લૉકડાઉન ખૂલ્યું છે, પણ કોરોના ક્યાંય ગયો નથી, લોકો સાવધાની રાખે : મોદી


- બીમારીમાં ગરીબોનો આધાર બનેલી આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓની સંખ્યા ૧ કરોડને પાર થઈ : મોદી

- હોલિવૂડથી હરિદ્વાર બધા યોગ કરવા આતુર, કોરોના સમયે જ પૂર્વીય રાજ્યોમાં એમ્ફાન વાવાઝોડાં-તીડનાં હુમલા થયા : મોદી

- કોરોનાના કારણે દેશમાં દરેક વર્ગ મુશ્કેલીમાં મુકાયો, પરંતુ ગરીબોની પીડા શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી : વડાપ્રધાન

નવી દિલ્હી, તા. 31 મે 2020, રવિવાર


સમગ્ર દેશમાં લૉકડાઉન ખોલી નાંખવાની જાહેરાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દેશવાસીઓને 'મન કી બાત'માં ચેતવણી આપતા કહ્યું છે કે લૉકડાઉન ખૂલ્યું છે, પરંતુ કોરોના ક્યાંય ગયો નથી. લોકોએ હવે વધુ સાવધાની રાખવાની જરૂર છે. કોરોનાના સંકટ સમયમાં ત્રીજી વખત વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 'મન કી બાત' મારફત સંબોધન કર્યું હતું. પ્રત્યેક મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતી 'મન કી બાત'માં આ વખતે મોદીએ કોરોના સામેની લડાઈમાં યોગ અને આયુર્વેદના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ સાથે તેમણે ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટકેલા એમ્ફાન વાવાઝોડાં તથા દેશના અનેક રાજ્યોમાં તીડના હુમલા અંગે પણ ઉલ્લેખ કર્યો હતો. 

વડાપ્રધાને 'મન કી બાત'ની ૬૪મી આવૃત્તિમાં જણાવ્યું હતું કે ભારત મજબૂતીથી કોરોના વાઈરસ સામે લડી રહ્યો છે. હું ફરી એક વખત લોકોને અપીલ કરું છું કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરો. કોરોના સામે થોડીક પણ ઢીલ ન રાખશો. કોરોનાના સમયમાં આજે યોગ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વાઈરસ આપણી શ્વાસોચ્છ્વાસની સિસ્ટમ પર હુમલો કરે છે. યોગમાં શ્વાસોચ્છ્વાસની સિસ્ટમને મજબૂત કરવાના અનેક પ્રાણાયામ છે. તેમણે ઉમેર્યું કે આજે હોલીવૂડથી હરિદ્વાર સુધી અનેક લોકો યોગ અને આયુર્વેદ અંગે જાણવા માગે છે. તેને અપનાવવા માગે છે. જેમણે અગાઉ ક્યારેય યોગ નહોતા કર્યા તેઓ ઓનલાઈન યોગ ક્લાસમાં જોડાયા છે અથવા ઓનલાઈન વીડિયો માધ્યમથી યોગ શીખી રહ્યા છે.

એક તરફ આપણે મહામારી સામે લડી રહ્યા છીએ તો બીજીબાજુ પૂર્વીય ભારતમાં કુદરતી આપત્તીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં એમ્ફાન વાવાઝોડું ત્રાટક્યું હતું. મુશ્કેલીના આ સમયમાં સમગ્ર દેશ બંને રાજ્યોના લોકો સાથે ઊભો છે. આપણા દેશમાં કરોડો ગરીબોને દાયકાઓથી એક મોટી ચિંતા સતાવે છે કે બીમાર પડી જઈશું તો શું થશે? તેમની આ ચિંતા દૂર કરવા માટે દોઢ વર્ષ પહેલાં 'આયુષ્યમાન ભારત' યોજના શરૂ કરાઈ હતી. થોડાક દિવસ પહેલાં જ 'આયુષ્યમાન ભારત'ના લાભાર્થીઓની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે.

આત્મનિર્ભર ભારતના અભિયાનને પણ દેશવાસીઓએ વ્યાપક સમર્થન આપ્યું છે. લોકો હવે સ્થાનિક ઉત્પાદનોને ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. લોકો 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન આપી રહ્યા છે. કોરોના સામે લડાઈ લાંબી ચાલશે. આ એક એવી આપત્તિ છે જેની આખી દુનિયામાં કોઈ સારવાર નથી. એવામાં નવા નવા પડકારો સામે આવી રહ્યાં છે અને તેના કારણે લોકોએ મુશ્કેલીઓનો અનુભવ કરવો પડી રહ્યો છે. 

દેશમાં કોઈ વર્ગ એવો નથી, જે હાલ મુશ્કેલીમાં ન હોય. આ સંકટથી ગરીબ, મજૂર, શ્રમિક વર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મુકાયો છે. તેમની પીડા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. આપણા ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારી, મીડિયાના સાથીઓ આ બધા જે સેવા કરી રહ્યા છે, તેની ચર્ચા મેં અનેક વખત કરી છે. સંકટના આ સમયમાં લોકોની સેવામાં સર્વસ્વ અર્પણ કરી દેનારા લોકોની સંખ્યા અગણિત છે.

આપણા દેશમાં કોરોનાનો મૃત્યુદર ઘણો ઓછો છે, જે નુકસાન થયું છે તેનું દુઃખ બધાને છે, પરંતુ જે કંઈ બચાવી શક્યા તે નિશ્ચિતપણે દેશની સામૂહિક સંકલ્પ શક્તિનું જ પરિણામ છે. વિશ્વમાં ભારત સૌથી વધુ વસતી ધરાવતો બીજો દેશ છે, છતાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આપણા દેશમાં કોરોનાનો પ્રસાર એટલો ઝડપથી થયો નથી. તમામ સાવધાનીઓ સાથે વિમાનો હવે ઊડવા લાગ્યા છે, ટ્રેનો દોડવા લાગી છે, ધીમે ધીમે ઉદ્યોગો પણ શરૂ થઈ ગયા છે. એટલે કે અર્થતંત્રનો એક મોટો હિસ્સો હવે ચાલવા લાગ્યો છે. આપણે હવે વધુ સાવધાની રાખવાની જરૂર છે.

મોદી સાથે સમોસા-કેરીની ચટણી ખાવાની ઓસી. પીએમની ઈચ્છા

સિડની, તા.૩૧ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૪થી જૂને વીડિયો બેઠક પહેલાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને રવિવારે સમોસાનું એક પિક્ચર શૅર કરીને કહ્યું કે ભારતીય નેતા સાથે કેરીની ચટણી સાથે સમોસા ખાવાની તેમને ઈચ્છા છે. સ્કોટ મોરિસને એક ટ્વીટમાં લખ્યું કે 'રવિવારે કેરીની ચટણી સાથે સમોસા. વીડિયો લિન્ક મારફત આ સપ્તાહે નરેન્દ્ર મોદી સાથે મારી બેઠક છે. તેઓ શાકાહારી છે, તેમની સાથે સમોસા ખાવાની મારી ઈચ્છા છે.' તેમની ટ્વીટના જવાબમાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બંને દેશ 'હિંદ મહાસાગરથી જોડાયેલા છે અને ભારતીય સમોસાથી  એક થયા છે.' તેમણે અન્ય એક ટ્વીટમાં લખ્યું કે, 'સ્વાદિષ્ટ જણાય છે વડાપ્રધાન સ્કોટ મોરિસન. આપણે કોવિડ-૧૯ વિરુદ્ધ નિર્ણાયક વિજય મેળવી લઈશું તો આપણે સાથે મળીને સમોસાનો આનંદ ઉઠાવીશું. ચાર જૂને આપણી વીડિયો મૂલાકાતની રાહ જોઉં છું.'

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

તાઈવાને તોડી પાડ્યુ ચીનનુ સુખોઈ-35 વિમાન? ચીન-તાઈવાન વચ્ચેનો વિવાદ ઉગ્ર બનશે