ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ જિન્દા હૈ


ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન છેલ્લા કેટલાક સમયથી રહસ્યનો પડદો ઓઢીને છુપાઈ ગયા છે. એના વિશે દુનિયામાં અનેક પ્રકારની અટકળો ચાલે છે. પરંતુ હકીકત કોઈ જાણતું નથી. ગઈકાલે ચીને પોતાના ટોચના તબીબોની એક ટુકડી એના આ મિત્રદેશ ઉત્તર કોરિયા મોકલી એના પરથી એ વાતને સમર્થન મળ્યું છે કે કિમ જોંગની તબિયત ખરેખર ગંભીર તબક્કામાં છે. અગાઉ પણ સોશિયલ મીડિયામાં તો સમાચાર વહેતા થયા હતા કે કિમ જોંગને મગજનું ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેનો મસ્તિષ્ક હજુ બરાબર રિસ્પોન્સ ન આપતું હોવાને કારણે એની સ્થિતિ કોમા જેવી છે. ઉત્તર કોરિયાના કટ્ટર શત્રુ તરીકે દક્ષિણ કોરિયા આ બધાં વૃત્તાંત વહેતા કરે છે અને એના નિવૃત્ત સૈન્ય અધિકારીઓના બ્લોગ પર આ બધી માહિતી તરતી રહે છે. કિમ જોંગ એક ખતરનાક શાસક છે અને સમગ્ર ઉત્તર કોરિયાનું વૈચારિક ઘડતર મૂળભૂત રીતે તો જૂના સંયુક્ત રશિયાના હાથે થયેલું છે એટલે સમગ્ર દેશ અમેરિકા પ્રત્યે શત્રુતાથી ભરેલો છે. રશિયાએ આપેલા રહસ્યના ઘડા પર ચીને કાંઠો ચડાવેલો છે એટલે એને બહારની દુનિયા ભાગ્યે જ જાણી શકે છે. 

ચીનની જેમ જ ઉત્તર કોરિયા દુષ્પ્રચારમાં અને સત્ય છુપાવવામાં એક્કો છે. ચીન સાથે ૧૪૦૦ કિલોમીટરથી વધુ લાંબી સરહદ ધરાવતા ઉત્તર કોરિયામાં કોરોનાએ હાહાકાર મચાવેલો છે, પરંતુ હજુ સુધી એની કોઈ વિગત જાહેર થઈ નથી. ચીનને રાજી રાખવા કિમ જોંગ સાજા હતા ત્યારે જ એણે કોરોના સંબંધિત માહિતી પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરી દીધો હતો. ઉત્તર કોરિયાનું અર્થતંત્ર પૂર્ણત: ચીનની ગુલામીમાં ફસાયેલું છે. જે કામ આજે ચીન, અન્ય એશિયન દેશોમાં કરી રહ્યું છે એ કામ વરસો પહેલા ઉત્તર કોરિયામાં કરીને ચીનાઓએ આ કોરિયન પ્રજાને પંગુ બનાવી દીધી છે. દુનિયામાં ચીની ઉત્પાદનોનો સૌથી મોટો ઉકરડો એટલે ઉત્તર કોરિયા. દુનિયાના કેટલાક દેશો કે જે નિરંતર અમેરિકાને ધમકી આપતા રહે છે અને અમેરિકા ખુદ પણ આ બધા દેશોના અર્ધપાગલ જેવા વડાઓથી ડરતું રહે છે, એવા દેશોની યાદીમાં પહેલી હરોળમાં ઉત્તર કોરિયા છે. કિમ જોંગની ઉંમર બહુ વધારે નથી. એ લગભગ પાંત્રીસ વર્ષનો જાડિયો નવજુવાન છે. 

પરંતુ જિંદગીના ઘણા બધા વર્ષો એણે સંરક્ષણ ક્ષેત્રના સંશોધનમાં વિતાવેલા છે. એ સખત પરિશ્રમી છે અને બધી જ બાબતોમાં શ્રેતાનો દુરાગ્રહી છે. અસ્ત્ર-શસ્ત્ર પર એનો ગહન અભ્યાસ છે અને સૈન્ય પર સંપૂર્ણ કમાન્ડ પણ છે. યુદ્ધની વ્યૂહરચનાનો તે એક નિષ્ણાત છે. દુનિયામાં જેને ટોપ ટેન કમાન્ડર કહેવાય, એમાં એક જમાનામાં સદ્દામ હુસૈનનું નામ પણ હતું, એમાં કિમ જોંગ ઉનનો પણ સમાવેશ છે. ઉત્તર કોરિયાની જાસૂસીની પ્રવૃત્તિઓ પણ જાણીતી છે. આજ સુધીમાં અમેરિકામાં દસથી વધારે કન્યાઓ એવી ઝડપાઈ છે જે વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલી હતી અને અમેરિકામાં રહીને ઉત્તર કોરિયા વતી જાસૂસી કરતી હતી. ઉત્તર કોરિયાનું જાસૂસી તંત્ર કન્યાઓના ઉપયોગ અને ઉપભોગથી છલોછલ છે. કિમ જોંગ પછી જેના હાથમાં સત્તાવાર રીતે સુકાન આવવાનું છે તે કિમ યો તેના ભાઈ જોંગ કરતા પણ વધુ ખતરનાક હોવાની શક્યતા છે. આજ સુધીના એના નિર્ણયો અને પરાક્રમો એના એવા હોવાનો સંકેત આપે જ છે. 

કિમ જોંગથી ચારેક વરસ નાની ઉંમરની એની સગી બહેન કિમ યો છે. એનું વ્યક્તિત્વ મોહક છે અને બુદ્ધિ પ્રભાવક છે. કિમ યો આંતરરાષ્ટ્રીય તખ્તા પર જાણીતી છે. કિમ જોંગ ઉને પોતાના પાડોશી શત્રુ દક્ષિણ કોરિયા સાથે અને પછી અમેરિકા સાથે પણ એકાએક જે કૂણું વલણ અખત્યાર કર્યું હતું તેના મૂળમાં આ કિમ યોની દ્રષ્ટિ રહેલી છે. કિમ જોંગ ઉન છેલ્લા ઘણા સમયથી પોતાની તમામ મહત્ત્વની બેઠકોમાં અને તમામ વ્યૂહાત્મક નિર્ણયોમાં એની નાની બહેનને સાથે રાખે છે. કિમ યો જ ઉત્તર કોરિયાની ભાવિ શાસક છે કારણ કે કિમ જોંગના સંતાનો હજુ કિશોરાવસ્થામાં છે. આજકાલ ઉત્તર કોરિયાનું શાસન પણ અવિધિસર રીતે તો કિમ યોના જ હાથમાં છે. ઉત્તર કોરિયાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે અમેરિકાએ પોતાના જાસૂસી ઉપગ્રહો ઉત્તર કોરિયા ઉપરના આકાશમાં સ્થિર કરી દીધા છે, પરંતુ એનાથી અમેરિકાના જ્ઞાનમાં કોઈ અભિવૃદ્ધિ થઈ નથી. 

માત્ર એટલી ખબર પડી કે પાટનગરમાં એક વિશાળ હોસ્પિટલનું નિર્માણ ચાલે છે. ઉત્તર કોરિયા પાસે વિનાશક શસ્ત્રો છે અને અમેરિકા સાથે યુદ્ધ થાય તો પ્રારંભિક તબક્કામાં જ અમેરિકાનો વિનાશ કરવા માટેનું સામર્થ્ય છે. અને એ વિશે કિમ જોંગ વારંવાર ધમકી ઉચ્ચારી ચૂકયા છે. ઉત્તર કોરિયાની પ્રજા ઘણા લાંબા સમયથી આ ક્ર શાસક કિમ જોંગના પંજામાંથી છટકવા ચાહે છે. લગભગ દર વરસે કોઈ ને કોઈ નવા આંદોલનો ત્યાં જન્મ લે છે, પરંતુ કિમ જોંગનું પરિવાર એ આંદોલનને લશ્કરની એડી તળે કચડી નાંખે છે. ઉત્તર કોરિયામાં કિમ જોંગને સન્માન આપવું ફરજિયાત છે. દરેક ઘરમાં એનો ફોટો ફરજિયાત છે. પ્રજા એની નિત્ય પૂજા કરે છે. દુનિયા આખી જ્યારે કોરોના સામે લડી રહી છે, ત્યારે ઉત્તર કોરિયામાં સત્તાધીશના પલટાનો તખ્તો ગોઠવાયો છે. જેને કોઈ પણ રીતે સત્તાપલટો ન કહી શકાય, કારણ કે શાસન તો કિમ જોંગ ઉનના પરિવાર પાસે જ રહેવાનું છે.

Comments

Popular posts from this blog

LIC Listing - તમામ રોકાણકારોને નુકશાન

જગખ્યાત જગદીપ .

નવતર કોરોના વાઇરસ જગતભરમાં ચિંતાનો વિષય બન્યો