છેવટે ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે છેડો ફાડી નાખ્યો
- વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને સૌથી વધારે ફંડિંગ અમેરિકા તરફથી જ મળતું રહ્યું છે એવામાં અમેરિકા તરફથી મળતી આર્થિક સહાય બંધ થઇ જતાં સંસ્થાની પરિસ્થિતિ ખરાબ થઇ જશે એટલું જ નહીં, કોરોના સામે લડવાના વૈશ્વિક અભિયાનને પણ અવળી અસર થશે
કોરોના મહામારીના કારણે અમેરિકામાં સૌથી વધારે તબાહી સર્જાઇ છે. અમેરિકા એક જ એવો દેશ છે જ્યાં કોરોના વાઇરસના મૃતકોની સંખ્યા એક લાખને વટાવી ગઇ છે. કોરોનાના કાળા કેર વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હવે વિશ્વ આરોગ્ય સંસ્થા (ઉર્લ્લં) સાથેના તમામ સંબંધો તોડી નાખ્યાં છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પર ચીનનો કંટ્રોલ છે એટલા માટે અમેરિકા તેની સાથેના સંબંધો સમાપ્ત કરી રહ્યું છે.
ટ્રમ્પે ફરી વખત વિશ્વ આરોગ્ય સંસ્થા પર આરોપ મૂક્યો કે તે કોરોના મહામારીને શરૂઆતમાં ફેલાતી રોકવામાં નિષ્ફળ રહી. અમેરિકાએ વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાને ૪૦ કરોડ ડોલર આપ્યા હતાં. આ રકમ સંસ્થાના કુલ બજેટના ૧૫ ટકા જેટલી થવા જાય છે.
મતલબ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને સૌથી વધારે ફંડ અમેરિકા તરફથી મળે છે એવામાં અમેરિકાની આ મદદ બંધ થઇ જાય તો સંસ્થાની પરિસ્થિતિ ખરાબ થઇ જાય એમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ હજુ માર્ચ મહિનામાં જ અપીલ કરી હતી કે કોરોના વાઇરસના સંક્રમણ સામે લડવા માટે ૬૭.૫ કરોડ ડોલરની જરૂર છે. એવી જાણકારી પણ સામે આવી રહી છે કે કોરોના સામે લડવા માટે સંસ્થા હવે એક અબજ ડોલર એકઠા કરવાની અપીલ કરી શકે છે.
ટ્રમ્પ અગાઉ પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ચીનતરફી કહીને ટીકા કરી ચૂક્યાં છે. તેમણે કહ્યું છે કે કોરોના વાઇરસના ફેલાવા માટે ઉર્લ્લંની જવાબદારી નક્કી થવી જોઇએ. ટ્રમ્પનો આક્ષેપ છે કે ઉર્લ્લંએ કોરોનાની મહામારીને રોકવા માટે બરાબર કામગીરી બજાવી નથી. તેમનું કહેવું છે કે અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને વર્ષે ૪૦થી ૫૦ કરોડ ડોલરનો ફંડ આપે છે જ્યારે ચીન માત્ર ચાર કરોડ ડોલર આપે છે. ટ્રમ્પનો દાવો છે કે જો વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીનમાં જઇને વાસ્તવિક પરિસ્થિતિ જોઇ હોત અને ત્યાંની પરિસ્થિતિ અંગે પારદર્શક માહિતી આપી હોત તો અત્યાર જેવી ભયાવહ પરિસ્થિતિ ન સર્જાઇ હોત.
અગાઉ એપ્રિલમાં પણ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થા સામે નિશાન તાક્યું હતું અને તેને અમેરિકા તરફથી મળતી આર્થિક સહાય અટકાવી દીધી હતી. દુનિયાભરના લોકોના સ્વાસ્થ્યની જાળવણી રાખવાના ઉદ્દેશ સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ૧૯૪૮માં સ્વિટ્ઝર્લેન્ડના જિનિવા શહેરમાં કરવામાં આવી હતી. વિશ્વ આરોગ્ય સંસ્થા યૂ.એન.ની સંસ્થા છે અને ૧૯૪ દેશો તેના સભ્ય છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા રસીકરણના અભિયાનો ચલાવે છે તેમજ હેલ્થ ઇમરજન્સી અને પ્રાથમિક સારવાર માટે દુનિયાભરના દેશોની મદદ કરે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને જુદાં જુદાં દેશો તરફથી ફંડ રૂપે મદદ મળે છે જે તે વૈશ્વિક સ્વાસ્થ્ય માટે વાપરે છે.
ટ્રમ્પ તો શરૂઆતથી આરોપ મૂકતા આવ્યાં છે કે ઉર્લ્લંએ સમયસર કોરોના વાઇરસ વિશે દુનિયાને જાણકારી આપી નહીં. તેમનું કહેવું છે કે જો ઉર્લ્લંએ વખત રહેતા યોગ્ય પગલા લીધા હોત તો આ મહામારીને ચીનના વુહાનમાં જ રોકી શકાઇ હોત અને આ મહામારી દુનિયામાં ફેલાઇ પણ ન હોત અને લોકો આટલી મોટી સંખ્યામાં એનો ભોગ પણ ન બન્યા હોત.
ટ્રમ્પના જણાવ્યા અનુસાર સમયસર જાણકારી આપવામાં આવી હોત તો હજારો લોકોના જીવ બચાવી શકાયા હોત અને આર્થિક બેહાલી પણ ટાળી શકાઇ હોત. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચીન પર આંધળો વિશ્વાસ કર્યો અને ચીની સરકારની નબળી કામગીરીનો પણ બચાવ કર્યો.
વિશ્વ આરોગ્ય સંસ્થાને આર્થિક સહાય બે રીતે મળે છે. પહેવું છે એસેસ્ડ કન્ટ્રીબ્યુશન જેમાં તેના સભ્ય દેશોએ દર વર્ષે અમુક નિશ્ચિત રકમ આપવાની હોય છે. આ ફંડ દેશની અર્થવ્યવસ્થા અને વસતીના આંકડાને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. એસેસ્ડ કન્ટ્રીબ્યુશન દ્વારા જ વિશ્વ આરોગ્ય સંસ્થાને સૌથી વધારે ફંડિંગ મળે છે. બીજું છે વોલન્ટરી કન્ટ્રીબ્યુશન જેમાં કોઇ દેશ કે પછી સંસ્થા સ્વૈચ્છિક સહાય આપી શકે છે.
વોલન્ટરી ફંડિંગ અમુક નિશ્ચિત પ્રોગ્રામને અનુલક્ષીને આપવામાં આવતું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા પણ આ રકમનો સૌથી વધારે ઉપયોગ એ કાર્યક્રમ પાછળ કરે છે જેના માટે એ ફંડ આપવામાં આવ્યો હોય છે. દાખલા તરીકે કોરોના વાઇરસની દવા કે વેક્સિન બનાવવા માટે કોઇ દેશ કે સંસ્થા તરફથી ફંડ મળ્યો હોય તો સંસ્થાએ એનો ખર્ચ માત્ર કોરોનાની સારવાર શોધવા પાછળ જ કરવો પડે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને બંને પ્રકારના ફંડિંગ સૌથી વધારે અમેરિકા તરફથી જ મળે છે. એક અંદાજ અનુસાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એસેસ્ડ કન્ટ્રીબ્યુશનનો ૨૨ ટકા જેટલો હિસ્સો અમેરિકા એકલું આપે છે. એનાથી જ અંદાજ આવી શકે છે કે જો અમેરિકાના વિશ્વ આરોગ્ય સંસ્થા સાથના સંબંધો તોડી નાખવાની સંસ્થાને આર્થિક રીતે કેટલું મોટું નુકસાન જશે.
જાન્યુઆરીમાં જ્યારે કોરોના વાઇરસે ચીનમાં તબાહી મચાવવાની શરૂઆત કરી ત્યારે આ સંસ્થાએ દાવો કર્યો હતો કે ચીનની શરૂઆતની તપાસમાં એવા સંકેત નથી મળ્યા કે કોરોના વાઇરસ માણસોમાંથી માણસોમાં ફેલાય છે. એ વખતે પણ ટ્રમ્પ તેમજ બીજા અનેક લોકોએ ઉર્લ્લં પર સવાલ ઉઠાવીને આરોપ મૂક્યાં હતાં કે સંગઠન આંખો બંધ કરીને ચીનના દાવાઓ પર ભરોસો કરે છે.
કોરોના કાબુ બહાર જતાં ઉર્લ્લંએ નિવેદન આપતા કહ્યું કે વુહાનમાં કોરોના વાઇરસના માણસમાંથી માણસમાં ફેલાવાના મામલા સામે આવ્યાં છે. કોરોના કાબુ બહાર નીકળી જતાં જાન્યુઆરીના અંતમાં ઉર્લ્લંએ કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઉપર બીજો આરોપ એ પણ છે કે ચીનના દબાણમાં આવીને કે પછી ચીન સાથે મીલીભગત કરીને સંસ્થાએ તાઇવાને કોરોના સામે લડવા માટે આપેલી જાણકારીને નજરઅંદાજ કરી. ઉલ્લેખનીય છે કે ચીન તાઇવાનને પોતાનો જ હિસ્સો ગણાવે છે અને તાઇવાન પોતાને સ્વતંત્ર દેશ ગણાવે છે. એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં પણ તે સામેલ નથી અને ચીન સતત એવા પ્રયાસમાં રહે છે કે તાઇવાનને કોઇ વૈશ્વિક સંગઠનનો હિસ્સો ન બનવા દેવાય.
ચીનમાં કોરોના ફેલાયો ત્યારે એવી આશંકા હતી કે તાઇવાનની પરિસ્થિતિ પણ વકરશે પરંતુ તાઇવાને યુદ્ધના ધોરણે પગલાં લઇને કોરોનાને પગ પસારવા જ ન દીધાં. તાઇવાને કોરોના સામે લડવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થાને જણાવ્યાં અને રહ્યું છે અને દુનિયાને મદદ કરવા માટે તૈયારી પણ બતાવી હતી. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તાઇવાનના મોડલને અવગણ્યું. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ એડહનોમને ચીન સાથે નિકટતા હોવાના આક્ષેપો થતા રહ્યાં છે અને હવે ઉર્લ્લંના પ્રમુખની ચીન સાથેની નિકટતા જ સંસ્થાને ભારે પડી રહી છે.
જોકે ઘણાં જાણકારોનું માનવું છે કે ચીન અને વિશ્વ આરોગ્ય સંસ્થા પર આરોપ મૂકીને ટ્રમ્પ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યાં છે. વૈશ્વિક મહાસત્તા હોવાના નાતે અમેરિકા પર કોરોના સામેની લડતનું પ્રતિનિધિત્ત્વ લેવાની જવાબદારી હતી પરંતુ અમેરિકામાં એમાં નિષ્ફળ રહ્યું. કોરોના વાઇરસથી દુનિયાને બચાવવાનું તો દૂર, ખુદ અમેરિકા આ મહામારીનો સૌથી મોટો ભોગ બન્યું. હવે દુનિયાનું અને અમેરિકાની પ્રજાનું ધ્યાન ભટકાવવા માટે ટ્રમ્પ પ્રશાસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને બલિનો બકરો બનાવ્યો છે.
જાણકારોના મતે વિશ્વ આરોગ્ય સંસ્થાને અમેરિકા તરફથી સૌથી વધારે આર્થિક મદદ મળે છે એવામાં અમેરિકાના વલણથી સંસ્થાની કામગીરી જરૂર અવરોધાશે. જોકે વિશ્લેષકોનું કહેવું છે કે અમેરિકાએ ઉર્લ્લં પર જે આરોપ મૂક્યા છે એ સાવ પાયાવિહોણા નથી કારણ કે ચીને કોરોના વાઇરસના સંક્રમણને લગતી ઘણી જાણકારી દુનિયાથી છુપાવી રાખી જેના કારણે કોરોના સામે લડત નબળી પડી ગઇ. ચીનની વાતો પર વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વાસ મૂકીને જે ભૂલ કરી એનું ફળ આખી દુનિયા ભોગવી રહી છે. એટલા માટે દુનિયાભરના દેશોમાં ચીન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સામે નારાજગી છે.
થોડા દિવસ પહેલાં વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં પણ તમામ દેશોએ એક સૂરે કોરોના વાઇરસના ફેલાવામાં વિશ્વ આરોગ્ય સંસ્થાની સંદિગ્ધ ભૂમિકા તપાસવા અંગે માંગ કરી હતી.
જોકે ટ્રમ્પના ઉર્લ્લંને આર્થિક સહાય અટકાવવાના નિર્ણય પાછળ તેમની પોતાની બેદરકારી છે જે તેમણે કોરોના સામેની લડાઇમાં શરૂઆતમાં દર્શાવી અને હવે એ પોતાની ભૂલ છુપાવવા માટે ચીન પર આરોપ મૂકવાની રણનીતિ અપનાવી રહ્યાં છે. આ વર્ષના અંતે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીમાં હારથી બચવા માટે ટ્રમ્પ પોતાની ભૂલો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માથે ઢોળવા માંગે છે.
ચીને કોરોના વાઇરસને લગતા સાચા આંકડા છુપાવ્યા અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ મહામારીને આંકવામાં ભૂલ કરી હોય તો પણ અમેરિકાએ જે સંજોગોમાં વિશ્વ આરોગ્ય સંસ્થા સાથેના સંબંધો તોડી નાખ્યાં છે એના કારણે વિશ્વની સાથે સાથે ખુદ અમેરિકાની પણ કોરોના સામે લડવાની ક્ષમતા ઘટી જશે.
Comments
Post a Comment