ડ્રગ ડિપ્લોમસી : દવા દ્વારા દુઆ મેળવતી ભારતની વિદેશનીતિ !


- કોરોના સામેની લડતમાં મોટા ભાગના દેશો પોતાની પળોજણમાં પડયા છે, ત્યારે ભારતે અનેક દેશોને દવા નિકાસ કરી છે

ભારતે કુલ ૫૫ દેશોને આ દવા આપી, કેટલાક દેશોને વિનામૂલ્યે આપી તો કેટલાક દેશોને વેચાતી આપી.. એટલે ભારતની 'ધ ફાર્મસી ઑફ ધ વર્લ્ડ' એવી છાપ પડી!

અગાઉ ક્યારે ઓળખાઈ ન હતી એ દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિન અત્યારે ચર્ચાસ્પદ બની છે અને અંગ્રેજીમાં અઢાર અક્ષર ધરાવતી દવા અંગે લોકો ગૂગલમાં સર્ચ કરતા થયા છે. એટલે એપ્રિલ મહિના સુધીમાં તો આ દવા અંગે ગૂગલ સર્ચનું પ્રમાણ સાડા બાર હજાર ટકા વધી ગયું હતું. કારણ કે કોરોનાની સારવારમાં આ દવા ઉપયોગી હોવાના અહેવાલ છે. અલબત્ત, ઉપયોગી છે, પરંતુ માથાની ગોળી કોઈને પૂછ્યા વગર લઈ શકાય એ રીતે આ દવા લઈ શકાય એમ નથી. ઉપયોગી છે, પણ સામાન્ય લોકો માટે નહીં, કોરોનાની સારવાર કરી રહેલી તબીબી આલમ માટે. ટ્રમ્પે કહ્યું કે કોરોના માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિન ઉપયોગી દવા છે, ત્યારથી લોકો અને ખાસ તો અમેરિકનો દવા ખરીદવા માંડયા છે.

કોરોનાના કિસ્સામાં આ દવા ઉપયોગી કેટલી, ઘાતક કેટલી એ સંશોધનનો વિષય છે. પરંતુ આ દવા ભારતની વિદેશનીતિ સુધારવામાં અત્યારે તો ઉપયોગી સાબિત થઈ રહી છે. 

કેમ કે જે દેશોને જરૂર પડી એ દેશોને ભારતે આ દવાનો સ્ટોક મોકલ્યો છે. એ પણ એવા સમયે જ્યારે અન્ય દેશો પોતાની દવાની નિકાસ બંધ કરીને બેઠા છે. 

ડ્રગ ડિપ્લોમસીની શરૂઆત અમેરિકાથી થઈ. ટ્રમ્પે જ જાહેર કર્યું કે આ દવા ઉપયોગી છે. પછી અમેરિકાના ભંડાર તપાસ્યા તો ખબર પડી કે દવા તો છે નહીં. એટલે ક્યાંથી મળશે એ ખાંખાખોળાં કર્યાં. એમાં ખબર પડી કે દવા તો ભારતમાંથી આવે છે. ભારતે ત્યારે મેડિકલ ચીજોની નિકાસ અટકાવી રાખી હતી. એ પછી ભારતની સક્ષમ ગણાતી સરકારને ટ્રમ્પે ધમકાવી અને સરકારે દવાનો જથ્થો પણ અમેરિકાને મોકલી આપ્યો. ટ્રમ્પે તુરંત આભાર માન્યો કે ભારતે મુશ્કેલ સમયમાં મદદ કરી એ અમેરિકા કાયમ યાદ રાખશે. એ યાદ રાખે કે ન રાખે, પરંતુ દુનિયાના અન્ય દેશો એ યાદ રાખ્યું કે આ દવા ક્યાંયથી મળે ન મળે ભારતમાંથી મળશે.

એક પછી એક દેશો ભારતનો સંપર્ક કરવા લાગ્યા. અમેરિકા પછી બીજો મોટો દેશ બ્રિટન હતો. બ્રિટન પણ કોરોનાથી ત્રસ્ત છે અને સંભવિત: સારવાર માટે ઉપયોગી ગણાતી આ દવાનો સ્ટોક તેની પાસે ન હતો. ભારતે બ્રિટનને એવા સમયે મદદ કરી જ્યારે ખુદ તેના વડા પ્રધાન જ સારવાર હેઠળ હતા. એ સમયે મળેલી મદદનું સ્વાભાવિક રીતે વિશેષ મહત્ત્વ હોય. એટલે જેવો દવાનો જથ્થો બ્રિટનમાં ઉતર્યો એ સાથે જ ત્યાંના વિદેશ મંત્રીએ ભારતનો આભાર માન્યો. અને એ રીતે તો પછી એક પછી એક દેશ તરફથી આભારવિધિ આવતી રહી.

ભારત મોકલી શક્યું કારણ કે જરૂર કરતાં ક્યાંય વધારે જથ્થો હતો. ભારતને જરૂર હતી ૧ કરોડ ટેબલેટની, જથ્થો હતો સવા ત્રણ કરોડ ટેબલેટનો. એટલે જે દેશોને અમુક લાખ ગોળીઓ જોઈતી હોય તેને ભારત આસાનીથી આપી શકે એમ હતો. એટલે આપી પણ ખરાં. કોરોના ન હોય એવા સંજોગોમાં પણ ભારત આ દવાનો જગતનો સૌથી મોટો ઉત્પાદક છે. ભારત વર્ષે સરેરાશ ૫ કરોડ ડૉલરની કિંમતની આ દવા નિકાસ કરે છે. 

અમેરિકાને ૪૮ લાખ ટેબલેટ મોકલાવી, બ્રાઝિલ-કેનેડા-જર્મની એ ત્રણેય દેશોને ૫૦-૫૦ લાખ ટેબલેટની જરૂર હતી. બાંગ્લાદેશને ૨૦ લાખ, નેપાળને ૧૦ લાખ, ભુતાનને ૨ લાખ, શ્રીલંકાને ૧૦ લાખ, અફઘાનિસ્તાનને ૫ લાખ, માલદિવ્સને ૨ લાખ ગોળી મોકલી દીધી અથવા મોકલવા તૈયારી કરી. યુનાઈટેડ આરબ અમિરાતે માંગી એટલે ત્યાં પણ ૫૫ લાખ ટેબલેટ મોકલી આપી. 

ભારતે કુલ ૫૫ દેશોનું લિસ્ટ તૈયાર કર્યું, જેને દવા માંગી અને ભારતે આપી દીધી. અલબત્ત, અમુક દેશોમાં હજુ જથ્થો ન પહોંચ્યો હોય કેમ કે ક્રમશ: સ્ટોક એક પછી  એક દેશોમાં મોકલાઈ રહ્યો છે. પરંતુ ૫૫ દેશો એટલે કે દુનિયાના ૨૫ ટકાથી વધુ દેશોને ભારતે દવા આપી છે. એ દેશો ભવિષ્યમાં ભારતની આ મદદ યાદ રાખશે અને તેનો લાભ ભારતની વિદેશનીતિ વિસ્તારમાં થશે. 

મદદમાં પણ ભારતે બે ભાગ પાડયા હતા. એક ભાગમાં ભારતે માનવતાના ધોરણે મદદ કરી. એટલે ઘણા દેશો એવા છે, જેમની આર્થિક સ્થિતિ નબળી છે. તેમને ભારતે વિનામુલ્યે દવા આપી.

 બીજા દેશો એવા જે આર્થિક રીતે સક્ષમ હતા, એટલે ભારતે તેમને વેચાતી આપી. જેમને વિનામૂલ્યે આપી એ દેશોમાં આફ્રિકા ખંડના અને દક્ષિણ અમેરિકા ખંડના દેશોનો સમાવેશ થાય છે. ભારતની આ મદદને કારણે ભારતની વૈશ્વિક સ્તરે 'ધ ફાર્મસી ઑફ ધ વર્લ્ડ (દુનિયાભરની દવાની દુકાન)' એવી છાપ પણ પડી. 

ચીન પાસે કોરોના સામે લડી શકાય એવા પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ (પીપીઈ) કિટનો મોટો જથ્થો છે અને ઉત્પાદન કરવાની ક્ષમતા પણ છે. ચીન વેન્ટિલેટર પણ મોટી સંખ્યામાં ઉત્પાદિત કરી રહ્યું છે. પરંતુ ચીને કિટ વિવિધ દેશોને મોકલી અને અનેક દેશોએ એ કિટની ગુણવત્તા નબળી હોવાની ફરિયાદ કરી પાછી મોકલી. ભારત પણ ચીની સામગ્રી પરત મોકલી રહ્યું છે. એટલે ચીન આ મામલામાં વિશ્વાસપાત્ર નથી. જ્યારે ભારતે મોકલેલી સામગ્રીમાં કોઈ ગરબડ સામે આવી નથી, કેમ કે ભારતની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પ્રોફેશનલ ધોરણે દવાનું ઉત્પાદન કરી રહી છે. 

વળી આ નિર્ણયનો લાભ ફાર્મા કંપનીઓને પણ થયો. કેમ કે લૉકડાઉન દરમિયાન જ્યારે મોટા ભાગના ઉદ્યોગો બંધ રહ્યા ત્યારે આ દવા ઉત્પાદકોને સતત ઑર્ડર મળતાં રહ્યાં. ભારતનો ફાર્મા ઉદ્યોગ જગતમાં ત્રીજા નંબરે છે અને જથ્થાની બાબતમાં ભારત દુનિયાનો દસમો મોટો ઉત્પાદક છે.  ભારતનો દવા-ડ્રગ-મેડિકલ ઇક્વિપમેન્ટ ઉદ્યોગ અંદાજે ૩ હજાર અબજ કરતા પણ મોટો છે.

હવે સવાલ એ છે કે આ દવા કોરોનાની સારવારમાં ઉપયોગી છે કે નહીં? એનો જવાબ છે હા અને ના. ઉપયોગી છે, પરંતુ દરેક દરદીને નહીં. આ દવા મૂળભૂત રીતે મલેરિયાની સારવાર માટે તૈયાર થઈ હતી. તેમાં પણ હવે તેનો વ્યાપક ઉપયોગ થતો નથી. પરંતુ ટ્રમ્પ ઉપરાંત  ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે (આઈસીએમઆર) રિપોર્ટ આપ્યો કે આ દવા ઉપયોગી છે. એટલે ઘણા લોકો ડૉક્ટરની રાહ જોયા વગર આ દવા લઈ લેવા લાગ્યા હતા. પછી તો સરકારે ચેતવણી આપી, એટલે હવે તેના વપરાશ પર બ્રેક લાગી છે.

પણ હકીકત એ છે કે યોગ્ય તપાસ અને ડૉક્ટરની સલાહ વગર આ દવા લેવી જોખમી અને અમુક કેસમાં જીવલેણ સાબિત થઈ શકે એમ છે. કેમ કે આ દવા એન્ટિ-મલેરિયા પ્રકારની છે. આ દવાની અનેક સાઈડ ઈફેક્ટ છે, માટે નિષ્ણાત ડોક્ટરો પણ સામાન્ય કિસ્સામાં આવી દવા આપતા નથી. હાઈડ્રો લેવાથી માથાનો દુ:ખાવો, માનસિક તાણ, ચામડી ખેંચાવી, મૂડમાં પરિવર્તન થઈ જવું, સ્વભાવ ચિડિયો થવો, સ્નાયુ ઢીલા પડવા, નાકમાંથી લોહી નીકળવું, આંખે ઓછુ દેખાવુ.. સહિતની ડઝનબંધ સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. પરંતુ સૌથી ગંભીર વાત એ છે કે તેનો ઓવરડોઝ હાર્ટને ફેઈલ કરી શકે છેે. આ દવા એન્ટિ વાઈરલ હોવા અંગે પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે. માટે કોરોના જેવા વારસને ઝેર કરવા આ દવા કામ લાગી જ શકે એવુ ખાતરીપૂર્વક કોઈ કહી શકતું નથી. 

તબીબોએ અગાઉ વાઈરલ બિમારીઓ જેવી કે ઇબોલા, ઈન્ફ્લુએન્ઝા અને ડેન્ગ્યુના કિસ્સામાં આ દવાનો પ્રયોગ કરી જોયો છે. તેમાં ખાસ સફળતા મળી નથી. જે આરોગ્ય સંસ્થાઓએ આ દવા લેવાની સલાહ આપી છે એ મર્યાદિત કિસ્સામાં અને ખાસ પ્રકારના લક્ષણ ધરાવતા દરદી માટે છે. 

અલબત્ત, કોરોનાની સારવાર માટે દવા કામ આવે ન આવે, ભારતને દુવા મેળવવા માટે અને વિદેશી સબંધોની તબિયત સુધારવામાં જરૂર કામ આવી રહી છે.

ભારતે ક્યા ક્યા દેશને હાઈડ્રોક્સિક્લોરોક્વિન આપી?

અમેરિકા, અફઘાનિસ્તાન, અલ્જિરિયા, બહામાસ, બોલિવિયા, ભુતાન, બાંગ્લાદેશ, ગુયાના, નેપાળ, માલદિવ્સ, મોરેશિયસ, શેસલ્સ, શ્રીલંકા, ડોમિનિક રિપબ્લિક, માડાગાસ્કર, મ્યાનમાર, ઝામ્બિયા, યુગાન્ડા, બુર્કિનો ફાસો, નાઈજર, માલિ, કોંગો, ઈજિપ્ત, આર્મેનિયા, કઝાખસ્તાન, ઈક્વેડોર, જમૈકા, માર્શલ ટાપુ, સીરિયા, યુક્રેન, ઈસ્વાતિની, ચાડ, સેનેગલ, સિએરા લિઓન, સેનેગલ, ઝિમ્બાબ્વે, ફ્રાન્સ, જોર્ડન, કેન્યા, નેધરલેન્ડ, નાઈજિરિયા, ઓમાન, પેરુ, ફિલિપાઈન્સ, રશિયા, સ્લોવેનિયા, દક્ષિણ આફ્રિકા, ટાન્ઝાનિયા, યુ.એ.ઈ., ઉઝબેકિસ્તાન, ઉરુગ્વે, કોલંબિયા, યુનાઈટેડ કિંગડમ.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો