કોરોનાથી મૃત્યુમાં ભારતે ચીનને પાછળ રાખ્યું, કેસોમાં નવમા સ્થાને
- પહેલી વખત ૨૪ કલાકમાં ૭૭૨૦ નવા કેસો ઉમેરાયા, વધુ ૧૫૧ લોકોએ જીવ ગૂમાવ્યો, કુલ ૧.૬૮ લાખને કોરોના
- સૌથી વધુ મૃત્યુમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે, કુલ ૮૧ હજાર (૪૨ ટકા) લોકોને સાજા કરી લેવાયા
બે મહિનાથી વધુ સમયનું લોકડાઉન છતા કોરોના વાઇરસના કેસોમાં ભારતમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. હવે કોરોનાના કેસો મુદ્દે સૌથી ખરાબ સ્થિતિ હોય તેવા દેશોમાં ભારત વિશ્વમાં નવમાં ક્રમે આવી ગયું છે. દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૧૬૮૩૮૬ને પાર પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાથી મૃત્યુ બાબતે ભારતે ચીનનો આંકડો પણ વટાવી દીધો છે, ભારતમાં હવે કોરોનાથી મૃત્યુ પામેલાની સંખ્યા વધીને ૪૭૮૪ ઉપર પહોંચી ગઇ છે જ્યારે ચીનમાં આ આંકડો ૪૬૩૮ છે. બીજી તરફ માત્ર એક જ દિવસમાં ભારતમાં એક સાથે ૭૭૨૦ નવા કેસો ઉમેરાયા છે અને આટલી મોટી સંખ્યામાં એક જ દિવસમાં પહેલી વખત આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી માહિતી અનુસાર કુલ કેસોમાંથી ૪૨.૮૯ ટકા દર્દીઓને સાજા કરી લેવામાં આવ્યા છે. એટલે કે કુલ કોરોના વોઝિટિવ કેસોમાંથી ૮૧૭૦૨ લોકોને સાજા કરી લેવામાં આવ્યા છે જ્યારે ૨૪ કલાકમાં જ કોરોનાથી વધુ ૧૫૧ લોકોએ જીવ ગૂમાવ્યો છે. વર્ડોમિટરના જણાવ્યા અનુસાર કોરોના કેસોની સંખ્યા મુદ્દે ભારતે તુર્કીને પણ પાછળ રાખી દીધુ છે અને આ વાઇરસના કેસો મુદ્દે સૌથી ખરાબ ૯ દેશોમાં સામેલ થઇ ગયું છે જે દેશ માટે ચિંતાજનક માનવામાં આવે છે.
ચીનમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૮૪૧૦૬ છે જ્યારે મૃત્યુઆંક ૪૬૩૮ છે જ્યારે ભારતે થોડા દિવસો પહેલા જ કુલ કેસો મુદ્દે ચીનને ઓવરટેક કરી લીધુ હતું અને હવે મૃત્યુઆંક મુદ્દે પણ ચીન કરતા ભારત આગળ નીકળી ગયું છે. છેલ્લે ૨૨મી મેથી અત્યાર સુધીમાં દેશમાં દરરોજ સરેરાશ છ હજાર નવા કેસો સામે આવી રહ્યા છે. રાજ્યોમાં થયેલા મૃત્યુ અને કુલ કેસો પર નજર કરીએ તો આ મુદ્દે મહારાષ્ટ્ર ટોચના સ્થાને છે. મહારાષ્ટ્રમાં કુલ ૬૨૨૨૮ કેસો નોંધાયા છે જ્યારે ૧૯૮૨ લોકો મૃત્યુ પામ્યા છે. ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા ૧૫૯૪૪ ઉપર પહોંચી ગઇ છે જ્યારે મૃત્યુઆંક ૯૮૦ થઇ ગયો છે.
કોરોનાથી મૃત્યુ બાબતે ગુજરાત મહારાષ્ટ્ર બાદ દેશમાં બીજા ક્રમે છે. ટોચના ૧૦ દેશો પર નજર કરીએ તો અમેરિકા ૧૭ લાખ કેસો સાથે ટોચના સ્થાને છે. બીજા ક્રમે બ્રાઝિલ છે કે જ્યાં ૪૩.૮ લાખને કોરોનાનો ચેપ લાગ્યો છે. રશિયા, સ્પેન, બ્રિટન, ઇટાલી, ફ્રાન્સ જર્મની બાદ નવમા ક્રમે ભારત પહોંચી ગયું છે.
Comments
Post a Comment