દિલ્હીની વાત : મોદી મુખ્યમંત્રીઓની નહીં, બે પેનલોની વાત માનશે
મોદી મુખ્યમંત્રીઓની નહીં, બે પેનલોની વાત માનશે
નવીદિલ્હી, તા.29 મે 2020, શુક્રવાર
મોદી સરકાર ૩૧ મે પછી લોકડાઉન લંબાવશે કે નહીં તેની અટકળો પૂરજોશમાં ચાલી રહી છે. અમિત શાહે તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કર્યા પછી શુક્રવારે મોદીને રીપોર્ટ આપ્યો. મોટા ભાગના મુખ્યમંત્રી લોકડાઉન લંબાવવાની તરફેણમાં છે તેના કારણે બે અઠવાડિયાં માટે લોકડાઉન લંબાવાશે એવી અટકળો શરૂ થઈ છે પણ સરકારી સૂત્રો આ અટકળોને ખોટી ગણાવે છે.
આ સૂત્રોના મતે, મોદી મુખ્યમંત્રીઓની વાત માનવાને બદલે એક્સપર્ટ્સની બે પેનલની ભલામણ માનીને 'લોકડાઉન એક્ઝિટ પ્લાન' જાહેર કરશે.
મોદીએ કોરોના સામે લડાઈ માટે ૧૧ એમ્પાવર્ડ ગ્રુપ બનાવ્યાં છે. આ ગ્રુપના સભ્યોમાંથી નીતિ આયોગના સભ્ય વિનોદ પૌલ અને ઉર્જા સચિવ સી.કે. મિશ્રાની આગેવાનીમાં બે પેનલ બનાવાઈ હતી. મિશ્રાની પેનલે સારવાર અને પૌલની આગેવાની હેઠળની પેનલે મેડિકલ ઈમર્જન્સીને લગતી બાબતોના અભ્યાસ પછી લોકડાઉન નહીં લંબાવવા ભલામણ કરી છે.
મોદી 2.0 વર્ષગાંઠની ઉજવણીમાં પ્રધાનો બાકાત
નરેન્દ્ર મોદી સરકારની બીજી ઈનિંગ્સનું એક વર્ષ ૩૦ મે ને શનિવારે પૂરું થશે. ભાજપ સંગઠને વર્ષગાંઠની ઉજવણી એક મહિના સુધી કરવાની જાહેરાત કરી છે પણ આશ્ચર્યજનક રીતે મોદી સરકારના પ્રધાનોને આ ઉજવણીથી દૂર રખાયા છે.
વર્ષગાંઠ સરકારની છે પણ સરકારના કોઈ પ્રધાન ઉજવણીમાં સામેલ નથી થવાના. તેના બદલે ઉજવણીની જવાબદારી સંગઠનને સોંપાઈ છે. ભાજપ સંગઠન શનિવારે દેશભરમાં તમામ જિલ્લામાં ડિજિટલ રેલીઓ યોજશે અને મોદીએ લખેલો પત્ર પણ લોકોને પહોંચાડશે. આ સિવાય દેશભરમાં ડિજિટલ પત્રકાર પરિષદો તથા અન્ય કાર્યક્રમો પણ યોજાશે પણ મોદી સરકારના કોઈ પ્રધાનને સામેલ નહીં કરાય. ભાજપના કાર્યકરોને સંબોધન પણ જે.પી. નડ્ડા કરશે.
ભાજપનાં સૂત્રોના મતે, મોદી સરકારના એક વર્ષ દરમિયાન મોટા નિર્ણયો મોદીએ જ લીધા છે. કલમ ૩૭૦ની નાબૂદી, રામમંદિર સહિતના મુદ્દા ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છે તેથી અલગ અલગ મંત્રાલયોની કામગીરીને બદલે આ મુદ્દા હાઈલાઈટ થાય એટલા માટે સંગઠનને ઉજવણીની જવાબદારી સોંપાઈ છે.
યેદુરપ્પા સામે 20 ધારાસભ્યોની બગાવતથી ભાજપમાં ચિંતા
કર્ણાટકમાં ભાજપના ૨૦ ધારાસભ્યોએ યેદુરપ્પા સામે બગાવતનો ઝંડો ઉંચકતાં હાઈકમાન્ડ ચિંતામાં પડયું છે. લિંગાયત સમુદાયના દિગ્ગજ નેતા ઉમેશ કટ્ટીના સમર્થક આ ધારાસભ્યોએ ગુરૂવારે રાત્રે બેંગલુરૂ પાસેના ફાર્મ હાઉસમાં ડિનર પાર્ટી રાખી હતી. આ ડિનરમાં કટ્ટીને કેબિનેટ પ્રધાન બનાવવા અને કટ્ટીના ભાઈ રમેશ કટ્ટીને રાજ્યસભાના સભ્ય બનાવવાની માગ કરાઈ. યેદુરપ્પાને આ બંને માગણી અંગે રાત્રે જ જાણ કરી દેવાઈ હતી.
યેદુરપ્પાએ કટ્ટીને શુક્રવારે મળવા બોલાવ્યા હતા પણ તેમણે મળવાની ચોખ્ખી ના પાડી દીધી. કટ્ટી આઠ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે છતાં તેમની કદર નથી થઈ એવો સમર્થકોનો આક્ષેપ છે.
કર્ણાટકના પ્રભારી મુરલીધર રાવે શુક્રવારે બળવાખોરોને મળીને સમજાવટ શરૂ કરી છે. બળવાખોરોએ યેદુરપ્પાની કામ કરવાની પધ્ધતિ સામે પણ આક્રોશ ઠાલવ્યો હોવાનું ભાજપનાં સૂત્રો કહે છે. હાઈકમાન્ડ અત્યારે કોઈ વિખવાદ નથી ઈચ્છતું તેથી કટ્ટીને શાંત પાડવા પ્રધાનપદ આપવા તૈયાર હોવાનું સૂત્રો કહે છે. કટ્ટીને આવતા અઠવાડિયે દિલ્હી આવવા કહેવાયું છે.
કોરોના ઈક્વિપમેન્ટ ખરીદીની વિગતો કેમ ન અપાઈ ?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશમાં કોરોનાના રોગચાલ સામે લડવા માટે ઈક્વિપમેન્ટ્સ ખરીદવા કેટલાં નાણાં ખર્ચાયાં તેની વિગતો આપવા ઈન્કાર કરતાં મોદી સરકાર કોરોનાને લગતી માહિતી છૂપાવી રહી હોવાના આક્ષેપો ફરી શરૂ થયા છે. મુંબઈના આરટીઆઈ એકિટિવિસ્ટે આ માહિતી માંગી હતી પણ આરોગ્ય મંત્રાલયે એમ કહીને આ માહિતી ના આપી કે, આ વિગતો આરટીઆઈ એક્ટ હેઠળ આપવી પડતી 'માહિતી'ની વ્યાખ્યામાં નથી આવતી.
આ અરજી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના સેન્ટ્રલ પબ્લિક ઈન્ફર્મેશન ઓફિસરને મોકલી અપાઈ હતી. ૨૨ દિવસ પછી ઉડાઉ જવાબ આપીને અરજીનો નિકાલ કરી દેવાયો.
મોદી સરકારના આ વલણે રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સર્જ્યું છે. જાહેર હિતની કોઈ પણ બાબતની માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ આપવાનો નિયમ છે. ઈક્વિપમેન્ટની ખરીદી સંવેદનશીલ બાબત નથી. આ સંજોગોમાં આ વિગતો આપવાથી પણ મોદી સરકાર કેમ દૂર ભાગી રહી છે એવો સવાલ થઈ રહ્યો છે.
ગંભીરની કાર ચોરી ચોરોએ પોલીસનું નાક વાઢયું
દિલ્હીમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીરના ઘરેથી મોંઘી એસયુવી કારની ચોરી થતાં દિલ્લી પોલીસ અને કેન્દ્ર સરકારની આબરૂનો ધજાગરો થઈ ગયો છે. આ કાર ગંભીરના પિતા દીપક ગંભીરના નામે છે કે જે ગૌતમની સાથે જ રહે છે. ગંભીરના ઘરની અંદર જ આ કાર પાર્ક કરેલી હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે, ચોર ઈનોવા કારમાં આવ્યા અને ચાર મિનિટમાં તો ઘરમાંથી કાર લઈને રફુચક્કર થઈ ગયા.
દિલ્હીમાં લોકડાઉન છે તેથી ઠેર ઠેર પોલીસ ખડકાયેલી છે છતાં ચોર બેધડક ઘૂસીને ચોરી કરી ગયા તેના કારણે દિલ્હી પોલીસનું નાક વઢાઈ ગયું છે. પોલીસ માટે વધારે શરમજનક વાત એ છે કે, બે દિવસ પછી પણ પોલીસ ચોરોને શોધી શકી નથી.
સોશિયલ મીડિયા પર પોલીસની ભારે મજાક ઉડી રહી છે. લોકો સવાલ પણ કરી રહ્યાં છે કે, પોશ વિસ્તારમાં અને સીક્યુરીટી સાથે રહેતો ભાજપનો સાંસદ સલામત ના હોય તો સામાન્ય લોકોની સુરક્ષાની તો વાત જ ક્યાંથી થાય ?
કેજરીવાલ મોતની સંખ્યા છૂપાવતા હોવાનો આક્ષેપ
દિલ્હીમાં કોરોનાના કારણે થતાં મોતના આંકડાને મુદ્દે વિવાદ થઈ ગયો છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શુક્રવારે માહિતી આપી કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૦૬ નવા કેસ આવ્યા છે અને ૮૨ દર્દીનાં મોત થયાં છે. તેના કારણે ભાજપના નેતા તૂટી પડતાં નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ સ્પષ્ટતા કરી કે, ૮૨ મૃત્યુમાં ૬૯ મૃત્યુ છેલ્લા ૩૪ દિવસમાં થયાં છે પણ હોસ્પિટલો માહિતી મોડી મોકલે છે તેથી એક જ દિવસમાં મોટા પ્રમાણમાં મોત થયાં છે એવું ચિત્ર ઉભું થયું છે.
ભાજપે આ વાતને જૂઠાણું ગણાવીને 'કેજરીવાલલાઈડપીપલડાઈડ' હેશ ટેગ સાથે ટ્વિટ્સનો મારો ચલાવતાં આ હેશ ટેગ ટોપમાં ટ્રેન્ડ કરતું હતું. ભાજપના નેતાઓના મતે, પોતાની નિષ્ફળતા છૂપાવવા કેજરીવાલ મોતનો આંકડો છૂપાવી રહ્યા છે.
આ બંનેમાં સાચું કોણ તે કહેવું મુશ્કેલ છે પણ સિસોદિયાની વાત ગળે ઉતરે એવી નથી જ. દિલ્હીની હોસ્પિટલો કેજરીવાલ સરકારના નિયંત્રણમાં છે ત્યારે તેના આંકડા આટલા મોટા મળે એ પણ સરકારની નિષ્ફળતા જ કહેવાય ને ?
***
લોકો રેલવે સ્ટેશનમાં રહેવા મજબૂર
દિલ્હીના રેલવે સ્ટેશનમાં અસંખ્ય લોકો રહેવા મજબૂર બની ગયા છે. કોઈની ટિકિટ કન્ફર્મ થઈ છે, તો ટ્રેનનું નક્કી નથી. કોઈ ટ્રેનની રાહમાં છે. વૃક્ષની નીચે, ફૂટપાથ પર લોકો સૂઈ જાય છે. ત્યાં જ ખાઈ-પી લે છે. એના વગર બીજો છૂટકો પણ નથી, જ્યાં સુધી વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી તેમને આ રીતે જ રહેવું પડશે. ઘણાં એવાય છે કે જેમને શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં જગ્યા નથી મળી એટલે બીજી વખત વારો ન આવે ત્યાં સુધી રહેવું પડશે. મોટાભાગના લોકો ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્વિમ બંગાળ જેવા રાજ્યોના છે અને દિલ્હીમાં નાની-મોટી કંપનીઓમાં મજૂરી કરતા હતા. કેટલાંક તો એવાંય છે કે લોકડાઉનના કારણે કમાણી થઈ ન હોવાથી તેમની પાસે પૈસા ન હતા. ભાડાના પૈસા આપી શકે તેમ ન હોવાથી મકાન માલિકોએ તેમને હાંકી કાઢ્યા હતા. આવા લોકોને રેલવે સ્ટેશન સિવાય બીજે ક્યાંય આસરો નથી. એ લોકોનો જ્યાં સુધી ઘરે જવાનો નંબર નહીં લાગે ત્યાં સુધી તેમના માટે રેલવે સ્ટેશન જ જાણે ઘર છે!
મુખ્યમંત્રીઓ સાથે વાત કરવાનું મોદીએ ટાળ્યું
લૉકડાઉનના ચારેય તબક્કા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધા જ મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરતા હતા. ચાર લોકડાઉન સુધી તેમણે આ સિલસિલો જાળવી રાખ્યો હતો. છેલ્લે લોકડાઉન-૪ની જાહેરાત થઈ તે પહેલાં પણ તેમણે તમામ મુખ્યમંત્રીઓ પાસેથી જે તે રાજ્યની સ્થિતિ જાણી હતી. લોકડાઉનની અસરો વિશે વાતચીત કરી હતી. કેન્દ્ર પાસેથી કેવી અપેક્ષા છે તે મુદ્દે વાતચીત કરી હતી.
મજૂરોના પ્રશ્ને પણ મુખ્યમંત્રીઓનો મત જાણ્યો હતો, પરંતુ લોકડાઉન-૪ પૂરું થવામાં છે ત્યારે મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરવાનું ટાળ્યું છે. લોકડાઉન વધારવું કે નહીં તે મુદ્દે મોરચો અમિત શાહે સંભાળ્યો છે. લોકડાઉનની જાહેરાત થઈ પછી પ્રથમ વખત ગૃહ મંત્રી અમિત શાહે બધા જ મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમનો મત મેળવ્યો હતો. મોદી અને અમિત શાહે મળીને આગામી વ્યૂહરચના ઘડી કાઢી હોવાનું પણ પાર્લામેન્ટ સર્કિટમાં ચર્ચા થતી હતી.
ભારતની લૉકડાઉન સ્ટ્રેટેજીનું વિશ્લેષણ
લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે ભારત એવાં ગણ્યા-ગાંઠયા દેશોમાં એક હતો, જ્યાં માત્ર ૫૦૦ કેસ હોવા છતાં જડબેસલાક લૉકડાઉન કરી દેવાયું છે. હવે ભારત એવાં દેશોમાં સામેલ થઈ ચૂક્યો છે કે જ્યાં લોકડાઉન હટાવ્યા પછી કેસની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે. એવા ૧૭ દેશો છે કે જ્યાં લોકડાઉન હટયા પછી કેસ વધ્યા છે. ભારત એમાંનો એક દેશ બની ગયો છે. ભારતની લોકડાઉન સ્ટ્રેટેજી ચર્ચાનો વિષય બની છે.
ભારતનું લોકડાઉન સફળ હતું? જો સફળ હતું તો કેસ કેમ વધ્યા? જો લોકડાઉન જાહેર ન થયું હોત તો કેસ ભયાનક રીતે વધ્યા હોત? જો ખરેખર કેસ કાબુમાં હતા તો અત્યારે આવી સ્થિતિ કેમ છે? ભારતમાં લોકડાઉન સફળ રહ્યું કે નહીં તે સ્પષ્ટ કરી શકાય એવી સ્થિતિ એટલિસ્ટ અત્યારે તો નથી જ. લોકડાઉન જો સંપૂર્ણપણે હટી જશે તો શું થશે એ પણ એક મોટો સવાલ હતો.
સુપર-30ના સ્થાપક જ્યોતિને ટયૂશન આપશે
પિતાને સાઈકલમાં બેસાડીને ૧૨૦૦ કિલોમીટરની સફર પૂરી કરનારી ૧૫ વર્ષની કિશોરી જ્યોતિ કુમારીને આઈટી-જીઈઈનું નિ:શુલ્ક ટયૂશન આપવાની તૈયારી સુપર-૩૦ના સ્થાપક આનંદ કુમારે બતાવી હતી. અગાઉ સાઈકલ ફેડરેશને પણ લોકડાઉન પછી પરીક્ષા માટે બોલાવવાની તૈયારી બતાવી હતી. આનંદ કુમારે ટ્વીટરમાં લખ્યું હતું : બિહારની દીકરી જ્યોતિ કુમારીએ સાહસનું ઉદાહરણ પૂરું પાડયું છે. પિતાને સાઈકલમાં બેસાડીને૧૨૦૦ કિલોમીટરની યાત્રા કરવી તે ખૂબ જ મુશ્કેલ કામ હતું, જે જ્યોતિએ કરી બતાવ્યું. જો જ્યોતિ ભવિષ્ટમાં આઈઆઈટીમાં જવા ઈચ્છતી હશે તો હું એને તાલીમ આપીશ.
વારાણસીની લંગડા કેરી પ્રથમ વખત દુબઈ પહોંચી
વારાણસીની પ્રખ્યાત લંગડા કેરી પ્રથમ વખત દુબઈ મોકલાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકસભા બેઠક વારાણસીના ખેડૂતો પહેલી વખત સંયુક્ત આરબ અમિરાતમાં કેરી એક્સપોર્ટ કરી રહ્યા છે. ત્રણ ટનનો પહેલો જથ્થો દુબઈ પહોંચી ગયો હતો. લંગડા ઉપરાંત બનારસની જાણીતી દશહરી કેરી પણ યુએઈ નિકાસ કરવામાં આવી છે. વારાણસીના ડિવિજનલ કમિશ્નર દીપક અગ્રવાલે કહ્યું હતું કે બનારસની પ્રખ્યાત લંગડા અને દશહરી કેરી આરબ દેશો ઉપરાંત બ્રિટન અને અમેરિકામાં પણ મોકલાશે. રાજાતબલ નામના ગામમાં આ બધી જ કેરીઓ વિદેશ જવા માટે તૈયાર થાય છે. આ ગામ અને તેના આસપાસમાં જ આ કેરીઓનું ઉત્પાદન થાય છે. આ ગામ વડાપ્રધાને દત્તક લીધું હતું.
- ઈન્દર સાહની
Comments
Post a Comment