વાવાઝોડાના વાર બાદ હવે ભીષણ ગરમીનો માર

- પ્રચંડ ગરમી અને કોરોનાનો કહેર સહી રહેલા ભારતવાસીઓને યૂ.એન.એ ચેતવણી આપી છે કે ઉત્તર ગોળાર્ધમાં રેકોર્ડબ્રેક ગરમીના કારણે કોરોનાનું જોખમ વધશે કારણ કે વધારે ગરમીના કારણે કોવિડ-19 કેટલાંક દર્દીઓના સ્વાસ્થ્યમાં બીજી સમસ્યાઓ ઊભી કરશે


પ્રકૃત્તિ જાણે માનવજાતની ક્ષમતાને અજમાવવા બેઠી હોય એમ એક પછી એક આફતો આવી રહી છે. એક તરફ આખી દુનિયા કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહી છે તો બીજી તરફ વાવાઝોડાએ ભારતસહિત અનેક દેશોને ઘમરોળ્યાં છે. આટલું ઓછું હોય એમ હવે આકાશમાંથી આગ વરસી રહી છે. 

દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. આકરી ગરમીના કારણે લોકોના જીવન બેહાલ બની ગયા છે. ભીષણ ગરમી અને ઉપર ચડી રહેલો પારા રેકોર્ડ તોડી રહ્યો છે. 

દેશના અનેક ભાગોમાં તાપમાન ૪૭ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતું રહ્યું છે. રાજસ્થાનના ચુરુમાં તો ગરમીનો પારો ૫૦ ડિગ્રીને આંબી ગયો. રાજસ્થાન ઉપરાંત ઉત્તર ભારતના અનેક સ્થળોએ આભમાંથી લૂ વરસી રહી છે. હવામાન ખાતાનું અનુમાન છે કે આ વર્ષે મોનસૂનનું કેરળમાં આગમન મોડું થઇ રહ્યું છે. મતલબ કે સૂર્યદેવના કોપનો વધારે લાંબો સમય ભોગ બનવું પડશે. ચઢી રહેલા પારાના કારણે કેટલીક જગ્યાએ તો ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી. એ સાથે જ લોકોને કારણ વિના તડકામાં નીકળવાની સલાહ આપવામાં આવી છે.

છેલ્લા પાંચ દિવસથી પશ્ચિમ અને ઉત્તર ભારતના લોકો ભીષણ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. આ વખતના ઉનાળામાં આ પહેલું હીટવેવ છે જેમાં દિવસે ગરમીનો પારો સામાન્ય કરતાં ઘણો વધારે ઊંચો જતો રહ્યો છે. જોકે આ વખતનું હીટવેવ હવામાનશાસ્ત્રીઓને અસામાન્ય લાગી રહ્યું છે.

ભારતમાં સામાન્ય રીતે માર્ચથી જૂન દરમિયાન હીટવેવ આવતા હોય છે. તાપમાનનો પારો ૪૦ ડિગ્રીથી ઉપર જતો રહે ત્યારે હવામાનખાતું હીટવેવ જાહેર કરતું હોય છે. પહાડી પ્રદેશોમાં પારો ૩૦ ડિગ્રી ઉપર જાય ત્યારે હીટવેવની જાહેરાત કરવામાં આવતી હોય છે. કોઇ સ્થળે સામાન્ય કરતા મહત્તમ તાપમાન ચારથી પાંચ ડિગ્રી ઉપર જતું રહે ત્યારે હીટવેવની આગાહી કરવાનો ધારો છે. 

સામાન્ય રીતે હીટવેવ ચારથી પાંચ દિવસ રહેતું હોય છે. કેટલીક વખત એ વધીને સાતથી દસ દિવસ સુધી ટકે છે. તાજેતરના વર્ષોમાં સૌથી લાંબો હીટવેવનો ગાળો વર્ષ ૨૦૧૫માં ૧૮થી ૩૧ મે સુધી નોંધાયો હતો. એ હીટવેવની પશ્ચિમ બંગાળથી લઇને ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા સુધી ભારે અસર થઇ હતી. વર્તમાન હીટવેવ ૨૨ મેથી શરૃ થયું અને ૨૯ મે સુધી ચાલવાનું અનુમાન છે. આમ પણ મે મહિનામાં ઉદ્ભવતા હીટવેવ લાંબો સમય રહેતાં હોય છે. જૂન મહિનામાં આવતા હીટવેવ પાછળ આવી રહેલા ચોમાસાના કારણે લાંબો સમય ટકતા નથી. 

છેલ્લા થોડા વર્ષોથી મોસમના ચક્રમાં ફેરફાર આવી રહ્યો છે અને દેશભરમાં ગરમ વિસ્તારોનો વ્યાપ વધી રહ્યો છે. પચાસના દાયકા સુધી દેશમાં ઊંચા તાપમાનનું ક્ષેત્ર માત્ર દક્ષિણ અને મધ્ય ભારત સુધી સીમિત હતું. પરંતુ હવે તો લગભગ આખા ભારતમાં ગરમી વધી ગઇ છે. હવામાન ખાતાના આંકડા અનુસાર ૧૯૬૧થી ૨૦૧૯ દરમિયાન ટેમ્પરેચરમાં ૦.૮ ડિગ્રી સેલ્સિયસ જેટલો આશ્ચર્યજનક વધારો થયો છે અને ઉનાળાના દિવસોની સંખ્યા આખા દેશમાં વધી ગઇ છે.

ખાસ કરીને દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો તેમજ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબ જેવા રાજ્યોમાં પ્રદૂષણ અને એના પગલે ગરમીમાં ભારે વધારો નોંધાયો છે. 

આ વખતના ઉનાળામાં દેશના ઉત્તરના વિસ્તારોમાં ગરમીનો પારો ખાસો ઊંચો રહ્યો છે. એમાંયે હવે ઉનાળામાં દિવસનું તાપમાન સામાન્ય કરતા વધારે ઊંચું રહેતું હોય છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમી મધ્યપ્રદેશ, કચ્છ અને સૌરાષ્ટ્ર, કોંકણ અને ગોવા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા પ્રદેશોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું વધારે રહ્યું છે. 

એક રિપોર્ટ અનુસાર છેલ્લા દોઢસો વર્ષમાં દિલ્હીના તાપમાનમાં એક ડિગ્રી સેલ્શિયસ અને કોલકાતાના તાપમાનમાં ૧.૨ ડિગ્રીનો વધારો થઇ ગયો છે. એ જ રીતે મુંબઇ અને ચેન્નાઇમાં પણ તાપમાન વધી ગયું છે. દરિયાકાંઠાના શહેરો માટે જોખમ વધારે એટલા માટે છે કે ગરમી વધવાના કારણે સમુદ્રનું જળસ્તર વધી રહ્યું છે અને આવા શહેરો સમુદ્રમાં સમાઇ જવાનું જોખમ વધ્યું છે. એવામાં જો દોઢથી બે ડિગ્રી તાપમાન પણ વધી ગયું તો એ કરોડો લોકો માટે જીવલેણ સાબિત થશે. આજે પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે કે તાપમાનની વધી રહેલી દરેક ડિગ્રી સાથે પૃથ્વી વિનાશ તરફ ધકેલાઇ રહી છે. 

જો આ જ ઝડપે પૃથ્વીનું તાપમાન વધતું રહ્યું તો આવનારા સમયમાં મોસમમાં ખતરનાક ફેરફારો આવશે. વરસાદનું પ્રમાણ અને પેટર્ન એ હદે બદલાઇ જશે કે અનેક સ્થળોએ કાળો દુષ્કાળ પડશે. વધતી જતી વસતીના પ્રમાણમાં અનાજની ઉપજમાં ભયજનક ઘટાડો થશે અને કરોડો લોકો ભૂખમરાનો ભોગ બનશે. અનિશ્ચિત મોસમના કારણે લોકોનું સ્થળાંતર વધશે જેના પરિણામે સામાજિક અસ્થિરતા ઊભી થશે અને લોહિયાળ સંઘર્ષો થશે.

ગરમી તો વધી રહી છે સાથે સાથે લોકોની ગરમી સહન કરવાની ક્ષમતા ઘટી રહી છે. આધુનિક રહેણીકરણી, ખાનપાન અને બદલાઇ રહેલા જીવનધોરણે આપણને મોસમના મારનો સામનો કરવામાં નબળા બનાવી દીધાં છે. એર કંડીશનરનો જ દાખલો લઇએ તો આજે મધ્યમવર્ગના લોકોના ઘરોમાં પણ સામાન્ય બનવા લાગ્યું છે. ઘણી ખરી ઓફિસો પણ એસીયુક્ત બનવા લાગી છે. કાર તો હવે એસી વગરની કલ્પવી જ અશક્ય બની ગઇ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ એર કંડીશનયુક્ત બનવા લાગ્યાં છે. 

ઓફિસો અને ઘરોને ઠંડુ રાખવા માટે હાથવગા બની ગયેલા આ એસી જ વાતાવરણને ઓર ગરમ કરી રહ્યાં છે. બીજી બાજુ એવો મોટો વર્ગ છે જે એસી કે કૂલર વગર ગરમી સહન કરવા માટે મજબૂર છે.

આકરી ગરમી પોતાની સાથે જળસંકટ પણ લાવે છે. નીતિ પંચના એક રિપોર્ટ અનુસાર દેશ અત્યાર સુધીના સૌથી મોટા જળસંકટનો સામનો કરી રહ્યો છે અને જો તાત્કાલિક પગલાં ઉઠાવવામાં ન આવ્યાં તો ૨૦૩૦ સુધી દેશમાં સૌને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું શક્ય નહીં બને. આમાં દિલ્હી, બેંગાલુરુ, ચેન્નાઇ અને હૈદરાબાદ જેવા મોટા શહેરોમાં વસતા લોકો મોટી સંખ્યામાં સામેલ હશે.

વર્ષ ૨૦૩૦ સુધીમાં દેશના ૪૦ ટકા લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરતા હશે. સરકારે પણ એક રિપોર્ટમાં કહ્યું છે કે જો આ વર્ષે સારો વરસાદ ન થયો તો પાણીની ભારે તંગી સર્જાશે. દુષ્કાળની પરિસ્થિતિથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. આવા તો કેટલાંય રિપોર્ટ છે જે ઇશારો કરે છે કે દેશ જળસંકટ તરફ આગળ વધી રહ્યો છે. જાણકારોના મતે તો આવનારા સમયમાં પાણીને લઇને હિંસા પણ સર્જાઇ શકે છે.

બેશક તાપમાનમાં થયેલો અસહ્ય વધારો ક્લાયમેટ ચેન્જનું જ પરિણામ છે. પરંતુ એના મૂળ રાજકારણ અને કોર્પોરેટ જગતની સાંઠગાંઠ સાથે પણ જોડાયેલા છે. દેશના મોટા મોટા ઉદ્યોગગૃહો વેપાર વધારવાના ચક્કરમાં જંગલોનો આડેધડ સફાયો કરી રહ્યાં છે. આના કારણે આદિવાસીઓ તો વિસ્થાપિત થયા જ છે સાથે સાથે પર્યાવરણને મોટું નુકસાન થયું છે અને ગરમી વધી છે. આડેધડ થતા ખાણકામે પણ જંગલોને સારું એવું નુકસાન પહોંચાડયું છે. દેશમાં વધી રહેલી વસતી પણ જળસંકટ માટે કારણભૂત છે. દેશના લોકો અસમાન જળવિતરણની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.

પર્યાવરણમાં થઇ રહેલા આ ફેરફારના પરિણામે ભારતમાં બે પ્રકારના બદલાવ જોવા મળી રહ્યાં છે. એક છે તાપમાનમાં વધારો અને બીજો છે મોનસુનની પેટર્નમાં ફેરફાર. આ બંને પ્રકારના ફેરફાર દેશની અર્થવ્યવસ્થા માટે ઘાતક પુરવાર થઇ શકે છે. એટલું તો નક્કી છે કે જે રીતે આપણે સતત ક્લાઇમેટ ચેન્જ દ્વારા સર્જાતી આપત્તિઓને અવગણી રહ્યાં છે એટલું જ ભવિષ્યમાં આપણે તેનું નુકસાન ભોગવવું પડશે. 

કોરોના મહામારીના કારણે લૉકડાઉન થયું ત્યારે વાહનો અને ફેકટરીઓના ચક્રો થંભી ગયા જેના કારણે પ્રદૂષણમાં ભારે ઘટાડો નોંધાયો અને પર્યાવરણમાં અનેક સુખદ ફેરફારો જોવા મળ્યાં. શહેરોની હવા સ્વચ્છ બની, નદીઓના જળ નિર્મળ બન્યાં, દૂરદૂરથી હિમાલયના પહાડો દેખાવા લાગ્યાં. 

આર્કિટિક સર્કલ પાસે ઓઝોનના ગાબડા પણ પૂરાવા લાગ્યાં. જોકે ગરમીએ જે રીતે માઝા મૂકી છે એ જોતાં માનવીએ કુદરતનો જે વિનાશ વાળ્યો છે એમાંથી પ્રકૃત્તિને કળ વળતા સમય લાગશે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો