તીડોનું આક્રમણ ખેડૂતોની મુસીબતમાં વધારો કરશે
- ડેઝર્ટ લોકસ્ટ નામે ઓળખાતી તીડની પ્રજાતિ દર વર્ષે ઇરાન અને પાકિસ્તાનમાંથી ભારતમાં ત્રાટકે છે પરંતુ આ વખતે તીડોનું આક્રમણ ગયા વર્ષથી ચાલું થયું છે અને અટકવાનું નામ જ નથી લઇ રહ્યું એટલું જ નહીં, હજુ તો ચોમાસા બાદ પરિસ્થિતિ ઓર વકરવાની ચેતવણી આપવામાં આવી છે
આભ ફાટે ત્યાં થીંગડા ક્યાં દેવા જવા જેવી હાલત આજકાલ ભારતની છે. એક તરફ આખો દેશ કોરોના વાઇરસના ખોફથી ફફડી રહ્યો છે અને મહામારીના કારણે લાગુ કરેલા લૉકડાઉનના કારણે અર્થવ્યવ્યવસ્થાની કમ્મર તૂટી ગઇ છે. હજુ તો લોકો મોંઘવારી, બેરોજગારી, મજૂરોને થતી હાલાકીની વાત કરી રહ્યાં છે ત્યાં તો દેશના માથે તીડોના રૂપમાં નવી મુસીબત ત્રાટકી છે. છેલ્લા ૨૬ વર્ષમાં આ તીડોનો સૌથી મોટો હુમલો મનાઇ રહ્યો છે. હાલત એ છે કે એકલા રાજસ્થાનમાં તીડોના લશ્કરે પાંચ લાખ હેકટર પાકને તારાજ કરી દીધો છે.
રાજસ્થાન ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબથી લઇને ઉત્તરપ્રદેશનો કેટલોક ભાગ અને દિલ્હી સુદ્ધાં તીડોના હુમલાની ચપેટમાં આવી ગયા છે. આ વર્ષે તીડોએ માત્ર ભારત જ નહીં, એશિયા અને આફ્રિકાના અનેક દેશોને પરેશાન કર્યાં છે. તીડોના હુમલાથી સૌથી અસર થઇ છે કેન્યાને, જ્યાં તીડોએ છેલ્લા ૭૦ વર્ષનો સૌથી જોરદાર હુમલો કર્યો છે. તો ઇથિયોપિયા અને સોમાલિયામાં પણ ૨૫ વર્ષ બાદ તીડોનો આટલો ખૂંખાર પ્રકોપ જોવા મળ્યો છે.
ડેઝર્ટ લોકસ્ટ નામે ઓળખાતી તીડની પ્રજાતિ દર વર્ષે ઇરાન અને પાકિસ્તાનમાંથી ભારતમાં ત્રાટકે છે. આમ તો આ તીડોનો ઉદ્ભવ ઉત્તરપૂર્વ આફ્રિકામાં થાય છે. ત્યાંથી તીડોના ઝૂંડેઝૂંડ પવનની દિશા સાથે એશિયા તરફ આગળ વધે છે. તીડોના ઝૂંડનો આકાર નાનો હોય તો પાકને ખાસ નુકસાન થતું નથી પરંતુ જો લાખોની સંખ્યામાં તીડોનું ઝૂંડ બની જાય તો પછી ઊભા પાકનું આવી બને છે. હરિયાળી અને વરસાદ જોવા મળે તો તીડો બેફામ પ્રજનન કરે છે અને તેમનો વસતીવિસ્ફોટ થાય છે. તીડોનું આ ઝૂંડ હરિયાળીની શોધમાં આગળ વધે છે અને રસ્તામાં આવતા ખેતરોને બરબાદ કરી દે છે.
ભારતમાં આ તીડો એક વખત મોનસૂનમાં બ્રીડિંગ કરતા હોય છે તો ઇરાન અને પાકિસ્તાનમાં ઓક્ટોબર અને માર્ચ એમ બે વખત બ્રીડિંગ કરે છે. માર્ચમાં આ બંને દેશોમાં તીડોના પ્રજનનને રોકવા માટે દવાનો છંટકાવ કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના સંકટના કારણે ઇરાન અને પાકિસ્તાનમાં તીડોના પ્રજનનને રોકવા માટે દવાનો છંટકાવ કરવામાં ચૂક થઇ અને ભારતમાં હાલ થયેલા તીડોના હુમલા પાછળ આ કારણ મુખ્ય છે.
એપ્રિલના મધ્યમાં સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન (એફએઓ)ની રીજનલ બેઠક યોજાઇ હતી જેમાં તીડોના ખતરાને લઇને ચર્ચા થઇ હતી. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ભારત અને પાકિસ્તાન સહિત દક્ષિણ એશિયાના અનેક દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાને સ્વીકાર્યું હતું કે કોરોના સંકટના કારણે આ વર્ષે તીડોનું બ્રીડિંગ રોકવા માટે દવાનો છંટકાવ નહોતો થઇ શક્યો અને એના કારણે પાકિસ્તાનમાં પણ તીડોનો પ્રકોપ વધી ગયો છે. હકીકતમાં કોરોના મહામારીના કારણે ઇરાન અને પાકિસ્તાન તીડોના પ્રજનનને રોકવા વપરાતી દવા આયાત કરી શક્યા નથી.
સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠનએ ચેતવણી આપી છે કે હજુ તો જૂન મહિનામાં વરસાદ બાદ ભારત અને પાકિસ્તાનની સરહદે તીડોનું બ્રીડિંગ ફરી પાછું વધી જશે જેના પરિણામે ભારતે તીડોના નવા હુમલા માટે તૈયાર રહેવું પડશે. સામાન્ય રીતે મોનસૂનમાં બ્રીડિંગ બાદ ભારતમાં ઓક્ટોબર સુધીમાં તીડો ગાયબ થઇ જાય છે પરંતુ ગયા વર્ષે લાંબી ચાલેલી ચોમાસાની સિઝનના કારણે તીડોનો આતંક રાજસ્થાન, ગુજરાત અને પંજાબમાં આ વર્ષના જાન્યુઆરી સુધી જોવા મળ્યો. હવે થોડા જ મહિનામાં તીડોના આ નવા આક્રમણના કારણે દેશની ખાદ્ય સુરક્ષા અને અર્થવ્યવસ્થા જોખમમાં આવી ગઇ છે.
ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં તો તીડોનો પ્રકોપ ૨૭ વર્ષ બાદ જોવા મળ્યો છે. આ વર્ષે ફેબુ્રઆરી અને માર્ચમાં થયેલા કમોસમી વરસાદના કારણે તીડોને ફલવાફૂલવા માટે અનુકૂળ પર્યાવરણ મળી ગયું. એફએઓના જણાવ્યા અનુસાર હાલ ઇરાન અને પાકિસ્તાનમાં પણ તીડોને અનુકૂળ ભેજવાળું વાતાવરણ હોવાના કારણે તીડોનું બ્રીડિંગ ચાલુ છે અને જુલાઇ સુધી તીડોના નવા ઝૂંડ પાકિસ્તાનની સરહદેથી ભારતમાં ત્રાટકતા રહેશે. તીડો માણસો કે પ્રાણીઓ પર હુમલો કરતા નથી પરંતુ ખેતરોના ઊભા પાકના જાનીદુશ્મન છે. ખાસ કરીને લીલી કોમળ પત્તાં તેમને પસંદ હોય છે. એક ચોરસ કિલોમીટરમાં ચારથી આઠ કરોડ સુધીના વયસ્ક તીડો હોઇ શકે છે જે એક જ દિવસમાં ૩૫ હજાર લોકો ખાઇ શકે એટલો પાક ચટ્ટ કરી શકે છે.
સરકારે રજૂ કરેલા આંકડા મુજબ વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન માત્ર રાજસ્થાન અને ગુજરાતમાં જ તીડોના આક્રમણના કારણે આશરે બે લાખ હેકટર જેટલો પાક બરબાદ થયો હતો. ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જેવા જિલ્લા તીડોના હુમલાની ચપેટમાં આવી ગયા હતાં. ભૂતકાળની વાત કરીએ તો વર્ષ ૧૯૯૩માં ભારતમાં તીડોનો જોરદાર હુમલો થયો હતો. એ પછી ૧૯૯૭, ૨૦૦૨, ૨૦૦૫, ૨૦૦૭, ૨૦૧૦ અને ૨૦૧૬માં પણ તીડોના નાનામોટા હુમલા જોવા મળ્યાં હતાં. પરંતુ ગયા વર્ષે મે મહિનામાં રાજસ્થાનમાં તીડોનું આગમન ચાલું થયું એ અટક્યું જ નથી. તીડો જે રીતે આગળ વધી રહ્યાં છે એ જોતાં સ્થિતિ ભયાવહ બની રહી છે.
તીડો ભલે નાના જીવ લાગે પરંતુ તેમની મોટી સંખ્યા અને અકરાંતિયાની માફક ખાવાની ક્ષમતાના કાકરણે ભૂખમરાની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે.
જાણકારોના મતે સરેરાશ તીડોનું એક નાનું ઝૂંડ એક દિવસમાં દસ હાથી અથવા ૨૫ ઊંટ અથવા અઢી હજાર માણસો જેટલો ખોરાક ઝાપટી શકે છે. તીડો પાંદડાં, ફૂલ, ફળ, બીજ અને પાંગરી રહેલાં છોડને આરોગીને નુકસાન પહોંચાડે છે. તીડોનું ઝૂંડ કોઇ ઝાડની ડાળી પર બેસે તો તેમના ભારથી ડાળી કે પછી આખું વૃક્ષ પણ ધરાશાયી થઇ શકે છે.
તીડોની સમસ્યા માત્ર ભારત કે દક્ષિણ એશિયાના દેશો પૂરતી સીમિત નથી. ખરેખર તો દુનિયાના આશરે ૬૦ જેટલા દેશોમાં તીડો કાળ બનીને ત્રાટકતા હોય છે. ખાસ કરીને આફ્રિકા અને એશિયા એમ બે મહાખંડોમાં તીડોનો ભારે પ્રકોપ જોવા મળે છે. પોતાના હુમલાની ચરમસીમાએ તીડો આ ૬૦ દેશોના થઇને દુનિયાના આશરે ૨૦ ટકા જેટલા ભૂભાગ પર કબજો જમાવી લે છે. તીડોના આ મહાઆક્રમણના કારણે દુનિયાની ૧૦ ટકા વસતીના રોજીરોટી બરબાદ થઇ શકે છે. ખાઉધરા તીડો તેના માર્ગમાં આવતી દરેક ચીજને આરોગતા આગળ વધે છે અને જો અનુકૂળ પવન મળે તો દોઢસો કિલોમીટર જેટલું અંતર જોતજોતામાં કાપી નાખે છે. તીડો માત્ર દિવસે અને એ પણ પવનની દિશામાં ઊડે છે.
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠનના નવા રિપોર્ટ અનુસાર અનુકૂળ ક્લાયમેટનો ફાયદો ઉઠાવીને તીડો પોતાની સામાન્ય ક્ષમતાથી ૪૦૦ ગણું વધારે પ્રજનન કરવા લાગ્યાં છે. આ અત્યંત ચિંતાજનક બાબત છે કારણ કે ભારત એવા દેશોમાં સામેલ છે જ્યાં ક્લાયમેટ ચેન્જની સૌથી વધારે અસરો જણાઇ રહી છે. તીડોનો ભારતમાં પ્રવેશ પવનની દિશા ઉપર પણ આધાર રાખે છે. એવા અહેવાલ પણ છે કે તાજેતરમાં દેશના પૂર્વ તટે આવેલા ભારે વિનાશાકારી અમ્ફાન વાવાઝોડાના કારણે પણ તીડોના ભારતમાં પ્રવેશ કરવા માટે સાનુકૂળ સંજોગો ઊભા થયાં.
ગ્લોબલ વૉર્મિંગના કારણે છેલ્લા થોડા વર્ષોથી આકરી ગરમી પડી રહી છે અને ઉનાળાના દિવસો લંબાઇ રહ્યાં છે અને વરસાદ પણ અનિયમિત અને અનિયંત્રિત બની ગયો છે તેમજ ક્યારેક દુષ્કાળ તો ક્યારેક અનરાધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ બનવાની ઘટનાઓ વધી ગઇ છે.
આ બદલાયેલું પર્યાવરણ તીડોના પ્રજનન ચક્રને વધારી રહ્યું છે. ગયા વર્ષે પહેલા તો ચોમાસું પાછું ખેંચાયું અને જુલાઇ સુધી વરસાદ ન થયો અને એ પછી મોનસૂનની સિઝન લાંબી ચાલી જેના કારણે તીડોનો પ્રકોપ જારી રહ્યો. હવે આ વર્ષે જૂનમાં વરસાદ સાથે તીડોના પ્રજનનનું નવું ચક્ર ચાલુ થશે. એ પછીના મહિનાઓમાં તીડોના હુમલા ખરીફ પાકને બરબાદ કરી શકે છે. જો એવું થયું તો કોરોના સંકટનો માર ઝીલી રહેલાં ખેડૂતોની દશા ઓર વકરશે.
Comments
Post a Comment