દિલ્હીની વાત : મોદી બે સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરશે


મોદી બે સપ્તાહના સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરશે

નવીદિલ્હી, તા.27 મે 2020, બુધવાર

નરેન્દ્ર મોદી સરકારે લાદેલું ચોથા તબક્કાનું લોકડાઉન ૩૧ મેના રોજ પૂરું થશે. એ પછી શું થશે તેની અટકળો વચ્ચે સરકારી સૂત્રોએ સંકેત આપ્યો છે કે, ૩૧ મે પછી વધુ બે અઠવાડિયાં માટે લોકડાઉન લંબાવાશે. અલબત્ત સત્તાવાર લોકડાઉન નહીં હોય પણ 'જનતા કરફ્યુ'ની જેમ મોદી લોકોને સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરશે. મોદી રવિવારે 'મન કી બાત'માં આ અપીલ કરે તેવી શક્યતા છે. આ લોકડાઉનને 'લોકડાઉન એક્સટેન્શન ઈન સ્પિરિટ' ગણાવાશે. મતલબ કે લોકો કાયદાથી નહીં પણ સમજીને અમલ કરે.

આ લોકડાઉનમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, અમદાવાદ, કોલકાત્તા, પૂણે, થાણે, જયપુર, સુરત અને ઈન્દોર એ ૧૧ શહેરો પર વિશેષ ધ્યાન અપાશે. આ શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં લોકડાઉનનો કડક અમલ અને આક્રમક ટેસ્ટિંગની વ્યૂહરચના અપનાવવા રાજ્યોને કહેવાશે એવું સૂત્રો કહે છે.

આ લોકડાઉનમાં શાળા-કોલેજો બંધ જ રહેશે એ સ્પષ્ટ છે પણ એ સિવાય કઈ છૂટછાટો આપવી તેનું મનોમંથન ચાલી રહ્યું છે ને બે દિવસમાં બધું નક્કી કરી દેવાશે.

પવારે ઉધ્ધવ પર દબાણ લાવવા રાહુલ પાસે ફોન કરાવ્યો

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના જોડાણમાં ડખાના અહેવાલો વચ્ચે રાહુલ ગાંધીએ બુધવારે સવારે ઉધ્ધવ ઠાકરે સાથે લાંબી વાતચીત કરી. ઉધ્ધવની મહાઅઘાડીના ઘટક પક્ષોના નેતાઓ સાથેની બેઠક પહેલાં રાહુલે ઉધ્ધવને ફોન કર્યો હતો.

સત્તાવાર રીતે રાહુલે-ઉધ્ધવ  વચ્ચે શું વાત થઈ એ કહેવાયું નથી પણ કોંગ્રેસનાં સૂત્રોના કહેવા પ્રમાણે રાહુલે શરદ પવારના કહેવાથી ઉધ્ધવને ફોન કર્યો હતો. રાહુલે મહારાષ્ટ્રમાં હવે પછી લોકડાઉન નહીં લંબાવવા ઉધ્ધવને કહ્યું હોવાનું કહેવાય છે. ઉધ્ધવ ૩૧ મે પછી પણ લોકડાઉન લંબાવવા માગે છે પણ કોંગ્રેસ અને એનસીપી બંને લોકડાઉન લંબાવવાની તરફેણમાં નથી. પવારે ઉધ્ધવના ઘરે જઈને આ અંગે ચર્ચા કરી હતી. ઉધ્ધવ પર વધારે દબાણ ઉભું કરવા પવારે રાહુલને આગળ કરી દીધા. રાહુલે મુંબઈ-પૂણે સિવાયના વિસ્તારોમાં લોકડાઉન નહીં લંબાવવા કહ્યું છે. આ ઉપરાંત ગરીબ પરિવારોનાં ખાતાંમાં રોકડ રકમ જમા કરાવવાનું સૂચન પણ કર્યું છે.

ઉધ્ધવ પર આ દબાણની અસર થઈ કે નહીં તેની ખબર બે દિવસમાં પડી જશે.

ઉત્તરાખંડની આગ અંગે મોદી સરકારનું ભેદી મૌન

સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડમાં લાગેલી મનાતી ભીષણ આગની તસવીરો તથા વીડિયો વાયરલ થયાં છે. ઉત્તરાખંડમાં છેલ્લા પાંચ દિવસથી વિનાશક આગ લાગેલી છે અને તેમાં મોટા પ્રમાણમાં જમીનને નુકસાન થયું છે એવા અહેવાલો મીડિયામાં પણ પ્રકાશિત થયા છે. ટ્વિટર પર તો બુધવારે પ્રેફોરઉત્તરાખંડ હેશ ટેગ ટોપમાં ટ્રેન્ડ કરતું હતું.

ઉત્તરાખંડનો વન વિભાગ આ વાતોને ખોટી ગણાવે છે. વન વિભાગનો દાવો છે કે, સોશિયલ મીડિયા પર ખોટી અને જૂની તસવીરો ફરતી કરીને ઉત્તરાખંડની આગને બહુ ભીષણ બતાવાઈ રહી છે પણ વાસ્તવમાં ભીષણ આગ લાગેલી જ નથી. આગમાં થયેલી જાનહાનિ તથા અન્ય નુકસાનના અહેવાલોને પણ તેમણે ફેક ન્યુઝ ગણાવ્યા છે. આશ્ચર્યજનક રીતે આ મુદ્દે કેન્દ્ર સરકાર ચૂપ છે.

રાજકીય વિશ્લેષકોના મતે, આ મુદ્દો દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે કેમ કે ઉત્તરાખંડની સરહદ ચીન સાથે જોડાયેલી છે. ચીન લડાખ ઉપરાંત ઉત્તરાખંડ સરહદે પણ લશ્કર ખડકી રહ્યું હોવાના અહેવાલ છે ત્યારે આ વિસ્તારમાં શું સ્થિતી છે તે અંગે મોદી સરકારે લોકોને માહિતગાર કરવા જરૂરી છે.

મોદીના પ્રધાને ભાજપ શાસિત રાજ્યોને ખોટાં ગણાવ્યાં

લોકડાઉનના કારણે ઠપ્પ થઈ ગયેલી આથક પ્રવૃત્તિઓને શરૂ કરવા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિતનાં ભાજપ શાસિત રાજ્યોએ મજૂર કાયદા (લેબર લોઝ)ની  સંખ્યાબંધ જોગવાઈઓને સ્થગિત કરી દીધી છે. મોદી સરકારે આ કામદાર વિરોધી પગલાં સામે ચૂપકીદી સેવી છે ત્યારે શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે તેની સામે સ્પષ્ટ નારાજગી દર્શાવી છે.

ગંગવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, મજૂર કાયદામાં ફેરફારોને સ્વીકારી ના શકાય કેમ કે કામદારોના અધિકારોને સ્થગિત કરી દેવા એ સુધારો ના કહેવાય. ગંગવારે કહ્યું કે, કામદારોના અધિકારોનું રક્ષણ કરનારો દેશ જ પ્રગતિ કરી શકે.

મજૂરોના અધિકારો સ્થગિત કરવાના ભાજપ શાસિત રાજ્યોના વટહુકમો  બંધારણની ઘણી જોગવાઈઓનો ભંગ કરે છે. આમ છતાં મોદી સરકારે તેમને રોકવા કશું નથી કર્યું તેના પરથી આ રાજ્યોને સરકારના આશિર્વાદ છે એ સ્પષ્ટ છે.  એ છતાં ગંગવારે તેની સામે બોલવાની હિંમત બતાવીને ગંગવારે ભારે હિંમત બતાવી છે. તેની પ્રસંશા પણ થઈ રહી છે પણ આ હિંમત ક્યાંક તેમના પ્રધાનપદનો ભોગ ના લઈ લે એવો મત પણ વ્યક્ત થઈ રહ્યો છે.

અબ્દુલ્લા-કેન્દ્ર વચ્ચે શું રંધાઈ રહ્યું છે ?

જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની દિલ્હી મુલાકાત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. અબ્દુલ્લાએ પોતાની દિલ્હી મુલાકાતને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી એવો દાવો કર્યો છે પણ ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો અબ્દુલ્લા અને કેન્દ્ર વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. અબ્દુલ્લા છેલ્લા ત્રણ દિવસથી વગર કારણે દિલ્હીમાં ધામા નાંખીને  ના જ પડી રહે એ પણ દેખીતું છે.

આ સૂત્રોના મતે, મોદી સરકારે કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થાય એ માટે ચર્ચા કરવા અબ્દુલ્લાને દિલ્હી તેડાવ્યા છે. જમ્મુ અને કાશ્મીર હાલમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે અને લેફ્ટનન્ટ ગવર્નર તેનો વહીવટ કરે છે. કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા શરૂ થાય એ માટે મોદી સરકાર સલાહકાર સમિતી બનાવવા માગે છે. અબ્દુલ્લા આ સમિતીમાં હોય તો તેને ગંભીરતાથી લેવાય તેથી અબ્દુલ્લાને મનાવવા માટે તેમને દિલ્હી તેડાવાયા હોવાનો તેમનો દાવો છે. મહેબૂબાને છોડનારા અલ્તાફ બુખારી આ સમિતીના ચેરમેન હશે. અબ્દુલ્લાને દિલ્હી લાવવા ખાસ વિમાન મોકલાયું હતું એવા અહેવાલો પણ મીડિયામાં આવ્યા હતા. બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી પછી નજરકેદ કરાયેલા અબ્દુલ્લાને ગયા મહિને જ મુક્ત કરાયા હતા.

***

દિલ્હી મેટ્રોને દરરોજ 10 કરોડનું નુકસાન

દિલ્હી મેટ્રો બંધ રહેતા દરરોજનું ૧૦ કરોડની આવક બંધ થઈ ગઈ છે. હજુ પણ સર્વિસ શરૂ થયા પછીય કલેક્શન તુરંત વધશે નહીં. જે રીતે સરકારના નિયમો પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે, તે જોતાં લોકડાઉન પહેલાં દરરોજ થતી આવક જેટલી આવક ફરી થતાં સમય લાગશે. કેન્દ્ર સરકાર પાસેથી રાહત પેકેજ મેળવવું કે કેમ તેની ચર્ચા ચાલી રહી છે. રાજ્ય સરકાર પાસેથી નુકસાન થયુ તેનું ફંડ મેળવવું કે કેમ તે અંગે પણ વિચારાઈ રહ્યું છે, પરંતુ તે અંગે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન કોઈ જ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. મેટ્રોમાં ભીડને પહોંચી વળવા શું કરાશે તે પણ એક મોટો સવાલ છે. મેટ્રોમાં કાર્યરત ૧૪,૦૦૦ જેટલો સ્ટાફ કેવી રીતે મુસાફરો સાથે કામ પાર પાડશે તે સ્પષ્ટતા થઈ નથી. ૩૧મી પછી જ્યારે મેટ્રો ધમધમશે પછી ખરી સમસ્યા શરૂ થશે. ભીડને કાબુમાં રાખવા કે ભીડ સાથે કામ પાર પાડતી વખતે મેટ્રોના કર્મચારીઓ ઉપર કોરોનાનું જોખમ વધશે. માસ્ક પહેરનારને કેટલો દંડ થશે? ધક્કામૂક્કી કરનારને કેટલો દંડ થશે? એ બાબતે હજુ સુધી કોઈ નવી ગાઈડલાઈન જારી થઈ નથી. અગાઉ જાહેરમાં થૂંકવા પર ૨૦૦નો દંડ હતો, તે કદાચ વધારીને ૧૦૦૦ કરાશે. પરંતુ તે સિવાયના નિયમો અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી.

સરેરાશ ડેથ રેટ ઓછો હોવાનો સરકારનો દાવો

કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ભારતમાં કોરોનાથી સરેરાશ ડેથ રેટ માત્ર ૨.૮ છે, જ્યારે વિશ્વમાં કોરોનાનો સરેરાશ ડેથ રેટ ૬.૪ છે. આરોગ્ય વિભાગ સતત ઓછા ડેથ રેટને કોરોના સામે અસરકારક સિદ્ધિ ગણાવે છે. કેન્દ્ર સરકારના આંકડા પ્રમાણે ફ્રાન્સમાં કોરોનાથી ડેથરેટ ૧૯ ટકા છે, બ્રિટનમાં ૧૪ ટકા છે અને અમેરિકામાં ડેથ રેટ ૬ ટકા જેટલો ઊંચો છે. જ્યારે ભારતમાં કોરોનાના દર્દીઓનો ડેથ રેટ ઘણો કાબુમાં છે.

સરકારના આ દાવા સામે હેલ્થ એક્સપર્ટ્સ થોડો જુદો મત વ્યક્ત કરે છે. હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે કોરોના સામેની લડાઈ ડેથ રેટ ઓછો રાખીને જીતી હોવાનો દાવો કરવો તે થોડું વહેલું છે. કારણ કે માત્ર ડેથ રેટ નહીં, પરંતુ વયજૂથ પણ મહત્વનો ભાગ ભજવે છે. જો ડેથ રેટ ઓછો હોય, પરંતુ મૃત્ય પામનારની વય ઓછી હોય તો એ પણ ખૂબ મહત્વનું ગણાવી શકાય. ટૂંકમાં, સરકારનો ડેથ રેટ ઓછો રાખવાનો દાવો બધા જ હેલ્થ એક્સપર્ટ્સ સ્વીકારતા નથી.

11 સાઈકલ રીક્ષા ચાલકો ગુરુગ્રામથી બિહાર પહોંચ્યા

ગુરુગ્રામથી બિહારના ૧૧ સાઈકલ રીક્ષા ચાલકો રીક્ષા ચલાવીને ૧૦૦૦ કિલોમીટર દૂર બિહાર પહોંચ્યા હતા. રીક્ષામાં સામાન લાદીને આ રીક્ષા ચાલકો આઠ દિવસ પહેલાં ગુરુગ્રામથી નીકળ્યા હતા. આકરા તાપથી બચવા માટે આ રીક્ષાચાલકોએ રાત્રે મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું હતું. દિવસે ક્યાંક સારો વિસામો જોઈને આરામ કરતા હતા. તેમણે એવો રસ્તો પસંદ કર્યો હતો કે જ્યાં તેમને ખાવાનું મળી શકે. સીધો સપાટ હાઈ-વે લેવાને બદલે તેમણે વસતિ હોય એવા રસ્તા પસંદ કર્યા હતા. રસ્તામાં ઘણાં લોકોએ તેમને ભોજનની, ચા-નાસ્તાની વ્યવસ્થા કરાવી આપી હતી.

રીક્ષાચાલકોએ એવી આશા છોડી દીધી હતી કે તેમને શ્રમિક ટ્રેનમાં જગ્યા મળશે. કારણ કે એમાં વારો આવતો ન હતો અને વળી ફોર્મ ભરવાની માથાકૂટ પણ હતી એવું રીક્ષાચાલકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું. વળી, તેમની પાસે ભાડાના પૈસા ન હતા. ભરત કુમાર નામના એક રીક્ષાચાલકે કહ્યું હતું કે તેમણે બધાએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એ પછી ઘણાં દિવસ રાહ જોઈએ કે તેમનો વારો આવશે, પરંતુ ૧૫ દિવસ સુધી વારો ન આવ્યો એટલે રીક્ષા લઈને જ નીકળી પડયા હતા.

- ઈન્દર સાહની

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે