દુનિયા અને કોરોનાઃ ક્યાં શું ચાલી રહ્યું છે?

- ચીન કોરોના રાક્ષસની ઉત્પત્તિની તપાસ થવા દેશે તેવું માનનારા લોકો ખાંડ ખાઈ રહ્યા છે એનો વાંધો નથી, ચિંતા એ છે કે તેઓ ડાયાબિટીઝના દરદી તો નથીને!


કોરોના બેશક ત્રીજું વિશ્વ યુદ્ધ છે પરંતુ તે પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધ કરતાં બિલકુલ અલગ છે. યુદ્ધ સામાન્ય રીતે સરહદ પર લડાતા હોય છે. જવલ્લે જ શહેરો પર બોમ્બાર્ડીંગ થાય છે. કોરોના યુદ્ધમાં સરહદો શાંત છે અને શહેરોમાં ધમાસાણ ચાલી રહ્યું છે.  યુદ્ધમાં સૈનિકો લડતા હોય છે, કોરોનામાં આમઆદમી, સરકાર અને સૈનિક વચ્ચેનો ભેદ મટી ગયો છે. કોઇ દેશ હોય, કોઇ રાજ્ય હોય, કોઇ ગામ હોય, વૈશ્વિક સંસ્થાઓ હોય કે સ્થાનિક સ્તરે કામ કરતી અનજીઓ હોય, સરકારી કર્મચારી હોય કે સામાન્ય માણસ બધાં પોતપોતાના સ્તરે અને પોતપોતાના ગજા પ્રમાણે લડી રહ્યા છે. દરેક દેશની સ્થિતિ જુદી છે. દરેક દેશની નીતિ જુદી છે. નિયતિ પણ જુદી જુદી છે, મિશન એક જ છે, કોરોના ભગાવો. કોરોના ભગાડવા માટે વ્યક્તિથી લઇને વિરાટ સત્તાધીશ લગી બધા જ સમર ખેલી રહ્યા છે. 

વિશ્વવ્યાપી મહામારી એ આપણને જુદી રીતે વિશ્વ માનવી બનાવી દીધા છે. અત્યાર સુધી પૃથ્વી પર રહેવું એ આઠ અબજ લોકો વચ્ચેનું કનેકશન હતું. આ આઠ અબજ લોકો વચ્ચે કોરોના સામેના સૈનિક તરીક બીજુ કનેકશન સ્થાપિત થયું છે. સર્વ મનુષ્યો એકમેવ સમસ્યા અને એકમેવ લડતના સહયાત્રી બની ગયા છે. કોરોનાને લઇને કયો દેશ શું કરી રહ્યો છે? અને ક્યાં શું નવાજુની ચાલી રહી છે તેના સાપ્તાહિક ચિતારમાંથી પસાર થવા જેવું છે. 

તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું ઓનલાઇન શિખર સંમેલન યોજાયું. કોરોના સામેની લડતમાં તાઇવાને પ્રસંશનીય કામગીરી કરી હોવા છતાં તેને આ સંમેલનનો ભાગ બનવા દેવામાં આવ્યું નહીં. એક બાજુ ચીન છે કે જ્યાં કોરોનાથી લાખો લોકો મર્યા હોવાની આશંકા વ્યક્ત થઇ રહી છે અને બીજી બાજુ તાઇવાને આરોગ્ય કટોકટી સામેની લડતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. તો ય તાઇવાનને યુએનમાં બોલાવાતું નથી તેનો અર્થ એમ થયો કે જ્ઞાાન કરતા શક્તિનો મહિમા વધારે મોટો છે.

અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને બીજા ઘણા બધા દેશો લાંબા સમયથી માગણી કરી રહ્યા છે કે કોરોના વાઇરસની ઉત્પત્તિ વિશે તપાસ કરવામાં આવે. દાઝે ભરાયેલા ચીને ઓસ્ટ્રેલિયા પાસેથી જવ મગાવવાનું બંધ કરી દીધું. ચીનના અનેક વિરોધ છતાં કોરોના વાઇરસની ઉત્પત્તિની તપાસની માગણી બળવાન બનતી જઇ રહી હોવાથી છેવટે ડ્રેગને નમતું મૂકવું પડયું છે. તપાસની માગણી તેમણે કમને સ્વીકારી લીધી છે. ચીન તટસ્થ તપાસ થવા દેશે અને કોઇપણ પ્રકારનું વિઘ્ન ઊભું કરશે નહીં એવું માનનારા લોકો ખાંડ ખાઈ રહ્યા છે. જો તેઓ ડાયાબીટીઝના દર્દી હશે તો આ ખાંડ તેમના આરોગ્ય માટે જોખમી નીવડશે. 

યુરોપિયન યુનિયનના અનેક દેશો કોરોના મહામારીમાં બરબાદ થઇ ગયા છે. તેમને ઉગારવા માટે જર્મનીના ચાન્સેલર અંગેલા મેર્કલ અને ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને ૫૦૦ અબજ યુરોનું પેકેજ તૈયાર કર્યું છે. આ પેકેજ જરૂરીયાતવાળા દેશોને આર્થિક સહાય કરશે. આર્થિક સહાય એટલે કાયદેસર આર્થિક સહાય, લોન નહીં. લોભિયા ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, નેધરલેન્ડ અને સ્વીડન આ પેકેજથી નાખુશ છે. તેમને આ યુરોપિયન યુનિયનના પૈસાનો વેડફાટ થઇ રહ્યાનું લાગી રહ્યું છે. તેઓ માની જાય પછી જ પેકેજ લાગુ કરી શકાશે. 

કોરોનાનો કારીઘાવ વેઠનારા ઇટલીમાં હવે મોટાભાગે લોકડાઉન ખૂલી ચૂક્યું છે. દુકાનો, રેસ્ટોરન્ટ અને  હેર સલૂનો પણ ખુલી ચૂક્યા છે. ઇટાલિયન સરકારે ટૂંક સમયમાં વિમાની સેવાઓનો પ્રારંભ કરવાની પણ ઘોષણા કરી છે. ગ્રીસ અને પોર્ટુગલે પણ ટુંક સમયમાં  પ્રવાસીઓ માટે દરવાજા ખોલી નાખવાની જાહેરાત કરી છે. બ્રાઝીલમાં કોરોનાને લીધે આવેલો રાજકીય ભૂકંપ સમાપ્ત થવાનું નામ લઇ રહ્યો નથી. દેશના પ્રમુખ જૈર બોલ્સોનારોએ થોડા દિવસો પહેલાં કોરોના સામેની લડતને આક્રમક બનાવવાની હિમાયત કરનારા મંત્રીને કાઢી મૂકેલા, તે પછી હવે આરોગ્ય મંત્રી નેલ્સન ટેઇકે પણ રાજીનામુ માથે મારી દીધુ છે.

બ્રાઝિલમાં ૩ લાખ કોરોના કેસ છે. આ મહામારીથી પીડિત દેશોની સૂચિમાં તે ત્રીજા સ્થાને છે તેમ છતાં જૈર બોલ્સોનારોની આંખ ઊઘડતી નથી. તેમની પાંપણ પર કઇ ભોગડ ભીડાઇ ગઇ છે તે સમજની બહાર છે.

અલ સાલ્વાડોર પણ કોરોના લોકડાઉનને કારણે આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે તેમ છતાં તેના પ્રમુખ નઇબ બુકેલે કટોકટી લંબાવવાનો આદેશ આપી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે તેમનો આદેશ ફગાવી દીધો અને વિધાયકાએ અર્થતંત્ર ખોલવા માટે કાયદો ઘડયો. સત્તાના મદમાં અંધ બનેલા શ્રીમાન બુકેલે કહી રહ્યા છે કે તેઓ વિટો પાવર વાપરીને આ કાયદો રદ કરી નાખશે. 

ચીનમાં શુલન શહેરમાં કોરોના ફાટી નીકળતા કડક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ચીનમાં પણ કોરોનાને લઇને ઘણી બધી બરબાદી થઇ છે, પરંતુ ત્યાં સ્વતંત્ર મીડિયા ન હોવાથી સત્ય બહાર આવી રહ્યું નથી. ચીનનું દોસ્તાર રશિયા પણ કોરોનાથી ભયાનક હદે ગ્રસિત છે. હાલ ત્યાં અમેરિકા બાદ બીજા ક્રમે સૌથી વધુ કોવિડ પીડિતો છે. રશિયામાં કોવીડ દર્દીનો આંકડો ૩ લાખ ૧૦ હજારને પાર થઇ ગયો છે. વ્લાદિમિર પુતિન ગુસ્સામાં પણ છે અને લાચાર પણ છે. ગુસ્સામાં એટલા માટે કેમ કે કોરોના ફાટી નીકળ્યો છે અને લાચાર એટલા માટે કેમ કે તેઓ ઇચ્છે તો ય ચીન વિરૂદ્ધ જઇ શકે તેમ નથી. 

ચીલીની રાજધાની સેન્ટિયાગોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયા છે. લોકડાઉનને પગલે અનાજની અછત ઊભી થતાં ગરીબો સડક પર ઊતરી આવ્યા હતા. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગતા હવે આગળ શું થશે એ તો ઇશ્વર જ જાણે. ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ મેલેરીયાની દવા હાઇડ્રોક્સીક્લોરોકવીનનું સેવન કરી રહ્યા છે. આવું કરવું જોખમ ભર્યું હોવાથી તબીબોએ તેમને ચેતવ્યા છે. અમેરિકાના નીચલા સદને પ્રથમ વખત દૂર બેઠા મતદાન કરવાની પરવાનગી આપી છે.  એકબાજુ કોરોના તૂટી પડયો છે અને બીજી બાજુ ચૂંટણી તોળાઇ રહી છે ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સને તેની ચૂંટણી પદ્ધતિમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. 

વ્યકિતથી લઇને વિવિધ દેશોના વડા સુધી બધા દ્વારા યથાશક્તિ લડવામાં આવી રહેલી કોરોના સામેની લડત વહેલાસર યોગ્ય અંજામ સુધી પહોંચે તેની ઇંતેજારી.

વૈશ્વિક હાઇલાઇટ્સ...

- હોંગકોંગમાં એક પોલીસ વોચડોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલમાં જણાવાયું હતું કે પોલીસ દ્વારા દેખાવકારોનું બિલકુલ દમન કરવામાં આવી રહ્યું નથી. ચાઇના સમર્થિત રાજકારણીઓએ વોચ ડોગના આ અહેવાલને વ્હાઇટવોશ ગણાવ્યો હતો. જ્યારે લોકશાહી તરફી નેતાઓએ અહેવાલને ભૂલ ભરેલો ઠરાવ્યો હતો. હોંગકોંગ સ્વાયત્ત રાજ્ય છે પરંતુ ચીન હવે તેના પર આધિપત્યનો પ્રબળ દાવો કરી રહ્યું છે.

- અફઘાનિસ્તાનમાં અશરફ ઘની અને અબ્દુલ્લા અબ્દુલ્લા વચ્ચે પ્રમુખપદ માટેની ખેંચતાણનું સમાધાન થઇ ગયું છે. ઘની અફઘાનિસ્તાનના પ્રમુખ રહેશે અને અબ્દુલ્લા અબ્દુલ્લા તાલિબાન સાથેની શાંતિ મંત્રણાની જવાબદારી સંભાળશે. 

- પહેલી માર્ચ બાદ પ્રથમ વખત મલેશિયાની સંસદ મળી હતી. મહાતીર મોહમદના સ્થાને મુહિદ્દીન યાસીનને વડાપ્રધાન પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિશ્વાસ મત લેવાય એ પહેલાં જ સંસદીય કાર્યવાહી મુલતવી રાખવાની ફરજ પડી હતી. 

- ઇઝરાયલમાં એક વર્ષથી પ્રવર્તી રહેલી રાજકીય મડાગાંઠ ઉકેલાઇ ગઇ છે. બિન્યામિન નેતન્યાહૂ દોઢ વર્ષ સુધી વડાપ્રધાન પદ પર જારી રહેશે. તેમના હરિફ બેની ગેન્ટ્સ નાયબ વડાપ્રધાનનું પદ સંભાળશે. ઇઝરાયલ સરકાર પુનઃ વેસ્ટ બેન્કના કેટલાક વિસ્તારોનું ઇઝરાયલમાં વિલિનીકરણ કરવાના પ્રયાસ કરશે. 

- લિબીયન સરકારે બળવાખોર ખલિફા હફ્તાર દ્વારા કબજે કરવામાં આવેલા કેટલાક વિસ્તારોને પુનઃ હસ્તગત કર્યા હતાં. તેના સંગઠનને રાજધાની ત્રિપોલીમાંથી તગેડી મૂકવામાં આવ્યું હતું. 

- કોંગોમાં કોંગો સમુદાયના અનુયાયીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં ૫૫નાં મોત થયાં હતાં. કોંગો સમુદાયના કેટલાક લોકો અન્ય સમુદાયના લોકોને તેમના ઘરમાંથી કાઢી મૂકવાનું અભિયાન ચલાવી રહ્યાં હતાં. તે અટકાવવા જતાં અથડામણ સર્જાઇ હતી.

- આર્જેન્ટીનાના સંશોધકોને પેટેગોનિયામાંથી મેગારેકટર ડાયનોસરના અવશેષો મળી આવ્યા હતાં. મેગારેકટરનો અર્થ થાય છે વિશાળ કદના માંસાહારી ડાયનોસર. આ ડાયનોસર ૭ કરોડ વર્ષ પહેલાં જીવંત હોવાનું માનવામાં આવે છે. તેની લંબાઇ ૧૦ મીટરની હતી. મેગા રેકટર ટી-રેક્સ ડાયનોસર સાથે મળતાં આવે છે. મેગા રેક્ટરનો પંજો ૪૦ મીટર લાંબો હતો.

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો