમાંથી લોકડાઉન નહીં હટે. કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાઉબાએ ગુરૂવારે મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, કોલકાત્તા, ઈન્દોર, જયપુર, જોધપુર ઉપરાંત તમિલનાડુનાં બે શહેરો ચેંગલપટ્ટુ અને થિરુવલ્લુરના મ્યુનિસિપલ કમિશ્નર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ બેઠક કરી. આ શહેરો સાથે સંકળાયેલા જિલ્લાના કલેક્ટર તથા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ પણ આ બેઠકમાં હાજર હતા.

સરકારી સૂત્રોના મતે, આ બેઠક પરથી સ્પષ્ટ છે કે, આ ૧૩ શહેર-જિલ્લામાં જ લોકડાઉન રહેશે, એ સિવાયના વિસ્તારોમાં લોકડાઉન નહીં રહે. દેશમાં કોરોનાના ૭૦ ટકા કેસો આ શહેર-જિલ્લામાં હોવાથી હવે પછી તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ મોદી સરકાર અમલી બનાવશે. આ શહેર-જિલ્લાઓને પણ ત્રણ જૂથમાં વહેચી દેવાશે. કોરોનાના કેસો ઓછા હોય એ શહેરોમાં સૌથી પહેલાં નિશાન બનાવીને ત્યાં કોરોના નાબૂદ કરવામાં આવશે.  એ રીતે ત્રણ તબક્કામાં તમામ શહેર-જિલ્લામાંથી કોરોના નાબૂદ કરવાની રણનીતિ અપનાવાશે.

મોદી સરકારનો મધ્યમ વર્ગને વધુ એક ફટકો

મોદી સરકારે આરબીઆઈ બોન્ડ બંધ કરવાની જાહેરાત કરીને મધ્યમ વર્ગને વધુ એક ફટકો માર્યો છે. આરબીઆઈ બોન્ડમાં ૭.૭૫ ટકા વ્યાજ મળતું હતું અને તેની મુદત સાત વર્ષની હતી. સલામત રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે આ બોન્ડ શ્રે વિકલ્પ હતો.

મોદી સરકારે આ બોન્ડ બંધ કરવા કોઈ કારણ નથી આપ્યું પણ છેલ્લા કેટલાક મહિનામાં આ બોન્ડ્સમાં થયેલા જંગી રોકાણને કારણભૂત ગણવામાં આવે છે. પીપીએફ સહિતની સ્મોલ સેવિંગ્સ સ્કીમ્સના વ્યાજ દરમાં મોટો ઘટાડો કરાયો પછી લોકો આ બોન્ડ તરફ વળ્યા હતા. તેના કારણે સરકાર પર આર્થિક ભારણ વધતાં બોન્ડ જ બંધ કરી દેવાયા.

મોદી સરકાર અટલ બિહારી વાજપેયીને પોતાના આદર્શ ગણાવે છે પણ વાજપેયીએ શરૂ કરેલા બોન્ડ તેણે બંધ કરી દીધા. ૨૦૦૩માં વાજપેયી સરકારે આ બોન્ડ શરૂ કર્યા ત્યારે ૮ ટકા વ્યાજ અને ૬ વર્ષની મુદત હતી. ૨૦૧૮માં આ મોદી સરકારે આ બોન્ડ બંધ કરી દીધેલા પણ ઉહાપોહ થતાં વ્યાજ ઘટાડીને અને ૭ વર્ષ મુદત કરીને ફરી શરૂ કરાયા હતા.

લઘુમતીઓને લગતી કલમ 30 રદ કરાવવા ઝુંબેશ

હિંદુવાદી સંગઠનોના ઈશારે હવે બંધારણની કલમ ૩૦ હટાવવાની ઝુંબેશ શરૂ થઈ છે. આ કલમ હેઠળ ભારતમાં લઘુમતીઓને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેમની ઈચ્છા પ્રમાણે તેનો વહીવટ કરવાનો અધિકાર મળ્યો છે. ગુરૂવારે સોશિયલ મીડિયા પર આર્ટિકલ ૩૦ હટાઓ હેશ ટેગ સાથે ટ્વિટ્સનો મારો શરૂ થયો હતો. આ હેશ ટેગ ટ્વિટર પર ટોપ ટેનમાં ટ્રેન્ડ કરવા માંડયું હતું. મોટા ભાગની ટ્વિટમાં એવો દાવો કરાયો હતો કે, દેશનાં ૧૧ રાજ્યોમાં હિંદુઓ લઘુમતીમાં હોવા છતાં તેમને કલમ ૩૦ હેઠળ અધિકાર મળતા નથી ત્યારે બીજી લઘુમતીઓને આ ધકાર શા માટે અપાય છે ?

ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયે બે અઠવાડિયા પહેલાં જ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વિજયવર્ગીયે દાવો કર્યો હતો કે, બંધારણમાં અપાયેલા સમાનતાના અધિકારનો આ કલમના કારણે ભંગ થાય છે તેથી આ કલમ નાબૂદ કરવી જોઈએ. યોગાનુયોગ હવે બે અઠવાડિયા પછી એ જ દલીલો સાથે કલમ ૩૦ હટાવવાની ઝુંબેશ શરૂ થઈ છે.

અમિત શાહના ક્યા જવાબથી મમતા ખુશ થઈ ગયાં ?

મમતા બેનરજી સામાન્ય રીતે ભાજપના નેતાઓ વિશે સારું બોલતાં નથી. તેમાં પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ તો સતત તેમના નિશાના પર જ હોય છે ત્યારે ગુરૂવારે તેમણે અમિત શાહને ધન્યવાદ આપીને આશ્ચર્ય સર્જ્યું.

મમતાએ રેલ્વે મંત્રી પિયૂષ ગોયલ રાજકારણ રમી રહ્યા છે એવો આક્ષેપ કરીને અમિત શાહને ફરિયાદ કરી હતી. મમતાના કહેવા પ્રમાણે તેમણે શાહને કહેલું કે, તમે બંગાળમાં સતત કેન્દ્રીય ટીમો મોકલી રહ્યા છો તેની સામે અમને વાંધો નથી પણ તમને લાગતું હોય કે, રાજ્ય સરકાર કોરોના સામે અસરકારક રીતે નથી લડી રહી તો તમે અહીં આવીને લડી લો, મને કોઈ પ્રોબ્લેમ નથી.  

શાહે મમતાને જવાબ આપ્યો કે, અમે લોકોએ ચૂંટેલી એક સરકારને કઈ રીતે નાપસંદ કરી શકીએ ?

આ વાતચીતની વિગતો મમતાએ પોતે આપી છે. મમતાએ કહ્યું કે, આ જવાબ સાંભલી મને બહુ આનંદ થયો અને શાહે મને જે જવાબ આપ્યો એ બદલ હું તેમને અભિનંદન આપું છું.

ભાજપના નેતાઓએ કોરોનાની ખરીદીમાં પણ કટકી ખાધી

હિમાચલ પ્રદેશના કોરોના કૌભાંડે ભાજપને શરમજનક સ્થિતીમાં મૂકી દીધો છે.  હિમાચલ પ્રદેશમાં પીપીઈ કિટ ખરીદવામાં થયેલા આ કૌભાંડ અંગે પીએમઓને ફરિયાદ થઈ હતી. તેના પગલે હિમાચલ પ્રદેશ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલને રાજીનામું આપવાની ફરજ પડાઈ છે.

હિમાચલ પ્રદેશ સરકારે કોરોના સામેની લડત માટે  હેલ્થ કમિશ્નર અજય ગુપ્તાના અધ્યક્ષસ્થાને નિમાયેલી પરચેજિંગ કમિટીના માધ્યમથી ૯ કરોડ રૂપિયાના ઓર્ડર આપ્યા હતા. આ પૈકી પીપીઈ કિટના ઓર્ડર મોહાલીની એક કંપનીને અપાયો હતો. આ ઓર્ડરમાં દલાલી ચૂકવાઈ હોવા અંગેની એક ઓડિયો ક્લિપ વાયરલ થતાં ગુપ્તાની ધરપકડ થઈ. ક્લિપમાં બિદલ ઉપરાંત ભાજપના અન્ય નેતાઓનો પણ ઉલ્લેખ છે.

ભાજપે આ મુદ્દે ડેમેજ કંટ્રોલ શરૂ કર્યું છે પણ સોશિયલ મીડિયા પર લોકો ભારે આક્રોશ ઠાલવી રહ્યાં છે. ભાજપના નેતાઓ મુશ્કેલીના સમયમાં પણ કટકી ખાવાની આદત છોડી નથી શકતા એવી કોમેન્ટ્સ લોકો કરી રહ્યા છે.

દિલ્હીના ખેડૂતે મજૂરોને વિમાનમાં વતન મોકલ્યા

દિલ્હીના બે ખેડૂત ભાઈઓ પપ્પનસિંહ ગહલોત અને નિરંજનસિંહે કામદારો તરફ બતાવેલી ઉદારતાએ સૌને અચંબિત કરી દીધા છે. દિલ્હીના તિગ્ગીપુરમાં ગેહલોતના ખેતરમાં બિહારના સમસ્તીપુરના દસ મજૂરો કામ કરતા હતા. લોકડાઉન લદાતાં બંનેએ મજૂરો માટે ખેતરમાં ખાવા-પીવાની અને રહેવાની વ્યવસ્થા કરીને બે મહિના સુધી મજૂરોને બરાબર સાચવ્યા.

લોકડાઉનમાં છૂટ મળતાં આ મજૂરોએ પરિવારને મળી આવવાની ઈચ્છા વ્યક્ત કરી. ટ્રેનમાં ટિકિટ મળવી મુશ્કેલ હતી તેથી મજૂરો મૂંઝાતા હતા. ગેહલોત બંધુઓએ તેમની મૂંઝવણ સમજીને ફ્લાઈટની ટિકિટ કઢાવીને વતન મોકલ્યા. સાથે પગાર અને વધારાના ત્રણ-ત્રણ હજાર પણ આપ્યા કે જેથી બિહાર પહોંચીને તકલીફ ના પડે.

આ મજૂરોએ સોશિયલ મીડિયા પર ગેહલોત ભાઈઓની ઉદારતાની વાત લખી છે અને પોતે બહુ જલદી પાછા આવીને કામ શરૂ કરશે એવું વચન પણ આપ્યું છે. મોટા ભાગના ફેક્ટરી માલિકો અને બિઝનેસમેને પોતાને ત્યાં કામ કરતા કામદારોને રઝળતા મૂકી દીધા છે ત્યારે બે ખેડૂતોએ અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયું તેનાં સૌ વખાણ કરી રહ્યા છે.

***

હોસ્પિટલમાં મૃતદેહો રાખવાની જગ્યા નથી!

દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં મૃતદેહો રાખવાની જગ્યા નથી. શબગૃહના ૮૦ સ્ટોરેજ ભરાઈ ચૂક્યા છે એટલે બીજા ૨૮ મૃતદેહોને નીચે રાખવાની ફરજ પડી છે. અધિકારીઓએ કહ્યું હતું કે મૃતદેહની ઉપર મૃતદેહો રાખવા પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ હોવાથી આઠા મૃતદેહોનો અસ્વીકાર કરવો પડયો હતો. નિયમ પ્રમાણે જેમનું મૃત્યુ પાંચ દિવસ પહેલાં જ થયું હોય તેમના અંતિમ સંસ્કાર નથી કરી શકાતા. મૃત્યુ પછી પાંચ દિવસે અગ્નિસંસ્કાર થતાં હોવાથી મુશ્કેલી સર્જાઈ છે. આ હોસ્પિટલમાંથી નિગમબોધ ઘાટ ઈલેક્ટ્રિક અંતિમસંસ્કાર ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ છમાંથી માત્ર બે જ ઈલેક્ટ્રિક ભઠ્ઠી કાર્યરત હોવાથી નિયત સંખ્યામાં અગ્નિસંસ્કાર પણ થઈ શકતા નથી.

દિલ્હીની ત્રણેય જેલમાં પણ કોરોનાનો પ્રવેશ

દિલ્હીની ત્રણેય જેલમાં કોરોનાનું સંક્રમણ પહોંચી ચૂક્યું છે. તિહાર જેલ, ઉપરાંત મંડોલી અને રોહિણી જેલમાં કોરોનાના કેસ આવ્યા પછી જેલતંત્ર દોડતું થઈ ગયું છે. જેલમાં કોરોનાનું સંક્રમણ જણાયા પછી જેલપ્રશાસને તાત્કાલિક અસરથી પરિવારના સભ્યોની મુલાકાત બંધ કરી દીધી છે. જેલમાં નવા આવનારા કેદીઓને ૧૪ દિવસ આઈસોલેટ રાખવામાં આવે છે. કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા કે કોર્ટની કાર્યવાહી પણ હાલ પૂરતી બંધ રાખવાનો નિર્ણય ત્રણેય જેલ પ્રશાસને કર્યો છે. જરૂરી જણાય તેવા કેદીના કિસ્સામાં વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં પેશી થાય છે. ૧૪,૦૦૦ કેદીઓ અને ૧૮૦૦ સ્ટાફમાંથી ૨૦ના રીપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તાબડતોડ પગલાં ભરાયા હતા. જેલમાં તેમના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે, તેમની વિઝિટ હિસ્ટ્રી મેળવવાની કવાયત પણ શરૂ થઈ હતી.

મમતાદીદીએ અમિત શાહને કહ્યું : થેંક્યુ!

પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ કોરોના દરમિયાન સતત વધ્યો છે. મમતા દીદીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વારંવાર પશ્વિમ બંગાળને જ ટાર્ગેટ કરીને ટીમ મોકલે છે તે સમજની બહાર છે. તેમણે કહ્યું હતું કે મેં ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાત કરી. મેં તેમને કહ્યું હતું કે જો તેમને કહ્યું હતું કે જો પશ્વિમ બંગાળની સરકાર કોરોનાની લડાઈમાં બરાબર કામ કરતી નથી એવું જો કેન્દ્ર સરકારને લાગતું હોય તો કેન્દ્ર સરકાર પશ્વિમ બંગાળમાં કોરોના ક્રાઈસિસ સામે જાતે જ કેમ નથી લડતી? મમતા દીદીએ કહ્યું હતું કે અમિત શાહે તેમને કહ્યું હતું કે ના. ના. ચૂંટાયેલી સરકારને કેન્દ્ર કેવી રીતે બાજુમાં મૂકી શકે? અમિત શાહના જવાબ પછી મમતા દીદીએ તેમનો આભાર માન્યો હતો. પણ આ આભારનો ટોન શું હશે એ કહેવાની જરૂર છે?

કોરોના સિવાયના દર્દીઓને અલગ રાખો

દિલ્હી મેડિકલ એસોસિએશનના પ્રમુખ ગિરિશ ત્યાગીએ કહ્યું હતું કે એક જ હોસ્પિટલમાં કોરોના અને કોરોના સિવાયની બીમારી ધરાવતા દર્દીઓને સાથે રાખવા જોખમી છે. દિલ્હીની સરકારે ૧૧૭ ખાનગી હોસ્પિટલોને આદેશ આપ્યો છે કે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની સારવાર થઈ શકે તે માટે અલગ વ્યવસ્થા કરો. કોરોનાના દર્દીની સારવાર માટે ૨૦૦૦ વધારે બેડની વ્યવસ્થા થઈ શકે તે માટે દિલ્હીની સરકારે આ આદેશ કર્યો હતો, પરંતુ તેનાથી જોખમ વધશે એવી દહેશત ખાનગી હોસ્પિટલોએ વ્યક્ત કરી હતી. ગિરિશ ત્યાગીએ કહ્યું હતું કે જે મોટી હોસ્પિટલો છે, તે વ્યવસ્થા કરી શકશે. કોરોના માટે આઈસોલેશન વિભાગ બનાવીને અન્ય દર્દીઓથી સલામત અંતર જાળવી શકશે, પરંતુ જે મધ્યમ કદની કે નાની હોસ્પિટલ્સ છે, તેના માટે બંને દર્દીઓ વચ્ચે અંતર રાખવાનું કામ બહુ જ મુશ્કેલ બનશે. એમાં જો થોડીક પણ ગરબડ થશે તો બીજા દર્દીઓને પણ કોરોનાનો ફેલાવો થવાનું જોખમ છે. ઓલરેડી અન્ય દર્દથી પીડિતને જો કોરોના થાય તો તેમના ઉપર જીવનું જોખમ રહે છે.

ઉત્તર પ્રદેશના સીએમ યોગીનો યુટર્ન

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મજૂરો બાબતે જે નિવેદન આપ્યું હતું તે વિવાદનું કારણ બન્યું હતું. યોગી આદિત્યનાથે એક વેબીનારમાં કહ્યું હતું કે જે રાજ્યોએ યુપીના મજૂરોને કામે રાખવા હશે તે રાજ્યોએ સરકારની પરવાનગી લેવી પડશે. એ મુદ્દે ભારે ચર્ચા થઈ પછી યોગીએ યુટર્ન માર્યો હતો. ઉત્તર પ્રદેશ સરકારના પ્રવક્તાએ કહ્યું હતું કે રાજ્ય સરકારની પરવાનગી લેવાની જરૂર નથી, પરંતુ અગાઉ શ્રમિક કલ્યાણ આયોગે જે સૂચનો કર્યા હતા, તેના આધારે મુખ્યમંત્રીએ એ વાત કરી હતી. એ કમિશન પ્રમાણે જે રાજ્યોના મજૂરો અન્ય રાજ્યોમાં કાર્યરત હોય તેમની વ્યવસ્થિત નોંધણી થવી જોઈએ અને બંને રાજ્યોએ એનો આંકડો રાખવો જોઈએ. 

- ઇન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો