રામચંદ્ર ગુહા સાચું જ કહે છે, દેશ વિભાજન પછી સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યો છે


- વિપદાની વણઝાર

- મેડિકલ ક્ષેત્રની તમામ શક્તિ માત્ર કોરોના પર લાગી ગઈ હોવાથી બાળકોને રસી પીવડાવવાની વ્યવસ્થામાં ગાબડાં પડવા લાગ્યાં

કોરોના એ કોઇ એક સંકટ નથી, સંકટનું પેકેજ છે. એમાંથી કેટલાક કોરોના જતો રહે પછી પણ રહેવાના છે. તેને ભગાડવા કોરોનાને ભગાડવા કરતાં પણ વધારે મહેનત કરવી પડશે. રેલ્વે સ્ટેશન પર મજૂરો વેફર અને બિસ્કિટના પડીકા માટે લૂંટફાટ મચાવતા હોવાના વિડિયો વાઇરલ બન્યા છે. આ મજૂરો દિવસોના ભૂખ્યા અને તરસ્યા છે. દિવસોની ભૂખ અને તરસ વેઠયા પછી એ હજુ જીવે છે એ જ આશ્ચર્ય છે. મધ્યમ અને અમીર વર્ગના લોકોનું એ કામ નહીં. અમુક પ્રવાસી શ્રમિકો ભૂખ તરસથી મૃત્યુ પામ્યા હોવાના પણ અહેવાલ છે. ૧૯૪૭ના વિભાજન પછી ભારત કદાચ સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યું છે. 

સૌથી પહેલું સંકટ ભારતની સ્વાસ્થ્ય વ્યવસ્થા પર છે. ભારતમાં પહેલેથી જ હોસ્પિટલ, તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની અછત છે એવામાં અત્યારે તે ગગનચુંબી ઇમારતની અગાશીએ ચડીને બોલી રહી છે. કોરોનાના દર્દીઓ તો ઠીક તેના સિવાયના દર્દીઓ પર પણ પૂરતુ ધ્યાન આપી શકાતું નથી. પૂરતી સંભાળ લઇ શકાતી નથી. એમાં દોષ તબીબો કે પેરા મેડિકલ સ્ટાફનો નહીં, વિવિધ સરકારો દ્વારા હરહંમેશ ઉપેક્ષિત રહેલી જાહેર આરોગ્ય વ્યવસ્થાનો છે. અલબત્ત ઉંચા પૈસા તોડતા તબીબો અને હોસ્પિટલો આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યાં છે. કોરોના સિવાયના દર્દીઓ પવનમાં ઊડતા પાંદડાની જેમ આમથી તેમ ફંગોળાઇ રહ્યા હોવા વિશે અગાઉ વિસ્તૃત આર્ટીકલ લખાઇ ચૂક્યો છે. બીજી એક મુશ્કેલી  નવજાતથી લઇને પાંચ વર્ષ સુધીના બાળકોને રસી આપવામાં થઇ રહી છે. ભારતમાં રસીકરણ વ્યવસ્થાનું માળખું વર્ષો પછી ગોઠવી શકાયું છે. એ અસ્તવ્યસ્ત થશે તો નિયંત્રણમાં આવી ગયેલા ઓરી, ગાલપચોળીયા, પોલિયો, ડીપ્થેરીયા અને અછબડા જેવા રોગ પુનઃ માથું ઊંચકી શકે છે. ચાદર માથા પર ઢાંકો તો પગ ખુલ્લા થઇ જાય એવી સ્થિતિ છે. પગના ખુલ્લા થઇ જવાની ઘટનાએ આપણી આરોગ્ય વ્યવસ્થાની પોકળતા ખુલ્લી પાડી દીધી છે. 

બીજું સંકટ આર્થિક છે. આ મહામારીએ બહોળું રોજગારી સર્જન કરતા ટેક્સટાઇલ, એર લાઇન્સ, ટુરિઝમ, હોટલ સહિત અનેક ઉદ્યોગોને ઊંધા હાથની થપાટ મારી છે ઉપરાંત  લાખો નાના-નાના બિનસંગઠિત ક્ષેત્રના એકમો ઠપ થઇ જતા કરોડો મજૂરોની રોજીરોટી છીનવાઇ ગઇ છે. ઘણાને પહેલી વાર ખબર પડી છે કે આપણા દેશને વિકાસશીલનું જે લેબલ લાગેલું છે તેની પાછળ કરોડો શ્રમિકો રહેલા છે. તેમના પરસેવા અને પરિશ્રમથી જ ભારતીય અર્થતંત્રના ચક્કા ધમધમી રહ્યા હતા, જે અત્યારે શાંત થઇ ગયા છે. શ્રમિકો એ આપણી આર્થિક ઇમારતનો પાયો છે. તે જો હલી જાય તો ઇમારતને ઊભી રાખવામાં ધોળા દહાડે આભે તારા દેખાઈ જાય એમાં કોઇ શંકા નથી. ધ સેન્ટર મોનીટરીંગ ધ ઇન્ડિયન ઇકોનોમી અનુમાન લગાવે છે બેરોજગારી દરે ૭ ટકાથી ૨૫ ટકાનો સ્પાઇડરમેન કૂદકો લગાવ્યો છે. 

પશ્ચિમી દેશોમાં નોકરી ગુમાવનારા લોકોને સારી એવી આર્થિક રાહત મળી રહી છે. ભારતમાં ગરીબો, બેરોજગારો અને શ્રમિકોને જે મળી રહ્યું છે તે ડાર્ક કોમેડીની જોનરમાં આવે છે. ખાદ્યાન્નની છીના-ઝપટી કરવી પડે એટલી મોટી મુસીબતો હોવા છતાં સરકાર શા માટે તિજોરીના તાળા ઉઘાડતી નથી? તે જીજ્ઞાાસાનો વિષય છે. આ સમયે ગરીબો, વંચીતો અને શ્રમિકો અને બેરોજગારો માટે તિજોરીના દરવાજા ખોલવા તે મંગલ મંદિરના દ્વાર ઉઘાડવા જેવી ઘટના છે.  દયામય આ દ્વાર ક્યારે ઉઘાડશે તેની જન-જનને ઇંતેજારી છે.

દેશ પર ત્રીજું સંકટ માનવીય છે. દક્ષિણ આફ્રિકાએ લોકડાઉન કરતા પહેલાં જ મજૂરોને વતન મોકલી દીધેલા. આપણી સરકાર એ કરવાનું ભૂલી ગયેલી. કારણ કે મજૂરો તેમના વોટ બેંક  ક્રાઇટએરિયાનો હિસ્સો નથી. આ મજૂરોનું બીજા રાજ્યમાં ફસાઇ જવું વિદેશમાં ફસાઇ ગયેલા ભારતીયોથી જરાય જુદું નથી. કારણ કે તેઓ દેશમાં હોવા છતાં પરાયા થઇને રહે છે. દરેક ભારતીય ભાઇ-બહેન હોવાની વાતો માત્ર કિતાબી છે. વાસ્તવિકતા તો એ છે કે આપણે ત્યાં કથિત ઉચ્ચ જ્ઞાાતિ, નિમ્ન જ્ઞાાતિ, મુસ્લિમો અને મજૂરો બધાના એરિયા અલગ અલગ છે. બીજા પ્રાંતના કોઇ શ્રમિકની હત્યા થાય કે રેપ થાય તો તેને અખબારોમાં એટલું વેઇટેજ મળતું નથી એટલે જ એમ.પી.નો મજૂર રાજકોટમાં બહારી ફીલ કરે છે. એટલે જ તેને વતન જવાની ઉતાવળ હોય છે. 

કેટલીક જગ્યાએ મજૂરોએ હિંસા કરી હોવાના પણ દૃશ્યો જોવા મળ્યા. કોઇપણ સ્થિતિમાં ગુનાખોરીને સાંખી શકાય નહીં પણ  તેમની હિંસા પાછળની પીડાને સમજવાની જરૂર છે, તેમની દિવસોની ભૂખ-તરસને સમજવાની જરૂર છે. વતનમાં પણ પરાયા હોવાની તેમની વેદનાને સમજવાની અનિવાર્યતા છે.   મજૂરોને વતન મોકલવામાં બે મહિનાનું મોડુ થયું હોવાથી એક નવી સમસ્યા એ ખડી થઇ ગઇ છે કે આમાંના ઘણાં ખરા ચેપ લઇને વતન જઇ રહ્યા છે. તેઓ જ્યાં જશે અથવા ગયા છે ત્યાં નવો કોરોના બોંબ ફાટવાની શકયતા લગીરે નકારી શકાય તેમ નથી. જો તેમને વહેલા વતન મોકલી દેવાયા હોત તો આ સંકટ ટાળી શકાયું હોત. 

લોકડાઉન-૪ અંતર્ગત સરકારે ઘણી બધી છૂટછાટ આપી દીધા પછી પણ ઘણા બધા કારખાના શરૂ ન થયાં, ઘણી બધી કન્સ્ટ્રકશન સાઇટ્સ ચાલુ ન થઇ, કારણ કે મજૂરો વતન જતા રહ્યા છે. જે હાડમારી વેઠીને તેઓ વતન ગયા છે એ જોતાં નજીકના ભવિષ્યમાં પાછા ફરે એવી સંભાવના દેખાતી નથી. તેની આર્થિકની સાથોસાથ સામાજિક અસરો પણ આપણે ભોગવવાની છે. કોરોનાના રીયલ સંકટને સંબોધવાને બદલે આપણે ત્યાં દિવસો સુધી મરકઝીઓને જ ટાર્ગેટ કરવામાં આવતા રહ્યા, તેમના પર જ દોષનું ઠીકરું ફોડવામાં આવતું રહ્યું. અલબત્ત મરકઝીઓને કારણે કોરાના ફેલાયો, પણ માત્ર તેમના કારણે નથી ફેલાયો. અને સ્કેલ એટલો મોટો નથી જેટલો ગોદી મિડિયામાં દેખાડવામાં આવી રહ્યો છે. આ વિશે આરબ રાષ્ટ્રોએ ચેતવણી આપ્યા બાદ વડાપ્રધાને ટવીટ કરી કે કોરોનાને જ્ઞાાતિ કે ધર્મ સાથે કોઇ સંબંધ નથી. જો કે ત્યાં સુધીમાં ઘણું મોડુ થઇ ગયું હતું. અત્યાર સુધી સરકારનું જે વલણ રહ્યું અને મિડિયામાં જે કંઇપણ ચાલ્યું તેણે સમાજ- સમાજ વચ્ચે અંતર પેદા કરવાનું કામ કર્યું છે. કોરોનાને નાથવાની સાથે વિવિધ સમાજ વચ્ચે પડી ગયેલા અંતરને ઘટાડવાનો પણ આપણી સામે મોટો પડકાર છે. તે પડકાર ઝીલ્યા વિના વિકસિત ભારતના સ્વપ્નને મૂર્તિમંત કરી શકાશે નહીં. 

ચોથું સંકટ મનોવૈજ્ઞાાનિક છે. જે લોકોની નોકરી ગઇ છે અને જે પગપાળા ચાલીને વતન ગયા છે તેઓ ભવિષ્યમાં ફરી પાછા બેફિકર બનીને શહેર તરફ ડગ માંડવાની હિંમત કરી શકશે નહીં. શહેરોના જે યુવાનો છે તેમાંથી જેમણે નોકરી ગુમાવી છે તેઓ ડિપ્રેશનનો શિકાર બની શકે છે. તેમાંથી ઘણા તો રાધર બની ગયા છે. તે ઉદ્યોગકારો કે જેમના ધંધા ઠપ થઇ ગયા છે અને લોનનું ચક્કર, લોનનું વ્યાજ ચક્ર ઝડપથી ઉર્ધ્વગામી ગતિ કરી રહ્યું છે તેઓ પણ હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયા છે અને ક્યારે બહાર આવશે તે નક્કી નથી.

સ્કૂલ અને કોલેજ જતાં બાળકોને હવે ઓનલાઇન ભણવાનું આવ્યું છે, આપણે ત્યાં ઇન્ટરનેટ કનેકિટવિટીના પ્રશ્નો છે ત્યારે આ  ઓનલાઇન શિક્ષણ કેટલી સહજતાથી ચાલી શકશે તે જોવાનું રહે છે. શાળા કોલેજમાં ભેગા ભણવાથી સામુહિકતાની ભાવના પેદા થતી હતી, હવે એકલા એકલા ભણવાથી તે ભાવનાને મોટો ફટકો પડશે. વિભક્ત કુટુંબમાં રહેતા ચાર જણા પણ પોતપોતાના મોબાઇલમાં ખૂંચી જઇને ડિસકનેક્ટ થતાં જાય છે એવામાં શાળાએ જવાને બદલે ઘરે જ બેસીને ભણવાનું નવું કલ્ચર તેમને ઓર એલગ-થલગ ઓર એકલવાયા બનાવી શકે છે. ઓનલાઇન શિક્ષણ ગરીબ અને ધનિક વચ્ચેની ખાઈ વધારશે. અમિર માબાપના સંતાનો તો હાઇસ્પીડ ઇન્ટરનેટ લઇ આવશે, ગરીબ માબાપના સંતાનો માટે મોંઘા મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ, કોમ્પ્યુટર અને હાઇસ્પીડ ઇન્ટરનેટ દુઃસ્વપ્ન છે. મોબાઇલ ઇન્ટરનેટને હાઇસ્પીડ કહેવું એ ફરીથી કોમેડી છે. આવામાં તેમના બાળકોનું ભણતર કેવી રીતે થશે? આ પડકાર પર પણ સરકારે ફોક્સ કરીને તેનું નિવારણ કરવું રહ્યું. 

પાંચમું સંકટ લોકશાહીનું છે. સરકાર વિરુદ્ધ નિર્ભિક થઇને બોલનારા બુદ્ધિજીવીઓ અને સામાજિક કાર્યકર્તાઓની ટીકાને રચનાત્મક રીતે લેવાને બદલે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે. સંસદમાં કોઇપણ પ્રકારની ચર્ચા વિના વટહુકમ પસાર કરવામાં આવી રહ્યા છે. મોટા અખબારો અને ટીવી ચેનલો પર સરકાર વિરુદ્ધ ન લખવાનું પ્રેશર કરવામાં આવી રહ્યું છે. ચાહે લાખ છબરડા થાય તો પણ વડાપ્રધાનની છબિને કલંક ન લાગે તેવા કાર્યક્રમો ચલાવાઇ રહ્યા છે. કટોકટી વખતે તો ઇંદિરા ઇઝ ઇંડિયા, અને ઇંડિયા ઇઝ ઇંદિરા કહેનારા એક જ દેવકાંત બરુઆ હતા. અત્યારે આવા બરુઆઓ ગામે-ગામ ફૂટી નીકળ્યા છે. વ્યકિત સે બડા દલ ઔર દલ સે બડા દેશની વાત કેટલી ખોટી છે? તેની રોજેરોજ તેઓ સાબિતી આપી રહ્યા છે. ચાપલૂસી અને જયકારો કરવાની બાબતમાં ગળાકાપ હરિફાઇ ચાલી રહી છે. 

જીવનમાં ખરાબ સમય ન આવે એવું નથી પણ એ સમયે પરસ્પરના મતભેદને ભૂલી જઇને હળીમળીને કામ કરવાનું હોય છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહા નોંધે છે, ૧૯૪૭માં દેશ જ્યારે સંકટમાં હતો ત્યારે નહેરુ અને પટેલે વિચારધારાનો મતભેદ ભૂલીને બી. આર. આંબેડકર જેવા દિગ્ગજને પોતાની કેબિનેટમાં સામેલ કર્યા હતા. વર્તમાન સમયમાં આવો સુખદ અકસ્માત જોવા મળી રહ્યો નથી. કારણ કે ઊંચા નૈતિક મૂલ્યોવાળા નેતાઓ સત્તામાંથી ગુમ થઇ ચૂક્યા છે. ચાહે ગમે તે થઇ જાય શાસક અને વિપક્ષના નેતાઓ એક જ સરકારનો હિસ્સો બનીને કામ કરે તેવું હવે જોવા મળવાનું નથી. એવામાં ભારતના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા જરાય અસ્થાને નથી. 

આજની નવી જોક

લલ્લુ (છગનને): પપ્પા, કાલે આપણે માલામાલ થઈ જશું.

છગનઃ કેમ?

લલ્લુઃ કાલે ટીચર પૈસાને રૂપિયામાં બદલતા શીખવવાના છે.

છગનઃ હેં!?

જીકે જંકશન

 - ઓસ્ટ્રેલિયાની વસ્તી ૨ કરોડ છે. આટલી બધી વસ્તી ધરાવતો તે એક માત્ર ટાપુ દેશ છે.  ત્યાં સૌથી વધુ માત્રામાં ઇમિગ્રન્ટ વસે છે. ૨૫ ટકાથી વધુ ઓસ્ટ્રેલિયનોનો જન્મ બીજા દેશમાં થયો છે. 

- ઓસ્ટ્રેલિયા એક બહુ સાંસ્કૃતિક દેશ છે.  જુદા જુદા ૨૦૦ દેશના લોકો ત્યાં વસવાટ કરે છે.  ૧૯૪૫ બાદ પૂર્વ યુરોપના લોકો ઓસ્ટ્રેલિયા રહેવા જવા લાગ્યા ત્યારથી ઓસ્ટ્રેલિયામાં બહુ સંસ્કૃતિવાદની શરૂઆત થઇ. 

- ત્યાં અનેક અદ્વિતિય વનસ્પતિઓ અને પશુઓ સાથેની અદ્ભુત ઇકો સિસ્ટમ વિકસેલી છે. સાથોસાથ પ્રાચીન વર્ષાવન અને સુંદર સમુદ્ર તટ પણ સહેલાણીઓને આકર્ષે છે. તે દુનિયાનો આઠમો સૌથી મોટો દેશ છે જે ૭૬ લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે.

- ઓસ્ટ્રેલિયા દુનિયાનું ત્રીજું સૌથી મોટું મહાસાગરીય ક્ષેત્ર છે. ત્યાં ત્રણ મહાસાગર આવેલા છે જેનો ફેલાવો ૧.૨૦ કરોડ ચોરસ કિલોમીટર છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે