અમેરિકાની મધ્યસ્થી મૂર્ખતા
અમુક વડીલ એવા હોય જેને પોતાનું વડીલપણું સતત સાબિત કરતા રહેવા માટે દરેક નાની મોટી વાત ઉપર વ્યર્થ અભિપ્રાય આપતા રહેવાની ટેવ હોય. અમેરિકા એક એવું જ વડીલ છે જેને દુનિયાને સતત યાદ કરાવતા રહેવાની કુટેવ છે કે વિશ્વની લગામ એના હાથમાં છે.
બિલાડી અને કૂતરા માટે એક રોટલાના ભાગ પાડી આપનારા કપિરાજની ભૂમિકા અમેરિકાએ અનેકવાર ભજવીને પોતાનું પેટ ભરેલું છે. એટલે જ એ દેશ દરેક બાબતમાં સામેથી કૂદી પડે છે. ટ્વીટર ખુદ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીને અયોગ્ય ગણતું હોય, ટ્રમ્પને કે એના બેશરમ ભક્તોને એનાથી કંઈ જ ફરક નથી પડતો. અમેરિકાએ ફરીથી બે પારકા મુલ્કો વચ્ચેના વિવાદમાં દોઢડહાપણ બતાવ્યું છે.
ભારત અને ચીનના સરહદી વિવાદમાં મધ્યસ્થી બનવા માટે તે વણનોતર્યા મહેમાન અને ન્યાયાધીશ બનવા તૈયાર છે. આમ પણ પરંપરા રહી છે કે અમેરિકાએ હંમેશા પોતાના ખંડ કરતા એશિયામાં વધુ રસ લીધો છે. પારકી ભૂમિમાં તેની નાહકની ખણખોદ કરવાની જૂની વૃત્તિએ હજારો નિર્દોષ નાગરિકોનો ભોગ લીધો છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા પાસે એવું સૈન્ય છે જેણે દોષિતોને દંડ દેવાના બહાને લાખો નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા છે.
ભારત-ચીન વિવાદ જુગજૂનો છે. નહેરુ ઉપર સાચું દોષારોપણ કરવું હોય તો કરી શકાય એટલો જૂનો. લદાખ પાસેના વિસ્તારમાં બંને દેશોના લશ્કરની ગતિવિધિ વધી ગઈ માટે અમેરિકન મીડિયાનું ધ્યાન ત્યાં ખેંચાયું. વાસ્તવમાં તે વિસ્તારના જમીની પ્રદેશ ઉપર બંને દેશોની સરહદ આંકતી કોઈ ભૌતિક નિશાની છે જ નહીં માટે ઘણી વખત ગેરસમજ થતી રહે છે.
ચીનના લોહીમાં ડ્રેગનનો ભભૂકતો મિજાજ અને કાળમુખી લબકારા લેતી વિકરાળ જિહવા લાખો હેક્ટર પારકી જમીન ગળી જવાની શોખીન છે. માટે પોતાની તાકાતનું ડરામણું પ્રદર્શન કરવા વારેતહેવારે તે કોઈ પણ દેશના વિસ્તાર ઉપર પોતાનો હક્કદાવો જમાવે અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર કાગારોળ કરે. યુ.એન.માં વિટ્ટો પાવર હોવાનો ગેરફાયદો એ દાયકાઓથી લે છે.
જો કે ભારતના નસીબ સારા અને આજ સુધી આવેલા ભારતના વડાપ્રધાનોની કોઠાસૂઝ પણ સારી કે ચીની સૈનિકોને ખદેડવામાં તે સફળ નિવડયા છે. વળી બંને દેશના વિદેશમંત્રી કે સેનાધ્યક્ષ સંવાદ કરીને ઊભી થયેલી ગેરસમજ દૂર કરી નાખે છે. અમેરિકા એશિયન રાજકારણ અને સામ્રાજ્યવાદી નીતિમાં જીવતા શાસકોની બારીક ચાલો વિશે બેખબર છે. એટલે સામંતશાહી મધ્યયુગમાં ચર્ચમાં અમીર બાપના છોકરાને પાદરી ઓછું ખીજાય એ મુજબ અમેરિકાના તોફાન બધાએ સહન કરવા પડે છે.
કાશ્મીર સમસ્યામાં પણ અમેરિકાએ સામે ચાલીને પોતાની સમાધાન કરાવી આપવાની વણચાહી સેવા અનેકવાર ઓફર કરી હતી. પરંતુ ડોશી મર્યાના બહાને જમ ઘર ન ભાળી જાય એ કહેવતથી જે તે સમયના ભારતના વડાપ્રધાનો સુજ્ઞાાત હતા. ભારતે હંમશા અમેરિકાનો પ્રસ્તાવ સવિનય ઠુકરાવ્યો છે અને પહેલો સગો પાડોશીનો ધરમ નિભાવ્યો છે. જો કે આપણા દેશના અમુક આવા સિદ્ધાંતો જ આપણને ભારે પડયા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્સાહી નથી પરંતુ અતિઉત્સાહી છે. એથી તેઓ વારંવાર મૂર્ખતા અને અસત્યની હદમાં પગ મૂકી દે છે. તેમના ઉત્તેજિત દિમાગની અને એમાંથી સર્જાતા અસતની સાબિતી એ સમાચારથી મળે જેમાં એ ખબર આવેલા કે તેણે અમેરિકન મીડિયાને કાશ્મીર મામલે પોતે મધ્યસ્થી બની રહ્યા હોવાનું જાહેર કરી દીધેલું. પરિણામસ્વરૂપ આજે પણ અમેરિકાના કોરોનાનો ચેપ લાગેલા દર્દીઓની સંખ્યા બીજા ક્રમાંકે છે, પહેલા ક્રમાંકે ટ્રમ્પે ઉચ્ચરેલા જુઠાણાઓના આંકડા બિરાજે છે.
અમેરિકા અને તેની અવળચંડાઈ એક જ રાશિના હોવાથી તે બંનેને બહુ બને છે પરંતુ તેમના ગ્રહોને કારણે ભારતે સંક્ષોભમાં મુકાઈ જવું પડતું હોય છે. જાણે અમેરિકા શાંત સરોવરમાં સતત કાંકરા મારીને વમળ પેદા કરીને એ જાણવા માંગે છે કે ભારતીય હોડી અમેરિકા તરફ વળે છે કે ચીન તરફ. જો કે ભારતની મુત્સદીભરી રાજકીય નીતિને કારણે ચીનનું વલણ પણ આપણા તરફ કુણું છે.
ચીન નેપાળના ખભે બંદૂક રાખે પણ સીધું સામે નથી આવતું એ ચીનનો દુષ્ટ સ્વભાવ જોતા સારી વાત કહેવાય. વળી એક ચોકક તબક્કે ચીને નેપાળને ચૂપ કરી દીધું છે. અમેરિકાએ હવે સ્વીકારી લેવું જોઈએ કે સિત્તેર વર્ષનું સ્વતંત્ર ભારત પોતાની સમસ્યા જાતે ઉકેલી લે છે. પણ જગતકાજી હોવાનો એનો અહંકાર તેને આ નહીં સ્વીકારવા દે તે આપણે જાણીએ છીએ. ખુદ અમેરિકા જ ચીન સામે અઘોષિત વ્યાપાર યુદ્ધ અત્યારે લડે છે. એ પણ એની મધ્યસ્થી તરીકેની અયોગ્યતા છે.
અમેરીકા ચીનને ધોબીપછાડ આપવા ચાહતું હોય તો ભારતના ધોકા વિના તેને ચાલે એમ નથી. માટે જ તે સતત ભારત-ચીન વચ્ચે આંટી પાડવાનું બેહૂદુ કામ કરે છે. બે મહાસત્તા વચ્ચેનો વિગ્રહ ભારતીય ખભા ઉપર ખેલાય તે યોગ્ય વાત નથી. માટે જ ભારત ટ્રમ્પને ઢાળ આપવા ચાહતું નથી અને ટ્રમ્પ પોતાની રીતે ચીન સુધી અલગ રસ્તો બનાવવામાં તકલીફ અનુભવે છે.
ભારત વિવેકશીલ દેશ છે અને વૈશ્વિક રાજનીતિમાં પાકિસ્તાન કે ચીનની જેમ છાકટા થવું તેના સંસ્કાર નથી. ચીને અલબત્ત ભારતને સૌથી વધુ નુકસાન પહોંચાડયું છે પરંતુ એ નુકસાનની ભરપાઈ સામસામેના યુદ્ધ વડે પરિપૂતત નહીં થાય. સમયની નાજુક ડિમાન્ડ બળને બદલે કળથી કામ લેવાની છે. ચીનને યુદ્ધમેદાન સિવાય પાંગળુ કરવા માટે કે ભારતને ખોખલું કરતા રોકવા માટેના બીજા રસ્તાઓ સરકારે અને નાગરિકોએ વિચારવા પડશે.
Comments
Post a Comment