PM મોદીએ દેશવાસીઓને લખેલા પત્રની 13 ખાસ વાતો, 'હવે આપણે આપણા પગ પર ઉભા રહેવું જ પડશે'


નવી દિલ્હી, તા. 30 મે 2020, શનિવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ આજે શનિવારના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. આ ખાસ અવસર નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સંબોધીને એક પત્ર લખ્યો છે જેમાં જો સ્થિતિ સામાન્ય હોત તો પોતાને જનતા વચ્ચે આવીને તેમના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાત તેવી લાગણી વ્યક્ત કરી છે. તેમણે પોતે કોરોનાના કારણે જે સ્થિતિ નિર્માણ પામી છે તેમાં પત્ર દ્વારા દેશવાસીઓના આશીર્વાદ લેવા આવ્યા છે તેમ જણાવ્યું હતું.

આ પત્રમાં તેમણે પોતાના પહેલા કાર્યકાળનો ઉલ્લેખ કર્યો છે અને ત્યારબાદ બીજા કાર્યકાળના પ્રથમ વર્ષની ઉપલબ્ધિઓ ગણાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધીને પત્ર લખી તેના દ્વારા લોકો સાથે સંવાદ કર્યો છે ત્યારે ચાલો જાણીએ તે પત્રના 13 ખાસ મુદ્દા...

PM મોદીના પત્રની ખાસ વાતો

1. આજથી એક વર્ષ પહેલા ભારતીય લોકતંત્રના ઈતિહાસમાં એક નવો સ્વર્ણિમ અધ્યાય જોડાયો હતો. અનેક દસકો બાદ જનતાએ સતત બીજી વખત કોઈ સરકારને પૂર્ણ બહુમતની જવાબદારી સોંપી હતી. આ અધ્યાયની રચનામાં તમારી (લોકોની) બહુ મોટી ભૂમિકા રહી છે. તેવામાં આજનો આ દિવસ મારા માટે તમને નમન કરવાનો અવસર છે. 

2. વર્ષ 2014માં જનતાએ દેશમાં એક મોટા પરિવર્તન માટે મત આપ્યો હતો, દેશની નીતિ અને રીતિ બદલવા મત આપ્યો હતો. તે પાંચ વર્ષોમાં દેશે વ્યવસ્થાઓને જડતા અને ભ્રષ્ટાચારના કીચડમાંથી બહાર નીકળતી જોઈ છે. 

3. વર્ષ 2019માં તમારા આશીર્વાદ દેશના વિશાળ સપનાઓ માટે હતા, આશા-આકાંક્ષાઓની પૂર્તિ માટે હતા. આ એક વર્ષમાં લેવાયેલા નિર્ણયો આ વિશાળ સપનાઓની ઉડાન છે. 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ' આ મંત્રને લઈ દેશ આજે સામાજીક હોય કે આર્થિક, વૈશ્વિક હોય કે આંતરિક, દરેક દિશામાં આગળ વધી રહ્યો છે. 

4. છેલ્લા એક વર્ષમાં કેટલાક ખાસ નિર્ણયો ખૂબ ચર્ચામાં રહ્યા જેથી તે ઉપલબ્ધિઓ સ્મૃતિમાં રહે તે સ્વાભાવિક છે. કલમ 370 નાબુદી, રામમંદિર નિર્માણ, ત્રણ તલાક કે પછી નાગરિકતા સંશોધન કાયદો આ તમામ ઉપલબ્ધિઓ બધાના સ્મરણમાં છે. 

5. એક પછી એક લેવાયેલા આ ઐતિહાસિક નિર્ણયો વચ્ચે અનેક નિર્ણયો અને ફેરફાર એવા હતા જેણે ભારતની વિકાસ યાત્રાને નવી ગતિ અને નવું લક્ષ્ય આપ્યું છે. સાથે જ લોકોની અપેક્ષાઓ પણ પૂરી કરી છે. 

6. દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ખેડૂતો, ખેત મજૂરો, નાના દુકાનદારો અને અસંગઠિત ક્ષેત્રના શ્રમિક સાથીદારો આ તમામ માટે 60 વર્ષની ઉંમર બાદ 3,000 રૂપિયાના નિયમિત માસિક પેન્શનની સુવિધા સુનિશ્ચિત થઈ છે. 

7. સામાન્ય લોકોના હિત સાથે સંકળાયેલા વધુ સારા કાયદા બન્યા છે, તેના માટે છેલ્લા એક વર્ષમાં પૂરજોશમાં કામ ચાલ્યું જેણે પાછળનો રેકોર્ડ તોડી દીધો. આ કારણે જ કંઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ચિટફંડ કાયદામાં સંશોધન, દિવ્યાંગો-મહિલાઓ અને બાળકોને વધુ સુરક્ષા આપતા કાયદા વગેરે ઝડપથી બની શક્યું છે.  

8. આપણે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા હતા અને કોરોના વૈશ્વિક મહામારીએ ભારતને પણ ઘેરી લીધું. અનેક લોકોએ જો કોરોના ભારત પર ત્રાટકશે તો ભારત સમગ્ર વિશ્વ માટે સંકટરૂપ બનશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. પરંતુ આજે તમે ભારતને જોવાની નજર બદલીને મુકી દીધી છે. 

9. તાળી-થાળી વગાડવું અને દીપ પ્રાગટ્યથી લઈને ભારતીય સેના દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન, જનતા કર્ફ્યુ કે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન નિષ્ઠાપૂર્વક નિયમોનું પાલન દરેક અવસરે તમે એક ભારત જ શ્રેષ્ઠ ભારતની ગેરંટી છે તેમ બતાવી આપ્યું છે. 

10. આટલા મોટા સંકટમાં કોઈ વ્યક્તિને કોઈ તકલીફ કે અસુવિધા ન પડે તેનો કોઈ દાવો ન કરી શકે. શ્રમિકો, પ્રવાસી મજૂર ભાઈ-બહેનો, નાના-નાના ઉદ્યોગોમાં કામ કરતા કારીગર, પાટા પર સામાન વેચતા લોકો વગેરેએ અસીમિત કષ્ટ વેઠ્યું છે. તેમની મુશ્કેલીઓ દૂર કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. 

11. હાલ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આવેલા અમ્ફાન વાવાઝોડા દરમિયાન જે ઝનૂનપૂર્વક ત્યાંના લોકોએ પરિસ્થિતિનો સામનો કર્યો, વાવાઝોડાથી થતા નુકસાનને ઘટાડ્યું તે આપણા સૌ માટે એક મોટી પ્રેરણા છે. 

12. હાલ ભારત સહિત તમામ દેશોનું અર્થતંત્ર કેવી રીતે ઉગરશે તેની મોટા પાયે ચર્ચા થઈ રહી છે. પરંતુ બીજી બાજુ એ વિશ્વાસ પણ છેકે જેવી રીતે ભારતે એકજૂથ થઈને કોરોના સામેની લડાઈમાં સમગ્ર વિશ્વને અચંબિત કર્યું તેવી રીતે આર્થિક ક્ષેત્રે પણ એક નવી મિસાલ રચશે. 130 કરોડ ભારતીયો પોતાના સામર્થ્ય વડે આર્થિક ક્ષેત્રમાં પણ વિશ્વને ચકિત જ નહીં પરંતુ પ્રેરિત પણ કરી શકે છે. 

13. આજે સમયની માંગ છેકે આપણે આપણાં પગ પર ઉભા થવું જ પડશે. આપણી રીતે ચાલવું જ પડશે અને તેના માટે આત્મનિર્ભર ભારતનો એક જ રસ્તો છે. હાલમાં આત્મનિર્ભર ભારત અભિયાન માટે આપવામાં આવેલું 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આ દિશામાં લેવાયેલું પગલું છે. ભારત આયાત પરની પોતાની નિર્ભરતા ઘટાડી આત્મનિર્ભરતા તરફ આગળ વધશે. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો