હોંગકોંગની અગનઝાળ .
ચી નના અત્યાચારી વલણ સામે હોંગકોંગમાં મોટા સ્તર પર હિંસક પ્રદર્શનો થઈ રહ્યા છે. દુનિયાના સૌથી મોટા સામ્યવાદી દેશ માટે આ ચળવળ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. ગત વરસે આ જ આંદોલન સળંગ છ મહિના ચાલ્યું હતું અને એને વિશ્વ માધ્યમોથી છાનું રાખવામાં ચીનને નાકે દમ આવી ગયો હતો. અને તો પણ છેવટે તો ચીની કરતૂતો છાપરે ચડયા હતા.
ચીન એક નફ્ફ્ટ અને નકટા રાષ્ટ્ર તરીકે જગતમાં સ્વીકૃત છે. ચીન એમ માને છે કે અમે અમાનવીય અને દુષ્ટ છીએ એમ સહુ જાણે તો એનાથી અમને શું ફરક પડવાનો ? સંયુક્ત રશિયાના શાસકો પણ એના વિભાજન પહેલા આમ જ માનતા હતા. આંદોલનકારીઓના અતૂટ નિશ્ચયથી દુનિયામાં એ સ્પષ્ટ મેસેજ ગયો છે કે હોંગકોંગ હવે જિંગપિંગ સરકારની કોઈ પણ જોહુકમી નહીં ચલાવી લે અને સ્વતંત્ર થશે. સામે છેડે ચીને પહેલા કરતા પણ વધુ કઠોર પગલાં ભર્યા છે અને હોંગકોંગને ગળી જવા વધુ મજબૂત રીતે તૈયારી કરી લીધી છે.
ચીનની કહેવાતી સંસદે ગત ગુરુવારે જે કઠોર કાયદો પસાર કર્યો છે તે હોંગકોંગના નાગરિકોની આઝાદીનું હરણ કરશે અને હોંગકોંગની અર્ધસ્વતંત્રતાને પણ છીનવી લેશે. તાનશાહી કાયદો અમલમાં આવશે તો હોંગકોંગનો કોઈ નાગરિક ચીનની સરકાર સામે એક શબ્દ પણ ઉચ્ચારી નહીં શકે. એનો અર્થ એ કે જો કોઈ નાગરિક કે સંસ્થા લોકતંત્રની માંગ કરશે તો એ પણ ગંભીર અપરાધ ગણાશે. ચળવળ કે આંદોલનને તો રાષ્ટ્રદ્રોહ જ માનવામાં આવશે.
સવાલ એ છે કે લશ્કર અને કાયદાના જોર ઉપર ચીન હોંગકોંગમાં ઉભું થયેલું આંદોલન ડામી શકશે ? અને ચીનના નવા કાયદાના સામે પાણીએ હોંગકોંગ નું આંદોલન કેટલુંક તરી શકશે ? હોંગકોંગ ઉપર જિનપિંગ પોતાની આપખુદશાહી સ્થાપી શકશે ? એ માટે નિર્દોષ નાગરિકોનું કેટલું લોહી વહેશે ? ચીનને ચિંતા એક જ છે કે હોંગકોંગની અગનઝાળ જો ચીનને લાગે તો ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોેઈકાની પરિભાષા વિના જ ચીનના ટુકડા થઈ જશે.
જ્યારે આખી દુનિયા કોરોના સામે લડી રહી છે અને બધા દેશો કોરોના માટે ચીનને મુખ્ય કાવતરાખોર અપરાધી ઠેરવે છે તો આવા નાજુક સમયમાં ચીને હોંગકોંગ ઉપર કબજો મેળવવાની યોજના કેમ બનાવી ? ચીન દુનિયાનું ધ્યાન એ તરફ ખેંચવા ચાહે છે અને કોરોનાથી ધ્યાન હટાવવા ચાહે છે. ચીનની એવી પણ આબાદ ગણતરી હોય કે કોરોનાકાળમાં સહુને પોતપોતાની વેદના છે ત્યારે જ હોંગકોંગને ગુલામ બનાવવામાં આવે તો કોઈ દેશ એમાં વચ્ચે પડશે નહિ.
ગત વરસે ચીને આંદોલનકારીઓ માટે અન્યાયી કાયદા બનાવ્યા હતા જેના વિરોધમાં હોંગકોંગવાસીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. છ મહિના સુધી પ્રદર્શનકારીઓ હટયા ન હતા. છેવટે હોંગકોંગની સંસદમાંથી પસાર થયેલો કાળો કાયદો પાછો ખેંચવામાં આવ્યો ત્યારે તોફાનો શમ્યા હતા. ચીનને આ વાતનો ઝટકો લાગ્યો હતો. હજુય ચીનને એનો ડંખ રહ્યો છે.
ચીની જાસૂસોની ફોઝ વિધવિધ બિઝનેસના બહાને રૂપરંગ બદલીને હોંગકોંગની ફાઇવ અને સેવન સ્ટાર હોટેલમાં લક્ઝુરિયસ ધામા નાંખીને પડયા છે. તેઓ એક એવા માહિતીતંત્રની રચનામાં વ્યસ્ત છે જે આંદોલનકારીઓની ભવિષ્યના કાર્યક્રમોની ડિઝાઈન ચીની સરકાર સુધી પહોંચાડે. પણ હજુ તેઓ એમાં સફળ થયા નથી. એક પણ આંદોલનકારીને ખરીદી શકાય એમ નથી. તેઓ ચે ગુએ વારા અને હો ચિ મિન્હ જેટલી તાકાત ધરાવે છે. આંદોલનના આંતર પ્રવાહોમાં પ્રચંડ શક્તિ છે. લોકતંત્રની માંગણી કરવી એ આમ પણ અગાઉથી જ ચીનમાં તો રાજદ્રોહ ગણાય જ છે.
ચીની શાસકો આવી માંગણી કરનારાઓને ક્રતાપૂર્વક કચડવામાં આજ સુધી સફળ થયા છે. ચીની જેલોમાં હજારોની સંખ્યામાં ક્રાન્તિકારીઓ છે. ૧૯૮૯માં ચીનની રાજધાની બેજિંગના થિયેનમાન ચોકમાં પ્રદર્શનકારીઓને કચડવા માટે ટેન્કો બોલાવવામાં આવી હતી. હોંગકોંગનો મામલો જુદો છે. તેની વસ્તી માત્ર સોળ લાખની છે. પરંતુ વૈશ્વિક વ્યાપારનું મહત્ત્વનું કેન્દ્ર છે. હોંગકોંગમાં આર્થિક ઉદારમતવાદી નીતિ ચાલુ રાખવામાં ચીનને કોઈ વાંધો નથી પરંતુ રાજનીતિમાં જરા પણ ઊઘાડ ન થાય અને ચીની બંધિયાર બંધારણનો અમલ ચાલુ કરવો છે.
કાયદા અને લશ્કરી તાકાતના જોરે જો ચીન હોંગકોંગને દાબમાં રાખશે તો એ નિર્ણય ચીનને જ ભારે પડશે. ચીન હાડોહાડ સામ્યવાદ અને સામ્રાજ્યવાદમાં માને છે. તાઇવાનનો વિવાદ તો ચાલે જ છે. એ વિવાદના તણખા દક્ષિણ ચીન સમુદ્રથી લઈને હિન્દ મહાસાગર સુધી પ્રસર્યા છે. હોંગકોંગ વિશ્વ વ્યાપારી મથક હોવાને કારણે તેનું મહત્ત્વ ઘણું છે. બ્રિટને ૧૯૯૭માં ચીનને હોંગકોંગ સુપરત કર્યું હતું.
એ સમયે ચીને વચન આપ્યું હતું કે હોંગકોંગમાં લોકતંત્રની સ્થાપના થશે. એના જ આધારે હોંગકોંગના નાગરિકો લોકશાહીની માંગણી કરે છે પરંતુ ખંધા ચીનને એ પસંદ નથી. ચીન એમ માને છે કે જે અમારું ન હતું એ તિબેટ અમે ગળી ગયા અને હવે એ જ પદ્ધતિથી નેપાળ ગળી રહ્યા છીએ તો આ હોંગકોંગ તો સત્તાવાર રીતે હવે અમારું છે અને એ જગજાહેર છે તો થોડો સમય ભલે લાગે પણ લાલ રંગ તો એના પર લાગશે જ.
Comments
Post a Comment