તીવ્ર ગ્રીષ્મના તીડ .


ગરમાળો અને ગુલમહોર પુરબહારમાં ખિલ્યા છે. બન્ને વૃક્ષોના ફૂલોની તરંગ લંબાઈ એટલી વધુ કે દૂર દૂરથી તમારા નેત્રકમલને સાદ કરીને બોલાવે. ઉષ્ણતામાન હવે પરાકાષ્ઠાએ જઈ રહ્યું છે તેનો આ પુષ્પસંકેત છે. દેશ કોરોના ઉપરાંત ધગધગતા આભના બાહુપાશમાં ઘેરાઈ ગયો છે. સમગ્ર ઉત્તર અને મધ્ય ભારત શેકાઈ રહ્યું છે. કેટલાય પ્રદેશોમાં થર્મોમીટરનો લાલ પારો પિસ્તાલીસ ડિગ્રી કરતા વધુ ઊંચે જ ઈ રહ્યો છે. રાજસ્થાનના ચુરુમાં ગત ભોમવારે પચાસ ડિગ્રીનું તાપમાન નોંધાયું જે એ દિવસ પૂરતો વિશ્વ વિક્રમ હતો. 

દિલ્હીના સફદરજંગનું રાજકીય તાપમાન તો આમેય છેલ્લા છએક વર્ષથી ઠંડુ જ છે કારણ કે વિરોધ પક્ષ સુષુપ્તાવસ્થામાં છે પરંતુ આ વખતની ગ્રીષ્મએ છેલ્લા અઢાર વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષની ગરમી દાઝયા ઉપર ડામ જેવી છે. લોકડાઉનના લોકો આથક અને સામાજિક રીતે ગૂંગળાઈ રહ્યા છે. શ્રમિકો તેના કુટુંબ સાથે વતન પરત ફરી રહ્યા છે અને ટ્રેનો તેનો માર્ગ ભૂલી રહી છે. પગપાળા વતન જવા નીકળેલા લોકો માટે આ યાત્રા વૈતરણી પાર કરવા જેવી સાબિત થઈ રહી છે.

હજારો લોકો એવા છે જે ટ્રેન મળવાની ઠગારી આશાએ રેલવે સ્ટેશન પહોંચે છે અને પછી ટ્રેન ન મળતાં ચાલવાનું શરૂ કરી દે છે. ભાડાના ઘર હાથમાંથી ચાલ્યા ગયા છે. મકાનમાલિકો પણ પૈસાની તંગી અનુભવી રહ્યા છે. હજારો લોકોના માથેથી છત ખસી ગઈ છે. પગના તળિયા નીચેથી જમીન પણ ખસી જાય તો પણ તંત્રના પેટનું પાણી હલવાનું નથી. તંત્ર તો કોર્ટના ન્યાયાધીશો અને પોલીસ અફસરોની બદલી કરવામાં વ્યસ્ત છે.

૧૯૪૭માં જે ભારતની સંસાધનોના અભાવે દુર્દશા હતી એવી જ દુર્દશા ૨૦૨૦ માં ભારત ભોગવી રહ્યું છે. વિકાસ અગાઉ પાગલ થયો હતો તે વિકાસ હવે બેહોશ થવા લાગ્યો છે. સ્માર્ટ સીટીના રસ્તાઓ શ્રમિકોના પગના તળિયાના રક્તથી રંગાઈ રહ્યા છે. એ જ રસ્તા ઉપર લોકલ પર વોકલના સરકારી હોડગ દીપી ઉઠયા છે.

સુપ્રિમ કોર્ટે તો તંત્રના મામલામાં દખલ કરવાનું બંધ કર્યું છે પરંતુ ભારતની આ કથળતી હાલત જોઈને તેણે મૌન તોડવું પડયું. આ સપ્તાહના આરંભે સુપ્રિમને અચાનક સ્વયં જ્ઞાાન લાધ્યું અને રાજ્ય સરકારોને આદેશ ફરમાવ્યો કે શ્રમિકોને વતન પહોંચાડવાની અને તેમના ભોજન તથા સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી સરકારની છે જે લોકોને વિનામૂલ્યે મળવી જોઈએ. વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતા દેશમાં તેના લાખો શ્રમિકોને એના ઘરે પહોંચાડવા ઉપર જે મલિન રાજકરણ ખેલાયું છે તેને આવતી પેઢીઓ ઘૃણાસ્પદ નજરથી જોશે. આપણા રાજનેતાઓ પ્રજાને કઈ હદ સુધી દુઃખી થતાં જુએ છે તેનો આ નમૂનો છે.

એક પણ સંસદ સભ્ય કે એક પણ ધારાસભ્ય જો આ કામદારો સાથે જાતે પદયાત્રા કરવા નીકળી પડયા હોત તો કદાચેય એમ થાત કે ભારત માતાની કૂખે બધા જ રાજ પથ્થરો નથી પાકતા, એકાદ રાજરત્ન પણ પાકે છે. પણ અફસોસ કે એવો એક પણ નેતા ન મળ્યો.

જ્યારે સમસ્યાઓ આવે છે ત્યારે ચારે તરફથી આવે છે આવું આપણા વડીલો કહેતા. એવો અંદાજ લગાવાય છે કે આ તીડનો હુમલો દેશમાં છેલ્લા ૨૬ વર્ષમાં થયેલો સૌથી મોટો હુમલો છે. વર્તમાન ૨૦૨૦ માં ફક્ત રાજસ્થાનમાં જ તીડના ટોળાએ ૫ લાખ હેક્ટરનો પાક બરબાદ કરી નાખ્યો છે. ઊભા પાક પર તીડના આ પ્રકારના હુમલાથી આખો દેશ ચિંતામાં આવી ગયો છે.

લોકડાઉન અને કોરોનાના આ માહોલમાં આ તીડની વાત ભલે કદાચ સાંભળવામાં સામાન્ય લાગે પરંતુ જેમણે આ તીડને રસ્તામાં આવતું બધું જ બરબાદ કરતા જોયા છે એમને આની ગંભીરતા સમજાય છે. આ વર્ષે ફક્ત મહારાષ્ટ્ર-વિદર્ભના પાંચ જિલ્લાઓ પર ગમે ત્યારે તીડનું આક્રમણ થઈ શકે છે. દેશના આઠ રાજ્યો પર કોરોના ઉપરાંત તીડનું જબરદસ્ત આક્રમણ થયું છે. ભારત સરકાર ફક્ત એ વાતે આશ્વાસન લઈ શકે કે તીડના આક્રમણના સંદર્ભમાં ઇથિયોપિયા, સોમાલિયા અને કેન્યા કરતા આપણે થોડા વધુ નસીબદાર છીએ.

રવિ પાકની લણણી થઈ ગઈ છે અને ખરીફ પાકની તૈયારી ચાલી રહી છે. તીડ જુલાઈથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન આક્રમણ કરતા હોય છે. પરંતુ બદલાતું હવામાન તીડને પણ અસર કરતું હોય છે. તીડના ટોળાઓ રસ્તામાં જે પણ છોડ, ઝાડ, પાક મળે એને ઓહિયા કરીને દોઢસો કિલોમીટર સુધી આગળ સફર ખેડતું હોય છે. લાખો તીડ ચંદ કલાકોમાં ખેતરને ખેદાનમેદાન કરીને આગળ કુચ ચાલુ રાખે છે.

તેની વધતી જતી વસ્તી સામે કોઈ પણ દેશ અને એનો ખેડૂત લાચારી અનુભવે છે. પાકિસ્તાનમાં તીડના કોથળા વેચવામાં આવે છે અને એને ભારત સરહદે ખુલ્લા મુકાય છે તીડના હુમલા અને વસ્તીવધારાનું આ પણ એક કારણ છે. પરંતુ ભારત સરકાર માથે અત્યારે ચીનનો તણાવ વધુ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ભારત સરકારને આજથી બે મહિના પહેલા લિખિત જાણ કરી હતી કે મે માસમાં ભારતના આઠ રાજ્યો પર તીડના ટોળા ત્રાટકશે અને એમ જ થયું છે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો