ચીનની નવી ચાલ .
ભારત-ચીન-પાકિસ્તાન બોર્ડર ઉપર અત્યારે ઘણા દેશો વિશેષ ધ્યાન આપી રહ્યા છે. કોરોનાને ચાઈનીઝ વાઇરસ કહેનારા અમેરિકાએ તિબેટને સ્વતંત્ર દેશ કહીને પોતાના લડાયક મિજાજનો ફરી એક વખત પરચો આપ્યો છે. ટ્રમ્પ પોતાના દેશમાં કોરોનાને કાબૂમાં રાખવામાં સરેઆમ નિષ્ફળ નીવડયા છે પરંતુ અત્યારે તે ચીનને પાઠ ભણાવવાના મૂડમાં છે. ભારતે જ્યારથી ગિલગીટ પ્રદેશના હવામાનમાં રસ લેવાનો ચાલુ કર્યો છે ત્યારથી પાકિસ્તાની અને ચીની લશ્કર સાબદુ બની ગયું છે. કાશ્મીર અને અકસાઈ ચીન સરહદે ત્રણેય દેશ તરફથી સખત પારસ્પરિક જાપ્તો કરી નાખવામાં આવ્યો છે.
લોકડાઉન પછી તો ચીન અને લદાખની સરહદે વધી રહેલો તણાવ ગંભીર સ્વરૂપ પકડતો જાય છે. ભારતીય સેના અધ્યક્ષ જનરલ મનોજ મુકુંદ નરવણેએ લડાખની મુલાકાત લીધી પરંતુ તણાવ શમ્યો નથી. ચીનની આ ખતરનાક નવી ચાલ છે. ત્રણ વર્ષ પહેલા ડોકલામ જેવી સ્થિતિ થઈ હતી એવી સ્થિતિ હવે તિબેટ-સિક્કિમ-ભૂતાનના ત્રિકોણ ઉપર પેદા ન થાય એ જોવું રહ્યું. તે માટે રાજનીતિ અને વિદેશ સંબંધોની સ્ટ્રેટેજી ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે.
કોરોનાની અસર નીચે દુનિયા સુષુપ્ત થઈ ગઈ હોવા છતાં ત્રણેય દેશ પોતાની એક ઇંચ જમીન પણ જતો કરવા દેવા માંગતો નથી. પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં પાકિસ્તાની સેનાની જમાવટ સખત થઈ ગઈ છે. જ્યારે કાશ્મીરને વિશેષાધિકાર આપતી કલમો દૂર કરવામાં આવી ત્યારે એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટર શ્રીમાન જયશંકરે મીડિયા સમક્ષ ચોખવટ કરવી પડી હતી કે ૩૭૦ મી કલમ દૂર કરવાને કારણે ભારત અને ચીન સરહદે કોઈ વિખવાદ નહીં થાય કે અશાંતિ નહીં સર્જાય. કાશ્મીર ભારતનો અંગત મામલો છે અને તેને અકસાઈ ચીન સાથે કોઈ લેવાદેવા નથી.
અકસાઈ ચીન નામના ભારતીય પ્રદેશ ઉપર ચીન પોતાનો દાવો જતો કરવા માંગતું નથી. એ તો અરુણાચલ પ્રદેશને પણ પોતાનામાં ભેળવી લેવા ચાહે છે. સિત્તેર વર્ષથી બે બાજુનો સરહદી વિવાદ ચાલુ છે. બંને દેશે તેની કાયમી નિવારણ લાવવું ઘટે અને જો તે ન થાય તો ત્યાં સુધી સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો મજબૂત બનાવવા ઉપર ધ્યાન આપવું પડે.
લાઇન ઓફ કન્ટ્રોલ ઉપર જે તણખા ઝરે છે એના સિવાય બીજા પણ અમુક કારણો છે જેના લીધે આ સરહદો લાઈમલાઈટમાં આવી છે. ચીન અને અમેરિકા વચ્ચે છેલ્લા બે વર્ષ દરમિયાન ભયંકર વ્યાપાર યુદ્ધ ચાલ્યું. ફાઈવ-જી બાબતે આગળ વધવાની હોડમાં એ બંને દેશોએ એકબીજાના વેપારને નુકસાન કરવા માટે ખૂબ જોર લગાડયું. હોંગકોંગના ચીની સરકાર વિરુદ્ધ વિરોધ ચાલુ થઈ ગયેલો અને મહિનાઓ સુધી ચાલેલા પ્રદર્શનની તરફેણમાં અમેરિકા હતું. આવી સ્થિતિમાં ચીનમાંથી કોરોના વાયરસ આવ્યો અને આખું અમેરિકા એના સંકજામાં આવી ગયું. દરરોજ અમેરિકાને કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. તો અત્યારે બીજા શીતયુદ્ધ જેવો સમય ચાલી રહ્યો હોય એવું સહુને લાગે છે.
ભારતે પાછલા વર્ષો દરમિયાન અમેરિકા અને ચીન સાથે સારા સંબંધો રાખ્યા છે. બંને દેશો સાથે ભારતના વેપારમાં પણ વૃદ્ધિ આવી છે. પરંતુ આ બંને મહાસત્તાઓ વચ્ચે ઉછરી રહેલી કટુતાએ દુનિયાને મૂંઝવણના નાખી દીધી છે. કોની છાવણીમાં જવું તે સવાલ છે. ભારત પણ અસમંજસમાં જ હશે. ભારતની રાજનીતિના વર્તુળોનો એક મોટો હિસ્સો ચીનની વિરુદ્ધ થઈને અમેરિકાની પડખે ઊભા રહેવાનો મત ધરાવે છે. ભારત કોઈ પણ નિર્ણય લે, એને નુકસાન થવાનું છે એ નક્કી છે. એનું એક મુખ્ય કારણ એ છે કે ભારતનું અર્થતંત્ર અત્યારે નબળું પડી રહ્યું છે અને કોઈ પણ પ્રકારનું યુદ્ધ કોઈ પણ દેશ માટે અતિખર્ચાળ સાબિત થતું હોય છે. ભારતના અમેરિકા તરફ વધતા ઝુકાવને કારણે ચીનના પેટમાં ધગધગતું તેલ રેડાયું છે. નેપાળને થતી ચીની ઉશ્કેરણી અને લડાખ સરહદે શરૂ થયેલા નવા ઉપદ્રવો વાસ્તવમાં ભારતીય વિદેશ નીતિ સામેનો ચીનનો ઉકળાટ છે.
ભારતની બહુધા પ્રજાએ આજ સુધી પાકિસ્તાનને જ મોટું દુશ્મન રાષ્ટ્ર માન્યું છે. પરંતુ હકીકત એ છે કે ચીને આપણને વધુ નુકસાન કર્યું છે. પોતાના હલકા, તકલાદી અને સસ્તા માલને ભારતમાં ઠાલવીને ભારતના અર્થતંત્રને ફોલી નાખવું એ ચીનની મેલી મુરાદનું પરિણામ છે. પાકિસ્તાન સાથેની કરતા ચીન સાથેની ભારતીય સરહદ લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ વધુ સંવેદનશીલ છે. ભારત અને ચીન વચ્ચેની એ સીમારેખા દુનિયાની સૌથી મોટી ખુલ્લી સરહદ છે. દાયકાઓ સુધી એ સરહદ ઉપર બંદૂકની એક પણ ગોળી છૂટી નથી. કોરોનાના સંક્રમણ પહેલા આખી દુનિયા ઉપર એશિયાનું આથક અને સામાજિક મહત્ત્વ વધતું હતું જેમાં ભારત તથા ચીનનો સિંહફાળો હતો. હવે જો ભારત અને ચીન વચ્ચે તણાવ વધે તો એશિયા નબળું પડી જાય અને કોરોનાના લીધે નબળું પડી ગયેલું અમેરિકા ફરીથી તાકાતવાન બને એ પણ હકીકત છે.
Comments
Post a Comment