400 જવાનોને નિશાન બનાવીને આતંકીવાદીઓ પુલવામા જેવા હુમલાની ફિરાકમાં હતા : મોટી ઘાત ટળી
- હિઝબુલ મુઝાહિદ્દીન અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંયુક્ત રીતે સુરક્ષાદળો પર હુમલાનું કાવતરું ઘડયું હતું
- પોલીસને જોઈને કારમાં વિસ્ફોટક સામગ્રી મૂકીને આતંકવાદીઓ ફરાર : ત્રણ આતંકીઓને પકડવા ઓપરેશન હાથ ધર્યું
(પીટીઆઈ) શ્રીનગર, તા. 28 મે 2020, ગુુરુવાર
સુરક્ષાદળોની ૨૦ ગાડીને ઉડાવી દેવાના આતંકવાદીઓના કાવતરા પરથી પર્દાફાશ થયો હતો. સુરક્ષાદળોના ૪૦૦ જવાનોને નિશાન બનાવીને આ હુમલો થવાનો હતો. હિઝબુલ મુઝાહિદ્દીન અને જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ સંયુક્ત રીતે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. કારમાં વિસ્ફોટકનો જથ્થો મૂકીને ત્રણ આતંકવાદીઓ ફરાર થઈ ગયા હતા.
જમ્મુ-કાશ્મીરમાં ફરીથી સુરક્ષાદળો ઉપર મોટો હુમલો થવાનો હતો. સીઆરપીએફના ૪૦ જવાનો ઉપર થયેલા હુમલા જેવો જ હુમલો કરવાનું આતંકવાદીઓએ ષડયંત્ર રચ્યું હતું. જમ્મુ-કાશ્મીરના પોલીસ અધિકારી વિજય કુમારે કહ્યું હતું કે પોલીસને હુમલાની બાતમી મળી હતી. જંગ-એ-બદર એટલે કે ૧૭મા રોજાના દિવસે આ હુમલો થવાનો હતો, પરંતુ પોલીસે પુરતી સતર્કતા રાખી હોવાથી મોટી ઘાત ટળી ગઈ હતી.
ફૌજીભાઈ તરીકે ઓળખાતો આતંકવાદી અને આદિલ એ બંનેએ મળીને હુમલાનો અંજામ આપવાનો હતો. એક સેન્ટ્રો કારમાં વિસ્ફોટકોનો મોટો જથ્થો હતો. એ કારથી જ આત્મઘાતી હુમલો કરવાનો હતો અને સુરક્ષાદળોની ૨૦ ગાડીઓને નિશાન બનાવવાની હતી.પોલીસે અલગ અલગ નાકે તમામ ગાડીઓનું ચેકિંગ કર્યું હતું. એ ગાડી નજીક આવી ત્યારે એને રોકવાનું કહ્યું હતું, પણ ગાડી રોકવાને બદલે ફાયરિંગ કર્યું હતું.
ફાયરિંગ કરતા કરતા એ ગાડી પસાર થઈ અને આગળ જઈને ગાડી મૂકી દીધી હતી. ગાડી મૂકીને તમામ ત્રણેય આતંકવાદીઓ નાસી ગયા હતા. સાંજના અંધારાનો ફાયદો મેળવીને એ જંગલમાં ભાગી ગયા હતા. સુરક્ષાદળોએ એ ત્રણેયની શોધખોળ આદરી હતી. ગાડીમાંથી ૪૫ કિલો વિસ્ફોટક સામગ્રી મળી હતી.
જૈશ-એ-મોહમ્મદનો પાકિસ્તાની કમાન્ડર ફૌઝીભાઈ આ હુમલાનો મુખ્ય ષડયંત્રકાર ઉપરાંત હુમલાને અંજામ પણ એ જ આપવાનો હતો. તેની વય ૪૫ વર્ષની છે. તેની સાથે આદિલ નામનો એક આતંકવાદી હતો.એ હિઝબુલનો આતંકવાદી છે. આદિલ ડાર નામનો જ એક આતંકવાદી પુલવામા હુમલામાં પણ સંડોવાયેલો હતો. ૧૪મી ફેબુ્રઆરી ૨૦૧૯માં થયેલા હુમલામાં કાર વપરાઈ હતી અને એમાં ૪૦ કિલો જેટલો વિસ્ફોટકનો જથ્થો હતો.
ઝારખંડમાં ત્રણ નક્સલવાદી એન્કાઉન્ટરમાં ઠાર
સીઆરપીએફ અને પોલીસે ઝારખંડના પશ્વિમી સિંહભૂમિ જિલ્લામાં એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ત્રણ નક્સલવાદીઓને ઠાર કરાયા હતા. એક નક્સલવાદી ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે સિંહભૂમિ જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ ઉપર અચાનક એકે-૪૭થી હુમલો થયો હતો. એ પછી સુરક્ષાદળોએ પણ વળતો જવાબ આપ્યો હતો. એન્કાઉન્ટર પછી પોલીસને મોટી સંખ્યામાં વિસ્ફોટકોનો જથ્થો અને એકે-૪૭ સહિતના હથિયારો મળ્યા હતા. અગાઉ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પણ સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં એક પોલીસ અધિકારી અને એક કોન્સ્ટબલ શહીદ થયા હતા. એક નક્સવાદીને ઠાર કરાયો હતો.
Comments
Post a Comment