ભારત-ચીન વચ્ચે બહુ મોટી તકરાર, મોદી મૂડમાં નથી : ટ્રમ્પ


- અમે અમારા વિવાદનો નિકાલ જાતે જ લાવવા સક્ષમ છીએ : ભારત બાદ ચીને પણ ટ્રમ્પની મધ્યસ્થીને ઠુકરાવી

- દવા વિવાદ સમયે ધમકીઓ આપનારા ટ્રમ્પે ફરી મોદીના વખાણ કરી પરમ મિત્ર સજ્જન વ્યક્તિ કહ્યા

વોશિંગ્ટન, તા. 29 મે 2020, શુક્રવાર


અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત ભારત અને ચીન વિવાદમાં મધ્યસ્થી કરવાની વાત કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે મે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ફોન પર વાતચીત કરી હતી. ભારત અને ચીન બન્ને વચ્ચે જે વર્તમાન સ્થિતિ છે તેને લઇને તેઓ સારા મૂડમાં નથી. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન જ્યારે ભારત અને ચીન વચ્ચેના વિવાદ અંગે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે આ નિવેદન કર્યું હતું. તેણે ફરી એક વખત કહ્યું હતું કે જો ભારત અને ચીન ઇચ્છે તો અમેરિકા દરમિયાનગીરી કરવા માટે તૈયાર છે.

ટ્રમ્પે સાથે મોદીના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે હાલ બહુ મોટી તકરાર ચાલી રહી છે. ભારતીયો મને પસંદ કરે છે. મને અમેરિકામાં મીડિયા જેટલુ પસંદ કરે છે તેના કરતા ભારતમાં લોકો વધુ પસંદ કરે છે. હું મોદીને બહુ પસંદ કરું છું, તમારા વડા પ્રધાન મને બહુ પસંદ છે. તેઓ એક મહાન જેન્ટલમેન છે. વર્તમાન સમયમાં જે કઇ ભારત અને ચીન સરહદે થઇ રહ્યું છે તેનાથી મોદી ખુશ નથી, તેઓ સારા મૂડમાં નથી. ભારત કે ચીન બન્ને પણ ખુશ નથી. 

ટ્રમ્પે કહ્યંુ હતું કે જો મદદ માગવામાં આવે તો હું તૈયાર છું, જોકે ભારત અને ચીન બન્નેએ અમેરિકાની દરમિયાનગીરીને નકારી દીધી હતી. ભારતે કહ્યું હતું કે અમે ચીન સાથે વાતચીત કરી રહ્યા છીએ અને બહુ જ શાંતિપૂર્વક સમગ્ર મામલાનો નિકાલ આવી જશે. સરહદે ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં બન્ને બાજુથી આશરે ૧૦૦ જેટલા જવાનો ઘાયલ થયા હતા. પાંચમી મેના રોજ ચીની સૈનિકોએ ઘર્ષણ શરૂ કર્યું હતું, બાદમાં બન્ને દેશના સૈનિકો લાઠીઓ, સળિયા, પથ્થર વડે એકબીજા પર હુમલા કરવા લાગ્યા હતા. ભારત ઉપરાંત ચીને પણ અમેરિકાની મધ્યસ્થીની ઓફરને ઠુકરાવી દીધી હતી. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે ચીન અને ભારત બન્ને જે પણ વિવાદો ચાલી રહ્યા છે તેનું વાતચીતથી નિરાકરણ લાવવા માટે સક્ષમ છે. ભારતે પણ અમેરિકાને આ જ જવાબ આપ્યો હતો.   

મને અમેરિકી મીડિયા પસંદ નથી કરતું તેનાથી વધુ ભારતીયો કરે છે : ટ્રમ્પ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફરી વખાણ કર્યા હતા. ટ્રમ્પે ગુરુવારે વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથે વાતચીતમાં મોદીના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે પીએમ મોદી મને પસંદ છે. તેઓ અત્યંત સજ્જન વ્યક્તિ છે. તેઓ સારુ કામ કરી રહ્યા છે. ટ્રમ્પે અમેરિકી મીડિયાની ટીકા પણ કરી હતી અને ભારતના વખાણ કર્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે જેટલુ અમેરિકી મીડિયા મને પસંદ નથી કરતું તેનાથી વધુ પસંદ ભારતીય લોકો કરે છે. 

નોંધનીય છે કે મોદી અને ટ્રમ્પ વચ્ચે અગાઉ દવાના વિવાદને લઇને વાતચીત થઇ હતી. ત્યારે ટ્રમ્પે ભારતને દવા મોકલવાની ધમકી આપી હતી. અને હવે તેઓ વખાણ કરવા લાગ્યા છે. ટ્રમ્પે કોરોના મહામારી વચ્ચે ભારતને વેન્ટિલેટર વેચવાની વાત પણ કરી હતી. 

Comments

Popular posts from this blog

આઇન્સ્ટાઇનઃ દાર્શનિક વિજ્ઞાાની

આસામનાં CMની મહત્વની ઘોષણા, બે થી વધુ બાળકો થયા તો સરકારી યોજનાનો લાભ નહીં મળે

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો