ભારતને સૌથી મોટી કોઇ ખોટ પડી હોય તો તે લોકનેતાની પડી છે...

- પ્રસંગપટ


કોરોના વાઇરસના કાળ દરમ્યાન ભારતને સૌથી મોટી કોઇ ખોેટ પડી હોય તો તે સામાજીક સર્વગ્રાહી લોક નેતાની પડી છે. શ્રમજીવીઓનો ઉશ્કેરાટ, રાહત સામગ્રીનું વિતરણ, શ્રમજીવીઓની હિજરત જેવા સળગતા પ્રશ્નો વખતે તેનું નિરાકરણ રાજકીય નેતાઓના હાથમાં આવી ગયું હતું. આ ફેંકુ-ભરોસા વિનાના નેતાઓની સ્થિતિ ભૂવાના નાળિયેર સમાન હતી. જેમ ભૂવો ઘૂણે તોે નાળિયેર તેના ઘર ભણી ફેંકે એમ રાજકારણીઓનું હોય છે. સાચી સલાહ આપનાર અને ગૂંચવાડા ઉભા ના કરે એવો રાજકારણી શોધવો મુશ્કેલ હોય છે.

પરિસ્થિતિ તો એવી ઉભી થઇ છે કે રાજકારણીઓ ટોળા વચ્ચે જઇ શકતા નહોતા અને કાયદાનો અમલ કરાવતી પોલીસોને માર પડવા લાગ્યો  હતો. ભાજપવાળા એમ ભ્રમમાં રાચતા હતા કે તે સારા વહિવટકાર છે જ્યારે કોંગ્રેસે કપરાં સમયમાં પણ વિરોધ કરવાની પોતાની નિતી છોડી નહોતી. પ્રજાને જ્યારે હિલીંગ ટચની જરુર હતી, એક સાચા મિત્ર સમાન નેતાની જરુર હતી, રોજેરોજ તેમની આસપાસ ફરતા લોકસેવક સમાન નેતાની જરુર હતી પરંતુ  તેમની વ્હારે કોઇ આવ્યું નહોતું.

અકળાયેલા લોકો સાથે કેવી રીતે વર્તવું એ ના તો પોલીસને આવડયું કે ના તો રાજકારણીઓને આવડયું. જે શ્રમજીવીઓ  તેમના વતન જવા માંગતા હતા તેમના મધ્યસ્થી બનીને કોઇ સરકાર સાથે વાત કરવા તૈયાર નહોતા. આખું વહાણ હાલક ડોલક હતું અને નેતાગીરીના અભાવે બધું રમણ ભમણ થઇ ગયું હતું. બે મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસની નિતી શિયાળ તાણે સીમ ભણી અને કૂતરુ તાણે ગામ ભણી જેવી હતી. આ બંનેમાંથી કોણ શિયાળ અને કોણ કૂતરું તે વાચકો સમજી શકે એમ છે. વાચકો એ પણ જાણે છે કે આ લોકો સમય આવે ત્યારે કૂતરાંમાંથી શિયાળ બની શકે છે અને શિયાળમાંથી કૂતરું બની શકે છે.

લોકોના મનમાં એ પ્રશ્ન રમી રહ્યો છે કે ચારેબાજુ માનસિક હતાશા નજરે પડતી હોય ત્યારે પ્રજાનું કોણ? ભારતની લોકશાહી પ્રથમ નજરે ભલે પ્રશંસનીય હોય પરંતુ તેની નસેનસમાં સ્વાર્થી રાજકારણ પ્રસરેલું છે. લોકશાહીના ચારેય સ્તંભને કોરોના વાઇરસે હચમચાવી નાખ્યા છે. ક્યાંક બંધારણની ઠેકડી ઉડાડાય છે તો ક્યાંક કાયદાને ખિસ્સામાં લઇને ફરતા લોકો નજરે પડે છે. કાયદાનું પાલન કરાવતી પોલીસ તંત્ર જેવી એજંસીઓ પર પ્રજા પથ્થરો મારે છે. જેને ચોથો સ્તંભ કહે છે તે સમાચાર માધ્યમોના સ્વાતંત્ર્ય પર તરાપ મરાઇ રહી છે. 

અમલદારશાહી ફરી પાછી વહિવટ કરતી થઇ હોય એવો ભાસ લોકોને થઇ રહ્યો છે. પોતાનું કોણ એવું પ્રજાને લાગે ત્યારે એમ થાય છે કે સરકારનો તેમજ સિસ્ટમનો ફિઆસ્કો થયો છે. આવી સ્થિતિમાં લોકો સામાજિક નેતા જેવા કોઇ સર્વ સ્વિકાર્ય નેતા ઝંખતા જોવા મળે છે.

આઝાદીના સમયકાળની વાત કરીએ તો ત્યારે લોકોને સાચી સલાહ આપનાર તેમજ સમય આવે રાજકારણીઓની કાન પટ્ટી આમળનાર સમાજ સેવકો હતા. રાજકારણી પણ સમાજ સેવકોને માન આપતા  હતા. આવા સમાજ સેવકો હકીકતે તો સમાજ સુધારકો હતા. તે કહે તેને લોકો મતદાન કરતા હતા. લાલ-બાલ -પાલ તરીકે ઓળખાતા લાલા લજપતરાય, બાલગંગાધર તિલક અને બિપિનચંન્દ્ર પાલે સમાજમાં જાગૃતિનો પવન ફૂંક્યો હતો. 

આપણે ત્યાં રવિશંકર મહારાજે સેવાવૃતિનો નવો જ રાહ ચીંધ્યો હતો.  રાજકીય તખ્તા પર જયપ્રકાશ નારાયણનો પણ ડંકો વાગતો હતો. તેમનો ઝભ્ભો પકડીને આગળ આવેલા નિતીશ કુમાર, લાલુ પ્રસાદ, મુલાયમસિંહ યાદવ જેેવા નેતાઓનેે સેવામાં નહીં પણ રાજકીય સત્તાનો મોહ હતો. જયપ્રકાશ નારાયણને પ્રજાએ લોકોના નેતા તરીકે સ્વિકાર્યા હતા પણ તેમના ખભા પર બેસીને લાલુ પ્રસાદ-નિતીશ જેવા નેતાઓ મુખ્ય પ્રધાન બની ગયા હતા. 

નજીકની વાત કરીએ તો લોકપાલ માટે આંદોલન  ચલાવતા અન્ના હજારે સાથે અરવિંદ કેજરીવાલ માત્ર કાર્યકર હતા. આજે તેમની ટોળકી દિલ્હી પર રાજ કરે છે અને અન્ના હજારે ઠેરના ઠેર છે. તેમના આંદોલનનું બાષ્પીભવન થઇ ગયું હતું. ટૂંકમાં સમયાંતરે  લોકનેતા  સપાટી પર આવે છે પરંતુ રાજકીય મહત્વકાંક્ષા ધરાવતા લોકો તેમનો લાભ ઉઠાવે છે.

આજે ભારતને ફરી લોકનેતાની જરુર ઉભી થઇ છે. ભારતના લોકોને ભરોસાપાત્ર લોકનેતા જોઇએ છે પણ તકનો લાભ ઉઠાવીને મુખ્ય પ્રધાન બની જતા લોકો નથી જોઇતા. ભારતમાં આવું શક્ય નથી કેમકે આગળ આવવા મથતા  લોકો કોઇ આંદોલનનો ટેકો શોેધતા હોય છે કે લોકનેતાનો ખભો શોેધતા હોય છે. જે હવે શક્ય નથી. હવે કેાઇ લોકનેતા જોવા નહીં મળે કેમકે રાજકારણનો પ્રભાવ વધેલો  છે. કમનસીબી એટલી હદે વકરી છે કે લોકનેતાને રાજકીય ખભો શોધવો પડે છે.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે